મે મહિનાની ખાટીમીઠી

– હવે, બિમારીનો અંત અને સ્વસ્થ બનવાની શરૂઆત છે; પણ મારી બેટરી હજુ ઉતરેલી જણાય છે. (રિચાર્જ માટે દવાઓ ચાલું રાખવાની છે.)

ખોવાયેલા ફોનનું સિમકાર્ડ અઠવાડીયા પછી નવું બન્યું. (થેંક્સ ટુ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર!…પહેલા ૨ કલાક કહ્યા અને પછી ૪-૫ દિવસ ‘સિસ્ટમ પ્રોબ્લેમ‘ કહીને કાઢ્યા.)

– ઘરે નવરા હોવાથી દેખવાની બાકી એવી ઘણી સરસ ફિલ્મને જોઇ કાઢી અને સાથે-સાથે મજબુરીના કારણે ઘરમાં નિયમિત ચાલતી ઘણી ડેઇલી-સિરિયલ પણ જોવાઇ ગઇ… 😨

# મજબુરીમાં નોંધાયેલી કેટલીક માહિતીઓ…

  • ખબર પડી કે ‘સાસ બિના સસુરાલ’માં ઇમ્પોર્ટેડ સાસુઓ આવીને બબાલ કરી જાય છે. (ઇનશોર્ટ ટીવી સિરિયલમાં ‘સાસુ’ એક બબાલ-પ્રિય પ્રાણી હોય છે.)
  • કુછ તો લોગ કહેંગે‘માં આસુતોષનો એક્ટર બદલાઇ ગયો છે; તો હવે નીધિ સાથે તેને જોવાની મજા નથી આવતી. (પણ છેવટે બન્ને ઠેકાણે પડયા એ ઠીક થયું.)
  • પરવરિશ‘માંથી કોઇ ખાસ પરવરિશ શીખવા જેવી નથી. (બાળકો તેમાંથી ચોક્કસ શીખશે કે તેમણે કેવા નખરાં કરવા જોઇએ.)
  • યે રિસ્તા કયા……“માં અક્ષરા હજુયે રોતી જ દેખાય છે. (કદાચ…. તેને એ જ કરવાના સારા પૈસા મળતા હશે.)
  • ગોપીવહુ હજુ બુધ્ધુ જેવી જ છે… અને ‘ઉતરન’નો મુળ કોન્સેપ્ટ કયાંય ખોવાઇ ગયો છે અને કથા કયાંક આડીઅવળી રીતે આગળ વધી ગઇ છે..
  • બડે અચ્છે લગતે હૈ‘ની સ્ટોરી રામ-પ્રિયા કપુરથી હટીને સાઇડ એકટરની લાઇફમાં વધારે તન્મય જણાય છે. (આ ટીવી સિરિયલમાં સ્ત્રી પાત્રો ન હોત તો તે આગળ કેમ વધતી હોત તે એક વિચારણા માંગી લે તેવો મુદ્દો છે !)
  • બાલિકા વધુ‘ની આનંદી મોટી થઇ ગઇ છે પણ સિરિયલ છે કે હજુ ખતમ થવાનુ નામ જ નથી લેતી…।

અને બીજુ આવું-જેવુ-તેવુ-ઘણું-બધુ વગેરે વગેરે વગેરે…. (બસ, દરેક વાત અહીયા ઉમેરીને કોઇની ઉપર માનસિક ત્રાસ નથી ગુજારવો.) 😇

– હવે વાતનો મુદ્દો બદલે તો સારું એમ લાગે છે ને….. ઓકે…તો નવી વાત..

– ગરમીની વચ્ચે વરસાદ પણ અચાનક આવીને હાજરી પુરાવી ગયો. કોઇ વ્યક્તિ દ્વારા જાણકારી મળી કે તે વરસાદ કુદરતી નહોતો પરંતુ કૃત્રિમ-વરસાદ હતો. વૈજ્ઞાનિકોની એક ટુકડી દ્વારા અત્યારે ગુજરાતમાં તેના પરિક્ષણ કરી રહી છે તેવી માહિતી મળી છે અને રાજકોટમાં થયેલા વરસાદમાં પણ તેમનો જ હાથ હતો તેવા સમાચાર પણ છે. (કંઇક સાચુ કે ખોટું હોઇ શકે પણ જાણકારી આપનાર વ્યક્તિની માહિતી ખોટી હોવાના ચાંસ ઓછા છે છતાંયે સંભાવના નકારી ન શકાય.)

– પેન્ટાલુન-બિગબઝાર વાળા ‘ફ્યુચર ગ્રુપ’ના શ્રી કિશોર બિયાનીનું સુધા મહેતા દ્વારા ગુજરાતી અનુવાદિત પુસ્તક ‘સપનાથી સફળતા‘ ઘણું સરસ છે. (હજુ પુરું વાંચવાનુ બાકી છે પણ રસપ્રદ લાગે છે અને ભાષા પણ એકદમ સરળ છે.)

– આપણાં પુર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ આજકાલ શ્રીમાન દિગ્વિજય સિંહની જેમ ગમે ત્યાં કંઇ પણ કહીને વિવાદ ઉભો કરવા લાગ્યા છે. હમણાં જ્ઞાતિવાદી સમારંભો જોરશોરમાં ચાલી રહ્યા છે જેમાં આપણાં હાલના મુખ્યમંત્રી પણ જોશભેર ભાગ લઇ રહ્યા છે. (લોકો માંડ જ્ઞાતિવાદી રાજકારણથી છુટા પડતા દેખાતા હતા ત્યાં વળી જ્ઞાતિવાદી સમિકરણો ફરી જોડાવા લાગ્યા છે. હે ભગવાન…. કયારે સુધરશે અમારા આ નેતાઓ..)

વિકટ પ્રશ્ન: કાલે કંઇક ‘ખાસ’ છે તેવુ રિમાઇન્ડર અત્યારે મળ્યું; પણ યાદ નથી આવતું કે તે શું હશે!!?…  કેટલીય વારથી એ જ વિચારું છું. 🤯 (રિમાઇન્ડર મુકતી વખતે તેની નોંધ ન ઉમેરવાથી આવી પરિસ્થિતિ ઉદભવે.)


નવા ફોનમાં બધા કોન્ટેક્ટ્સ ઉમેરવામાં થોડો સમય લાગે તેમ છે. ત્યાં સુધી જો કોઇ મને કૉલ કરે તો તેમની ઓળખાણ હું પુછું ત્યારે સવાલ કર્યા વિના આપી દે તો વાંધો ન હોવો જોઇએ ને? બોલો, લોકોને એમાંય ખોટું લાગી આવે છે!

🙏