. . .
– આજે ૩૧, માર્ચ. નાણાંકીય હિસાબી વર્ષનો છેલ્લો દિવસ. (કાલથી ઘણી ધમાલ શાંત થઇ જશે.)
– કેટકેટલાયે કામ યાદ કરી-કરીને પુરા કરવાના અને કરાવવાના. (લોકોને વારંવાર કહીને ચલાવવા પડે..) જાતે કામ કરવા પણ તૈયાર રહેવું પડે..
– અને આજે.. જાતે કામ પુરૂ કરવાની એ જ હોંશિયારીની એક સાહસ-કથા…
– ટોરેન્ટ પાવરનું એક બીલ ત્રણ દિવસ પહેલા જ મળ્યું’તું. ત્યારે ચેક લખી રાખ્યો હતો પણ ટોરેન્ટમાં ભરવાનો ભુલાઇ ગયો. આજે અચાનક યાદ આવ્યું અને કામ જાતે પુરું કરવાનું નક્કી કર્યું.
– સૌ પ્રથમ ટોરેન્ટ પાવરની લોકલ ઑફિસની મુલાકાત. ત્યાં પહોંચતા જ જાણવા મળ્યું કે આજે છેલ્લો દિવસ હોવાથી નારણપુરા જ જવું પડશે. (વિચાર આવ્યો કે માત્ર એક ચેક ભરવા ભરબપોરે નારણપુરાનો ધક્કો કોણ ખાય….પણ..) હાથમાં લીધેલું કામ પુરું કર્યા વગર પરત ફરવું ‘હાર’ જેવું લાગ્યું એટલે છેલ્લે નારણપુરા ઝોનલ ઑફિસ સુધી લાં….બા થવાનું નક્કી કર્યું.
– નારણપુરા ઑફિસ પહોંચ્યો અને છેલ્લા દિવસે બિલ ભરનારની લાંબી લાઇનમાં નંબર લગાવ્યો. ૧૫-૨૦ મિનિટની તપસ્યા પછી મારો નંબર આવ્યો અને જાણવા મળ્યું કે મારું મીટર કનેક્શન શાહપુર ઝોનલ ઑફિસની હદમાં આવે છે અને આજે ૩૧ માર્ચ હોવાથી તે અહી સ્વીકારવામાં નહી આવે. (બહુ ગુસ્સો આવ્યો…. ઽ%#%&^%$*#@~%, આ જ વાત મને પેલા લોકલ ઑફિસવાળાએ જણાવતા શું જતું હતું?) આટલે સુધી પહોંચીને હવે પરત ફરવાનો કોઇ સવાલ જ નહોતો એટલે બીજા વિકલ્પના અભાવે શાહપુર જવા માટે કમને મન મનાવ્યું.
– હવે, શાહપુરની મુલાકાત આ જીંદગીમાં તો કરી નહોતી એટલે કોલંબસની જેમ એક નવા વિસ્તારની શોધમાં નીકળી પડયો પણ ત્યાં સુધી પહોંચવામાં ખરેખર આંટા આવી ગયા. સાંકડા રસ્તાઓમાં એક જગ્યાએ થોડો ભુલો પડયો તો ગાડીને ફેરવવામાં નાની યાદ આવી ગયા. (હેલ્લો નાની.. 😀 ) ગલીઓ-કુંચીઓ ખુંદીને જેમતેમ પહોંચ્યો તો ખરો પણ “પહોંચીને નીરખું તો પાર્કિંગ ન મળે”… હાય રે મેરી કિસ્મત… 🙁 (આખરે.. ગાડીને રોડના કિનારે અને ‘રામ ના ભરોષે’ પાર્ક કરવામાં આવી.)
– બિલ્ડીંગ પ્રવેશ બાદ બીલ ભરવાની વિધી પતાવી ત્યાં તો સામે દિવાલે શોભતું ‘કમ્પલેઇન બોક્ષ’ દેખાણું ! થયેલ હેરાનગતિ બાબતે એક લાંબીલચક ફરિયાદ ઠપકારવાની મને ભારે ઇચ્છા થઇ આવી પણ ભુખ્યા પેટ દ્વારા ઘડીયાળમાં થયેલો સમય બતાવવામાં આવ્યો અને મારી ઇચ્છા વિરૂધ્ધ તેની મજબુરી જતાવી એટલે પેલી ભારે ઇચ્છાનું ઠંડા કલેજે ખુન કરવું પડયું… (નોંધ- હું કોઇ ખુની નથી) અને ફાઇનલી ‘કામ પુરું થયું’ તેની વિજયી મુદ્રામાં ગાડીના ટાયરને ઘર તરફ વાળવામાં આવ્યા.
– આજની શીખ :
- વર્ષના છેલ્લા દિવસે આવી કોઇ બહાદુરી ન બતાવવી.
- અને ખરેખર ઇચ્છા થઇ જ આવે તો પહેલા સંપુર્ણ જાણકારી એકઠી કરી લેવી.
- શાહપુરમાં ગાડી લઇને ન જવું.
- પાવર કનેક્શન કઇ ઝોનલ ઑફિસની હદમાં આવે છે તે જાણકારી હોવી જોઇએ.
. .
નક્કામી નોંધ : ઉપરની વાતમાં આવતા શબ્દો જેવા કે તપસ્યા, ઇચ્છા, ખુન.. વગેરેને કોઇ બેકાર ટીવી-સિરીયલના પાત્રો કે તેની કોઇ ઘટના સાથે કાંઇ લેવા-દેવા નથી અને જો કોઇ સંબંધ હોય તો તેને માત્ર સંયોગ કહેવાશે.
. . .