ઉફ્ફ… યે શાદીયાં… (આજના લગ્નો)

. . .

– આજે વાત લખવી છે આપણે ત્યાં થતા લગ્નોની… (બધી નેગેટીવ વાતો છે યાર….. તમે કંઇ સારું યાદ અપાવી શકો તો આપનો આભાર માનીશ…)

– લગ્ન સિઝન તો એટલી જામી પડી છે… સમજાતુ નથી કે આ બધા લોકોને પરણવા (અને પરણાવવા) એક જ ટાઇમ કેમ મળે છે ?? (નક્કી… આ બધી પેલા પોથી પંડિતોની કારીગરી છે.) કયારેક તો એક જ દિવસે એક સાથે ત્રણ-ચાર આમંત્રણ ભેગા થયા હોય (અને “હોમમિનિસ્ટર” નો આદેશ બહાર પડે કે આપણે તો બધ્ધે જવું જ પડશે) ત્યારે તે લગ્નો ‘માણવા’ કરતા ‘પતાવવા’ વધારે જરુરી લાગે !!

– આ લગ્ન સમારંભમાં આટલા બધા લોકોને નિમંત્રણ આપવા અને દરેક લોકોએ આવવું શું એટલું બધુ ફરજીયાત હોય છે ?? ન જાઓ તો પાછા દાઢમાં રાખે કે -“તમે તો અમારા બાબાના લગનમાં આવ્યા પણ નહી….” (જો કે હું તો મને મળતા લગ્ન કે મેળાવડાના ૭૦% પ્રસંગમાં જવાનું ટાળતો હોઉ છું.)

– શોખીન લોકો આજેય ભરબપોરે તડકામાં સુટ-બુટ પહેરીને બે-ચાર કલાક વરઘોડામાં નાચી શકે છે એ તો ઘણી નવાઇની વાત લાગે !!! નાચે ત્યાં સુધી ઠીક પણ આ વરઘોડાના કારણે રસ્તા પર ટ્રાફિકને રોકવો એ કયાનો ન્યાય ???? (મારી ઓફિસ જવાના રસ્તે ત્રણ પાર્ટી-પ્લોટ આવે છે અને દરેક સિઝનની આ એક કાયમી રામાયણ…)

– લગ્નમાં એ જ ચીલા-ચાલું ગીતો અને એક-બે તાજા આઈટમ નંબર (એ પણ દેશી સ્ટાઇલમાં) વાગતા હોય અને લોકો તેના તાલે ઝુમતા જોવા મળે. (પેલું “ભુતની કે…” વાળું સોન્ગ તો ખાસ વાગે…તો પણ કોઇને ઐતરાઝ ન હોય એ તો હદ કહેવાય..)

– આ વરઘોડામાં સૌથી દુઃખી તો એ હોય જેની પાછળ બધા નાચતા-કુદતા હોય..!!! બિચારો એકલો ભોળો થઇને ઘોડી પર બેઠો-બેઠો સપનાં જોવા સિવાય કોઇ કામ ન કરી શકે… (અપવાદ રૂપે કોઇ જગ્યાએ “શ્રી વરરાજા” ઘોડીથી ઉતરીને નાચ્યા હોવાના કિસ્સા નોંધાયેલા હશે પણ એવી ઘટનાનું પ્રમાણ કેટલું ?)

– વરઘોડા દરમ્યાન રસ્તા પર ફોડવામાં આવતા ફટાકડાથી નકામુ અવાજ પ્રદુષણ, કચરો અને રાહદારીઓને ઘણી તકલીફ થતી હોય છે. (પણ…. બીજા લોકોની અહી કોને પડી છે ???) રસ્તા પર ફટાકડા ન ફોડવા અર્થે ઘણાં સમય પહેલા અ.મ્યુ.કો. કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને તેનો અમલ ન કરનાર માટે દંડની જોગવાઇ પણ છે. (આમ પણ…અહી નિયમો તો જાણે તોડવા માટે જ બનતા હોય છે ને સાહેબ…!!)

– લગ્ન-પ્રસંગ હવે દેખાડા અને સ્ટેટ્સ જતાવવાનો કાર્યક્રમ બની ચુકયો છે એ તો લગ્ન કરનાર પણ જાણતો હોય છે. (એટલે જ તો ગજા બહાર પણ ખર્ચ કરે છે ભાઇ….) આપણાં દેશમાં જયાં એક સમય પુરતુ ભોજન મેળવવું ઘણાં લોકો માટે સ્વપ્ન સમાન છે ત્યાં મોટા લગ્ન-સમારંભમાં અઢળક ભોજન-સામગ્રીનો બગાડ એ તો હવે સામાન્ય વાત કહેવાય.. (મને એ બગાડ કાયમ ખૂંચે છે.)

– કોઇ નાના-મોટા લગ્ન સમારંભમાં આવેલી ગાડીઓ નો સરવાળો કરો અને તેમણે ખર્ચેલા પેટ્રોલ-ડિઝલનો તાળો મેળવીએ તો સમજાઇ જશે કે આપણે અતિકિમતી એવા મર્યાદિત કુદરતી સ્ત્રોતનો કેવો બેફામ વ્યય કરીએ છીએ… (ત્યારે પબ્લીકને પેટ્રોલ મોંઘુ નથી લાગતુ !!) લગ્ન પણ પાછા ઘર-રહેઠાણથી દુ….ર કોઇ પાર્ટી પ્લોટમાં કરવા એ તો આજની લેટેસ્ટ ફેશન છે !!!

– કોઇ સમય હતો જ્યારે લોકો કોઇ એક સમયે નવરાશમાં રહેતા અને તે સમયે બે-ત્રણ દિવસ કે મહિનાભર ચાલતા લગ્નો સામાન્ય હતા, પણ.. હવે દરેક લોકોનો સમય ઘણો કિમતી છે અને તેનો વિશિષ્ટ ખ્યાલ એટલિસ્ટ લગ્નના આયોજકો એ તો રાખવો જોઇએ. (જયાં લગ્નવિધી જ ૫-૬ કલાક લાંબી ચાલે ત્યાં ન સમજાતા શ્લોકો વચ્ચે પણ બગાસા ખાતા બેસી રહેવાનું ફરજીયાત ન હોવું જોઇએ….)

– અત્યાર સુધી મેં જેટલા લગ્નો “માણ્યા” છે તેનાંથી અનેક ઘણાં લગ્નો “પતાવ્યા” હોવાનો રેકોર્ડ છે. (આ ‘પતાવવા’ વાળા લગ્નોના લિસ્ટમાં મારા પોતાના લગ્નનો પણ સમાવેશ થાય છે બોલો..!!!) ઇશ્વર તાજેતરમાં પરણેલા સૌને રાજી રાખે અને તેમના લગ્નજીવનને માણવાની શક્તિ બક્ષે એવી આશા… બીજુ શું…

. . .

આજની વાત

તાઃ ૧૧-૯-૨૦૧૧

. . .

– ઇન્દીરા બ્રીજ પાસે ગણેશ વિસર્જનમાં આજે લગભગ ત્રણ કલાક ફસાવવાનો દુ:ખદ (અને અતિ ત્રાસદાયક) અનુભવ થયો.

– અસહ્ય ટ્રાફિક, અશિસ્ત, અતિશય ઘોંઘાટ, બિભત્સ નૃત્ય, અશ્લિલ ગીતો, નશામાં પાગલ ભક્તોની વાહનચાલક તથા પોલિસ સાથેની અસભ્ય વર્તણુક અને ભક્તિનો ઓવરડોઝ એ આજના ગણપતિ વિસર્જનના મુખ્ય અંશ હતા. (બીજુ એવુ પણ ઘણુ બધુ છે જે અત્યારે અહી ઉમેરવું યોગ્ય નથી લાગતું.)

(કહેવાતા) ભકતો દ્વારા છાંટવામાં આવેલા ગુલાલ અને રંગોથી મારી ગાડીના હાલ પણ બેહાલ થઇ ચુકયા હતા. એ તો ભલુ થજો વરસાદનું કે સમયસર વરસીને મારો થોડો ગુસ્સો શાંત કર્યો.

– આખા પ્રસંગમાં કંઇ ગમાડવા લાયક ન લાગ્યું, ઉલ્ટાનું સમય-શક્તિ તથા પેટ્રોલ-ડિઝલ જેવા બહુમુલ્ય મર્યાદિત સ્ત્રોતનો ખોટો વ્યય ઘણો ખુચ્યો. મારા ગાંધીનગર ફિલ્મ જોવા જવાના પ્લાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ શરુ થવાના સમયે ભક્ત-લોકો માર્ગ આપે તેની રાહ જોતો હું ગાડી બંધ કરીને ચુપચાપ બેઠો હતો. ( ન આગળ જઇ શકાય, ન પાછા જઇ શકાય..)

– ગણપતિદાદાના ભકતો અને ગણપતિ વિસર્જન પ્રત્યેની મારી નફરતમાં હવે ઘણો વધારો થઇ ગયો છે એટલે બગીચાના મુલાકાતીઓ ને નમ્ર વિનંતી કે આ બાબતે મને એટલિસ્ટ બે દિવસ સુધી છંછેડશો નહી. (એમાંય ગણપતિના ભકતો ખાસ દુર રહે…..)

. . .