Sep’12 : અપડેટ્સ – 2

– બગીચાના મુલાકાતીઓ માટે ઘણાં દિવસ પછીની અને મારી માટે આ મહિનાની પાંચમી પોસ્ટ.

– ટ્રેનની મુસાફરી અને સ્થળ મુલાકાતનો અનુભવ અગાઉની પોસ્ટમાં છે, જે દરેક માટે ઉપલ્બ્ધ નથી જે બદલ માફ કરજો. આગળ બધુ પ્રાઇવેટમાં નોંધાયેલું હોવાથી આ વખતની ટ્રેન મુસાફરીના કેટલાક તાજા અનુભવો કે જેને આ પોસ્ટ દ્વારા સૌની સાથે વહેંચવા ગમશે..

# મુસાફરી-અનુભવ:

  • જે પુસ્તકને તમે વાંચવા ઇચ્છતા હોવ તેને ભુલ્યા વગર સાથે લઇ લેવી. (ટ્રેનની એકલતામાં બુક વાંચવાની મજા આવે. આવવા-જવાના સમય દરમ્યાન મે એક આખી બુક શાંતિથી પુર્ણ કરી.)
  • સાઇડ-અપરની સીટ કયારેય ન લેવી. ભારતીય રેલ્વેની RAC સિસ્ટમને કારણે કન્ફર્મ રિઝર્વેશન કરનારની પણ બેસવાની સીટ લગભગ છીનવાઇ જતી હોય છે. (અમે તો લાં….બુ વિચારીને સ્પેશીયલી એ સીટ બુક કરાવી હતી, એટલે ત્યારે પોતાની જાત ઉપર હસવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો.🤦‍♂️)
  • ટ્રેનમાં આસપાસના સારા મુસાફરો સાથે જલ્દી હળીમળી જવું. (નહી તો મારી જેમ એકલાં-એકલાં ગુમસુમ-ગુમસુમ સફર કરવાની તૈયારી રાખવી.)
  • જો ઉપરની બર્થમાં જ બેસી રહેવું પડે તેવા સંજોગો બન્યા હોય તો બને એટલું પાણી ઓછુ પીવું. (ચડવા-ઉતરવાના અને બાથરૂમ જવાના ધક્કા તો ઓછા થાય..)
  • ચાલુ ટ્રેનમાં આઇસક્રીમ ન ખરીદવી. (હું તો ઓગળેલી અને ટેસ્ટ વગરની આઇસક્રીમથી બે વખત છેતરાયો.)
  • રેલ્વે કેટરીંગવાળાનું ભોજન નાછુટકે જ ખાવું. સમોસા-વડાપાઉ-જલેબી-ઢોકળામાં પણ કોઇ ભલીવાર નથી હોતો. (ઇનશોર્ટ, જો સાથે કંઇ ન હોય અને સહન થઇ શકે એમ હોય તો ‘ભુખ્યા રહેવું’ વધુ સલાહભર્યું ગણાશે.)

– હા, તો અપડેટ્સની ટ્રેનને અલગ સ્ટેશન પર લઇ જઇએ..

# કેટલાક રાજકીય અપડેટ્સ :

– ગઇ કાલે બંધનું એલાન હતું. જો કે બંધના કારણો સાથે હું સંમત ન હોવા છતાં રાજકીય પક્ષોના કાયદેસર ગુંડાઓના ત્રાસથી બચવા બંધમાં પુરેપુરો સહયોગ આપ્યો. (ચોખવટ – હું કોંગ્રેસી નથી અને હાલની કોંગ્રેસ સરકારથી જરાયે ખુશ નથી.)

અણ્ણાજી પક્ષ બનાવવાનું કહીને હવે ફરી ગયા છે; આ કામ હવે શ્રી અરવિંદ કેજરીવાલ કરશે. અણ્ણાજીએ રાજકારણમાં આવવાનું માંડી વાળ્યું. તેઓ માત્ર આંદોલન જ કરશે. (મને આ ન ગમ્યું.)

– મોદી અને સિબ્બલની ખાસ મુલાકાત જોવાનો ઇંતઝાર છે. સાંભળ્યું છે કે શ્રીમાન કપિલ સિબ્બલજી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને રૂબરૂમાં ‘આકાશ’ આપશે! (ટેબ્લેટની જ વાત છે ભાઇ. જો કે પબ્લીકને આ ટેબ્લેટ માટે હજુ આકાશ તરફ મીટ માંડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.)

– આક્ષેપો-ખુલાસાઓ-પ્રતિઆક્ષેપો અને ચુટણી જાહેરાતોની મૌસમ આવી ગઇ છે. ‘કોણ કોને ફગાવે’ નામનો રાજકીય ખેલ હવે શરૂ થઇ ચુકયો છે.

– ન્યુઝપેપરની જાહેરાતોને તો એકવાર ટાળી શકાય પણ દર પાચ મીનીટે સંભળાતી રેડીયો-ટી.વીની રાજકીય જાહેરાતોને વારંવાર સહન કરવી અઘરી લાગે છે. (હવે તો ગુજરાત થપ્પડો ખાઇને થાકી ચુકયું છે અને પેલા દશા-દિશા બદલવાની તાકાતવાળા બહેન પાસે કોઇ દમદાર વાતો નથી દેખાતી.)

– રાજકીય વાતો ઘણી થઇ; આગળ નવા સ્ટેશન પર જઇએ..

# પર્સનલ અપડેટ્સ :

વ્રજ હવે થોડી-થોડી વાતો કરે છે !! એટલે કે તેની સામે તમે કંઇ કહો તો તે તેની અજીબ ભાષામાં તમારી સાથે વાત કરશે. (અમે બંનેએ તો ઘણી વાતો કરી છે પણ બંનેમાંથી કોઇ એકબીજાની વાતો સમજી શક્યું હોય એમ લાગતુ નથી. 😊)

– વ્રજ હવે સવા મહિનાનો થયો. આ રવિવારે તેને ‘દર્શન’ કરાવવા લઇ જવાનો છે. (કૌટુંબિક અને સામાજીક નિયમ પ્રમાણે હવે કુળદેવીના દર્શને જવું પડે !!)

– મારા મતે આ એક વિચિત્ર પરંપરા છે. સાવ નાના અણસમજુ બાળકને બાળપણથી જ આપણે ધર્મ નામનું ઝેર આપવાનું શરૂ કરી દેતા હોઇએ છીએ. (કેટલાકને અહી મહાન સંસ્કૃતિનું મોટું નુકશાન થતું દેખાશે.)

– વ્રજને હું ધર્મ કે ભગવાનના ભયથી મુક્ત એવો સ્વતંત્ર વ્યક્તિ બનાવવા ઇચ્છુ છું; પણ આપણો સમાજ અને મારો જ પરિવાર મને એ કરવા નહી દે એવું લાગે છે. (આમ પણ જીવનમાં હંમેશા પોતાનું ધાર્યું થાય એ સંભવ થતું નથી હોતું.)

ગણપતિબાપા આ વર્ષે ફરી આવી ગયા છે; તો ગયા વર્ષે જે કહ્યું’તુ તે આ વખતે ફરી રીપીટ નથી કરવું. (તે માટે ગયા વર્ષની પોસ્ટ જોઇ લેવી. 🙏)

દોડવાનું શરૂ કરવું છે અને તે માટે મનને મજબુત કરી રહ્યો છું, લેકીન દિલ હૈ કી માનતા નહી… (દોડવા માટેનો ડ્રેસ કયારનોયે તૈયાર છે. પણ તેની અંદર મારું શરીર ગોઠવાય ત્યારે વાત આગળ વધે ને…)

– આજકાલ વેબસાઇટ, મૉલ અને દુકાનોમાં બેબી પ્રોડક્ટ્સનું સર્ચિંગ ચાલુ છે. (આપના ધ્યાનમાં કોઇ સારી વેબસાઇટ કે સ્થળ હોય તો જણાવશો.)

– હમણાં તો આખુ ઘર ટેણીયા માટે જ હોય એવું લાગે છે. જયાં જુઓ ત્યાં તેનો જ સરસામાન નજરે પડે છે. ઘરનો એકેય ખુણો બાકી નથી રહ્યો. જાણે કે આખુ ઘર ‘વ્રજમય‘ બની ગયું છે.

આ ઘટનાને અનુરૂપ કવિ શ્રી કલાપીની એક પ્રખ્યાત પંક્તિ થોડા બદલાવ સાથે – “જયાં-જયાં નજર મારી ઠરે, વસ્તુ પડી છે ટેણીયાની…”

– આ બધુ નવું-નવું અને થોડું અઘરું તો છે, પણ…. મજા આવે છે.

👶

વસુધૈવ કુટુમ્બકમ. (via “કુરુક્ષેત્ર”)

વસુધૈવ કુટુમ્બકમ.વસુધૈવ કુટુમ્બકમ. “આખી પૃથ્વી મારું કુટુંબ છે” કહેનારા કોઈ પ્રાચીન મનીષી શાયદ જાણતાં હોવા જોઈએ કે આખી પૃથ્વી ઉપર માનવજાત ફેલાઈ છે તેના જિન્સ એક જ છે. એક જ Y  અને X ક્રોમોજોમનો વ્યાપ સમસ્ત પૃથ્વી ઉપર છે. કહેવાતા ધર્મોએ ઉચ્ચ આદર્શની વાતો કરી અને પોતાના ભાઈઓના ખૂન વહાવ્યા. આખી પૃથ્વી મારું કુટુંબ છે તે સાબિત કરી રહ્યા છે આજે જેનેસેસિસ્ટ વૈજ્ઞાનિકો, કહેવાતા ધર્મો નહિ. સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ડૉ લુકાએ આના વિષે રિસર્ચ શરુ કરેલું. આખી દુનિયાના તમામ માનવ સમૂહ … Read More

via “કુરુક્ષેત્ર

ઉપરની વાત પર મારો પ્રતિભાવ..

શ્રી ભુપેન્દ્રભાઇ,

અહી ઘણાં અભ્યાસ બાદ એકઠી કરેલી વાસ્તવિક વાતો છે. પણ કેટલાને ગળે ઉતરશે?? “મેરા ધર્મ મહાન” કહેનારાને કેવી રીતે સમજાવવું કે આપણાં બધાનુ મુળ એક જ છે તો પછી આ ધર્મોના ભેદભાવ કોની માટે છે !!?

ભારતીયો પોતાને સૌથી જુની સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે પણ અભ્યાસ કંઇક અલગ વાસ્તવિકતા તરફ લઇ જાય છે. શાસ્ત્રો માત્ર ધર્મગુરુઓ-સાધુઓ-બાવાઓ-ઢોંગીઓના પેટ ભરવાના સાધન બની ગયા છે ત્યાં “વસુધૈવ કુટુંબકમ” નો અર્થ લોકોને કોણ સમજાવશે?

હિંદુઓમાં દંભની પરાકાષ્ઠા અન્ય લોકો કરતાં ઘણી હોય છે અને આ બધુ પ્રજાને શીખવવાવાળા ગુરુ-મહારાજો કે ગાદીપતિઓ જ છે જેઓ પોતે દંભની વ્યાખ્યા સમાન છે. આ એ જ મહાનુભાવો છે જેઓ લોકોને “વસુધૈવ કુટુંબકમ” ની વ્યાખ્યા શીખવે છે ને હંમેશા પોતાનો વાડો મોટો કરવામાં લાગેલા હોય છે. હરામ જો કોઇ શ્રધ્ધાળુ પુછે કે ‘હે મહારાજ, આખુ વિશ્વ આપણું કુટુંબ છે તો તમે મને કેમ બાંધી રાખ્યો છે?’

મારા મતે બધા સંપ્રદાયો, ધર્મો તથા ગુરુઓ-બાવાઓ-મુલ્લાઓ-પાદરીઓ આજે એક વાત સારી રીતે જાણે છે કે લોકોને મુર્ખ બનાવી રાખશો તો તેમનુ ઘર-મહેલ-હુકુમત સલામત છે.
જય હો….

બગીચાનંદ

નહિ ઉતરે,જરા પણ નહિ ઉતરે,દંભની પરાકાષ્ટા જો ભારતમાં છે.

મુળ લેખક શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ