અપડેટ્સ-45 [Oct’14]

– સૌ પ્રથમ તો સૌને વિતી ગયેલી દિવાળીની ભુલાઇ ગયેલી શુભેચ્છાઓ અને નવા વર્ષની મીઠી-મધુરી શુભકામનાઓ! (દેવ-દિવાળી સુધી દિવાળીની શુભેચ્છાઓ આપી શકાય -એવું અમે કયાંક વાંચેલું.)

– આજે સરદાર પટેલનો હેપ્પી બડ્ડે છે. આઝાદીના ઘડવૈયાઓમાં સરદાર મને સૌથી પ્રિય. પણ હંમેશા ગાંધી પરિવારની ભક્તિમાં તલ્લીન કોંગ્રેસ દ્વારા વર્ષોથી તેમની ઉપેક્ષા થતી જોઇને વિચાર આવતો કે લોખંડી સરદાર સાવ ભુલાઇ તો નહી જાય ને…  પણ, મોદીસાહેબે જે રીતે તેમને કોંગ્રેસ પાસેથી હાઇજેક કર્યા છે તે જોઇને લાગે છે કે સરદાર પટેલ કે અચ્છે દિન આ ગયે!

– આ દિવાળી એકંદરે શાંત અને નિરાંતવાળી દિવાળી રહી. છોટું માટે તેના યોગ્ય નાની-મોટી બે-ચાર વસ્તુઓ લેવામાં આવી હતી પણ તેના અગમ્ય ડરના કારણે તેણે કોઇને માન ન આપ્યું. હજુ તેને મોટો થવા દઇએ તો ઠીક રહેશે, એમ વિચારીને અમે પણ તેને વધુ આગ્રહ ન કર્યો. તેને દિવાળીની મીઠાઇઓ વધારે ગમી!

– વ્રજને કોઇ ‘પ્લે-સ્કુલ’માં જોડીને ઠેકાણે પાડવાનો વિચાર ઘરમાં ચાલી રહ્યો છે. જો કે હું તેનો વિરોધ કરી રહ્યો છું. કારણ? – હજુ તો એ નાનો છે યાર. જો કે તેની સમજણ અને બકબક જોઇને કોઇ કહી ન શકે કે તે હજુ બે વર્ષનો જ હશે. હવે તો એ બૉસ અમને પણ સલાહ આપતા હોય છે કે શું કરાય અને શું ન કરાય. બૉલો, અમારું શીખવેલું અમને સમજાવે!

– આજથી પાંચ વર્ષ પહેલા ૩૦ ઑક્ટોબરના દિવસે મેં મારી જાતને રાજીખુશીથી એક ખાસ વ્યક્તિ સાથેના બંધનમાં જોડી હતી (સામે પક્ષે પણ એવું જ હતું!) તેને ગઇકાલે પાંચ વર્ષ પુરા થયા! (અરે હજુ હમણાં જ તો પરણ્યા’તા અને તેને આટલા બધા દિવસ થઇ ગયા કે!!! -આવી લાગણી મારા ભુલક્કડ સ્વભાવને થાય તે સ્વાભાવિક છે.)

– એટલે પાંચ વર્ષથી જળવાયેલ આ બંધનને આજસુધી સુંદર રીતે નિભાવી શકવાની ખુશીમાં તથા મારી સાથે રહીને સળંગ પાંચ વર્ષ સુધી મને સહન કરી શકવાની મેડમજીની સહનશક્તિના સન્માનમાં ગઇકાલે કેક કાપીને ઉજવણી કરવામાં આવી. (જાણવાજોગ- અમારા ઘરમાં કેક ગમે તે કારણે આવે પણ તેને કાપવાનો અબાધિત અધિકાર માત્ર છોટું પાસે છે.) અન્ય સેલિબ્રેશન માટે સમય-સંજોગ અને યોગ્ય વિકલ્પના અભાવે ના-છુટકે કાલે SRKની ‘હેપ્પી ન્યુ યર’ ફિલ્મ નિહાળવામાં આવી. (ફિલ્મ એટલી ખરાબ પણ ન લાગી.)

IMG_20141007_135602736– થોડી જુની અપડેટ: ફ્લીપકાર્ટના કોઇ મોટા દિવસે અમે પણ તે વેબસાઇટ પર થોડો ટાઇમ ચોંટી રહ્યા હતા પણ… કંઇ ખાસ દિવસ ન જણાતા આખરે ચેતન ભગતનું એક લેટેસ્ટ પુસ્તક થોડું સસ્તામાં ખરીદીને તેમના એ ફ્લૉપ દિવસમાં અમારો યથાયોગ્ય ફાળો આપ્યો. (જો કે બીજા દિવસે તેમણે પુસ્તક સાથે માફીનામું મોકલીને થોડું દર્દ ઓછું કર્યું. બધા જાણે છે કે અમારું હ્રદય ઘણું નરમ છે, તેમને માફ કરી દીધા.)

Jan’14 : અપડેટ્સ

– છેલ્લી પોસ્ટ વખતે આપણે મળ્યા તેના પછી તો એક આખુ વર્ષ બદલાઇ ગયું. (ઘણો લાંબો સમય કહેવાય, નહી!)

– પહેલા તો સૌને વેલકમ આ નવી જગ્યાએથી. (‘નવી જગ્યા’ કઇ રીતે? – એ માટે અહી છેલ્લી પોસ્ટ જોઇ લેવી, જે જુની જગ્યાએથી લખાયેલી છે પણ બેકઅપની સાથે-સાથે અહી ખેંચાઇ આવી છે.)

– મુળ દેખાવ એ જ રાખવામાં આવ્યો છે એટલે કોઇને નવું કંઇ ન લાગે પણ જે લોકો વર્ડપ્રેસ.કોમ અને સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ વચ્ચેનો તફાવત જાણતા હશે તેમને સમજાઇ જશે કે અહી નવું શું છે. (મુળવાત: હવે અહી કોઇ ફ્રી સર્વિસ નથી કે કોઇની જાહેરાત પણ નથી!)

– ટ્રાન્સફરની આ પ્રક્રિયા એકંદરે સરળ રહી. વિચાર્યું’તુ તેના કરતા પણ સરળતાથી મેં આખો બ્લૉગ ટ્રાન્સફર કરી લીધો. (થેન્ક્સ ટુ… વર્ડપ્રેસ હેલ્પીંગ મન્કીઝ એન્ડ support-forum.)

– બ્લૉગ ‘PAGE HITS’ અને ‘LIKES’ ની હવે શુન્યથી શરૂઆત થઇ છે. તેનો જુનો ડેટા અહી ટ્રાન્સફર કરવા માટે jetpack.me ની મદદ માંગી છે, જોઇએ શું જવાબ આવે છે. (એમ તો મને શુન્યથી શરૂઆત કરવામાં કોઇ પ્રોબ્લેમ નથી પણ આ તો એવું છે ને કે અગર જો તે ફરી મળી શકે એમ હોય તો તેને મેળવવા એકવાર પ્રયત્ન તો કરવો જોઇએ.)

– વર્ડપ્રેસ.કોમ દ્વારા મારી એક નાનકડી વિનંતીને માન આપીને બધા જુના સબસ્ક્રાઇબરને અહી ટ્રાન્સફર કરી આપવામાં આવ્યા છે. ઇમેલ એડ્રેસ એક સેકંડ માટે પણ બંધ ન રહ્યું તેનો આનંદ થયો. (એક નવાઇની વાત- ડોમેઇન/ઇમેલ એડ્રેસ નવા રજીસ્ટ્રાર પાસે ટ્રાન્સફર થઇ ગયું હોવા છતાં મને વર્ડપ્રેસના સર્વર ઉપરથી પણ ઇમેલ ફોરવર્ડ ચાલું છે!)

– ‘TEST POST’ પછી ધ્યાનમાં આવ્યું કે ફીડ-રીડર માં નવી પોસ્ટ દેખાતી નથી, એટલે તે વિશે આગામી દિવસોમાં ચોક્કસ કંઇક સંશોધન કરવામાં આવશે. (એક શોર્ટ ઉકેલ છે: subscribe this feed: http://feeds.feedburner.com/marobagicho/feed)

– હમણાં આ ટેકનોલોજીને સમજવામાં ઘણો સમય જઇ રહ્યો છે. થોડા સુધારા-વધારા અને અખતરા કરવામાં આવ્યા છે એટલે થીમ, બ્લૉગ, પ્લગઇન, સોફ્ટવેર અને સર્વર વિશે થોડીઘણી સમજણ આવી ગઇ છે. એમ તો શીખવાનું હજુ ચાલુ જ છે. (શીખવાની આ પ્રક્રિયા તો જીંદગીભર ચાલતી જ રહેશે.)

– બ્લૉગ ટ્રાન્સફર વિશે લખવા જેવું તો ઘણું છે પણ હમણાં મારી નવી ગાડીની ડીલીવરી લેવાની છે અને તે પહેલાં બે-ત્રણ જરૂરી કામ પણ પતાવવાના છે એટલે હવે જવું પડશે. તે અંગેની વધુ માહિતી અને રોજબરોજની કાયમી અપડેટ્સ જલ્દી જ મુકવામાં આવશે. (તૈયાર રહેજો!)