I’m moving !

 – મારા બગીચામાં ફરી એકવાર અંગ્રેજી ટાઇટલનો સહારો લેવામાં આવી રહ્યો છે! (કારણ: “હું આગળ વધી રહ્યો છું!” -એવું લખવા કરતાં આ અંગ્રેજી-ટાઇટલ વધારે ઇફેક્ટીવ લાગે ને એટલે!)

– ચાલું વર્ષનો અંત નિકટ છે અને નવા વર્ષના વધામણાં થવામાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે. અત્યારે આપણો દેશ પણ મોટા-મોટા પરિવર્તન જોઇ રહ્યો છે અને આવનારા સમયમાં વધુ પરિવર્તન માટે તૈયાર થઇ રહ્યો છે ત્યારે આ નવા વર્ષની સાથે-સાથે ‘મારો બગીચો’ પણ એક મોટા બદલાવ માટે તૈયાર છે! (જોયું!! મેં મારી નાનકડા બદલાવની વાત ને કયાંથી કયાં જોડી દીધી!!)

– શ્રી વર્ડપ્રેસદેવના ઉપકારથી ખીલેલા આ બગીચાને હવે અન્ય ઠેકાણે ફેરવવાનો સમય આવી ગયો છે. હું વર્ડપ્રેસનો હંમેશા આભારી રહીશ, કેમ કે તેમના થકી જ તો હું અને મારો બગીચો આજે અહી છીએ.

– એક વર્ષ પહેલાં અમે થોડું આગળ વધ્યા’તા, હવે વધુ આગળ વધવાનો સમય આવી ગયો છે ! પહેલાં સરનામું બદલવામાં આવ્યું’તું પણ સેવા વર્ડપ્રેસની જ રાખવામાં આવી હતી જ્યારે હવે મુળ સરનામું એ જ રહેશે પણ મારા બગીચાની જગ્યા બદલવાનું નક્કી કરી લીધું છે. જો કે વર્ડપ્રેસનો પીછો એમ કંઇ છુટવાનો નથી કેમ કે હવે વર્ડપ્રેસ.ORG નો સાથ લેવામાં આવશે. (એટલે કે મારો બગીચો હવે સેલ્ફ હોસ્ટેડ સર્વર પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.)

– કોઇ ટેકનીકલ જ્ઞાન/અનુભવ ન હોવાથી માત્ર ઓનલાઇન હેલ્પ/જાણકારીના આધારે આ રિસ્ક લેવામાં આવી રહ્યું છે એટલે મને આ ટ્રાન્સફર દરમ્યાન કોઇ મુશ્કેલી પણ આવી શકે છે અથવા તો બ્લૉગ થોડા સમય માટે બંધ પણ રહી શકે છે. (જે થાય તે, કમસેકમ એ બહાને કંઇક નવું શીખવા મળશે એમ માની લઇએ.)

# માત્ર જાણકારી માટે : થોડા સમય માટે અહી નવું કંઇ નહી મળી શકે અને domain server બદલવાના કારણે મારું ઇમેલ એડ્રેસ થોડા સમય માટે બંધ રહી શકે છે. જો કોઇ આ સમય દરમ્યાન મારો સંપર્ક કરવા ઇચ્છે તો marobagicho@gmail.com પર ઇમેલ કરી શકે છે. આ ઉપરાંત મુળ એડ્રેસ ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી દરેક પોસ્ટ જુના એડ્રેસ (એટલે કે marobagicho.wordpress.com) પર લીંક થયેલી દેખાશે.

– આભાર.

ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd

~ અગાઉની પોસ્ટમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેને આખરે અમલમાં મુકવામાં આવી રહી છે. (હાશ, આજે એક સંભાવના તો અમલ સુધી પહોંચશે!)

– આપણે જાહેર/ખાનગીમાં હિન્દી/અંગ્રેજી ફિલ્મના હોંશે હોંશે વખાણ/નિંદા કરીએ પણ હજુયે અહી (એટલે કે ગુજરાત/ગુજરાતીઓમાં) સામાન્ય રીતે ગુજરાતી ચિત્રપટ (એટલે કે ફિલ્મ) વિશે ચર્ચા કરવાનો કે તેની રિવ્યુ અપડેટ કરવાનો રિવાજ નથી. (તે ન જ હોય ને… રીવ્યુ કરવા જેવી ફિલ્મો પણ ક્યાં બને છે!)

~ પણ… છેલ્લા કેટલાક વર્ષથી આ ક્ષેત્રે પવનની દિશા બદલાઇ છે! હવે ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. (આવી ગયું છે એમ તો ન કહેવાય કેમ કે હજુ તો ઘણી લાંબી સફર કાપવાની બાકી છે.)

~ અહી સરખામણી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટીય ફિલ્મ સાથે નથી, પણ અન્ય સ્થાનિક/પ્રાદેશિક ફિલ્મ સાથે તુલનાની વાત છે. આ માટે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ઉદાહરણ/સીમાચિન્હરૂપ ગણી શકાય. (એ જમાનો કયારે આવશે જ્યારે રાષ્ટ્રીય/હિન્દી ટીવી ચેનલો ગુજરાતી ફિલ્મો હિન્દીમાં ‘ડબ’ કરીને આખા દેશના માથે મારતી હશે!! આમ પણ પેલા લુંગીધારીઓ ની ફિલ્મો જોઇને બધા થાક્યા છે…)

~ કદાચ પ્રસ્તાવનામાં ઘણું કહેવાઇ ગયું છે એટલે હવે મુળ મુદ્દા તરફ આવીએ. (નહી તો કયાંક વધુ કહેવાઇ જશે તો વળી કોઇ ગુજ્જુ ફિલ્મી ચાહકની લાગણી દુભાશે.)

~ સૌ પ્રથમ તો ફિલ્મના પોસ્ટર જોઇ લો… ઘણાંને ખબર જ નથી કે આવી કોઇ ફિલ્મ રિલીઝ પણ થઇ હતી તો માત્ર તેમની જાણ માટે. (અને કોઇને એમ ન લાગે કે હું ફિલ્મના નામે ગપ્પા મારી રહ્યો છું! 😉 )

ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd
ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd
ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd
ગુજરાતી ફિલ્મ : Happy Familyy Pvt Ltd

~ નામ પ્રમાણે થોડીક હટકે ફિલ્મ તો છે. આ ફિલ્મની આખી વાર્તા ટુંકમાં જ કહી દેવાય એવી છે પણ અહી કહેવા કરતાં આખી ફિલ્મને નિહાળવામાં વધારે મજા આવે એવું છે. (તો પણ સ્ટોરી તો જણાવીશ જ.)

~ આખી ફિલ્મ એક કુટુંબના સ્વકેન્દ્રી સભ્યો અને તેમાંયે મુખ્યત્વે એક વ્યક્તિની આસપાસ ફરે છે. આ પરિવારમાં સોફિસ્ટીકેટેડ વાઇફ, સ્ટ્યુપીડ દિકરી અને ડ્યુડ જાડીયો(દિકરો) પણ છે જે તેના બાપને ‘બ્રો'(bro) કહીને બોલાવે છે!

~ દરેક પાત્રનો અભિનય વખાણવા લાયક છે પણ આખી ફિલ્મમાં જો કંઇ નબળું લાગ્યું હોય તો તે છે તેની વાર્તા. (યાદ રાખો: હું કોઇ પ્રોફેશનલ રીવ્યુઅર નથી. આ માત્ર મારો અંગત મત છે.)

~ સ્ટોરી ટુંકમાં કહું તો ફિલ્મનો મુખ્ય એક્ટર મુંબઇમાં મોટો બિઝનેસમેન છે જેને કોઇ કિલર તરફથી મારી નાખવાની ધમકી મળે છે જેથી તે કિલરથી બચવા પોતાના પરિવારને લઇને ગુગલ પણ ન શોધી શકે એવા ગામમાં છુપાવા જાય છે જે તેનું મુળવતન છે અને ત્યાં તેના મોટાભાઇ પણ રહે છે.

~ આ એક એવું ગામ છે જયાં પૈસાની કોઇ ‘વેલ્યુ’ નથી અને બધા લેતી-દેતીના વ્યવહારો સાટા પધ્ધતિથી થાય છે જેના કારણે ગામમાં નવા આવેલા આ શહેરી પરિવાર માટે ગુંચવાડા/સમસ્યા અને રમુજી ઘટનાઓ ઉદભવે છે. છેલ્લે દુર રહેતા ભાઇઓ નજીક આવે છે અને સ્વકેન્દ્રી સભ્યોમાંથી એક પરિવાર બને છે. બસ, વાર્તા પુરી. (પછી ‘ખાધુ-પીધુને રાજ કર્યું’ એમ માની લેવું.)

~ પણ પણ પણ….. જે કંઇ જોવા અને માણવા જેવું છે તે બધું આ નાનકડી સ્ટોરીની વચ્ચે સમાયેલું છે અને તે માટે તો આખી ફિલ્મ જ જોવી પડે. ફિલ્મમાં વિલનના જોડકણાં સાંભળીને ફેસબુકીયા કવિઓ યાદ આવી જશે. (પ્રાસ બેસી ગયો એટલે ‘શેર’ તૈયાર!!)

~ ઘણી ફ્રેશ કોમેડી છે તો કોઇ-કોઇ જગ્યાએ ચીલા-ચાલું જોક્સને નવો ઓપ આપવામાં આવ્યો છે. જો મગજ વાપરશો કે હિન્દી/અંગ્રેજી (કે તમીલ/તેલુગુ) ફિલ્મ સાથે સરખામણી કરશો તો ફિલ્મ ઓછી ગમશે પણ ગુજરાતી ફિલ્મ સાથે સરખામણી કરશો તો ચોક્કસ ‘વન ટાઇમ વૉચ’ ફિલ્મ લાગશે.

~ આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ માટે ઓડિયન્સને થીયેટર સુધી ખેંચી લાવે તેવા મજબુત કારણો હોતા નથી અને વળી આ ફિલ્મ ઘણાં ઓછા થીયેટર/મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ થઇ હતી એટલે તેને પ્રમાણમાં ઓછું ઑડિયન્સ મળ્યું હોઇ શકે એવું મારું માનવું છે. (મારા મતે માર્કેટીંગમાં પણ ‘કેવી રીતે જઇશ‘ કરતાં આ ફિલ્મ થોડી કાચી પડી છે)

~ હવે કદાચ આ ફિલ્મ થીયેટરમાં તો નહી રહી હોય એટલે બીજે કયાં જોવા મળી શકે તે અત્યારે કહેવું મુશ્કેલ છે અને તેની CD/DVD માર્કેટમાં આવતા પણ એકાદ વર્ષ લાગી શકે. એટલે જેઓ ચુકી ગયા હોય તેઓએ થોડી રાહ જોવી જ પડશે.

આ ફિલ્મને બગીચાના માળી તરફથી..

rating at marobagicho

5 માંથી 2.5 ફુલડાં


Photo credit : theahmedabadblog.com