પુસ્તકનું નામઃ Romance on facebook
લેખીકા: Amrita Priya
આ પુસ્તકનું ટાઇટલ વાંચીને આ નવલિકામાં લગભગ દરેકને રસ પડશે એમ લાગે છે! કેમ કે આ ટાઇટલમાં જ એવા શબ્દો છે કે દરેક ઉંમરની વ્યક્તિને તે વિશે જાણવાની સ્વાભાવિક જીજ્ઞાસા હોય જ!
આપ આ પુસ્તકના નામ ઉપરથી વધુ કંઇ વિચારો તે પહેલા એક જરૂરી ચોખવટ કરી દઉ; એકબીજા વચ્ચે સાત સમંદરનું અંતર ધરાવતા આ પુસ્તકના નાયક અને નાયિકા લગભગ 39-40 વર્ષના છે અને અલગ-અલગ વ્યક્તિ સાથે પરિણિત છે. સુખી છે. રોમાન્સનો અર્થ અહી મેસેજીસની આપ-લે સુધી જ મર્યાદિત છે. ચોખવટ પુરી.
સિધ્ધાર્થ અને ગીતી (ઉર્ફે ગીતાંજલી); બાળપણથી સમજણની આરે પહોંચેલી યુવાની સુધી એકબીજાની પડોશમાં રહેતા અને એકબીજાને પસંદ કરતા બે વ્યક્તિ. જેઓ તેમના સમયના સામાજીક વાતાવરણ/સંસ્કારના કારણે એકબીજા સાથે સામાન્ય વાત કરવાની કે આંખો મેળવવાની હિંમત પણ કેળવી નહોતા શક્યા.
જ્યારે આજે તો સમય તેમને એકબીજાથી ઘણો દુર કરી ચુક્યો છે અને બંને પરસ્પર લાગણીઓ પણ ભુલાવી ચુક્યા છે. હવે ૧૯ વર્ષ બાદ ફેસબુકના માધ્યમ દ્વારા તેઓ ફરી એકવાર પરિચયમાં આવે છે અને શરૂઆત થાય છે વાતચિતની, એક જુના સમયની, ભુલાયેલા એક સંબંધની, યાદોને તાજા કરવાની.. પ્રેમ અને રોમાન્સની..
સમય, સ્થળ અને સ્થિતિ સંપુર્ણ બદલાઇ ચુક્યા છે. વર્ષો પહેલા તેમની વચ્ચે કંઇક હતું જે આજસુધી બહાર આવ્યું ન’તું, તે બધી લાગણીઓ હવે બંને અનુભવી રહ્યા છે. ઔપચારિકતા સાથે શરૂ થયેલી વાતચીત અણધાર્યા વળાંક પર આવી પહોચી છે.
પુસ્તકમાં સંવાદ અને સંપર્કનું મુખ્ય માધ્યમ, ફેસબુક, તેના હોવાનો અહેસાસ પણ કરાવ્યા રાખે છે.
મેસેજના પ્રત્યુત્તરમાં કરવામાં આવતો મેસેજ અને જે-તે સવાલ-જવાબ પાછળની માનસિક સ્થિતિ તથા પાત્રોના મનમાં ઉઠતી લાગણીઓ ઘણી ઉંડાણપુર્વક ઝીલવામાં આવી છે. જો કે આ પુસ્તક એક લેખિકા દ્વારા લખવામાં આવ્યું હોવાથી તેમાં સ્ત્રી પક્ષની લાગણીઓ વધુ સચોટ અને ઉંડાણથી આલેખવામાં આવી છે. લેખિકાએ પુસ્તકમાં ગીતીની સ્ત્રી સહજ ચિંતાઓ સાથે મેસેજની આપ-લેમાં સીડની પુરૂષ સહજ બેફિકરાઇ પણ સુંદર રીતે રજુ કરી છે.
ઘણાં જુના સમયની સામાજીક વ્યવસ્થા અને વાતાવરણની અસરમાં ખીલેલા પ્રેમનું આલેખન આજના આધુનિક સમયમાં અપ્રસ્તુત હોઇ શકે છે. નવી જનરેશન માટે તે સમયકાળને સમજવો પડશે; પરંતુ આજે ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓને કંઇ સમજાવવું નહી પડે!
કાચી ઉંમરમાં થયેલા પ્રથમ નિર્દોષ પ્રેમને યાદ કરાવતું આ પુસ્તક આપને જુની યાદોમાં લઇ જઇ શકે છે. એવુંયે બની શકે કે તમે કોઇ જુના પ્રેમને ફેસબુકમાં શોધવામાં ખોવાઇ જાઓ. જો તમે યુવાન હોવ અને ફેસબુક કે અન્ય કોઇ સોસિયલ સાઇટ્સમાં પ્રેમભર્યા મેસેજની આપ-લે કરી હશે તો પણ તમે દરેક મેસેજની ઉંડાઇ સમજી શક્શો. ઓકે. જેઓએ આમાંથી કંઇ અનુભવ્યું નહી હોય તેમની માટે આ એક સામાન્ય/છીછરી વાર્તા બની શકે છે અથવા તો એક સુંદર ફેન્ટસી બની શકે છે!
આ પુસ્તકને બગીચાના માળી તરફથી..
5 માંથી 3 ફુલડાં!