કોણ જાણે કેમ આજે સવારે ઉંઘ વહેલી ઉડી ગઈ. કરી શકાય એવા અને ન કરાય એવા બધા આડાઅવળા કામ કરી લીધા; સુવા માટેના બધા અખતરાઓ પણ અજમાવી લીધા; પરંતુ નિંદ્રાદેવી હજુ રિસાયેલા છે.
તો, સમયના સદુપયોગ તરીકે કેટલાક ઉપયોગી ઈમેલ દેખ્યા અને તે સિવાય બીજા બધા (લગભગ 95 ટકા!) ઈમેલ નકામા હોવાથી ડિલીટ કર્યા. માર્કેટિંગ તરીકે મોકલાયેલા ઈમેઇલ દ્વારા પણ નવું જાણવા-શીખવા મળ્યું. કેટલીક સારી ડીલ અને ઓપ્શન પણ મળ્યા! (સારું થયું કે આવો સમય મળ્યો. હવેથી નિયમિત ઈનબૉક્સ ચેક કરવું જરૂરી લાગે છે.)
વગર કામનું કામ કરતાં-કરતાં ક્યારે instagram પહોંચ્યો એ ખબર નથી; પરંતુ પછી લાંબો સમય ત્યાં વિતાવ્યો. ના રે ના, કોઈના ફરતા-રખડતા વિવિધ મુદ્રામાં મુકાયેલા ફોટો જોવામાં અમને ઓછો રસ છે. એટલે જૂના-નવા ગીતોની મસ્ત-મસ્ત પોસ્ટ, થોડી-ઘણી કોમિક રીલ્સ અને થોડીક કરતા જરાક વધારે સિરિયસ શાયરી-કવિતાઓમાં મોટા ભાગનો સમય ગયો. (ઉદાસ-તન્હા લોકોની વાતો જોઈ-અનુભવીને એવું કોઈ દુઃખ ન હોવા છતાં હું દુઃખી થયો!)
Instagram પર એક જાહેરાતથી ERP સોફ્ટવેર તરફ વળ્યો અને પછી કેટલીક જરુરિયાતને સંતોષવા ગૂગલમાં accounting software ના વિવિધ વિકલ્પો તપાસ્યા. હું ક્યાં સેટ થઈ શકું અને મને કયું સેટ થઇ શકે તેના સરવાળા-બાદબાકી કર્યા. ત્રણ જગ્યાએ ઇન્કવાયરી મોકલી છે; કોઈ સોફ્ટવેર સેટ થાય તો સારું છે. આજકાલ મારા કામને આધારે મને એકાઉન્ટ્સ અને પેપરવર્કની વિશિષ્ટ વ્યવસ્થા માટે અલગથી વિચારવું પડે એમ છે. (Inshort, હું ધંધાને છોડી ન શકું!)
અને હવે મને મારો બગીચો યાદ આવ્યો છે. (હા બકા, બહુ મોડો યાદ આવ્યો.) એમ નથી કે હું સાવ ભૂલી ગયો છું. મને કેટલીયવાર અપડેટ કરવાનું યાદ આવ્યું હશે તોય અહિયાં સુધી પહોંચી નથી શકાયું. ખબર નહી હું ક્યાં ખોવાઈ ગયો છું. (એમ તો મને બધી ખબર છે.)
કોઈકવાર અપડેટ માટે અહિયાં સુધી આવી પણ જવાય છે. મારી જૂની પોસ્ટ જોઈને મન ફરી શરૂઆત કરવા ઈચ્છા પણ કરે, પરંતુ તરત બીજી બાજુ જરૂરી કામનું પલ્લું ભારે દેખાય એટલે આ કામ રહી જાય. સમય ક્યાં ફાળવવો એ હિસાબમાં બીજું છૂટી રહ્યું છે. (આ બિનજરૂરી કામ છે એવો મતલબ ન કાઢશો મારા ભાઈ. #રિકવેસ્ટ)
જે થયું તે, આજે આવ્યો એમ ફરી આવતા રહેવાય એવું કારણ શોધવું પડશે. વિચારું છું કે મૂળ થીમ અને દેખાવમાં કઈક નવું કરું તો મને ફરી રસ જાગે. (પોતાને જગાડવા માટે કઈક નવું કરવાનો સમય થઈ ગયો છે.)
અરે હા, આજે આ નવું પાનું ચિતરતા પહેલાં દિવાળી પછીની એક પોસ્ટ લખાયેલી પડી દેખી હતી! કદાચ ચેક કરીને પછી પબ્લિશ કરીશ એમ વિચાર્યું હશે અને પછી ભુલાઇ ગયું હશે. તે ડ્રાફ્ટ-પોસ્ટ જોઈને મને પણ નવાઈ લાગી કે તેમાં એવી કોઈ ખાસ વાત નથી તો તેને ત્યારે પોસ્ટ થતાં કેમ અટકાવી રાખી હશે. (ઓકે, મારી કોઈ પોસ્ટ ખાસ હોતી નથી તે વાત સાચી હશે. તો પણ હું લખતો રહીશ. મારા માટે.)
જુની લખાયેલી વાતોને એમ જ મુકી રાખવામાં કોઈ ભલીવાર જણાતો નથી. એટલે આ નવી પોસ્ટ publish કર્યા પછી તેને પણ અપડેટ કરી લઉં અને જે-તે તારીખ પ્રમાણે ગોઠવી દઉ જેથી સમય-રેખા જળવાઈ રહે. બીજી ઘણી અપડેટ્સ ઉમેરવા જેવી છે જેને થોડા દિવસ નિયમિત રહીને અપડેટ કરવાનો વિચાર છે.
📑
મથાળામાં ચિપકેલ છબીઃ કલોલથી કડી તરફ જતાં રસ્તામાં ક્યાંક.. | છબીકારઃ અમારા સિવાય બીજું કોણ નવરું હોય! |