– થોડા સમય પહેલા જોવાયેલી ફિલ્મ અંગે આગળની પોસ્ટમાં વાત કરી હતી જેમાં નોંધ લેવાની ભુલાઇ ગયેલી એક સરસ ફિલ્મ એટલે… “બેટર હાફ“
– આ ફિલ્મની નોંધ લેવામાં ચુક થાય તે ચલાવી તો ન લેવાય. (તો પણ હવે મારી યાદશક્તિની કમજોરી આગળ હું મજબુર છું.) જો કે એક વાત એ સારી થઇ કે આ ભુલના કારણે આજે અહી વિસ્તારથી લખી શકાશે. 🙂
– હા, તો હવે વાત ફિલ્મની…
– ફિલ્મનું નામ છે Better હાફ. નામ પરથી અંગ્રેજી ફિલ્મનું ટાઇટલ લાગે પણ આ તો છે સંપુર્ણ સ્વદેશી અને એમાંયે આપણી પોતાની ભાષામાં બનેલી એક ગુજરાતી ફિલ્મ!
– આજના યુવાનના સંદર્ભમાં પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ ઉપરાંત ઉદભવતા સમસ્યા-સમાધાનને આ ફિલ્મ સુંદર રીતે દર્શાવે છે. ફેસબુકમાં મિત્ર તરીકે જોડાયેલા આ ફિલ્મના ડાયરેક્ટર શ્રી આશિષભાઇ કક્કડના કારણે આ ફિલ્મ તરફ અનાયાસે જ ધ્યાન ગયુ હતું અને તેના વિષયે તેની તરફ આકર્ષણ જગાવ્યું હતું. (જો કે આશિષભાઇ સાથે હવે કોઇ સંપર્ક નથી.)
– ફાઇનલી, હમણાં જ ડીવીડી ખરીદવામાં આવી અને નિરાંતની પળોમાં આ ફિલ્મને ન્યાય આપવામાં આવ્યો. (ફિલ્મ રીલીઝ થઇ ત્યારે થીયેટરમાં નહિ જોવાનું આજે ખરેખર દુઃખ થયું.)
– આ ફિલ્મમાં ખાસ કહેવાય એવા કોઇ દેશી-વિદેશી લોકેશન નથી કે પછી કોઇ મસ-મોટા સેટ પણ નથી! (અને હા, અહી કોઇ ધોતિયાં-કેડિયાંમાં કે ઘાઘરા-ચોલીમાં ગરબે રમતાં લોકોની વાત પણ નથી.)
– બસ, આજના માહોલને અનુરૂપ અને બદલાતા સમયના પરિમાણ મુજબની એક ‘સિમ્પલ‘ ગુજરાતી ફિલ્મ છે. મારી કે તમારી કહાની જ જોઇ લો. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ અમદાવાદમાં થયેલું છે એટલે કે જાણે આસપાસની જ ઘટના લાગશે. (ગુજરાતી ફિલ્મની સામાન્ય છાપ અંગે મારૂ માઇન્ડ-ચેન્જ કરવામાં આ ફિલ્મને ક્રેડિટ આપવી પડે.)
– આ ફિલ્મમાં મને જે વધુ ગમ્યું તે એ છે કે ગુજરાતી ફિલ્મ હોવા છતાં ગુજરાતીને ન સમજાય એવી શુધ્ધ ગુજરાતી ભાષાના ઉપયોગનો હઠાગ્રહ રાખવા કરતાં યુવાનોમાં પ્રચલિત ભાષાનો ઉપયોગ. જો ગુજરાતી ફિલ્મો આ ટ્રેક પકડશે તો તેની દશા/દિશામાં સો ટકા ફરક આવશે અને આજના યુવાન દર્શકો પણ ગુજરાતી ફિલ્મ પ્રત્યે આકર્ષાશે.
– ફાસ્ટફુડ/કોફીશૉપ-લવ થી ઘણી દુર ‘પ્રેમ’ની સુંદર વ્યાખ્યા અને સંબંધનું મહત્વ છે આ ફિલ્મમાં. લાગણી, કામ, વ્યવહાર, જરૂરિયાત અને પ્રેમની મજબુત અભિવ્યક્તિ છે આ ફિલ્મમાં. મને ખરેખર આ ફિલ્મ ઘણી ગમી.
– વર્કિંગ કપલને લગ્ન બાદ કરવા પડતા સમાધાન અને ઉભી થતી સમસ્યા બાદ તેમના કામ સાથે પરિવારનો તાલમેલ આ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ અને તેનાથી વહેતા વિચારને યુવાનીના પગથિયા પર પગ મુકવાનું શરૂ કરેલા કે પ્રેમના રસ્તે આગળ વધતા અને લગ્નજીવનની શરૂઆત કરતાં કે ટકાવી રાખવાની ઇચ્છા ધરાવતા દરેક યુવાન-યુવતીએ એ ચોક્કસ જોવા જેવા અને સમજવા જેવા છે. ( મારી જેમ ઘણાં લોકો ચુકી ગયા હશે એવું મને લાગે છે.)
# આ મુવીથી ‘પ્રેમ‘ વિશે ફિલ્મમાં શીખવા મળેલી બે સુંદર વાત…
- જેની સાથે રહીને વૃધ્ધ થવાનું મન થાય તે પ્રેમ.
- એકબીજાની જરૂરિયાત હોવી અને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો એ બન્ને અલગ વાત છે.
ફિલ્મના પોસ્ટર અને ઝલક –
નોંધ – ‘ફિલ્મ’ શબ્દનું સામાન્ય ગુજરાતી ‘ચિત્રપટ’ થાય. પરંતુ ‘ચિત્રપટ’ શબ્દનો ઉપયોગ ગુજરાતીમાં હવે નહિવત રહ્યો હોવાથી અને ‘ફિલ્મ’ શબ્દનો ઉપયોગ પ્રચલિત હોવાથી તેનો ઉપયોગ છુટથી કરવામાં આવ્યો છે. કોઇને વાંધો હોય તો સુધારીને વાંચી લે… બીજુ શું…