~ આજથી મારા બગીચામાં અપડેટ્સના એક નવા પ્રકારની શરૂઆત થઇ રહી છે. (કદાચ નવો પ્રકાર ન કહેવાય, નવો હિસ્સો કહેવાય.)
~ એમ તો મારા બગીચામાં નિયમિત આવતા મુલાકતીઓને આ નવા ઉગેલાં ફુલ વિશે જાણકારી હશે જ. છતાંયે આ પ્રકારના અપડેટ્સની આ પ્રથમ પોસ્ટ છે એટલે થોડી પુર્વભુમિકા પણ નોંધી લઇએ. (ન નોંધીએ તો પણ કોઇને શું ફરક પડશે યાર… પણ મારો બગીચો છે એટલે મારી મરજી ચાલશે. 🙂 )
~ તો મુળ ઘટના એ છે કે; ચૈત્ર વદ ચોથ ની મધરાત્રે ચલ ચોઘડીયામાં અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. ઓકે. અંગ્રેજીમેં બોલે તો.. ૧૬ એપ્રિલ ૨૦૧૭ના દિવસે અને 1:20am ના સમયે તેનો જન્મ છે. (ગુજરાતી કેલેન્ડર, શાસ્ત્રો અને જ્યોતિષ મુજબ તો તેને ૧૫ તારીખની મધરાત્રે કહેવાય પણ અંગ્રેજી મહિના મુજબ ૧૨ વાગ્યે તારીખ બદલવાના ન્યાયે તેની જન્મ તારીખ ૧૬ એપ્રિલ કહેવાશે.)
~ આ પોસ્ટ વહેલા આવી જાય એમ હતી પણ નામકરણ બાકી હતું એટલે થયું કે નામ નક્કી કરીને જ માહિતી મુકીએ. વ્રજનું નામ અમે હોસ્પિટલમાં નક્કી કરી નાખ્યું’તું પણ આ વખતે એક નામ ફાઇનલ કરવામાં ઘણાં દિવસ લાગ્યા. (કોઇ એક નામ પર સર્વસંમતિ શક્ય ન હોય એટલે આવું જ થાય.)
~ કોઇ શાસ્ત્રો, મુહુર્ત કે ચોઘડીયામાં નથી માનતો છતાંયે કક્કાના કયા મુળાક્ષરથી નામ રાખવું તે નક્કી થઇ જાય એટલે રાશી મુજબ નામ રાખી લેવું એ મુળાક્ષર નક્કી કરવાનો મારો શોર્ટકટ છે. પછી તેની આસપાસ જ નામ સિલેક્ટ કરવું જેથી અસંખ્ય નામમાંથી સિલેક્શન કરવામાં સરળતા રહે. (ધાર્મિક પરિવારજનો પણ ખુશ અને હું પણ ખુશ.)
~ ઘણાં ઓપ્શન બાદ અને સર્વસંમતિના અભાવે છેલ્લે મારા ‘વિટો’ પાવરના દમ પર નામ નક્કી કરી લીધું છે; નાયરા. આગળ એ જ પોસ્ટ હતી પણ મોબાઇલથી પોસ્ટ અપડેટ હતી એટલે આળસમાં ત્યાં બીજી માહિતી ઉમેરી નહોતી તો કોઇને ન સમજાયું હોય એવી શક્યતા છે. (ન સમજાય તો પુછવું જોઇએ ને? એમાંયે શરમાવાનું હોય કે?)
~ હા, નાયરા વિશે કહું તો.. ઘણી શાંત છે. (એકદમ પપ્પા જેવી) રાત્રે જગાડતી નથી અને દિવસે પણ સુવે છે! કુલ ૨૪ કલાકમાં ૧૮ કલાક ઉંઘ કરે છે. બાળકો બાબતે અમે દંપતિ એમ નસીબદાર રહ્યા કે નવજાત બાળકને ઉછેરવામાં શરૂઆતમાં આવતી પરેશાનીથી ઘણાં દુર છીએ. (શરૂઆતમાં બાળકો આખી રાત જગાડે એ સૌથી મોટી તકલીફ હોય છે. અનુભવીઓ અહી સહમત થશે.)
~ ફોટો ઘણાં ક્લિક કર્યા છે. હજુયે રોજ કરું છું. ઉપર હેડરમાં છે તો પણ યાદગીરી તરીકે બીજો એક અહીયા ચિપકાવી દઉ છું…