ફેસબુક પર વધારે લાઇક-કોમેન્ટ મેળવવાનો સૌથી સરળ રસ્તો!

~ નમસ્તે, આજે આપણે જાણીશું.. ફેસબુક પર વધારે લાઇક અને કોમેન્ટ મેળવવાના સૌથી સરળ રસ્તા વિશે!

~ સૌ પ્રથમ ગુગલ દેવતાના શરણે જઇને એકાદ ભગવાનનો ફોટો શોધી લો. (આમ તો ૩૩ કરોડ કહેવાય છે પણ વધુ ફેમસ હોય એવા કોઇને પકડવાથી ચોક્કસ ફરક પડશે.)

~ તેને ફેસબુક પર આપની પ્રોફાઇલમાં અપલોડ કરો. (ધ્યાન રહે કે ફોટો ‘પબ્લીક‘માં સેર થવો જોઇએ.)

~ ફોટો સાથે જે-તે ‘ભગવાનની જય…..’ લખો અને સાથે ખાસ ઉમેરો કે ‘લાઇક કરશે તો તમારી બધી મનોકામના પુર્ણ થશે; અને જે લાઇક નહી કરે તેની સાથે સાંજ સુધીમાં કોઇ ગડબડ થશે.’ (આવું લખવાથી ઘણો ફાયદો થશે, તેની અમે ૧૦૦% ખાતરી આપીએ છીએ!)

~ ભગવાનના ફોટોમાં ભલે કયાંય ન દેખાતા હોય, તો પણ તમારા નજીકના ફ્રેન્ડ અને સગાઓને ફોટોમાં જયાં-ત્યાં ટેગ કરો. અહી ભગવાનના પરમ ભક્તોને ખાસ ટેગ કરવા. તમને વારંવાર ગમે-તેવી પોસ્ટમાં ટેગ કરતા લોકોને પણ ટેગ કરીને બદલો પણ લઇ શકો છો! (ચિંતા ન કરો, અહી લોકો ‘મને ટેગ કેમ કર્યો’ તેવી ફરિયાદ નહી કરે તેનો અમને વિશ્વાસ છે.)

~ બસ, હવે ‘Post‘ ઉપર ક્લિક કરો અને જુઓ ભગવાનનો ચમત્કાર!

~ જય હો…

🙏


પુસ્તક રેફ. : ફેસબુકમાં ફેમસ થવાના ૧૦૧ ‘ચીપ’ રસ્તાઓ
લેખક : અ.જ્ઞાની બાબા બગીચાનંદ

*સર્વ હક આરક્ષિત.

Ending image of post - ફેસબુક પર વધારે લાઇક-કોમેન્ટ મેળવવાનો સૌથી સરળ રસ્તો!

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે; છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે; અને એ મુર્તીને શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજતાં હોય છે!!

– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી. આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો,
જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની..

ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે!”


*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને ત્યારે જાહેરમાં મુકી નહોતી. (કદાચ કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)

અ’જ્ઞાનવાણી..!!!

થોથામાં સમાયેલી દરેક થીયરી પ્રેકટિકલમાં કામ આવતી નથી.
So always try…
“जैसी उर्मिला, वैसी फॉर्म्युला”
for better result! 🙂

“हरियालीवाले बाबा के १०१ फंडे” માંથી..

કેટલાક ભક્તો ભગવાનની ભીડમાં ખોવાયેલા રહે છે અને કેટલાક ભગવાન ભક્તોની ભીડમાં…!!

શ્રી શ્રી બગીચાનંદની મર્મકથામાંથી…

જીવનમાં અણધાર્યા અકસ્માતથી બચવા માટે પણ સલામત દુરી બનાવી રાખવી જરુરી હોય છે!

બાબા બગીચાનંદના પ્રવચનોમાંથી…