– આજે વાત છે એક અનુભવની અને મારા વિચિત્ર કરતુતોની. અમે પણ એક સામાન્ય માણસ હોવાથી કોઇ અકળ સંજોગોમાં અમારી જાહેર છાપથી વિરુધ્ધ કૃત્ય કરતા હોઇએ છીએ. (એમાં કોઇ નવાઇ નથી. જાહેરમાં ભલે કોઇ ન સ્વીકારે પણ દરેક વ્યક્તિના વ્યક્તિત્વમાં એક આવો ભાગ ચોક્કસ છુપાયેલો હોય છે એવું અમારું દ્રઢપણે માનવું છે.)
– તો.. કથાની શરૂઆત થાય છે મારી નવી ગાડીના રજીસ્ટ્રેશન નંબર મેળવવામાં થયેલ નાનકડી સમસ્યાથી. (જેને મે અહી ચીતરીને મોટી બનાવી દીધી છે.)
– RTO રજીસ્ટ્રેશન વખતે મને જણાવવામાં આવ્યું’તું કે નવી સિસ્ટમ પ્રમાણે નંબર પ્લેટ લગાવવા જવા અંગેની માહિતી મને બે-ચાર દિવસમાં SMS દ્વારા મળી જશે. પરંતુ 27 દિવસ થયા હોવા છતાં RTO દ્વારા કોઇ મેસેજ ન મળવાથી અમે ચોખ્ખી જાણકારી મેળવવા સુભાષબ્રીજ પાસેની ઑફિસે પહોંચ્યા. (દુર બેઠાં જાણકારી મેળવવાના બે-ત્રણ વ્યર્થ પ્રયત્નો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.)
– અહી ખાસ નોંધ લેવી કે મારા ભુતકાળના અનુભવ પ્રમાણે જમીન-મિલકત વિભાગ પછી સૌથી વધુ ભ્રષ્ટ વિભાગના લિસ્ટમાં RTO નો નંબર આવે છે! (આ લિસ્ટની વાતથી યાદ આવ્યું કે મારે ભ્રષ્ટ વિભાગોની એક યાદી જાહેર કરવી જોઇએ.)
– ખૈર, આજે દુઃખ સાથે નોંધવું પડશે કે જુના અનુભવો ફરી તાજા થયા. 1 મેઇન ગેટથી અંદર પ્રવેશતા જ સૌથી પહેલા એક એજન્ટે ગાડી રોકીને આવવાનું કારણ પુછયું. અમે જણાવ્યું. તેણે કહ્યું કે, લાઇન ઘણી લાંબી છે અને તમારો નંબર આવતાં તો સાંજ થઇ જશે અથવા તો કાલે વારો આવી શકે. (આ સમયે લગભગ સવારના સાડા દસ વાગતા હશે.)
– અમે ગભરાયા! (નોંધ: અહી ‘ગભરાયા’ નો અર્થ ડર નથી જતાવતો, પણ અમને જે સમયની અવધી જણાવવામાં આવી તે અંદાજ કરતાં ઘણી વધુ હતી તે તરફ નિર્દેશ કરે છે.) પેલા એજન્ટનો ફરી એક સવાલ આવ્યો, ‘SMS મળ્યો છે?’ મેં કહ્યું, ‘ના’. અને અમને વગર પુછ્યે જાણકારી આપવામાં આવી કે જો SMS નહી મળ્યો હોય તો તો તમારું કામ બીજા કોઇ દિવસે પણ નહી થાય. (જો કે તે જાણકારી અમે અગાઉથી ધરાવતા હતા પણ SMS નો ઇંતઝાર હવે કરવા જેવો નહોતો.)
– મારા સાથીદારે ‘હવે શું કરીશું’ એવા ભાવ સાથે મારી સામે જોયું. મેં તેના પ્રતિભાવમાં મારા ચહેરા પર ચિંતા ઉપજાવીને કહ્યું કે આજે મુશ્કેલીથી સમય કાઢીને અહી સુધી આવ્યા જ છીએ તો કોઇ ચોક્કસ જવાબ લઇને જ પાછા જઇએ તો ધક્કો વસુલ થાય. (અમે અમદાવાદીઓ ધક્કો પણ વસુલ કરી જાણીએ.)
– મેં સૌથી પહેલાં જગ્યા શોધીને ગાડી પાર્ક કરવાનું ‘કામ’ પતાવ્યું ત્યાં સુધી મારી ઑફિસના વ્યક્તિએ, કે જેઓ મારી સાથે આવ્યા’તા, પેલા એજન્ટને અમારી સમસ્યાના નિરાકરણ માટે આગળ શું કરવું તેની વધુ માહિતી મેળવી લીધી હતી. અને જાણવા એ મળ્યું હતું કે અમારી પાસે RTO માં ટેક્ષ ભર્યાની જે રસીદ છે તે દ્વારા ઑફિસની અંદર કોઇ ૧૧ નંબરની બારીએ પુછપરછ કરવી, પણ સાથે-સાથે કામ આજે નહી થાય તે પણ જણાવ્યું હતું.
– “પણ…. જો તમારે આ કામ એક જ કલાકમાં પતાવવું હોય તો એક રસ્તો છે!!” પેલા એજન્ટે હું જયારે ગાડી મુકીને તેની પાસે પહોંચ્યો ત્યારે જ ટહુંકો કર્યો. મારા દ્વારા પુછવામાં આવતાં જ એ જ્ઞાની મહાશયે રસ્તો બતાવવાના બદલે બીજો ટહુંકો કર્યો, “સાતસો થશે.” અને ઉમેર્યું, “SMS ની કોઇ જરૂર નથી, એ બધું હું શોધી લાવીશ.”
– અમે (મેં અને મારા સાથીદારે) એકબીજાની સામે જોયું. પછી મેં તરત જ કહ્યું, “ભાઇ, અમને જાતે કરવા દે ને. પહેલાં હું તો જાણું કે મારો નંબર કયાં અટવાયો છે? અને જો નહી થાય તો તને ચોક્કસ મળીશ.” (તે દિવસે મને ઘણી ઉતાવળ હતી અને પાછળનું વાક્ય કહીને તેનો વિકલ્પ ખુલ્લો રાખવાનું એકમાત્ર કારણ પણ એ જ હતું.)
– અંદર પહોંચ્યા અને અગાઉની ધારણા મુજબ એક નિષ્ફળ/ભ્રષ્ટ તંત્રનો અનુભવ થયો. અડધા કલાકમાં અલગ-અલગ બારીઓ વચ્ચે ખો-ખો રમ્યા પછી જવાબના બદલે થાક મેળવીને અમે બહાર નીકળ્યા. (આ થાક ભરેલી બેગમાંથી થોડો કંટાળો અને ગુસ્સો પણ ડોકીયાં કરતો હતો.)
– ત્યાં તો ફરી એક નવો અજન્ટ ભટકાયો, ‘પાચસો થશે.’… અમે થાકેલી અવસ્થામાં તેની તરફ નજર નાંખીને મુંજવણમાં આગળ વધ્યા. બીજા બે-ત્રણ એજન્ટ-ટાઇપ લોકોએ મદદ કરવાની તાલાવેલી જતાવી પણ અમે તેમને ગણકાર્યા/સાંભળ્યા નહી. ચાલતાં-ચાલતાં બહાર નીકળ્યા અને RTO ઑફિસની બહાર ટાફિક પોલિસની નજર સામે જ ગેરકાયદે ઉભેલી સોડા-શોપ/રિક્ષામાં લીંબુ શરબત ઓર્ડર કર્યો. પીધો. સરસ હતો.
– સાચું શું અને ખોટું શું તેના વિચાર કર્યા. આખા તંત્ર સામે એકવાર કાયદેસર રીતે લડી લેવું એવો વિચાર આવ્યો પણ એ વિચાર લાંબો ન ટક્યો. છેવટે હું મારી સામે જ હારી ગયો. નક્કી કર્યું કે સિધ્ધાંતની પુછડી પકડી રાખીશું તો મેળ નહી આવે. જો કાલે આવીએ અને આ જ હાલત થાય તો? તેના કરતાં તો કોઇ પણ કિંમતે આજે જ પતાવવું સારું. (આ ક્ષણે લગભગ દરેક સામાન્ય માણસને આવો વિચાર આવે તે સ્વાભાવિક છે. નોંધ: આ અમારો અંગત મત છે.) આખરે થોડા મનોમંથન બાદ મેં ખુન કરવાનું નક્કી કર્યું, મારા સિધ્ધાંતોનું! 2
– અમે મન મનાવીને ફરી RTO ની અંદર પ્રવેશ્યા. વળી એક નવો એજન્ટ ભટકાયો. અમે નવેસરથી વ્યથા જણાવી. તેણે અગાઉનો જાણીતો ઉકેલ જણાવ્યો. મારી સાથે આવેલ ભાઇએ ભાવતાલ કર્યા અને છેવટે સોદો ચારસોમાં નક્કી થયો. ગાડીમાં નંબર પ્લેટ લગાવવા સુધી તેની જવાબદારી નક્કી કરવામાં આવી અને તે પુર્ણ થયા બાદ જ વળતર 3 ચુકવવાનો ઠરાવ એક ગંદી-બદસુરત-લાલચુ વ્યક્તિની સાક્ષીમાં પસાર કરવામાં આવ્યો.
– આ એજન્ટ અમારી પાસેથી રીસીપ્ટ લઇને બારીઓની ભીડમાં ગાયબ થઇ ગયો અને થોડી જ વારમાં રજીસ્ટ્રેશન નંબરની માહિતી સાથે પ્રગટ થયો. (બોલો, આટલી માહિતી મેળવવામાં પણ અમને આંટા આવી ગયા’તા.) અને તે કળીયુગના દેવદુતે અમારી ઉપર કૃપા વરસાવતા જણાવ્યું કે ૨૫-૩૦ મિનિટમાં નંબર પ્લેટ પણ લાગી જશે! અમે ખુશ થયા. (અલબત કચવાટ તો હતો, પણ…… બીજો વિકલ્પ નહોતો.)
– આ ૨૫-૩૦ મિનિટ દરમ્યાન જાણ્યું કે ટુ-વ્હિલરની નંબર પ્લેટ લગાવવાનો ભાવ ૨૦૦ ₹ થી ૫૦૦ ₹ સુધી ચાલે છે (જેવી જેની ભાવતાલ કરવાની ફાવટ) અને આ ‘ભાવ’માં અંદરના વ્યક્તિઓ નો પણ ભાવ છુપાયેલો હોય છે. (આ અંદરના વ્યક્તિઓ એટલે કોણ? -આવો પ્રશ્ન પુછવો નહી.)
– સાંભળ્યું છે કે અમદાવાદ RTO ના કોઇ ઉચ્ચ અધિકારીએ આ સિસ્ટમમાં સુધારો લાવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે જેનો વિરોધ પણ ઘણો થયો છે. (એ તો થવાનો જ!! જો આવું કાયમી થઇ જાય તો પેલા ‘બિચારા’ એજન્ટો અને અંદરના લોકોના બૈરી-છોકરાં ભુખે મરે ને!!)
– RTO ની અંદર ચાલતા કાળાબજારની ઘણીબધી વાતો જાણી પણ આજે તે બધું અહી લખવામાં મારો સમય બગડશે એવું લાગે છે. આમ પણ આ ઘટનાની વાત ઘણી લંબાઇ ચુકી છે. (જોયું! અમે વાચકનો પણ કેટલો ખ્યાલ રાખીએ છીએ!)
– પહેલા એક વિચાર એ પણ આવ્યો કે આવા અનુભવની પોસ્ટ પ્રાઇવેટ રાખવી જોઇએ જેથી લોકોને હું કેવા-કેવા સેટીંગ કરું છું તેની ખબર ન પડે અને મારી સારા માણસ હોવાની છાપ (જો હોય તો) જળવાઇ રહે. (જો કે હવે તો સૌને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ વાતો જાહેર કરીને મેં જ મારા હાથ પર હથોડો માર્યો છે! 4 )
# ક્ષમાયાચના: આ પોસ્ટને ઘણાં દિવસ સુધી ડ્રાફ્ટમાં ફસાયેલી રાખવા બદલ સંસ્થા દિલગીર છે. મુળ સવાલ એ નડતો હતો કે શું લખવું અને કેટલે સુધી લખવું. વળી, જાહેરમાં લખવુ કે અંગતમાં ઉમેરવું એ પણ એક કારણ ગણી શકાય. (સમય ન મળ્યો -એ કારણ અહી ઉમેરી શકાય પણ કોઇને એમ લાગશે કે હું કાયમ એક જ બહાનું બતાવું છું એટલે આ વખતે તેને ઉમેરતો નથી!)