છળ કે વાસ્તવિક્તા?

આ કોઇ છળ કે સપનું નથી ને? વાસ્તવિક્તા આટલી ભયાનક ન હોઇ શકે!? આવું બધું ફિક્શન-મુવી કે વાર્તાઓમાં જ બની શકે યાર..

છેલ્લા બે-ત્રણ દિવસથી સો વાર પોતાની જાતને ખાતરી કરાવી ચુક્યો છું કે હું પુરેપુરો સભાન-અવસ્થામાં છું અને જે બની રહ્યું છે તે બધું સાચે જ થઇ રહ્યું છે!.. દરેક ઉંઘ પછી ઉઠીને હું પોતાને ડબલ-ચેક કરું છું; છતાંયે હજુ મન સ્વીકારવા તૈયાર નથી.

દરેક સાથે બન્યું હશે કે ઉંઘમાં કોઇ સપનામાં એવા ખોવાઇ જઇએ કે તે ક્ષણે ઘટતી વિચિત્ર અવાસ્તવિક ઘટનાઓને જ સાચી માની લઇએ અને આપણે પોતાને ત્યાં સાચે હોવાનો ભ્રમ થઇ આવે. આંખો ખુલે ત્યારે અહેસાસ થાય કે તે માત્ર એક સપનું જ હતું.

મારી સાથે આવું અનેકવાર બની ચુક્યું છે. બિમારીના સમયમાં મને ખરાબ સપના નિયમિત આવતા હોય છે જેમાં એવું-એવું બન્યું હોય છે કે જે વિશે ફરી વિચારતા કંપારી છુટી જાય. હા, મોટાભાગે ભુલાઇ જાય પણ કોઇ-કોઇ સપનાઓ યાદ પણ રહી જાય.

અંદરથી હજુયે ક્યાંક એમ થયા રાખે છે કે મારી ઉંઘ પુરી થશે પછી અથવાતો ગભરાટની એક હદ પછી હું જાગી જઇશ અને આખી દુનિયા જેવી હતી એવી જ ફરી મળી જશે! છેવટે કોરોનાનો ભય એક ખરાબ સ્વપ્ન બનીને રહી જશે. કાશ….

જો આ જ હકિકત હોય તો ખરેખર ભયાનક સમય હવે આવવાનો છે. મારી જનરેશનમાં કોઇએ આવી વૈશ્વિક કુદરતી આફત કે વિશ્વયુધ્ધકાળ નથી દેખ્યો. હાલ તો ઘરમાં જ રહેવું પડે એમ છે. એમપણ સલામત રહેવાનો આ એકમાત્ર ઉપાય છે.


સાઇડટ્રેક: માત્ર વાસ્તવિક્તામાં માનતો હોવા છતાં મને ક્યારેક એવું લાગતું હોય છે કે મારી સામે હકિકતમાં બની રહેલી ઘટના ઘણાં સમય પહેલાં મારા કોઇ સપનામાં બની ચુકી છે.