– છેલ્લી અપડેટ્સથી આજસુધી જીવનમાં ઘણું ઘણું બન્યું છે. (બેશક નોંધ નથી થઇ, પણ આ દિવસો નોંધનીય જરૂર હતા.) જો કે અહી તે બધું નોંધ કરી રાખવાથી તેમાં કોઇ ફરક નહોતો પડવાનો, પણ તે ન લખવાથી ભવિષ્યના કોઇ સમયે મને થોડો અફસોસ જરૂર થશે એવું લાગે છે.
– અત્યાર સુધી મહિનાઓમાં જેની ગણતરી થતી હતી એ અનિયમિતતા હવે સિઝનમાં ગણવી પડે એવા દિવસો આવી ગયા છે. અહી ક્યારેક આવા દિવસ પણ આવશે તેની કલ્પના મારા બગીચાની શરૂઆત કરતી વખતે મેં નહોતી કરી. (કલ્પના ન હોય એવું બનતું રહે એ જ તો જીંદગી છે ભાઇ..)
– મે મહિનાની ગરમીમાં જન્મદિવસે કંઇક લખ્યું’તું અને હવે તો છોટુંના જન્મદિવસના વરસાદી દિવસો આવી ગયા છે. સમયના ચક્કરને કોઇ ધીમે કરવાનો રસ્તો બતાવો યાર, સુપરફાસ્ટ સુધી ઠીક હતું પણ હવે તેની આગળ વધવાની ગતિ બુલેટટ્રેનની છે.
– હું આજકાલ ખોટું સખત બોલી રહ્યો છું. (કારણ ન પુછશો, કારણ મને ગમે છે.) આમ તો આ વાત જાહેરમાં છેડવા જેવી નથી, પણ જવા દો ને યાર.. પ્રાઇવેટ પોસ્ટ માટે બાકી રાખીશ તો ક્યારેય નહી લખાય. એમ તો આ બધામાં કોઇને કંઇ જ નુકશાન નથી તેની ખાતરી છે અને જો કંઇ છે તો તે માત્ર ફાયદો છે. કોઇ-કોઇ જુઠ સો સચ સે બેહતર હોતે હૈ! (અને હા, ફાયદા વગર તો ખોટું બોલવાનો પણ શું ફાયદો?)
– મનની અંદર એક હલચલ છે જે ઘણાં લાંબા સમયથી મારી સાથે ચાલી રહી છે તે વિશે હું હજુયે કંઇ નક્કી નથી કરી શકયો. કયારેક કોઇ એવી સ્થિતિમાં આપણે હોઇએ કે જે વિશે તમે કોઇને કહી ન શકો પણ કોઇ એવી વ્યક્તિની જરૂર પણ હોય કે જે સંપુર્ણ દ્રશ્યને એકવાર તમારી નજરે જોઇ શકે, સ્વીકારી શકે. (મને એમ તો કોઇની જરૂર નથી પણ કોઇ એવું હોત તો તેની મદદ ચોક્કસ લીધી હોત.)
– ધંધાકીય કામ આજકાલ એવું છે કે મારી પાસે ઘણી પ્રવૃતિઓ માટે સમય છે પણ આ બીજી પ્રવૃતિ માટે હું પુરો સમય ફાળવી નથી શક્તો એટલું કામ છે. (આમાં કંઇક વિચિત્ર લાગશે પણ હાલત એ જ છે. સમજાતું કંઇ નથી ‘ને મને બધી ખબર પણ છે!) કેટલીક જવાબદારીઓ મને આવીને વળગી છે તો કોઇ-કોઇ ને મેં જાતે ગળે લગાડી છે.
– ફરી એકવાર વ્રજના જન્મદિવસનું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. આ વખતે અલગ કંઇ કરવાની ઇચ્છા નથી. જે ગયા વર્ષે હતું તે જ આયોજન રીપીટ કરવાનો વિચાર છે. (કેકની સાઇઝ થોડી મોટી રાખવાની અને ગાડીના બદલે મોટું-પતલુંના ફોટો-વાળી કેક માટે વ્રજ તરફથી ફરમાઇસ આવેલ છે.)
– વરસાદે એકવાર જોર બતાવીને વિરામ લીધો છે. ગુજરાતમાં કોઇ વિસ્તારોમાં પુરની સ્થિતિ બની હતી જે ખરેખર ગંભીર કહેવાય. અમદાવાદમાં તો વિરામના કારણે ભરાયેલા પાણી હવે ઉતરી ગયા છે પણ રિવરફ્રન્ટ હજુયે પાણીમાં છે. (કોઇ વર્ષે વરસાદના થોડાક વધુ પ્રમાણથી જો રાજ્યમાં આવી સ્થિતિ ઉદભવતી હોય તો તેને માત્ર આયોજનનો અભાવ કહી શકાય.)
– સામાન્ય રીતે હું કોઇ એક દિવસને ખાસ તરીકેની ઉજવણીમાં માનતો નથી પણ હવે એમ લાગે છે કે એમ ખાસ દિવસના બહાને પણ કોઇને એક દિવસ યાદ કરવાનું બહાનું મળતું હોય તો આ પરંપરા સ્વીકારવામાં કોઇ વાંધો નથી. ઓકે તો.. સૌને હેપ્પી ફ્રેન્ડશીપ ડે!
– સુંદર મિત્રતા જીવનની એક મુડી કહેવાય. મિત્રો ઘણાં હોવા કરતાં જ્યાં સાચી મિત્રતા ઘણી હોય તે ઉત્તમ સંબંધ. (પણ આ સાચી મિત્રતાનું માપદંડ શું હોઇ શકે એ નક્કી થાય એમ નથી. અહી બધે સગવડીયો ધર્મ છે, દરેકના માપદંડ અલગ-અલગ હશે.)
– આજે મારા નજીકના મિત્રો પ્રત્યે નજર કરું છું તો મને કોઇ એક એવા મિત્રની ખોટ જણાય છે કે જે મને મારી ખામી-ખુબી કે વિચિત્ર વિચારો સાથે સ્વીકારી શકે. ભલે કોઇ જરૂર ન હોય પણ જેની સામે દિલ ખોલીને અને ખભે માથુ મુકીને રડી શકાય એવો એક વ્યક્તિ જીવનમાં હોવો જ જોઇએ એવું હું માનું છું. હું ઘણાં મિત્રો માટે તે વ્યક્તિ છું પણ મારી માટે હજુ તેવી વ્યક્તિને શોધી નથી શકયો. (જો કે વિશ્વાસપાત્ર મિત્રો તો છે પણ હું હજુ મારી જાતને મારા સુધી સિમિત રાખવામાં ઘણી સલામતી અનુભવુ છું.)
– ઓકે હવે રાત ઘણી થઇ રહી છે તો બીજી વાતો પછી કરીશ. અહી અપડેટ્સની પોસ્ટ નિયમિત લખતા રહેવાનો હું મને વાયદો કરીને આજે રજા લઉ છું..
– આવજો. ખુશ રહો!