અનિર્ણાત્મક મનોદશા

. . .

– જીવનમાં સંયમિત વિચાર માર્ગે આગળ વધતા રહેવાને બદલે આજે મને એવું લાગે છે કે હું રાહ ભટકી રહ્યો છું. (કોઇ સાવ નાની વાતમાં તુટી પડું એટલો કમજોર તો હું નહોતો જ.)

– ભલે કોઇ કારણસર પણ જે અચાનક કરવામાં આવ્યું તે હવે થોડું ડંખતુ હોય એવું લાગે છે. (જે હકિકતમાં છે નહી, તેની આજે ખોટ સાલે છે !!)

– એવું નથી કે ખરાબ અનુભવ પહેલા નથી થયા તો પછી એ નિર્ણય અત્યારે જ કેમ એ જાણવા ઘણાં મિત્રો રાહ જોઇ રહ્યા છે. તો ત્રણ-ચાર મિત્રોને એવું લાગે છે કે મે તેમની સાથેના અનુભવ બાદ આ કાર્ય કર્યું છે. (દરેકને સ્પષ્ટતા કરવી અઘરી છે અને તેઓ કંઇ પણ વિચારે પણ તેમના પ્રત્યે દિલથી લાગણી જરૂર છે.)

– ફેસબુક છોડવું આમ તો અઘરું નથી પણ હવે લાગી રહ્યું છે કે કોઇ ઉતાવળીયો નિર્ણય તો નથી ને ? (જો ખરેખર એવું લાગશે તો પરત જતાં ખચકાવું ન જોઇએ.)

– એકવાર બોલ્યા એટલે બધુ છોડી જ દેવું જરૂરી પણ નથી, કેમ કે લાગણીથી સાથે જોડાયેલા અને મને પણ જેમનો સાથ ગમતો એવા દોસ્તોને સાવ એમ જ છોડી દેવા એ જીદ કહેવાશે. (‘કોઇ શું વિચારશે ?’ – એ સવાલ એટલો અગત્યનો નથી.)

– હજુ એક-બે દિવસ ખુદની પરિક્ષા લઇ જોઉ છું, જો મને ખરેખર એમ લાગશે કે ત્યાં રહેવું ખોટું નથી તો પછી ચોક્કસ પરત ફરવામાં આવશે અને જો એમ લાગ્યું કે મારા ત્યાં રહેવા કે ન રહેવાથી મને કે મારા મિત્રોને કોઇ ખાસ ફરક નથી પડતો… તો પછી આખી પ્રોફાઇલ ડીલીટ કરવાનો વિચાર અમલમાં મુકી દેવાશે. (ન રહે બાંસ, ન બજે બાસુરી !) જે મિત્રો મારી સાથે સંપકમાં રહેવા ઇચ્છે છે તેમની માટે હું અહિયાં તો છું જ.

– ફેસબુક મિત્રોમાં જેમને મારા આ કાર્યથી દુઃખ થયું હોય (ખાસ તો તે મિત્રોને જે એમ સમજે છે કે આ તેઓના કારણે કર્યું છે) તેમને.. સૉરી… દિલથી..

. . .

– (માત્ર જાણકારી હેતુ) ટાઇટલમાં જે ‘અનિર્ણાત્મક મનોદશા’ લખ્યું છે તે ‘કન્ફ્યુઝન’ શબ્દનો ગુજરાતી અનુવાદ છે !!

થોડા સંભારણા અને અહેવાલ

. . .

– ઘણાં દિવસ પછીની પોસ્ટ. (જેમાં બે દિવસ નેટ-ઉપવાસના પણ આવી ગયા.)

– ૨૦૧૧ નુ વર્ષ પુરૂ કરીને ૨૦૧૨માં (મંગળ) પ્રવેશ. (તારીખમાં સાલ લખતી વખતે એક મહિના સુધી ભુલ થશે જ.)

– દિવાળીએ નવુ વર્ષ ગણવું એ હવે માત્ર વ્યવહારમાં જ બચ્યુ છે, આચરણથી આપણે સૌ અંગ્રેજી મહિનાઓ પ્રમાણે જ ચાલીએ છીએ. (મારા મતે ગ્લોબલ સમયમાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્તવું જરુરી છે.)

– ઇંટરનેટ ઉપયોગની મારી શરુઆત ૨૦૦૧ માં ઇમેલ અને ઇમેલ ગ્રુપ થી શરૂ થઇને ૨૦૦૩ માં યાહુ-ગ્રુપ, ગુગલ-ગ્રુપ વાયા ૨૦૦૮ માં ફેસબુક-ઓરકુટ બાદ ૨૦૧૧ માં બ્લોગ પર ચાલી રહી છે. જેમાં પ્રગતિની દ્રષ્ટિએ ૨૦૧૧ નુ વર્ષ ઘણું અગત્યનું ગણાશે. (હવે એક બિઝનેસ વેબસાઇટ બનાવવાનો વિચાર છે.)

– મારી ધંધાકીય કારકિર્દીમાં પણ ગયુ વર્ષ અગત્યનુ રહ્યુ. મારા ભવિષ્યની દિશા (અને દશા) બદલી શકે એવા ઘણાં મોટા અને અગત્યના નિર્ણયો આ વર્ષમાં લેવાયા છે.

– પરિવારમાં ઘણો આનંદ રહ્યો. કોઇ ખાસ પારિવારીક પ્રસંગ ન હોવા છતાં દરેક સાથે સતત સંપર્કમાં રહ્યાની ખુશી થઇ. (બધા સંપીને હળી-મળીને રહે એનાથી વધારે કંઇ ન જોઇએ.)

– ઓનલાઇન અને ઓફલાઇન ઘણાં નવા લોકો મળ્યા, જાણ્યા અને અનુભવ્યા. મિત્રો બનાવવા, જાળવવા અને મેળવીને ગુમાવવાનો દોર આ વર્ષે પણ ચાલુ રહ્યો. (એકાદ ઘટનાના બાદ હવે મિત્રો બનાવવા અને તેમને જાળવવા અંગે મે મારી માટે કડક નિયમો લાગુ કર્યા છે.)

– પરિવાર અને દોસ્તોમાં કેટલાક દુરથી નજીક આવ્યા તો કેટલાક નજીકથી વધુ નજીક આવ્યા અને કોઇ વધુ નજીકથી થોડે દુર ગયા. (આ અંતર મારી નજરે નોંધાયેલ અંદાજીત અંતર હોવાથી તેની વાસ્તવિકતા અલગ પણ હોઇ શકે.)

– ઓનલાઇન મિત્રો ગયા વર્ષ દરમ્યાન પ્રમાણમાં વધુ હાવી રહ્યા. (પણ હવે તેમાં ફરક પડશે એવો કાયદો બની ગયો છે અને તેને મારી સંસદમાં પાસ પણ કરી દેવાયો છે !!)

– હવે નજર વર્તમાન તરફ છે. ભવિષ્યની પરવાહ પહેલા પણ નથી કરી એટલે આવનારા વર્ષમાં શું કરવું તે જે-તે સમયે નક્કી કરવામાં આવશે. (જેવા પડશે એવા દેવાશે.)

– પહેલા કરતાં આજે હું વધારે પ્રેક્ટિકલ, પરિપક્વ અને માનસિક રીતે મજબુત બન્યો છું. (કોઇની પર અંધ વિશ્વાસ મુકવાની આદત હવે લગભગ છુટી ગઇ છે.)

. .

– અને છેલ્લે વાચકો માટે ખાસ ચોખવટ : હું ઉંમરમાં હજુ ૨૫ વર્ષનો છું અને કોઇ એન્ગલથી લેખક પણ નથી એટલે મારી વાતોમાં ઉંમર અને કમ-અનુભવનો પ્રભાવ કે કમજોરી રહેવાની જ.. (વધુ આશાઓ રાખવી વાચકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. – જનહિતમાં પસ્તુત)

. . .