June’13 : અપડેટ્સ-2

. . .

– મારો ટીનટીન તેના મામાના ઘરે જવાનું બહાનું કાઢીને તેની મમ્મીના પીયરે ગયો છે, પણ ગઇકાલે આધારભુત સુત્રો દ્વારા મને સમાચાર મળ્યા કે એ બન્ને તો મારા સસરાના ઘરે પહોંચ્યા છે!! (જોયું…. બંને મને છેતરીને કયાંથી કયાં પહોંચી જાય છે.)

– એક બાબતમાં મેડમજી સામે હું જીતી ગયો. તેને એમ હતું કે અમારો વ્હાલો પહેલા ‘મમ્મી’ કે ‘મમા’ બોલવાનું શીખશે પણ માય ડીયર સન સ્પષ્ટ રીતે ‘પપ્પા’ બોલતા શીખી ગયો છે. (કયારેક ‘પાપા’ પણ બોલે છે) અને હજુ તો આ ભાઇસાબ ‘મમ્મી’ નો ‘મ’ બોલતા પણ નથી શીખ્યા! તેના દાદા-દાદી પણ આ રેસમાં હારી ગયા!

– વજન અપડેટ : 52 કિલો. આ રફ્તાર થોડી ધીમી પડી છે પણ ડૉક્ટરનું કહેવું છે કે ‘શરીરનો વિકાસ અમુક તબક્કા પછી ધીરે-ધીરે થાય છે. એટલે બેટા, ધીરજ રાખજે….’

Continue reading “June’13 : અપડેટ્સ-2”

ગુજરાતી બ્લૉગર મિત્રો માટે બે ટીપ્સ !

. . .

– અમને બ્લૉગ જગતમાં આવ્યાને બે વર્ષ થઇ ગ્યા એટલે હવે અમે એકાદ સલાહ આપવાની લાયકાત તો ધરાવીએ છીએ. (મારા વધુ અનુભવી વડીલો આ કુચેષ્ઠા બદલ ક્ષમા કરશે એવી આશા છે.) આ મારો બગીચો આમ તો મારા વિચારો અને અનુભવો માટે જ છે છતાંયે અમે કયારેક સલાહ આપવા માટે આ જગ્યાનો દુરૂપયોગ કરી લઇએ તો કોઇને વાંધો તો ન જ હોય ને..

– એક અનુભવીની નજરે જોઇએ તો આ સલાહમાં નવું કંઇ નથી અને તેનો અમલ કરવાથી કોઇ મોટો ફાયદો પણ નથી થવાનો. (જો ફાયદો થતો હોત તો અમે તેને મફત આપતા ન હોત!! 😉 )

– ઓકે, ફાયદો નથી થતો તેનો મતલબ એ નથી કે તેનું કોઇ મહત્વ નથી. ભલે મોટી વાત ન હોય પણ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી બ્લૉગ સુંદર અને લખાણ વાંચનલાયક બને છે. હા, આ વાંચનલાયક લખાણનો મુખ્ય આધાર તો તમે ‘શું’ લખો છો તે ઉપર જ રહેવાનો ! (મારી જેમ કંઇ પણ લખ્યા રાખશો તો કોઇ નહી વાંચે..)

– ચલો હવે, ટીપ્સ ઉર્ફે સલાહ :

1. તમે તમારી પોસ્ટનું ટાઇટલ ભલે ગુજરાતીમાં રાખો પણ તેની લીંક અંગ્રેજી ભાષામાં જ રાખો.

# કારણ – ગુજરાતી ભાષા બ્રાઉઝરના એડ્રેસબારમાં હજુ સર્વ-સ્વીકૃત નથી એટલે જયારે આવી કોઇ પોસ્ટને તેનું url ટાઇપ કરીને બ્રાઉઝરમાં સીધી જ ઓપન કરવી શક્ય નથી હોતી, જે અંગ્રેજીમાં જ શક્ય છે. અંગ્રેજીમાં લીંક રાખવાથી તેને share કરવું સરળ રહેશે અને કોઇ પણ જગ્યાએ જે-તે પોસ્ટની લીંક આપશો તો લીંક ઉપરથી જ લખાણના વિષયનો પણ ખ્યાલ આવી જશે. આ ઉપરાંત લીંકને અંગ્રેજીમાં રાખવાના બીજા પણ ઘણાં ફાયદા છે જે આપને ધીરે-ધીરે સમજાઇ જશે.

# કઇ રીતે કરશો – આમ તો આ ઘણું સરળ છે. વર્ડપ્રેસમાં જયારે તમે ટાઇટલ લખો છો ત્યારે તેના પ્રમાણે જ ઓટોમેટીક લીંક બની જતી હોય છે. દા.ત.: જો તમે ગુજરાતીમાં ટાઇટલ લખશો તો તેની લીંક ગુજરાતીમાં જ બની જશે! પણ ટાઇટલની નીચે જ તેને બદલવા માટે ઓપ્શન આપેલ છે જે નીચે ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે.

tips_mb_1. .

2. પોસ્ટને પુરી લખ્યા બાદ તેને Full Alignment માં ગોઠવી દો.

# કારણ : બ્લૉગમાં ઉમેરેલી માહિતીને સુંદર દેખાવ આપવા માટે !!
આપ જાણો છો કે વાંચનારને કંઇક સુંદર દેખાશે તો જ તે વધારે સમય ત્યાં રોકાશે. પોસ્ટને full alignment કરવાથી દરેક લાઇનની શરૂઆત અને અંત ચોક્કસ જગ્યાએ ફિક્ષ થઇ જશે. આ વિશે લખીને સમજાવવું થોડું અઘરું છે એટલે એક બ્લૉગરના મુળ લખાણના અને તેને ‘Align Full’ કર્યા પછીના ફોટો મુકયા છે. (ફોટોને વધુ મોટી સાઇઝમાં જોવા તેની ઉપર કલીક કરશો.)

પહેલા
પહેલા
પછી
પછી

# કઇ રીતે કરશો : જો ખરેખર રસ જાગ્યો હોય તો જાણી લો. આમ તો આ એક સરળ ઓપ્શનનો જ કમાલ છે (ઘણાં જાણે છે પણ આળસમાં તેને અડતા જ નથી!) જે વર્ડપ્રેસમાં સ્ક્રીન ઉપર જ ઉપલબ્ધ હોય છે. Underline ના ઓપ્શનની બાજુમાં જ Align Full નું બટન શોભી રહ્યું છે તે જોઇ લેજો ! તેનો કી-બોર્ડ શોર્ટ કટ છે – [Alt+Shift+J]  અને હજુયે ના મળ્યું હોય તો નીચેનો ફોટો તમારી માટે જ છે સજ્જનો….

tips_mb_2

. .

– આજે આપવા માટે માત્ર બે જ ટીપ્સ છે. જો કે બીજુ તો ઘણું બધું છે ટીપ્સમાં આપવા જેવું પણ તમે બધા એટલા હોંશિયાર છો કે મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને ક-ખ-ગ શીખવવા જેવું લાગશે! એટલે કંઇ નવું કે ખાસ જણાશે તો જ અહી મુકવામાં આવશે.

(*મહાવિદ્યાલય=કૉલેજ)

. . .