તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે; છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે; અને એ મુર્તીને શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજતાં હોય છે!!

– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી. આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો,
જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની..

ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે!”


*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને ત્યારે જાહેરમાં મુકી નહોતી. (કદાચ કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)