. . .
# આજે ટાઇમ છે થોડા રાજકીય અપડેટ્સની નોંધ લેવાનો…
– શ્રી શરદ પવારને થોડા દિવસ પહેલા સામાન્ય નાગરિકની થપ્પડ પડી જેની ગુંજ આખાયે દેશમાં સંભળાઇ. (તે સંભળાય જ ને….ન્યુઝ ચેનલવાળાએ એક જ ટેપને ફેરવી ફેરવીને હજારવાર બતાવી હતી.)
– ઉચ્ચસ્તરના (સંસદ સભ્ય જેવા) નેતાઓ સિવાય દરેકને આ વાત ગમી અને લાફો મારનાર હરવિંદર સિંહ સામાન્ય જનતામાં હિરો બની ગયો. (દેશના કોઇ અગ્રણી નેતા પર આવો હુમલો થાય એ પ્રથમ નજરે નીંદનીય કૃત્ય કહેવાય પણ કેમ જાણે આ ઘટનાથી કંઇ અજુગતુ બન્યુ હોય એવુ નથી લાગતુ.)
– શીખ જાતિની મર્દાનગી પ્રત્યે માન થઇ આવ્યું પણ… રબ્બર સ્ટેમ્પ સમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહને જોઇને મન ભરાઇ આવ્યું. (કયારેક ખરેખર થાય કે શ્રી મનમોહન સિંહે રાજનીતિ છોડીને માત્ર નીતિ-વિષયક જગ્યાએ જ પોતાની સેવા આપવી જોઇએ.)
– આજકાલ FDI ના વિરોધમાં દેશવ્યાપી બંધના એલાન અપાય છે અને સંસદની મહત્વની કામગીરી ઠપ પડી છે. FDI નો આટલો બધો વિરોધ મને સમજાતો નથી. મારા મતે રીટેલક્ષેત્રે ખુલ્લા અને હરિફાઇવાળા બજારનો લાભ અંતે તો ગ્રાહકને મળવાનો છે તો પછી વિરોધ શા માટે ? કદાચ આ મુદ્દે સામાન્ય લોકોમાં કોઇ ગેરસમજ છે અથવા ફેલાવવામાં આવી છે.
– FDI ના કારણે (જન)લોકપાલવાળો મુદ્દો ભુલાઇ ગયો છે. (અણ્ણાજીને ફરી ઉપવાસ કરવા માટે અત્યારથી તૈયાર રહેવું પડે એવા એંધાણ વર્તાય છે.)
– માનનીય અણ્ણાજીને એક મફત સલાહ : જયારે પણ આ મુદ્દે ઉપવાસ કરો ત્યારે ધ્યાન રાખવું કે શ્રીમતી સોનિયા ગાંધી ભારતમાં જ હાજર હોય જેથી સરકાર તરફથી નિર્ણય ઝડપથી આવી શકે.
– સરકારને સલાહ : જયારે શ્રીમતી સોનિયાજી વિદેશ પ્રવાસે જાય ત્યારે ઓફિસિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવું જોઇએ કે અત્યારે કોઇએ ઉપવાસ-આંદોલન કે અન્ય કોઇપણ પ્રકારના આંદોલનો ન કરવા. ( કેમ કે અમે જાતે કોઇ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી.)
. . .