31st March – અપડેટ્સ..

. . .

– આજે ૩૧, માર્ચ. નાણાંકીય હિસાબી વર્ષનો છેલ્લો દિવસ. (કાલથી ઘણી ધમાલ શાંત થઇ જશે.)

– કેટકેટલાયે કામ યાદ કરી-કરીને પુરા કરવાના અને કરાવવાના. (લોકોને વારંવાર કહીને ચલાવવા પડે..) જાતે કામ કરવા પણ તૈયાર રહેવું પડે..

– અને આજે.. જાતે કામ પુરૂ કરવાની એ જ હોંશિયારીની એક સાહસ-કથા…

– ટોરેન્ટ પાવરનું એક બીલ ત્રણ દિવસ પહેલા જ મળ્યું’તું. ત્યારે ચેક લખી રાખ્યો હતો પણ ટોરેન્ટમાં ભરવાનો ભુલાઇ ગયો. આજે અચાનક યાદ આવ્યું અને કામ જાતે પુરું કરવાનું નક્કી કર્યું.

– સૌ પ્રથમ ટોરેન્ટ પાવરની લોકલ ઑફિસની મુલાકાત. ત્યાં પહોંચતા જ જાણવા મળ્યું કે આજે છેલ્લો દિવસ હોવાથી નારણપુરા જ જવું પડશે. (વિચાર આવ્યો કે માત્ર એક ચેક ભરવા ભરબપોરે નારણપુરાનો ધક્કો કોણ ખાય….પણ..) હાથમાં લીધેલું કામ પુરું કર્યા વગર પરત ફરવું ‘હાર’ જેવું લાગ્યું એટલે છેલ્લે નારણપુરા ઝોનલ ઑફિસ સુધી લાં….બા થવાનું નક્કી કર્યું.

– નારણપુરા ઑફિસ પહોંચ્યો અને છેલ્લા દિવસે બિલ ભરનારની લાંબી લાઇનમાં નંબર લગાવ્યો. ૧૫-૨૦ મિનિટની તપસ્યા પછી મારો નંબર આવ્યો અને જાણવા મળ્યું કે મારું મીટર કનેક્શન શાહપુર ઝોનલ ઑફિસની હદમાં આવે છે અને આજે ૩૧ માર્ચ હોવાથી તે અહી સ્વીકારવામાં નહી આવે. (બહુ ગુસ્સો આવ્યો…. ઽ%#%&^%$*#@~%, આ જ વાત મને પેલા લોકલ ઑફિસવાળાએ જણાવતા શું જતું હતું?) આટલે સુધી પહોંચીને હવે પરત ફરવાનો કોઇ સવાલ જ નહોતો એટલે બીજા વિકલ્પના અભાવે શાહપુર જવા માટે કમને મન મનાવ્યું.

– હવે, શાહપુરની મુલાકાત આ જીંદગીમાં તો કરી નહોતી એટલે કોલંબસની જેમ એક નવા વિસ્તારની શોધમાં નીકળી પડયો પણ ત્યાં સુધી પહોંચવામાં ખરેખર આંટા આવી ગયા. સાંકડા રસ્તાઓમાં એક જગ્યાએ થોડો ભુલો પડયો તો ગાડીને ફેરવવામાં નાની યાદ આવી ગયા. (હેલ્લો નાની.. 😀 ) ગલીઓ-કુંચીઓ ખુંદીને જેમતેમ પહોંચ્યો તો ખરો પણ “પહોંચીને નીરખું તો પાર્કિંગ ન મળે”… હાય રે મેરી કિસ્મત… 🙁 (આખરે.. ગાડીને રોડના કિનારે અને ‘રામ ના ભરોષે’ પાર્ક કરવામાં આવી.)

– બિલ્ડીંગ પ્રવેશ બાદ બીલ ભરવાની વિધી પતાવી ત્યાં તો સામે દિવાલે શોભતું ‘કમ્પલેઇન બોક્ષ’ દેખાણું ! થયેલ હેરાનગતિ બાબતે એક લાંબીલચક ફરિયાદ ઠપકારવાની મને ભારે ઇચ્છા થઇ આવી પણ ભુખ્યા પેટ દ્વારા ઘડીયાળમાં થયેલો સમય બતાવવામાં આવ્યો અને મારી ઇચ્છા વિરૂધ્ધ તેની મજબુરી જતાવી એટલે પેલી ભારે ઇચ્છાનું ઠંડા કલેજે ખુન કરવું પડયું… (નોંધ- હું કોઇ ખુની નથી) અને ફાઇનલી ‘કામ પુરું થયું’ તેની વિજયી મુદ્રામાં ગાડીના ટાયરને ઘર તરફ વાળવામાં આવ્યા.

– આજની શીખ :

  • વર્ષના છેલ્લા દિવસે આવી કોઇ બહાદુરી ન બતાવવી.
  • અને ખરેખર ઇચ્છા થઇ જ આવે તો પહેલા સંપુર્ણ જાણકારી એકઠી કરી લેવી.
  • શાહપુરમાં ગાડી લઇને ન જવું.
  • પાવર કનેક્શન કઇ ઝોનલ ઑફિસની હદમાં આવે છે તે જાણકારી હોવી જોઇએ.

. .

નક્કામી નોંધ : ઉપરની વાતમાં આવતા શબ્દો જેવા કે તપસ્યા, ઇચ્છા, ખુન.. વગેરેને કોઇ બેકાર ટીવી-સિરીયલના પાત્રો કે તેની કોઇ ઘટના સાથે કાંઇ લેવા-દેવા નથી અને જો કોઇ સંબંધ હોય તો તેને માત્ર સંયોગ કહેવાશે.

. . .

આજની વાત

તાઃ ૨૦-૯-૨૦૧૧

. . .

– બે દિવસથી વરસાદે આરામ ફરમાવ્યો છે એટલે લાગે છે કે હવે વરસાદના વળતા પાણી છે !!!

– રવિવારના દિવસનો એકદિવસીય નેટ-ઉપવાસ એકંદરે સફળ રહ્યો. (હા, સાંજે એક વખત મોબાઇલ દ્વારા ઇમેલ ચેક કરવાથી મારી જાતને હું રોકી ના શક્યો તેનુ પછી દુઃખ પણ થયું. )

– ન.મો.ના ઉપવાસ પત્યા અને નવા ઉપવાસ સત્રની જાહેરાત પણ થઇ. મોદીની આ નવી ફોર્મ્યુલા ચાલશે કે નહી તે તો સમય કહેશે.. અત્યારે તો તેમને તથા તેમના વિરોધીઓને રાજકીય રોટલા શેકવાનો સમય મળી ગયો છે અને પબ્લીકને વાગોળવા નવો મસાલો પણ !! 🙂

– પેટ્રોલના ભાવ વધ્યાનો આંચકો ગઇ કાલે બાઇકમાં પેટ્રોલ નખાવતી વખતે વધારે જોરથી લાગ્યો. (હવે તો મારી જુની સાઇકલને સમારકામ કરાવીને વાપરવાના દિવસો આવશે એ સમય દુર નથી લાગતો.)

– એક આઇડીયા આવ્યો છે કે – અમદાવાદમાં મોટા અને ખાસ રોડ પર સ્પેશીયલ સાઇકલ ટ્રેક બનાવીને લોકોને સાઇકલ સવારી તરફ આકર્ષિત કરવામાં આવે તો ઘણું બધુ ઇંધણ બચાવી શકાય અને લોકોની સેહત સુધરે તે નફામાં. (જો કે તે પહેલા આપણે ત્યાં બપોરના તડકાથી બચવા છાપરાવાળી સાઇકલો માર્કેટમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે.)

– નવરાત્રી નજીક આવી રહી છે. દાંડીયા-રાસનો શોખ ખરો પણ બાજુમાં આવેલા પાર્ટી પ્લોટવાળા મોડે સુધી માથુ પકવશે તે યાદ આવતા આ તહેવારનો શોખ શોકમાં ફેરવાઇ જાય છે. (રોજ એકના એક ગીતો અને ગરબા આખરે કેટલી વાર સહન થાય ?? 🙁 )

– ફેસબુક પેજમાં નવું વેલકમ-પેજ બનાવ્યું છે – જોઇને અભિપ્રાય આપવા વિનંતી. આ રહી તેની કડી –  https://www.facebook.com/marobagicho?sk=app_106171216118819

– આ બ્લોગથી મળેલ શીખ – માત્ર પ્રોડકટ બનાવવામાં જ રચ્યા-પચ્યા રહેવા કરતાં તેનું યોગ્ય માર્કેટીંગ પણ કરતા રહેવુ જોઇએ. તો જ પ્રોડક્ટ માર્કેટમાં ચાલી શકે અને લાંબો સમય ટકી શકે. (ઉપરનું પેજ અને તેના સુધારાઓ માર્કેટીંગના જ એક ભાગ સમજવા.)

. . .