ફરી કંઇક..

– આગળ જે ‘કંઇક” હતું તે વિશે આજે લખવા બેઠો છું. વચ્ચે એમ જ લાંબો સમય નીકળી જાય એટલે આગળની વાતો-લાગણીઓની એક લીંક તુટી જાય અને શું કહેવાનું હતું તે જ ભુલાઇ જાય. ચલો, શરૂ કરીશ તો કંઇક યાદ આવશે…

– મારા જીવનમાં એક પછી એક પુરા થતા દિવસોની ઝડપ અત્યારે ટૉપ-સ્પીડ ઉપર છે. છેલ્લા કેટલાક અપડેટ્સથી આ વાત વારંવાર નોંધવામાં આવી રહી છે. કેલેન્ડરમાં મહિનાઓના પાના તો જાણે અડધા મહિને બદલવા પડતા હોય એટલી ઝડપથી જીંદગી પસાર થઇ રહી છે. આસપાસ શું બની રહ્યું છે તે વિશે પણ પુરતુ વિચારવાનો સમય નથી. જીવન પ્રત્યે બેફિકર તો હું પહેલાથી છું, પણ આટલો તો કયારેય નહોતો. ગમતું કરવાના ચક્કરમાં મેં જ જીવવાની ઝડપ વધારી દીધી છે કે પછી એક દિવસમાં મને જે જોઇએ છે તેમાં ૨૪ કલાક ટુંકા પડે છે, તે નક્કી કરવું મુશ્કેલ છે.

– આ લખતાં લખતાં વિચારું છું તો મને સમજાય છે કે હું જીવનના એક એવા વિચિત્ર જીવનકાળમાંથી પસાર થઇ રહ્યો છું જે ઘણી રીતે અસામાન્ય છે. જેના કારણે આ બધી અવ્યવસ્થા સર્જાઇ છે. પણ દિલથી કહું તો હું આ અવ્યવસ્થા વચ્ચેય ઘણો ખુશ છું. જો કે આ સમય અંગે જન-સામાન્ય મત મેળવવામાં આવે તો લગભગ ૯૦ ટકા લોકોનો મત એ હશે કે આ અવસ્થામાં વધારે રહેવું યોગ્ય નથી. જો કે જયાં સુધી કંઇ હાનિકારક ન લાગે ત્યાં સુધી આ સમયકાળને લંબાવવામાં વાંધો નથી.

– કયારેક આપણે એવું પણ કરવા ઇચ્છતા હોઇએ છીએ જે આપણી સામાન્ય છાપ કે સ્થિતિથી વિપરિત હોય પણ દરેક વખતે ‘લોકો શું કહેશે’ કે ‘મારાથી આવુ તો ના કરાય’ એવું વિચારીને જીવનના ઘણાં આનંદને દુર ધકેલી દેતા હોઇએ છીએ. કોઇ સંજોગોના ગુલામ બનીને જીવે છે તો કોઇ ‘કોણ શું કહેશે’ -માં અટવાઇને જીવતા જાય છે. મને સંબંધના બંધન સ્વીકારીને પણ સ્વતંત્ર રહેવું પહેલેથી ગમ્યું છે. ધર્મ, સમાજ, રીતરિવાજના બંધન આમ પણ મારી ઉપર લાગવા પણ નથી દીધા. હા, આપણાં દેશના કાયદા-કાનુનને મને-કમને પણ સંપુર્ણ પાળું છું.

– હું જે માનુ છું કે જે કંઇ કરું છું તે યોગ્ય જ છે એવું તો નહી કહું પણ હું જે કંઇ છું એ મારી સંપુર્ણ મરજીથી છું. મેં કયારેય શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો નથી કે હું બનવા પણ ઇચ્છતો નથી. એક સામાન્ય માણસમાં હોય એ બધી બુરાઇઓ સાથે જ મને જીવવું છે. મારા મતે શ્રેષ્ઠતા આમ પણ એક દંભ માત્ર જ છે. તેને કયારેય કોઇ પામી ન શકે, માત્ર તેને મેળવી લીધાનું અભિમાન કરી શકે. ચોખ્ખી ભાષામાં કહું તો તેને માત્ર એક ઢોંગ કહેવાય. દરેક વ્યક્તિમાં મનુષ્યસહજ ત્રુટીઓ રહેવાની જ. મને શ્રેષ્ઠ બનવાની કયારેય ઇચ્છા જાગી નથી, મહાન પણ નથી બનવું… અને એવા કોઇ વિશિષ્ટ ગુણ પણ નથી. છે તો માત્ર વિચિત્રતાઓ અને માન્યતાઓ, જે મને પ્રિય છે. એમ તો મારી વિચિત્રતા કે મારી આ બધી માન્યતાઓ જડ નથી, પરિવર્તનનો અવકાશ ચોક્કસ છે પરંતુ તે માટે પુરતા કારણો હોવા જરૂરી છે.

– આગળ ઘણું લખી શકાય એમ છે અને વળી આજે મુળ વિષય કંઇક લખવાનો હતો એટલે આટલું લખ્યું છે, પણ જે વિશે ‘કંઇક’ લખવાનું હતું તે હવે યાદ આવે છે. ખૈર, લાગે છે કે આ ‘કંઇક’ લાંબુ ચાલશે. ચલો, એ બહાને જે લોકો અહી આવે છે અને મને વાંચે છે તે સૌ મને એકવાર મારી નજરે પણ જોઇ શકશે.

– વધુ આવતા અંકે..

– મળતા રહીશું, આવજો.. ખુશ રહો!

 


[header image: via google]

થોડીક સારી સલાહ… મારા, તમારા અને બધા માટે

કોઇ મિત્ર દ્વારા મને ઇમેઇલથી મોકલવામાં આવેલી આ સુંદર સલાહ આપણા જીવનમાં જરુર ઉતારવી જોઇએ. કોઇ સલાહ આપે એ કોઇને ન ગમે પણ એક વાર વાંચશો તો આપને જરુર ગમશે તેની મને ખાતરી છે.

[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.

[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.

[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.

[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.

[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ… જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.

[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.

[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.

[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.

[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.

[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.

[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.

[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.

bottom image of the post સલાહ