આજની વાત – 20/3

. . .

– રવિવાર બાદ સોમવાર અને હવે મંગળવાર પણ આવીને હવે જઇ રહ્યો છે. દિવસ બદલાતા રહે છે અને સમય વહેતો રહે છે..

– દુનિયાની દરેક વસ્તુ ગતિશીલ અને પરિવર્તનશીલ છે. હું પણ એ જ દુનિયમાં રહેતો અને પરિવર્તન સાથે સતત બદલાતો રહેતો એક નાનકડો જીવ માત્ર જ તો છું..

– થોડા દિવસના ધોમધખતા તડકા બાદ આજે દિવસનું વાતાવરણમાં ધુમ્મસ જેવું રહ્યું અને હવામાં ધુળનું પ્રમાણ વધારે હતું. (આમ બે સિઝન ભેગી થાય એટલે બીમારીઓ વધવાની.)

– સળંગ ત્રણ દિવસમાં ત્રણ દોસ્તોની સગાઇના ન્યુઝ મળ્યા !! (વાંચો કે.. ખીલે બંધાયા.. 😉 ) મને ઘણું ગમ્યું.. નોકરી-ધંધામાં તો બધા સેટ થઇ ગયા છે એટલે હવે કોઇ એક ઠેકાણે ગોઠવાઇ જાય એ પણ ઠીક છે. (હવે એક બચ્યો.)

– આજકાલ દિવસો મેડમ’જીની સેવામાં જઇ રહ્યા છે. (પતિધર્મ પણ નીભાવવો પડે ને ભાઇ..) તેના દરેક રીપોર્ટ એકદમ સરસ છે એવું શ્રી ડૉક્ટર મહોદયનું કહેવું છે.. અને મારો રીપોર્ટ કહે છે કે હું થોડો વધારે અધીરો બન્યો છું.. 🙂

– ચાર મહિના પુરા થયા અને એક નવા મહિનામાં મંગળ પ્રવેશ થઇ ચુકયો છે. (આપણને ગમે એટલી ઉતાવળ હોય પણ કુદરત તો તેનું કામ ઘણી ધીરજ અને ચોકસાઇથી જ કરશે… ત્યાં કોઇનું ન ચાલે..)

– પ્રથમ સંતાન તરીકે મને ‘દીકરી’ની આશા છે અને જો તે ‘દીકરો’ હોય તો પણ મારી માટે એટલો જ વ્હાલો રહેવાનો. (જે હોય તે.. મને તો હવે ‘કોઇ’ જલ્દી જોઇએ છે…) હું આવનારા બાળકને રમાડવા માટે બહુ બેકરાર છું…

– આવનાર નવા સભ્ય માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. કામની વ્યસ્તતા વચ્ચે જયારે તેનો ખયાલ આવે ત્યારે એક નવો આનંદ અને ઉત્સાહ આવી જાય છે. (પરિવારના દરેક માટે અત્યારે આ એક મુખ્ય વિષય છે.)

– એકાદ મહિનામાં મેડમ’જીની મદદ માટે અને (મારી ગેરહાજરીમાં) તેની બહેનનું ધ્યાન રાખવા માટે મારી સાળી ઘરનો ચાર્જ લેવા આવી પહોંચવાની છે. ત્યારબાદ મેડમને સંપુર્ણ આરામ આપવાની યોજના છે. (સાંજે સામાન્ય વોકિંગ અને ગાર્ડનમાં ટહેલવા જવાનું ચાલુ કર્યું છે અને તે ચાલુ જ રાખવાનું છે.)

# ‘ઓફ’લાઇન –

– પાકિસ્તાન સામેની મેચમાં ‘વિરાટ’ ની વિશાળ ઇનિંગ જોઇને અને છેલ્લે ધોની દ્વારા ચોગ્ગાની મદદથી મળેલી જીતની ખુશી પછી હું લગભગ પાગલની જેમ નાચવા લાગ્યો હતો..
ત્યારે મમ્મીનો ફન્ની ડાયલોગ, – “થોડા દિવસમાં તુ એક છોકરાનો બાપ બનવાનો છે તો હવે આવા બધા છોકરવેડા કરવાનું બંધ કર…”
હું – “કેમ ? બાપ બનેલા લોકો નાચી ન શકે એવું કોઇ શાસ્ત્રોમાં લખ્યું છે ?” 😛

(અપડેટ-આજે શ્રીલંકાની બાંગ્લાદેશ સામે હાર પછી ભારતની ફાઇનલમાં પ્રવેશની આશા પર ડહોળું પાણી ફરી વળ્યું છે. 🙁 )

. . .