Feb’21 – અપડેટ્સ

બ્રેક એટલો લાંબો ચાલ્યો છે કે અહિયાં પાછા આવવામાં એ વિચારવું પડે કે હું શું લખું અને શું રહેવા દઉં.

આ સમયકાળમાં ઘણું બની ચૂક્યું છે અને તાપી-નર્મદામાં કેટલાયે પાણી વહી ગયા હશે. (અમારી સાબરમતી  બંધાયેલી છે એટલે તેનો ઉલ્લેખ જાણી-જોઈને ટાળી દીધો છે.)

લોકોને બે છેડા ભેગા કરવા મથવું પડતું હોય છે: અને હુ આજકાલ ફેક્ટરી, ઓફિસ અને ઘર એમ ત્રણ છેડા વચ્ચે મથી રહ્યો છું. વ્યસ્તતા પહેલાંય રહેતી હતી પણ છેલ્લા કેટલાક મહિનાથી હું મારી હદ વટાવી રહ્યો હોંઉ એમ જણાય છે.

પોતાના કંફર્ટ ઝોનથી બહાર નીકળવાના બહાને એટલો આઉટ-ઑફ-કંફર્ટ છું કે સમજાતું નથી કે જે પણ કરી રહ્યો છું એ ઠીક તો છે ને. (ઘણાં સવાલોએ મનમાં કાયમ ઘર કરી લીધું છે.)

કરી રહ્યો છું એ બધું ઠીક છે અને ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ હશે; છતાંયે હું મારી આજને સ્વીકારી શકવામાં અસમર્થ જણાઉ છું. (હું જાણે કોઈપણ રીતે આ બધાથી છટકવા માટે તરફડિયા મારું છું.)

સમય મળ્યે વિસ્તારથી ઘણું બધું નોંધવાની ઇચ્છા છે. હા, તેના પહેલાં એક વિચિત્ર પોસ્ટને ડ્રાફ્ટમાંથી રજા આપવી છે એટલે તેના પછી જ નવી વાતનો વારો આવશે.

Being Social!

~ એકબાર ફીર સે… anti-social to being social!

~ બે દિવસથી એક્ટીવ થયો છું. લગભગ મળેલા દરેક પ્રકારના મેસેજ કે સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. (ફેસબુક મેસેજના જવાબ તો ફટાફટ આપી દેવાય છે પણ ઇમેલમાં ઘણો ટાઇમ જાય છે.)

I'm not anti-social. I'm selectively social.

“હું ક્યાં ખોવાઇ ગયો છું? કે; હું ગેરહાજર કેમ છું?”

– આવા સવાલો પુછનાર જો એકવાર પણ અહીયાં આવ્યા હોત તો તેમણે જાણી લીધું હોત કે હું અહીયાં હંમેશા હતો. (મને નથી લાગતું કે ત્યાં ઓળખતા લોકો માંથી 5% લોકો પણ અહીયાં સુધી આવતા હશે!)

~ ‘મને પણ બ્લૉગ બનાવવામાં રસ છે અને તે માટે મદદ કરશો’ – સૌથી વધુ વખત પુછાયેલો સવાલ છે. સૌથી જુનો મેસેજ વર્ષ 2012 નો છે અને તેમને પણ રીપ્લાય કર્યો તો તે બહેન તરત ઓનલાઇન આવ્યા અને તે વિશે વધુ સવાલો પુછ્યા. (મને નવાઇ એ લાગી કે આટલા વર્ષો સુધી તેમણે માત્ર મારા મેસેજની રાહ કેમ જોઇ હશે?)

~ જો મને આવા સવાલો પુછનારા ભુલથી અહિયાં આવે અને આ માહિતી વાંચી રહ્યા છે તો તેઓને વિનંતી કે થોડું સર્ચ કરો અને થોડું રિસર્ચ કરો. એકવાર વર્ડપ્રેસ.કોમ ઓપન તો કરી જુઓ, ત્યાં અઘરું કંઇ નથી. બ્લોગસ્પોટ.કોમ પણ સારો વિકલ્પ છે અને કોઇને વધુ કંઇ પુછવા જેવું લાગે તો હું છું જ ને. જવાબ આપવામાં મોડું થશે પણ જવાબ ચોક્કસ મળશે એટલો વિશ્વાસ રાખજો. (જોયું! અમારું પણ ભગવાનના ઘર જેવું જ કામકાજ છે! દેર હૈ પર અંઘેર નહી.. જ્ય હો..)

~ મને કોઇ હજુયે ઓળખે છે એ અભિમાન કરાવે એવી વાત છે. જ્યાં લેવડ-દેવડનો કોઇ વ્યવહાર ન હોય તેવી વર્ચુઅલ દુનિયામાં કોઇ આપણને યાદ રાખે તે સારી વાત કહેવાય. (આનંદ સત્ય છે, સોસીયલ વર્લ્ડ મિથ્યા છે!)

~ હવે ત્યાં કેટલા દિવસ ટકીએ છીએ એ તો રમેશભાઇને ખબર પણ મને લાગે છે કે હું ત્યાં સેટ થવા માટે અન્ફીટ આત્મા છું. (મારી વાતને આધ્યાત્મિક ટચ આપવા માટે આત્મા શબ્દ ઉમેર્યો છે.1)

~ અને છેલ્લે જાણી લો કે આ સોશીયલ દુનિયામાં બીજે રહું કે ન રહું, ટ્વીટર પર હંમેશા રહીશ. (એક્ટીવ તો ત્યાં પણ નથી છતાંયે હાજર જરૂર રહીશ.)

~ આજે મુખ્ય વિષય અલગ હોવાથી બીજી અપડેટ્સ નથી ઉમેરતો. તેની માટે પછી ક્યારેક એક નવું પાનું ચિતરવામાં આવશે. (અહી કવિ જણાવી રહ્યા છે કે આજે લખાણપટ્ટી ઘણી થઇ ગઇ છે, હવે તે ધંધો કરવા માંગે છે.)

bottom image of blog - anti-social to social.

વ્રજ asking..

…પપ્પા, આ લોકો લગન કેમ કરતાં હશે?

# કાલે જ એક લગ્નમાં આ સવાલ તેણે પુછ્યો; પણ હું કોઇ જવાબ ન આપી શક્યો. કોઇને ખબર હોય તો જણાવી શકે કે વ્રજ દ્રારા પુછવામાં આવેલ સવાલનો શું જવાબ આપી શકાય?


* સાઇડટ્રેક : રાજકારણ અને સરકારી વાતોથી દુર રહેવું એવું નક્કી કર્યું’તું, એટલે આજકાલ આખા દેશમાં જે ચાલી રહ્યું છે તે વિશે આજસુધી અહીયાં કોઇ નોંધ કરવામાં આવી નથી. પણ હવે લાગે છે કે તેને માત્ર રાજકારણ સાથે જોડી ન શકાય.2