~ જે કંઇ કર્યું પાછળના એક વર્ષમાં લગભગ અર્થહીન બની ગયું છે. મહેનત અને આવડતનો પુરો ઉપયોગ હતો છતાંયે હું આજે ફરી સમયના એ જ કાળચક્રમાં આવી ગયો છું જ્યાં ક્યારેક હતો. (આમ તો જીવનનો આ એક તબક્કો કહેવાય જેમાં કાર્યના પ્રમાણમાં વળતર મળતું ન હોય.)
~ ગુમાવ્યું તો છે જ અને મસ્ત અનુભવ પણ મેળવ્યો છે. હવે ફરી આગળ જવાનું છે. કોઇ માટે ફરિયાદ નથી. કોઇ પર આક્ષેપ થાય એમ નથી. જે કર્યું એ જાતે કર્યું છે. હા, મનમાં દુઃખ જરુર છે છતાંયે ચહેરા પર હસી આજે પણ એ જ કાયમ છે. (બની શકે કે દુઃખ કરતાં મારી ખુશી તેમાં વધારે હોય.)
~ એક વસ્તુ ખાસ શીખવા મળી કે મારી પાસે હિંમત છે સહન કરવાની અને નિર્ણય લેવાની. હારીને તુટી જાય એ વ્યક્તિ હું નથી. હું અઘરા નિર્ણય પણ ઝડપથી લઇ શકુ છું. (મન ઘણું મજબુત છે એ પણ પારખી લીધું.)
~ ઓકે. મારા વિશે મોટી મોટી વાતો ઘણી થઇ ગઇ છે તો હવે બીજા અપડેટ્સની નોંધ લઇએ. બગ્ગુ અને વ્રજની જોડી આજકાલ ઘરમાં ધમાલ મચાવે છે. ઢબુડી મારી બધી જગ્યાએ વ્રજથી વધે એમ છે. (મ્યુઝિક સાથે તો એવું કનેક્શન છે કે ક્યાંય પણ વાગે એટલે નાયરાનો ડાન્સ શરુ થઇ જાય!)
~ ઓગષ્ટમાં માઉન્ટ આબુની 12મી ટ્રીપ કરી. થોડા સમય પહેલાંજ આબુ જઇ આવ્યા હોવા છતાં દોસ્તની ઇચ્છાને કારણે અને વળી આબુને નજીકના દેવ ગણીને અમે તેને વધારે પુજી લઇએ એવું છે. વ્રજ માટે પહેલો અનુભવ હતો એટલે તેને ઘણી મજા આવી. (માઉન્ટ આબુની દરેક ગલીઓ વિશે મને કોઇ પુછે તો હું અમદાવાદમાં બેઠા-બેઠા બધું જણાવી શકું છુ.)
# એક્સ્ટ્રા ટીપઃ
સિઝનમાં જો આ સ્થળની મજા લેવી હોય શનિવાર-રવિવારની રજા સિવાય જવું.
અને જો પબ્લીકની મજા જોઇતી હોય તો શનિવાર-રવિવાર સિવાય ન જવું.
~ નવરાત્રી તો વ્યસ્તતામાં પુરી થઇ ગઇ પણ દિવાળીમાં પરિવાર અને તહેવારને સમય આપવાનો પુરો પ્લાન છે. (જોઇએ કે પ્લાન કેટલા સફળ થાય છે!)
~ આ દિવાળી વેકેશનમાં ટ્રેકિંગ કેમ્પમાં જવાનો વિચાર પણ છે. ઘણાં વર્ષોથી અધુરી આ ઇચ્છા આ વર્ષે દિવાળીમાં પુરી કરવાની ઇચ્છા છે. (ટ્રેકિંગ માટે હિમાલય સૌથી જાણીતી અને સરળ ચોઇસ છે પણ સારા ઓપ્શન હશે તો અન્ય નવા સ્થળને પણ સ્વીકારવામાં આવશે.)
~ હવે બીજા અપડેટ્સ ટુંક સમયમાં જ નોંધવામાં આવશે. ખાસ તો માઉન્ટ આબુના ફોટો માટે એક અલગ પોસ્ટ અહીયાં આવી જાય તો ઠીક રહેશે…
હેડર ચિત્રઃ માઉન્ટ આબુ, રાજસ્થાન.
ક્લિક કરનારઃ સ્વયં હું!