પુછો ના યાર ક્યા હુઆ…

હોસ્પીટલના ખાટલામાં

ગઇ કાલનો ફોટો છે.. આજે તો હાલત ઘણી સુધરી ચુકી છે અને એટલે જ તો અહીયાં છું. 

આજે દસ દિવસ થયા દવાઓ ખુટાડતા-ખુટાડતા અને બોટલો ચડાવતા; હું તો થાક્યો ભૈ’સાબ. કોઇપણ થાકી જાય યાર આમ અશક્તિના કારણે પડ્યા રહીને દિવસો પસાર કરવામાં. (બિમાર થવું એ કંઇ જેવા-તેવાનું કામ નથી. 😊)

હાલત તો એવી હતી કે મનમાં સાડી-સત્તરવાર કોરોનાનો ડર આવીને ગયો હશે. ગમે એટલી હિંમત રાખીએ તોય આવી સ્થિતિમાં મન કમજોર પડી જ જાય દોસ્ત.. (પતા હૈ?.. ડર સ્પાઇડર-મેન કો ભી લગતા હૈ!)

સારી વાત એ છે કે હવે ઠીક થવામાં બે-ત્રણ દિવસથી વધારે રાહ જોવી નહી પડે, એવું છેલ્લો રિપોર્ટ જોતા-જોતા ડોકટરે કહ્યું છે! રિપોર્ટ તો ફોર્માલીટી માટે જ હતો કેમ કે મને પોતે પણ લાગતું હતું કે અચ્છે દિન આનેવાલે હૈ.. 😎

આજથી દિવસમાં એકવાર વિટામીન્સની ગોળી અને બે વાર પ્રોટીન-યુક્ત દુધ પીવા સિવાય બીજી કોઇ જ દવાની જરુર નથી એ જાણીને હું પણ રાજી છું. (ગોળી તો અઢી સેકંડમાં ગળી જવાય છે, પણ આ પ્રોટીનવાળુ દુધ પીવું ભારે પડે છે.)

અને વજન 5.5 કિલો ઘટી ગયું છે. #હમદેખેંગે

😶

આ વર્ષે પણ…

. . .

– નવું કંઇ નથી ભાઇ… મારી એ જ જુની ને જાણીતી સમસ્યા ફરી મારા પર તેની કૃપા વરસાવી રહી છે. તે કૃપાળુ સમસ્યાનું નામ છે. – માનનીય શ્રી બીમારી દેવી ! (આ બીમારીને આટલા માન-સમ્માનથી બોલાવવાનું કારણ એટલું જ છે કે કદાચ એ બહાને તે આ દુબળા-પાતળા જીવ પર થોડી દયા દાખવે.)

– હવે તો મને ચોક્કસ લાગે છે કે મારા શરીરે વર્ષમાં એકવાર તો હોસ્પિટલની પથારીનો લાભ આપાવવાનું નક્કી જ કરી લીધું છે. (મને તો શક જાય છે કે આ ડોક્ટરોએ જ મારા શરીરને દર વર્ષે કંઇક થઇ જાય એવું તો કંઇ ગોઠવ્યું નહી હોય ને? 😉 )

– લગભગ ૭-૮ દિવસ ડોક્ટરોના દવાખાના ઘસવામાં અને પછીના ૬ દિવસ હોસ્પીટલની પથારીમાં તો લેબોરેટરીના ચક્કરો કાપવામાં ગુજાર્યા બાદ ગઇ કાલે ડોક્ટરે રહેમ કરીને મને ઘરે આરામમાં રહેવાની પરવાનગી આપી છે. (આમ તો દરેક બીમારીનો મને અનુભવ હતો પણ આ વખતે એક નવી બીમારીનો અનુભવ પણ કર્યો.)

– ડૉક્ટરે ‘રજા’ આપતી વખતે ઘણી કીમતી સલાહ, આદેશ અને ઢગલો દવાઓ પણ આપી છે. (દવાઓ તો હાથીને પણ ગળવામાં અઘરી લાગે એવી મોટી છે બોલો!! – ઓકે મજાક છે. પણ સાચ્ચે ઘણી મોટી-મોટી છે.)

– આ વખતે બીમારી સાથેનો મુકાબલો થોડો લાંબો ચાલે એમ છે. ડૉક્ટર અને ઘરના લોકો બીમારીની આ વાર્ષિક સિસ્ટમને જડમુળથી હટાવવા કટીબધ્ધ થયા છે. મે પણ પુરા સહકારની ખાતરી આપી છે. (બીજો ઉપાય પણ નથી અને જો કાયમી છુટકારો મળતો હોય તો મારી માટે પણ સારું જ છે.)

– હજુ તો ચાર દિવસ પછી ફરી એક્સ-રે અને બ્લ્ડ રિપોર્ટ જોઇને મારું ભવિષ્ય નક્કી થશે. ડૉક્ટરના મત મુજબ જો બધુ નોર્મલ રહ્યું તો ૧૫ દિવસ નહી તો છ મહિના સુધી તેમની દવાઓ-સલાહોને કડક રીતે સ્વીકારવી પડશે. (હશે, જે થશે એ જોયું જશે… ટેન્શન નહી લેને કા યાર..)

– આજે જાણ્યું કે જુલાઇ સુધીમાં ‘ગુગલ રીડર’ બંધ થઇ જશે. ખબર નહી કેમ તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે પણ ‘ગુગલ રીડર’ કયારેક બંધ થઇ જશે તેવું મે કયારેય વિચાર્યું નહોતું.

– ટેલીફોન-મોબાઇલના બિલ ભરવા માટે આજે ક-મને લેપટોપ ચાલું કરવું પડયું એટલે થયું કે કંઇક અપડેટ પણ કરી દઇએ. ઘણાં દિવસો પહેલા અહી ટેણીયાના ફોટો મુકવાનો પ્લાન કર્યો હતો. જો કે હજુયે તે ‘પ્લાન’માં છે જ પણ કયા-કયા ફોટો મુકવા તે સિલેક્ટ કરવું પડે એમ છે. (હમણાં તો આરામ કરવો પડશે, કદાચ કાલનો દિવસ તે માટે ઠીક લાગે છે.)

– બીજી તો કોઇ નવાજુની નથી. દિવસ-રાત ખાવા-પીવામાં ને આરામમાં ગુજરે છે. ઔર, લાઇફ યું હી કટ રહી હૈ…

. . .