– બે દિવસ પહેલા એક સરકારી ઑફિસમાં સુખદ આંચકો આપે એવો અનુભવ થયો. (સરકારી અનુભવ મોટેભાગે દુઃખદ હોય છે અને એટલે જ મને અહીયાં ‘સુખદ’ ઉમેરવું જરુરી લાગ્યું.)
– બન્યું એવું કે….એક સરકારી ઓફિસમાં કોઇ સરકારી કર્મચારીએ કોઇ લાલચ/દબાણ વગર ઘણું અગત્યનું કામ ખુબ ઝડપથી અને એ પણ પુર્ણ સહકાર સાથે કરી આપ્યું કે જેને માટે લગભગ ૩-૪ ધક્કા તો ખાવા જ પડયા હોત !!
– આ ઉપરાંત અન્ય જગ્યાએ કરવાની અરજીને મારી માટે જાતે લખીને અને તે માટે જરૂરી પણ તે સમયે મારી પાસે ખુટતા કાગળો માટે મને ઘરે ધક્કો ખવડાવ્યા વગર જુની સરકારી ફાઇલો ફેંદીને શોધી આપ્યા !!!
– હા, એ સરકારી માણસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) પગારદાર કર્મચારી છે !! અને આ અમારી પ્રથમ મુલાકાત હતી. (મારી માટે તો આ સૌથી આશ્ચર્યજનક બાબત છે !!)
– કામ તો ઘણાં અધિકારીઓ કે ઓફિસરો કરી આપતા હોય છે પણ તે માટે અગાઉથી (કે પછી) નક્કી થયેલ વળતર ચુકવવાનું રહેતું હોય છે. (આ વળતર વિશે વધુ ચોખવટની જરૂર નથી લાગતી.)
– વિચારતો હતો કે કામ પત્યા પછી તો તો તે ઓફિસર કંઇક માગણી કરશે જ, પણ…. મારા આશ્ચર્યને વધુ વધારવાનું નક્કી કરેલ તે સાહેબે છેલ્લે તેમનો પર્સનલ મોબાઇલ નંબર આપીને મને કહ્યુ કે – ‘બીજી ઓફિસમાં કોઇ તકલીફ પડે તો મને ફોન કરજે.’ (હવે તો મને ખરેખર તેમને બક્ષિસરૂપે કંઇક આપવાની ઇચ્છા થઇ આવી.)
– હવે સમસ્યા એ થઇ આવી કે… જો હું સામેથી ખુશ થઇને કંઇ આપુ અને તેમને ન ગમે તો…. (?) અને જો તેમને કંઇ આપુ અને તેઓ સ્વીકારી લે તો મારા પેલા નિયમનું શું (?)…જેમાં મે મારી જાતને પ્રોમિસ કર્યું હતુ કે હું કોઇ પણ ભોગે કોઇ સરકારી જગ્યાએ કાયદેસર ચુકવવાની રકમ સિવાય એક પૈસો પણ નહી ચુકવું. (એક તરફ મારો નિયમ હતો અને બીજી તરફ પેલા ઓફિસર માટે દિલમાં ભાવ.)
– સરવાળે જીત નિયમની થઇ. તેમની માટે મને મારો નિયમ તોડવો યોગ્ય ન લાગ્યો. (આમ પણ, નાગરીકોને મદદ કરવા માટે જ તો અ.મ્યુ.કો. તેમને પગાર ચુકવે છે.- એમ કહીને મન મનાવ્યું.)
# અન્નાના ‘જન-લોકપાલ‘ આંદોલનનું જે થાય તે અને ‘લોકપાલ‘ આવે કે ન આવે પણ જો સરકારી માણસો (અને મારા-તમારા જેવા લોકો) થોડા સુધરે તો ભ્રષ્ટાચાર અટકાવવા માટે નવા કાયદાઓના ઢગલા ખડકવાની કોઇ જરૂર ન રહે.