આવી દિવાળી

– ફાઇનલી, કાલે દિવાળી. ઘણાં લોકો તો બધાને હેપ્પી દિવાલી કહી દેવાનો કોઇ નિયમ હોય એમ શરુ પડી ગયા છે !! (અને એ પણ વર્ષોથી ચાલ્યા આવતા ફોરવર્ડેડ મેસેજ અને એના-એ-જ ચવાયેલા ઇમેલ્સથી !!!)

– આજે છેલ્લે-છેલ્લે કાળી ચૌદસના દિવસે ફ્રી મેસેજ મોકલવાવાળાના કકળાટથી વારંવાર મોબાઇલ રણકી રહ્યો છે. (કાલથી તો મેસેજનો ચાર્જ લાગશે ને…!! તમે પણ બચત કરી લો દોસ્તો.. 😉 )

– પ્રયત્ન છતાં રજાઓમાં ફરવા જવાનું કોઇ મોટુ પ્લાનીંગ થઇ શક્યુ નથી. આ વર્ષે પણ મમ્મી-પપ્પા સાથે ભેગા મળીને દિવાળી ઉજવીશું. (આમ પણ ભુતકાળમાં એક-બે અનુભવ કર્યા બાદ દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવા કરતાં ઘરમાં રહેવું વધારે યોગ્ય લાગે છે, અરે.. જયાં જાઓ ત્યાં બધે ભીડ ઉભરાતી હોય છે.)

– મુળ પર્યાવરણ સાચવવાનો હેતુ તો ખરો પણ અંગત રીતે શોખ ન હોવાથી અને ઘરમાં પણ એવા કોઇ બાળકો તો છે નહી એટલે ફટાકડા લેવા જવાનો મતલબ નથી. આજે ઘરમાં થોડી લાઇટીંગ અને (ઘણી) સજાવટ કરી છે. (કોની માટે? -એવું પુછવાનુ નહી.)

– મમ્મી અને મેડમજી આજકાલ તેમની નવી બનાવેલી મીઠાઇઓ નો મારી ઉપર અખતરો કરી રહ્યા છે. નસીબજોગે મોટાભાગની મીઠાઇઓ સરસ બની છે. (ચલો, રજાઓમાં ઝાપટતાનું ગમશે. 🙂 )

– કાલે દિવાળીના દિવસે સાંજથી કારતક સુદ પાંચમ સુધી છુટ્ટી રાખવાનું નક્કી કર્યું છે. (આ પાંચમ કઇ તારીખે આવશે એ કેલેન્ડરમાં જોવું પડશે, કદાચ ૩૧ તારીખ આવશે.)

– બસ, વધારે નવા વર્ષમાં. આપ સૌને અને આપના પરિવારને દિપાવલીની અનેક ઘણી શુભેચ્છાઓ.. પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં નવો ઉજાસ અને જીવવાનો નવો ઉત્સાહ લઇને આવે એવી ઇશ્વરને પ્રાર્થના.

– સુખેથી માણજો, એકબીજાને મળજો, આનંદ કરજો અને તમારું ધ્યાન રાખજો..

– આવજો દોસ્તો..

દિવાળીના ઝગમગતા દિવડાઓ

# આજના દિવસની એક્સ્ટ્રા બે નોંધઃ
~ Google દ્વારા મોટા ઉપાડે ચાલુ થયેલ Google Buzz થોડા સમયમાં જ આપણાં વચ્ચેથી રજા લેશે, એવી આજે જાહેરાત કરવામાં આવી છે.
~ માત્ર બે-ચાર લોકોની સાથે સંપર્કમાં રહેવા આજે આપણે પણ મોટા ઉપાડે ઓરકુટમાં જોડાયા છીએ.

પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ..

– આજે જુનો સામાન ફેંદતા-ફેંદતા હાથે ચડેલી એક જુની કેસેટ વગાડતા અનાયાસે જ આ ગીત સાંભળવા મળ્યું! કોઇ સમયે ૩૫ રૂપીયામાં ખરીદાયેલી આ કેસેટ મારી મોટી મિલકત હતી; આજે તે આ ભંગાર અને જુના-નક્કામા સામાન સાથે પડી રહી છે. (મારા સમય, સંજોગ, વિચારો અને જરૂરીયાત બદલાઇ ગયા હોવાનો ચોખ્ખો પુરાવો!)

CD અને DVD નો જમાનો આવી જતા આમ પણ કેસેટ તો વિતેલો જમાનો જ ગણાય…. આઉટડેટેડ યુ નૉ!!!

– જયારે તે કેસેટ ખરીદી હતી તે સમયના ઘણાં અરમાનો અને યાદો આજે ફરી જીવંત થઇ ગયા. ફેંદાયેલા સામાન ને ‘જૈસે-થે‘ હાલતમાં મુકીને આપણે તો ટેપ1 ની બાજુમાં ગોઠવાઇ ગયા.

– આખુ ગીત બે વાર મોટા અવાજે સાંભળ્યું; મજા આવી ગઇ. એક-એક શબ્દ જાણે દિલને સ્પર્શતો હોય તેવો આનંદ આવ્યો. સમયની સાથે-સાથે ખોવાઇ ગયેલી લાગણીઓ આજે ફરીવાર માણી.

– ભુતકાળનો સમય યાદ આવી ગયો. આ એ સમય છે જયારે હું લગભગ ૧૯ વર્ષનો હોઇશ. એ વખતે હાલત પણ કંઇક આવી જ હતી. દિલમાં ઉમંગ હતો, મનમાં જાત-જાતના અને ભાત-ભાતના તરંગ ફેલાયેલા હતા.

– એ તો કાચી ઉંમરનો પહેલો નશીલો પ્રેમ જેણે માણ્યો હોય, કોઇ ખાસ સાથે વાત કરતાં બેકગ્રાઉન્ડમાં વાયોલીન જેણે સાંભળ્યા હોય અને પહેલી વાર કોઇ પ્રિય(-તમા)ને ઉદેશીને આખો દિવસ (અને ૧૦-૧૫ પાનાઓ!!) બગાડીને માત્ર અડધા પાનાનો પ્રેમપત્ર જેણે લખ્યો હોય તે જ આ બધુ સમજી શકે. (જો કે આટઆટલી મહેનત પછી પણ તે પ્રેમપત્રને યોગ્ય ઠેકાણે પહોંડવાની હિંમત ન થાય તો તેને ડર કે કમનસીબી કહી લઇએ.)

– ચાલો, હવે મુળ વાત પર આવું. પ્રસ્તાવના લખવામાં તો હું જ ભટકી ગયો. આજની આ પોસ્ટનો મુળ હેતુ તે ગીતને આપ સૌની સાથે વહેંચવાનો હતો. તો આજે મારા બગીચામાં માણો એ સુંદર અને સુમધુર ગીત ઉર્ફે ગઝલ..

ગીત(ગઝલ) ના શબ્દો છે..

પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ..

ગાયક : જગજીત સિંઘ

આ ગઝલનો નાનકડો એક અંશ આપણી ભાષામાં..

(અનુવાદની તો જરુર નથી લાગતી ને?)

પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ,
નયે પરિંદો કો ઉડને મે વક્ત તો લગતા હૈ..

જીસ્મ કી બાત નહી થી ઉન કે દિલ તક જાના થા,
લંબી દુરી તય કરને મેં વક્ત તો લગતા હૈ..