અપડેટ્સ: Dec’13

~ એકવાર ફરી ઘણાં દિવસે અહી હાજરી પુરાવવા આવ્યો છું. (કેટલાકને તો હવે એવું લાગતું હશે કે આ મારો કાયમી ડાયલોગ છે!)

~ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિક્કાર લગ્નો રહ્યા. અમે તો એક ગામ થી બીજે ગામ અને વચ્ચે કયારેક-કયારેક ઘરે પણ કુદકા મારતા રહ્યા. ઠંડી આવીને ચાલી ગઇ હતી પણ વળી બે દિવસથી ચમકતી જણાય છે. (ભલું થજો કમુરતાનું કે જેણે હવે લગ્નોથી થોડી રાહત આપી છે.)

~ વ્રજના પરાક્રમો દિવસે-ને-દિવસે વધી રહ્યા છે. લગ્નોએ તેનું ટાઇમટેબલ પણ બગાડી નાખ્યું છે પણ તે બિમાર નથી પડયો એટલી શાંતિ છે. વળી એકવાર તેને કોઇ રસી અપાવવામાં આવી છે. મેડમજી તો તેની પાછળ દોડી-દોડીને હવે થાકે છે અને તેના પછી થાકવાનો વારો મારો હોય છે. (પણ એ નથી થાકતો! જો તેને મજા આવતી હોય તો અમને આમ થાકવાનો પણ આનંદ છે. એકંદરે તેને એક ખુશમિજાજ પણ થોડો તોફાની છોકરો કહી શકાય.)

~ આમ તો ખાસ ડિમાન્ડ નથી તેમ છતાંયે અગાઉ જાહેરાત મુજબ અમારી ચંપાનો ટકા-ટક ફોટો ચોક્કસ મુકવામાં આવશે. (કમસેકમ અહી યાદગીરીમાં તો સચવાઇ રહેશે.)

~ સરસ સમાચાર: અમદાવાદ ટ્રાફિક પોલિસ હવે શહેરીજનોની સેવા-સુવિધા-સુચન અને ફરિયાદ માટે Whatsapp પર 24 x 7 હાજર રહેશે! જો આપને કોઇ જગ્યાએ ટ્રાફિકજામ/અકસ્માત કે રોડ પરની અસગવડતા અંગે ફરિયાદ કરવી હોય તો તમે 9979921095 નંબર પર અમદાવાદ ટ્રાફિક પોલીસનો સીધો સંપર્ક કરી શકો છો અથવા તો જે-તે ઘટનાનો ફોટો કે વિડીયો મોકલી શકો છો.

અમદાવાદ ટ્રાફિક પોલીસ વોટ્સએપ પર ઓનલાઇન

~ ટ્રાફિક પોલીસ દ્વારા આવા સુચનો કે ફરિયાદનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાનો અને ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવાનો વાયદો આપવામાં આવ્યો છે. (…તો અમદાવાદીઓ તુટી પડો! 🙂 પણ મહેરબાની કરીને તેમને પેલા ચવાયેલા મેસેજ/વિડીયો ફોરવર્ડ ન કરતા.)

અમદાવાદ ટ્રાફિક પોલીસ વોટ્સએપ પર ઓનલાઇન

~ થોડા દિવસો પહેલા હેપ્પી ફેમીલી પ્રા. લી. ટાઈટલવાળી ગુજરાતી ફિલ્મ જોવામાં આવી. ગુજરાતી ફિલ્મોમાં ફરી એકવાર નવો ટચ જોવા મળ્યો!

~ આમ તો આ ફિલ્મ વિશે વિસ્તૃતમાં લખવું છે, પણ તેનો અમલ થાય તે પહેલા ભુલાઇ જવાની સંભાવના વધુ છે. એટલે તે અંગે હમણાં જ લખવાનો વિચાર કરું છું અને તે પોસ્ટ બે-ચાર દિવસમાં રજુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. (ખાસ નોંધ: આ હજુ સંભાવના જ છે.)

~ હમણાંથી જે રીતે વિચારોને અમલમાં મુકવામાં આવી રહ્યા છે તેનું પ્રમાણ જોતા એવું લાગે છે કે મારે કોઇ નવા વિચારો ન કરવા જોઇએ અથવા તો નક્કી કરેલા વિચારને તુરંત અમલમાં મુકવા જોઇએ. (એમ તો આ પણ એક વિચાર જ થયો ને! 😉 )

~ અગાઉ મારા બગીચામાં જે નવા વિભાગ કે વિષય અંગે લખવાની જાહેરાત કરી હતી તે હવે કોઇને સરકારી જાહેરાત જેવી લાગતી હોય તો તે બદલ હું દિલગીર છું. સમય મળતો નથી એમ કહીશ તો તે કદાચ ખોટું કહેવાશે, કેમ કે સમય તો હોય છે પણ તેને અન્ય જગ્યાએ ફાળવી દેવાના કારણે જાહેરાતોને અમલમાં મુકી શકાતી નથી. (નોંધ: આ જાહેરાતોને કોઇ નેતા કે પક્ષની ચુટણી જાહેરાતો સાથે ન સરખાવવા ખાસ વિનંતી.)

~ ચુટણીથી યાદ આવ્યું કે આજકાલ ‘આપ(બોલે તો, આમ આદમી પાર્ટી) ઘણી ચર્ચામાં છે! મારા અંદાજ વિરુધ્ધ અત્યારે તે દિલ્હીમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે તે જોઇને નવાઇ લાગે છે; પરંતુ ચુટણીમાં વિજય બાદ જે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે તે જોઇને વધુ નવાઇ લાગે છે!! (આપના નેતાઓમાં રાજકીય કુનેહ-આવડત અને અનુભવનો કચાસ ચોખ્ખો દેખાઇ આવે છે.)

~ સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ પક્ષ, AAP દ્વારા વારંવાર અપમાનિત થઇને પણ, જે રીતે તેમને બિનશરતી સમર્થન આપી રહ્યો છે! કેજરીવાલ ભલે સરકાર બનાવવા અંગે લોકમત માંગે પણ ફરીવાર ચુટણી યોજવી ન પડે એ પણ એક મજબુત મુદ્દો છે, જેને સૌએ ધ્યાનમાં રાખવો જોઇએ.

~ ઉપરાંત ભાજપે જે રીતે સૌથી મોટા વિજયી પક્ષ હોવા છતાં તોડ-જોડ ન કરીને એક નવીસવી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું તે જોઇને તો મારું દિલ દેશમાં અભુતપુર્વ રાજકીય ભાઇચારાની લાગણીઓથી ભરાઇ આવ્યું!! (ભારતની લોકશાહીમાં કયારેક આવો દિવસ પણ આવશે તેની કોઇએ કલ્પના નહી કરી હોય!)

~ હોઇ શકે કે ભાજપ લોકોને બતાવવા માંગતો હોય કે તે કેટલો શુધ્ધ પક્ષ છે અથવા તો આમ આદમી પાર્ટીએ લોકોને જે આસમાની વાયદા આપ્યા છે, તેમાં કેટલી સચ્ચાઇ છે તે જતાવવા ઇચ્છતો હોય. કારણ જે હોય તે પણ એક નવી-સવી પાર્ટીએ વર્ષો જુના રાજકારણના અને રાજનીતિના સમીકરણો બદલી નાંખ્યા છે તે વાત તો સ્વીકારવી જ પડે. (થેન્ક્સ ટુ આમ આદમી પાર્ટી.)

~ ભાજપે અન્ય રાજ્યોમાં જે શાનદાર વિજય નોંધાવ્યો તેને માત્ર આ એક પાર્ટીએ ઝાંખો પાડી દીધો છે. આજકાલ તો બધે તેની જ ચર્ચા છે. જોઇએ સોમવારે શું નિર્ણય આવે છે. લગભગ શ્રી કેજરીવાલ સરકાર બનાવે તેવી સ્થિતિ છે. જો કે તેમના વાયદાઓનું લિસ્ટ જોઇએ તો લાગતું નથી કે તેઓ એક-બે સિવાય કોઇને પુરા કરી શકે. આશા રાખીએ કે તેઓ મહત્તમ કાર્ય કરી બતાવે. (કદાચ આ ડર અરવિંદભાઇને પણ હશે જ, એટલે જ તો સરકાર બનાવવાથી પણ કતરાઇ રહ્યા છે; પણ આ તો હવે પબ્લીક ડિમાન્ડ છે એટલે સ્વીકાર્યા વિના છુટકો જ નથી.)

~ લોકપાલ બીલ પુરપાટ ગતિથી આગળ વધી રહ્યું છે અને અણ્ણા-કેજરીવાલના બગડેલા સંબંધો એટલી જ ગતિથી વધુ બગડી રહ્યા છે. કોઇને લોકપાલ મજબુત લાગે છે તો કોઇને જોકપાલ લાગે છે. જે હોય તે પણ આ દિશામાં એક કદમ આગળ વધ્યા તે મારે મન એક મહત્વની વાત છે. (ફરી એકવાર ખાસ નોંધઃ હું અણ્ણાનો સમર્થક છું પણ અરવિંદ કેજરીવાલનો વિરોધી નથી1 અને હું કોંગ્રેસ કે ભાજપનો કાર્યકર નથી પણ મોદીનો ચાહક છું.)

~ આજકાલ પેલા અમેરિકાવાળા દેવયાનીબેન ઘણાં ચર્ચામાં છે, પણ તે વિષયે મને વધુ જ્ઞાન નથી એટલે મારી ઓછી અક્કલનું પ્રદર્શન અત્યારે કરવું ઠીક નથી લાગતું. (નિષ્ણાંતોના મત અને સત્ય જાણ્યા બાદ જ આ મુદ્દે અહી વિશેષ ટીપ્પણી કરવામાં આવશે.)

~ વળી રાજકીય વાતો ઘણી થઇ ગઇ. મારા વિચારો ઘણાં બદલાઇ ગયા છે તેનું પણ આ કારણ હોઇ શકે અને આજે પણ પોસ્ટ લાંબી થઇ ગઇ છે એટલે અત્રે વિરામની ઘોષણા કરું છું.

~ જે મિત્રો/વડીલોના ઇમેલ મારા જવાબની રાહ જોઇ રહ્યા છે તેમને હજુ થોડી વધુ રાહ જોવી પડશે એમ લાગે છે. તે બદલ તેમની ક્ષમાની આશા છે. (લગભગ હજુ એક અઠવાડીયા પછી તે બધા ઇમેલને ન્યાય આપવાનો વિચાર છે.)

~ શરીરમાં સ્વસ્થતા છે. મનમાં શાંતિ છે. દોડવાનું ભુલાઇ ગયું છે. કામકાજના વિષય અને દિશાઓ બદલાઇ ચુકી છે, પણ ચારે તરફ બધું આનંદમંગલ છે અને હું ખુશ છું. (બીજું શું જોઇએ…)

~ આપ સૌ પણ ખુશ રહો એવી શુભકામનાઓ સહ, આવજો.

Nov’13 : અપડેટ્સ

– આ દિવાળી પછીની પ્રથમ પોસ્ટ છે. ગમે તેમ તોયે નવા વર્ષની આ તાજી-તાજી પોસ્ટ ગણાય! (જરા નજીક આવીને વાંચી જુઓ તો આ પોસ્ટમાં તાજી-તાજી સુગંધ પણ આવશે!2)

– સૌને મોડે-મોડે પણ નવા વર્ષની શુભેચ્છાઓ. દિવાળી પછી હું એવો ખોવાયો’તો કે છેક આજે અહીયાં હાજર થયો છું. (ખબર છે યાર કે કોઇ મને એટલું ધ્યાનથી નથી વાંચતું કે હું કયાંય ખોવાઇ જઉ તો મને શોધવા નીકળી પડે! ફિર ભી દિલ કો બેહલાને કે લીયે યે ખયાલ……)

– પેલા અમિતાભ ભ’ઇ ઘણાં દિવસોથી કે’તા તા ને કે ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ -તે આ દિવાળીયે તેમનું સાંભળીને થોડું કચ્છ ફરી આવ્યા. મજા આવી. (અમે એવા ભોળા છીએ કે કોઇ આમ વારંવાર કહે તો પછી તેમની વાતનું માન પણ રાખીએ.😇)

– રિવાજ પ્રમાણે વ્રજનું સવા વર્ષે મુંડન કરાવ્યું. માથે ‘ટકો” થયા પછી બોસ હવે “ટકા-ટક‘ લાગે છે! (ટકા-ટક ફોટો પબ્લીક ડિમાન્ડ ઉપર જ મુકવામાં આવશે. લિ.હુકમથી)

– હવે તો અમારા એ લાડ-સાહેબ ઘણાં-બધા શબ્દો બોલતા શીખી ગયા છે. તેની લગભગ જરૂરીયાત અને પસંદ હવે તે શબ્દોથી કહી શકે છે! હમણાંથી તેનો નવો શોખ છે: ટેબ્લેટ! તેમાં તેની મમ્મીએ (અને મેં પણ) મસ્ત-મસ્ત કાર્ટુન વિડીયો-ગીતો નાંખી આપ્યા છે કે તેને એકવાર ચાલુ કરીને મુકી દો એટલે પેલા ભાઇ તો એકીટશે જોયા જ કરશે. (તે લગભગ બધા ગીતોને હવે ઓળખે છે અને તેને કયો વિડીયો જોવાની ઇચ્છા છે તે તમને બોલીને કહેશે.)

– આ વર્ષે પણ લગ્નોની હારમાળા છે. આ વર્ષે નવી વાત એ છે કે મને જયાં કંટાળો આવતો તેવા લગ્નોમાં જવાનો હવે આનંદ આવે છે અને આજકાલ મને મીઠાઇ પણ ભાવવા લાગી છે! (ખબર છે કે મીઠાઇ બધાને ગમે પણ કોઇ-કોઇ મારા જેવાયે હશે કે જેમને તે પસંદ નહી હોય.)

– હવે ઠંડી ધીમે-ધીમે શરૂ થઇ રહી છે. ઠંડીની આ શરૂઆત ઉપરથી એમ જણાય છે કે આ વર્ષે ઠંડીનું જોર ઘણું રહેશે. (સ્વેટર-ધાબળા અને તાપણાંના લાકડા હાથવગા જ રાખજો, જરૂર પડશે.)

– આ ઠંડીમાં કંઇ ગરમા-ગરમ હોય તો તે છે ભારતનું રાજકારણ. એક વાત તો માનવી પડે કે ગુજરાતમાં ઇલેક્શન વખતે જે ગરમા-ગરમી દેખાતી હતી તેવો માહોલ અત્યારે આખા દેશમાં જણાય છે. (આ બધા પાછળ પેલા મોદીભાઇનો હાથ લાગે છે! આ ‘હાથ‘ અને ‘મોદી‘ એક વાક્યમાં સારા લાગે છે ને? નથી લાગતા? ઓકે, જવા દો એ વાત..)

– ચુટણીના આ માહોલ દરમ્યાન દરેક પાર્ટીના નેતાઓના શબ્દો અને કરતુતો જોઇને ચોખ્ખુ દેખાઇ આવે છે કે બધાને સત્તા જોઇએ છે અને શોર્ટકટથી મોટા બની જવું છે. જો કે ત્રીજા મોરચા કે અરવિંદભાઇ વાળી આમ આદમી પાર્ટીના સત્તા સુધી પહોંચવાના લખ્ખણ જણાતા નથી. (ગજું હોય કે ન હોય, જોર તો બધા લગાવવાના. આ વખતે ચુટણી પ્રચારના ભાષણોમાં હું લાલુપ્રસાદને ઘણાં ‘મીસ‘ કરીશ.)

– જો મારું ગણિત સાચું પડે અને શ્રી નરેન્દ્ર મોદી પી.એમ. બને તો પછી મારા ગુજરાતનું શું થશે? -એવા વિચાર પણ આવી રહ્યા છે. (જોયું, દરેક વખતે અમારા વિચારો નાના ન હોય, અમને આવા મોટા-મોટા વિચારો પણ આવે હોં!)

મારા મતે જો એવું બને તો આનંદીબેન પટેલ અથવા તો સૌરભ પટેલનો ચાન્સ લાગી શકે છે. (અમિતશાહ મજબુત ઉમેદવાર છે, પણ હમણાં હલવાયેલા છે એટલે તેમને ગણતરીમાં ન લઇએ.)

– છેલ્લે હવે રાજકારણની વાતોથી જેમને કંટાળો આવતો હોય અથવા તો કોઇને એમ લાગતું હોય કે તેની સાથે અમારે શું લેવા-દેવા, તો તેમની માટે હાજર છે એક ટ્વીટ… (સમજને વાલે કો ઇશારા કાફી હૈ!)

ડિસેમ્બર’12 : અપડેટ્સ

. . .

– દરરોજ કંઇકને કંઇક નોંધ લેવા લાયક બનતું જ રહેતું હોય છે પણ કમનસીબે સમયસર નોંધવાની આળસમાં ઘણું ભુલી જવાતું હોય છે.

– ઠંડી અત્યારે થોડી-થોડી વધી રહી છે પણ વર્ડપ્રેસની અસીમ કૃપાથી મારા આ બગીચામાં તો હમણાંથી જ બરફવર્ષા ચાલુ થઇ ગઇ છે !! (તમે જોયું કે નહી? જુઓ જુઓ…બેક્ગ્રાઉન્ડમાં બરફ વરસતો દેખાશે.)

– રવિવારે વ્રજને ફરી રસી અપાવવા લઇ ગયા હતા. હવે પછીનો ‘ડોઝ’ મે મહિનામાં આવશે. આ રસી આપનારા ડોકટર-નર્સ જે રીતે રસી-ઇન્જેકશન આપતા હોય છે તે જોઇને કુમળા બાળક પ્રત્યે તેઓ થોડા નિર્દય હોય એવું લાગે. (હશે, તેમની માટે તો આ બધુ રોજનું કામ કહેવાય એટલે..)

– પરિવારમાં લગ્ન પુરા થયા. હવે તો બધા મહેમાનો પોતપોતાના ઘરે પહોંચી ગયા છે અને પોતના કામધંધે પણ વળગી ગયા હશે. (પણ અમે હજુ રજાના માહોલમાંથી બહાર નથી આવ્યા બોલો…)

– આ મહિનાની ૧૩ અને ૧૭ તારીખે ગુજરાતમાં ચુટણી છે. સૌને પોતાનો કિમતી મત ‘યોગ્ય’ ઉમેદવારને આપવા વિનંતી. (જો યોગ્ય ઉમેદવાર પસંદ કરવો મુશ્કેલ હોય તો નાછુટકે ઉભેલા ઉમેદવાર માંથી પ્રમાણમાં ઓછા ‘નાલાયક’ની પસંદગી કરવી.) અને આપને કોઇ જ ઉમેદવાર યોગ્ય ન લાગે તો….

  1. તમારૂં ઓળખપત્ર લઇને મતદાન કેન્દ્ર પર જજો.
  2. તમે મતદાન કરવા આવ્યા છો તેની નોંધ રજીસ્ટરમાં કરાવજો.
  3. પહેલી આંગળી પર કાળું ટપકું મુકાવજો.
  4. EVM પર “ઉપરમાંથી કોઇ નહિ” નું બટન દબાવજો.
  • જો એવું બટન EVM પર ના હોય તો…
  • પ્રિસાયડીંગ ઓફિસરને કહો કે તમે ફોર્મ નં 16A દ્વારા જ મતદાન કરવા ઇચ્છો છો કારણકે તમે જે મત આપવા માંગો છો એ સુવિધા EVM પર નથી. (EVM = ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન) ફોર્મ 16A ભરી ને તમારા તથા પ્રિસાયડીંગ ઓફિસર ના હસ્તાક્ષર કરવા જરૂરી છે. આ ફોર્મ ભરવાથી તમારો ” કોઇ ઉમેદવાર ચૂંટવા લાયક નથી ” એવો મત નોંધાઇ જશે તેમજ તે મુજબની ગણતરીમાં લેવાશે.
  • આ અંગે વધુ જાણકારી / માર્ગદર્શન તમે સ્થાનિક ચૂંટણી નિરીક્ષક પાસેથી વિના સંકોચ અધિકાર સાથે મેળવી જ શકો છો.
    (માહિતી સ્ત્રોત: શ્રી અખિલ સુતરીયા)

– અમારે ત્યાં ઉભેલા ઉમેદવારમાં જે ઉમેદવાર ઠીક લાગે છે તેની પાછળ રહેલી રજકીય પાર્ટી ઉપર મને ભરોસો નથી આવતો અને જે ઉમેદવાર પસંદગીને ‘લાયક’ નથી તેનો રાજકીય પક્ષ (અન્ય વિકલ્પના અભાવે) મને પસંદ છે. આ કારણોથી મારો કીમતી મત કોને આપવો તે હજુ સુધી નક્કી કરી શક્યો નથી. (નક્કી કરીશ તો પણ અહીયા કોઇને નહી કહું. એ તો સિક્રેટ જ રહેશે. 🙂 )

– મારા મતે આ વર્ષે પણ નરેન્દ્ર મોદીનું પલ્લું થોડું ભારે જણાય છે. હવે જોઇએ ગુજરાતની પ્રજા આખરે કોને વધુ પસંદ કરે છે. (જો કે હું કોઇ ચુટણી એક્સપર્ટ નથી એટલે મારી ધારણા ખોટી પણ પડી શકે છે જેની નોંધ લેવી.)

– અમદાવાદના આકાશમાં હમણાંથી પતંગ દેખાવાના શરૂ થઇ ગયા છે. આ વર્ષે ઉતરાયણની આગળના દિવસે એટલે કે ૧૩ જાન્યુઆરીના દિવસે રવિવાર આવે છે એટલે આ વખતે ત્રણ દિવસની ઉતરાયણ પાક્કી. (મને બચપનથી જ ઉતરાયણનો તહેવાર ઘણો વ્હાલો.) ગુજરાત સરકારના આગામી કાર્યક્રમોમાં તપાસ કરીને કોઇ મને કહેજોને કે આ વખતે ‘વાઇબ્રન્ટ ઉતરાયણ’ના આયોજનનો કોઇ પ્લાન છે કે નહી?

– રેગ્યુલર દોડવાનો પ્લાન પહેલા લગ્નના કારણે અને હવે ઠંડી (સાથે સાથે થોડી આળસ) ના કારણે અટકેલો છે. (આ અટકેલો પ્રોગ્રામ ફરી શરૂ કરવું ઘણું વિકટ લાગે છે…. કેમ કે હમણાંથી સવારે વહેલા ઉઠાતુ જ નથી.)

– મારી ગાડીના કાચ ઉપરની બ્લેક ફિલ્મ ન કાઢવા બદલ ગઇકાલે જ દંડ ભર્યો! (હવે તો જલ્દી જ કાઢી નાખવી પડશે. 🙁 )

– બસ, હવે વધારે લખીને લાંબુ નથી કરતો. અસ્તુ.

. . .