July’12 : અપડેટ્સ

– આજે ફરી એક નાના (કદાચ મોટો પણ કહી શકાય) એવા બ્રેક પછી બગીચામાં હું મારું પોતાનું સ્વાગત કરૂ છું. (બેકગ્રાઉન્ડમાં તાલીઓનો ગડગડાટ અને એકાદ કેમેરાની ક્લીકનો અવાજ ઇમેજીન કરી લેવો.)

– પાછળના દિવસો જેમાં ઘણી ઘટનાઓની નોંધ લેવાની ચુકી જવાઇ. (તો શું થયું..આમેય આ કોઇ સમાચારપત્ર તો છે નહી કે ડેઇલી-ન્યુઝનો ભરાવો કરવો પડે…)

– થોડા સમય પહેલા રજુ થયેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઇશ‘ વિશે બે શબ્દો લખવાની ઇચ્છા હતી, પણ હવે તે વિશે ઓલરેડી ઘણું લખાઇ ગયું હોવાથી તે બાબતે મારા કી-બોર્ડને આરામ આપવાનું ઠીક રહેશે. (ફિલ્મમાં ઘણું ગમ્યું – આટલું તો લખવા દો યાર…)

– ફેસબુકમાં ફરી એન્ટ્રી લેવામાં આવી છે. જેઓ એમ માનતા હતા કે મને ત્યાં પાછા આવવું જ પડશે, તેવા લોકોને ઉદ્દેશીને ફેસબુકમાં એક સંદેશ મુક્યો છે. (રસ ધરાવતી પાર્ટીઓ ત્યાં જઇને જોવાની તસ્દી લે.)

– આજે ‘બોલ બચ્ચન‘ જોવામાં આવ્યું. ટીપીકલ રોહિત શેટ્ટી ટાઇપ ફિલ્મ છે. એકંદરે ટાઇમપાસ-કોમેડી છે. (જોઇ-હસીને એકવાર ખુશ થવાય એવી.)

– ચોમાસાની સિઝન ચાલું છે એવું આજે લાગ્યું. (પણ… પેલો સાંબેલાધાર વરસાદ આવે તો મજા પડે..)

– બીજી વાતો પછી કયારેક…

🌨

એપ્રિલની નવાજુની

– માર્ચ મહિનામાં પુરું કરવાનું હતું એ એકાઉન્ટીંગ કામ એપ્રિલમાં પણ જોરશોરથી ચાલું છે. (આખુ વર્ષ કામ છોડીને ભટકયા કરો એટલે આવી હાલત થાય.)

– છેલ્લા બે મહિના દરમ્યાન અન્ય કોઇ જવાબદાર વ્યક્તિ ન હોવાથી માલિક તરીકે ફુલ ટાઇમ ઓફિસમાં બેસવાનો ફાયદો એ થયો કે મારી કાર્યક્ષમતા વધારો અને આડી-અવળી ઉછળકુદમાં ઘણો ઘટાડો નોંધાયો છે. (હવે હું એક જગ્યાએ લાંબા સમય સુધી સ્થિર બનીને કામ કરી શકુ છું.)

– અને નુકશાન એ થયું છે કે હું મારી મસ્ત-મનચલી દુનિયાથી જાણે દૂર ફેંકાઇ ગયો છું. મિત્રો-યાર, સગા-સબંધી અને લગ્ન-સગાઇ જેવા દરેક પ્રસંગ કેન્સલ-લિસ્ટમાં ગોઠવાઇ ગયા છે. (ઘણી ઇચ્છા હોવા છતાં કયાંય જઇ શકાય તેમ નથી.)

– આટલી મોટી દુનિયામાં જયારે આખો દિવસ માત્ર એક ઓફિસમાં વિતાવીને પુરો કરવો પડે એ તો જીવતા નર્ક સમાન કહેવાય. (આ સ્થિતિમાં સુધારો કરવો અતિઆવશ્યક છે.)

– જીવનમાં કોઇ નવા કાર્ય કે કામથી આગળ વધીને કંઇ ક્રિએટિવ કાર્ય ન કરી શકે તેવો માણસ નકામો કહેવાય. સમય ન મળવો તે લગભગ બહાનામાં જ આવે છે; કેમ કે માણસ એક એવું પ્રાણી છે જે તેની ગમતી પ્રવૃતિ માટે ટાઇમ કઇ રીતે કાઢી લેવો તે ખુબ સારી રીતે જાણે છે. (‘હું માણસ છું’, એ મને જ સાબિત કરવું પડશે.)

– ફેસબુક-મેસેજમાં દબાયેલી એક માહિતી મેળવવા માટે ફેસબુકમાં એન્ટ્રી લેવામાં આવી. માહિતી તો મેળવી લેવાઇ પણ હવે માર્કભાઇની સિસ્ટમ મારા FB એકાન્ટને ડીએક્ટિવેટ કરવા નથી દેતી. (તે લોકો તેમની ટેકનીકલ ભાષામાં એમ કહે છે કે “કોઇ સમસ્યા છે, થોડા સમય પછી પ્રયાસ કરજો.”) જુઓ, સમસ્યા કંઇક આવી છે – click here (કોઇ મિત્ર પાસે અન્ય વિકલ્પ હોય તો જાણ કરવા વિનંતી.)

# ઇવેન્ટ્સ :

1. આજે સાંજે અમદાવાદમાં તોફાની ત્રિપુટી દ્વારા આયોજીત અને શ્રી તાહા મન્સૂરી સંચાલિત કાવ્ય-ગઝલ પઠનનો તોફાની મુશાયરો યોજવામાં આવી રહ્યો છે. જેમાં ફેસબુક પર વાંચવા મળતા કવિમિત્રોને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. (સમયનો ઘણો અભાવ છે તો પણ ત્યાં સુધી પહોંચવાનો સંપુર્ણ પ્રયાસ રહેશે.)

– સમય અને સ્થળ અંગેની માહિતી:

tofani musayaro
Ahmedabad national book fair

2. આ વેકેશનમાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર વાંચનપ્રેમીઓ માટે અ.મ્યુ.કો દ્વારા રાષ્ટ્રિય પુસ્તક મેળાનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે. ૭ દિવસના આ પુસ્તકમેળામાં દરેક દિવસે અલગ-અલગ આકર્ષણનું આયોજન પણ છે.

– વધુ માહિતી માટે મુલાકાત લો – http://deshgujarat.com

અપડેટ્સ – 16/3

. . .

– લાગણીઓમાં વધારે તણાઇ જવા કરતાં પ્રેક્ટિકલ બનવું પ્રમાણમાં વધુ સારું લાગે છે. (કમસેકમ તમારા નિર્ણયોમાં કોઇ દખલ તો ન કરી શકે.)

– ફાઇનલી, ‘બગીચાના માળી’ની ફેસબુક પ્રોફાઇલ નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. આગળની બન્ને પોસ્ટ (તા-૧૧/૩ અને ૧૨/૩ ) બાદનો આ છેલ્લો નિર્ણય..  (પણ.. મિત્રોની લાગણીઓ તો હંમેશા દિલમાં રહેવાની….)

– ‘મારો બગીચો‘ પેજ સલામત રહેશે. (આ રીતે ફેસબુક મિત્રોની વચ્ચે પણ રહીશ) જો કે આ પેજનો ઉપયોગ માત્ર અહી ઉમેરાતી માહિતીની જાણકારી આપવા પુરતો મર્યાદિત રહેશે. (તે માટે વર્ડપ્રેસની ઓટો-પોસ્ટનું સેટિંગ કરી દેવામાં આવ્યું છે.) અને કોઇ ફેસબુક મિત્રો ઇચ્છે તો મને ત્યાં મેસેજ દ્વારા કે પેજ પર પોતાની વાત પોસ્ટ કરી શકે છે.

– આજના દિવસના ખાસ ન્યુઝ : સચીનની સદીની સદી પુરી થઇ.. ભાઇ શ્રી ને અભિનંદન. (હાશ, હવે ઘણાં લોકોને કોઇ નવું કામ મળશે તો કોઇને ચર્ચા માટે નવો ટોપિક શોધવો પડશે.)

– આજે દેશના નાણાંમંત્રી શ્રી પ્રણવ મુખર્જી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું અને બજેટ અંગે સવારે સરસ ધમાધમ શરૂ થઇ હતી પણ સચીનભાઇની સદી પાછળ બધુ ભુલાઇ ગયું. (ચલો, આ બહાને લોકોનું જે બે ઘડી દુઃખ ઓછું થાય તે પણ સારું જ છે ને..)

– થોડા સમય પહેલા સચીન પર માછલા ધોતા લોકો આજે તેને માથે ચડાવીને નાચશે. (ભલે નાચતા.. ખુશી તો હોય જ ને… બી પોઝિટીવ યાર !!)

– માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે આખો બિઝનેસ જાણે ‘નર્વસ-નાઇન્ટી’માં એન્ટર થયો હોય એવી હાલત થાય. નવા ક્લાયન્ટ્સ કે કસ્ટમરમાંથી ટાઇમ કાઢીને કાગળીયાની દુનિયામાં ખોવાવું પડે. (આખુ વર્ષ ગમે એટલી કાળજી રાખો પણ માર્ચ મહિનો દોડધામ વગર પુરો ન જ થાય.)

– ઘણી સુંદર ભાવના સાથે ‘નિષ્યંદન’ નામનું સામાયિક શરૂ કરનાર સંપાદક શ્રી યોગેશભાઇ વૈદ્ય (રહે.-વેરાવળ, ગુજરાત) સાથે અમદાવાદમાં રૂબરૂમાં મુલાકાત કરીને ઘણો આનંદ થયો. જેમને સાહિત્ય ઉપરાંત કવિતા કે ગઝલ પ્રત્યે લાગણી હોય તો ચોક્કસ તેમના બ્લૉગની મુલાકાત લેવા જેવી છે. (આ બીજા વ્યક્તિ છે જેમની સાથે રૂબરૂ મુલાકાત કરી.)

– બે દિવસ પહેલા BSNL માં થયેલા અનુભવ વિશે કંઇક લખવું હતું.. પણ આજકાલ નેગેટીવ વાતો ઘણી થઇ જાય છે એટલે થયું કે તેનો ફરી કયારેક વારો લઇશ. આજે આટલું બસ છે.

. . .