at 29!

~ આ 29 કોઇ ઠેકાણું નથી, પણ એક માપ છે; જે આ સુંદર દુનિયામાં વિતાવેલા સમયકાળને દર્શાવે છે. આજે હું 29 વર્ષનો થયો.

‍~ આ માપને એક અલગ રીતે જોઇએ તો મન થી હું હજુ 22 વર્ષનો જ છું અને આજે તે 22 વર્ષમાં અટકી રહેવાને 7 વર્ષ પુરા થયા એમ કહી શકાય! 🙂

~ આ તો લોક-વ્યવસ્થા (અને વાર્ષિક ગણતરી) ને ધ્યાનમાં રાખીને અમે ઉંમરનો આંકડો વધારતા જઇએ છીએ, બાકી તો હું હતો એવો ને એવો જ છું! (હા, હવે દેખાવમાં ઉંમર થોડીક જણાય છે, પણ હજુ એટલો મોટો પણ નથી લાગતો કે કોઇ મને ૨૯ વર્ષનો કહી શકે!)

~ બસ, આજકાલ ભારે વાતો કરતા શીખી ગયો છું પણ એ તો વાતો કરું ત્યાં સુધી જ. અન્ય વિચારોમાં જોઇએ તો ખાસ પરિવર્તન નથી આવ્યું. જવાબદારીઓ કયારેક જમીન પર લઇ આવે છે, તે સિવાય અમે હજુયે હવામાં ઉડવાનો જ શોખ રાખીએ છીએ. આજેપણ એવી ઘણી ઇચ્છાઓ છે જે આ ઉંમરના આંકડા કરતા વિરુધ્ધ દિશામાં છે, છતાંયે અમે તેને પુરી કરવા મક્કમ છીએ. (એમ તો મને ફરી 15-16 વર્ષના બનવું છે, પણ હવે એ માસુમિયત હું ખોઇ ચુક્યો છું એટલે આ ઇચ્છાને કેન્સલ કરી દેવી જ ઠીક રહેશે.)

~ દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસની પોસ્ટમાં મોટી-મોટી વાતો કરવાની છે. આમ તો અહી આજકાલ ભારે વાતોનો સમય ચાલી રહ્યો છે તો આ વખતે હળવી વાતો હોય તો ઠીક રહેશે પણ નિયમ એટલે નિયમ. બ’ડ્ડે માં તો કંઇક ભારે જ લખવાનું હોય. (આજના દિવસે આવું કંઇક લખેલું હોય તો વાર્ષિક પોસ્ટ દેખતી વખતે મને મારા વિશે જાણવામાં સરળતા રહે છે.)

~ દરેકના જીવનમાં અલગ અલગ અવસ્થાઓ આવતી-જતી રહે છે. આ અવસ્થા એટલે કોઇ એક સમયગાળો. આપણે માનીએ કે ન માનીએ પણ આપણું જીવન વિવિધ તબક્કાઓમાં વહેંચાઇ જતું હોય છે. આ અવસ્થા, સમયગાળો કે તબક્કો -જે ગણો તે દરેકનો અર્થ એક જ છે. (અલગ-અલગ શબ્દો સાથે  કહેવાનો મતલબ દરેક સરળતાથી સમજી શકે તેનો છે. જો આપને આવી વાતોમાં કંટાળો આવતો હોય તો અટકી જશો. આગળ વાંચવા જેવું નથી.)

~ ગયા જન્મદિવસથી આજના દિવસ વચ્ચેના સમયગાળા મુજબ વિતેલા વર્ષને અત્યાર સુધીના સૌથી વધુ ઉત્સાહજનક વર્ષ તરીકે ગણી શકાય એમ છે. સૌથી સુંદર ઘટનાઓ અને આશ્ચર્યજનક રીતે મારા પક્ષમાં પલટાતી પરિસ્થિતિઓ ધરાવતું આ વર્ષ ઘણી રીતે યાદ રહેશે. બસ, આ બધી ઘટનાઓ ને સમયસર નોંધી નથી શકાઇ એટલે ભુલાઇ જાય તેવી શક્યતાઓ ઘણી છે. વિચારું છું કે બે-ત્રણ દિવસનું વેકેશન કરીને હું એકલો કોઇ નિરાંતની જગ્યાએ જતો રહું અને ત્યાં આ એક જ કામ પુરું કરી લઉ. (કાશ મગજમાં પણ ઇંટરનેટના બ્રાઉઝર જેવું કોઇ સૉફ્ટવેર હોત જે આપણી રોજબરોજની દરેક વાતો/વ્યક્તિ/સ્થળને જે-તે દિવસ-સમય મુજબ લીંક-અપ કરીને કોઇ જગ્યાએ ઓટોમેટિક સ્ટોર કર્યા રાખે કે જેની ઉપર ક્લિક કરીને ગમે ત્યારે લાઇફના એ પેજ ઉપર જઇ શકાય.)

~ આમ તો જીવન વિશે વધારે વિચારવું એવું હું માનતો નથી. વિચારી-વિચારીને જીવવું પણ નથી. મારી માટે જીવનને તો વહેતા પાણીની જેમ જીવવું યોગ્ય છે. જે બદલાતા કિનારા અને વહેણ સાથે વહેતું રહે, કયારેક શાંત નદીની જેમ અને જરૂર પડે તો તોફાની વહેણની જેમ, કોઇકવાર ધોધ સ્વરૂપે તો કયારેક ઝરણાંની જેમ ખળખળ… એક સ્વરૂપ અને એક જ છાપમાં બંધાઇ રહેવું મને કયારેય ગમ્યું નથી, પરિસ્થિતિ મુજબ બદલાતા રહેવું મને મંજુર છે. જો કે હું મારો મુળ મસ્તી ભર્યો ચંચળ સ્વભાવ છોડી શકું એમ નથી. અને હા, મારી માટે વહેતા-વહેતા દરિયાને મળવું જરૂરી નથી. અગર મંજીલ કરતા સફરમાં વધારે આનંદ આવતો હોય તો હું હંમેશા સફરમાં રહેવું પસંદ કરનારો વ્યક્તિ છું. બની શકે કે મંજીલથી ભટકીને છેવટે રસ્તામાં જ સમાઇ જવું પડે, તો પણ મને મંજીલ ન મળ્યાનો જરાયે અફસોસ થાય એમ નથી. (આ પાણી-તેનું સ્વરૂપ-દરિયો-સફર એ માત્ર રૂપક છે. તેના દ્વારા હું સરળતાથી મારા વિચારને સમજાવવાનો પ્રયત્ન કરું છું.)

~ મેં મારા માટે કેટલાક નિયમો બનાવ્યા હોવા છતાંયે હું ઘણો પ્રેક્ટિકલ છું. કોઇ-કોઇ નિયમ જાળવવા ગમે છે પણ કોઇ વાર તેને બદલવામાં પણ સંકોચ નથી થતો. હવે તો યાદ નથી કે મેં મારી જાતને એક સ્વતંત્ર વ્યક્તિ સ્વરૂપે આઝાદ બનીને જીવવા માટે કયારે તૈયાર કરી હતી પણ આજે હું એમ રહી ને ઘણો ખુશ છું. (આ ‘વ્યક્તિગત સ્વતંત્રતા એટલે શું?’ તે વળી અલગ વિષય છે જેની ચર્ચા ભવિષ્યમાં કયારેક કરવામાં આવશે.)

~ મારી ઉંમરના સમાંતર વ્યક્તિ કરતાં હું ઘણું અલગ રીતે વિચારી શકું છું. હું કોઇ ખાસ છું એવું તો નથી લાગતું પરંતુ દરેકથી થોડો અલગ જરૂર છું અને થોડો વિચિત્ર પણ! (ના, એમ તો બધા જેવું પણ વિચારું છું અને શંકા ન કરો યાર.. હું સંપુર્ણ નોર્મલ પુરુષ છું.)

~ કોઇપણ પ્રકારની મજા કે શોખ સાથે મને નફરત નથી. મારી પસંદ-નાપસંદ અલગ વસ્તું છે, પણ હું દરેક ને તેમની ખામી-ખુબી સાથે સરળતાથી સ્વીકારી શકું છું. અંગત રીતે કહું તો મારી અંદર સમાજના નિયમો, બંધનથી દુર એક રંગીન દુનિયા છે જેને એક સામાન્ય નજરે સમજવી અઘરી છે. (મારી આ દુનિયાને સમજવી અઘરી એટલે પણ છે કે ત્યાં કયાંય કોઇ બંધન, મર્યાદા કે નિયમોની વાત નથી હોતી.)

~ મનનો આનંદ એક અમુલ્ય વસ્તું છે જેને મેળવવા માટે સૌ કોઇ ઇચ્છે; પણ આ દુનિયા અને તેની આસપાસ વીંટળાયેલી સંબંધોની જાળમાં આપણે એવા ખોવાઇ ગયા છીએ. આપણે કયાં જઇ રહ્યા છીએ અને શું કરવા જઇ રહ્યા છીએ તેનો જવાબ મેળવીને તમે જેવા મનુષ્ય બનવા કે જે કરવા ઇચ્છતા’તા તેની સાથે સરખાવી જુઓ તો ખ્યાલ આવશે કે વાસ્તવિક્તા અને સપનાંઓ વચ્ચે કેટલું અંતર છે.

~ પોતાના આનંદ કે શોખ માટે અન્ય વ્યક્તિ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાની વાત નથી, પણ સૌને સાથે લઇને પોતાની જાત સાથે જોડાયેલા રહેવાની આ વાત છે. (છતાંયે એ વાત તો સ્વીકારવી જ પડશે કે દરેક વ્યક્તિને એકસાથે ખુશ રાખવા શક્ય નથી.)

~ ખૈર, હવે ભારે વાતો લાંબી ચલાવવા કરતા અહી અટકાવવી ઠીક લાગે છે. (મને કોઇ આમ એક વિષય આપીને કથા કરવા બેસાડી દે તો હું એકાદ કલાક તો ખેંચી શકું એમ છું. એ પણ આપણાં બાબાઓની સ્ટાઇલમાં!) અને આજે આમ તો સમય મળે એમ નહોતો પણ એક સામાજીક કાર્યક્રમના કારણે આજે આ બે(- હજાર) શબ્દો લખવાનો મોકો મળી ગયો.

*હંમેશની જેમ અહી જે કંઇ ઉમેરવામાં આવ્યું છે તે માત્ર મારા વિચારોની યાદગીરી જાળવવા માટે છે; પણ આજે અહી આવનારને મારા વિશે કંઇક વધુ જાણવા મળશે.

Birthday 2.1

Buddies! 😉
vraj with cake
the look

– નોંધ:

  • વધારે લખાણપટ્ટીનો સમય નથી એટલે આજે માત્ર ફોટો સ્ટોરીથી જ પતાવ્યું છે. (જો સમય મળશે તો સંપુર્ણ અહેવાલ રજુ કરવામાં આવશે.)
  • Birthday 2.1 એ કોઇ બર્થ’ડે સોફ્ટવેરનું વર્ઝન નથી. આ તો આજે વ્રજ ૨ વર્ષ અને ૧ મહિનાનો થયો ને એટલે! (આ ઉજવણી આ સમયે કેમ? -એવો પ્રશ્ન થાય તો આ પોસ્ટ જોઇ લેવી.)
  • જેઓ આ સિવાય બીજા ફોટો જોવામાં રસ ધરાવતા હોય, તેઓ ક્લિક કરશે; અહી.
  • અપડેટ્સની નવી પોસ્ટ ઉમેરવામાં હજુ વધારે સમય લાગી શકે છે. (માત્ર લાગતા-વળગતા જોગ.)

અપડેટ્સ-43 [Aug’14]

– આજે આ ૩૪ દિવસ પછીની પોસ્ટ  છે! છેલ્લા એક વર્ષ દરમ્યાન આવું કદાચ પ્રથમવાર બન્યું છે કે એક મહિના જેટલા સમયમાં અહી કોઇ જ વાતની નોંધ ન લેવામાં આવી હોય. (મુખ્ય કારણ: આળસ. અન્ય કારણ ઉર્ફે બહાના: સમય નથી, મુસાફરીમાં હતો, લખવા જેવું નથી, મુડ નથી, વગેરે વગેરે…)

– એમ તો મુસાફરીને થોડું યોગ્ય કારણ ગણી શકાય, કેમ કે.. આ દિવસોમાં લગભગ 15-20 દિવસ મુસાફરી કે હરવા-ફરવામાં વિતાવ્યા હશે જેમાં છેલ્લા 9 દિવસના કચ્છ પ્રવાસનો પણ સમાવેશ થઇ જાય છે.

– એક આંખમાં થયેલી તકલીફે ઘણાં દિવસ કાળા ચશ્મા પહેરી રાખવા મજબુર કર્યો. કેટલાક શહેરમાં કામકાજ ઉપરાંત પારિવારિક હેતુસર અને કચ્છમાં ફરવાના હેતુસર મુસાફરી કરવામાં આવી. સ્વાભાવિક છે કે ફરવામાં વધુ આનંદ આવ્યો. આ વખતે નવા-નવા સ્થળે રખડવા કરતાં એક જ જગ્યાએ વધુ સમય પસાર કરવામાં આવ્યો. મારો અને લગભગ દરેકનો અનુભવ હશે કે ફરવાના દિવસો ઝડપથી નીકળી જતા હોય છે. (એમ તો મને આજકાલ દરેક દિવસો ઘણાં ઝડપથી પસાર થઇ રહ્યા હોય એવું લાગ્યા રાખે છે.)

– કચ્છમાં નાના ગામડાંઓ સુધી વિસ્તરેલા પવનચક્કીઓના જંગલ જોવાની અને સાંકડા-વળાંકવાળા તથા ઉતાર-ચઢાવવાળા રસ્તાઓમાં વ્રજને બુમાબુમ કરવાની ઘણી મજા આવી. (અને તેને ખુશ થતા જોઇને અમને પણ મજા આવી.) છોટું માટે પવનચક્કી એટલે મોટો-fan!

– વ્રજને બે વર્ષ પુરા થયાની ઉજવણી માટે ચાર મહિના પહેલાથી વિચાર્યું હતું પણ આખરે તે બધા પ્લાન ધોવાઇ ગયા. (‘ધોવાઇ ગયા’ -એ કહેવત છે. અહી વરસાદનો કોઇ દોષ ન ગણવો.) તેના જન્મદિવસ તથા તેની આગળ-પાછળના દિવસોમાં લગભગ મુસાફરીમાં રહેવાનું થયું અને ત્યારબાદ એવી જગ્યાએ હતા કે જયાં પાર્ટી કરવી શક્ય નહોતી.

– અમે છોટુંની બર્થ-ડે ને એક મહિનો મુલતવી રખવાનો વિચાર કર્યો છે. હવે, છોટુંને બે વર્ષ અને એક મહિનો ઉંમર થયાની ઉજવણી કરવામાં આવશે. (ઉજવણી વર્ષે-વર્ષે જ થાય એવો કોઇ નિયમ નથી હોં! અને હોય તો અમારી જાણમાં નથી. ભુલચુક લેવીદેવી.)

– અગાઉની અપડેટ્સમાં વરસાદના આગમન વિશે નોંધ લેવાઇ હતી અને આ અપડેટમાં તેના દ્વારા થયેલા નુકશાન ઉપરાંત શહેરીજનોની સમસ્યાઓ ઉમેરવાનો પ્લાન હતો, પણ…. વરસાદે ઇંગ્લેન્ડમાં રમતા ભારતીય ખેલાડીઓની જેમ હાર સ્વીકારી લીધી લાગે છે. એટલે અમે પણ અત્રેથી વરસાદી સમસ્યાઓના સમાચાર નોંધવાનું કાર્ય મોકુફ થયેલ જાહેર કરીએ છીએ. (નોંધ: જો મારા દ્વારા થયેલ સમાચાર મોકુફીની જાહેરાતના સમાચાર વાંચીને મારી મજાક ઉડાવવા વરસાદ પાછો આવે તો ઉપરોક્ત મોકુફીને રદબાદલ ગણવી. – લિ. હુકમથી.)

– એમ તો વરસાદ સાવ નથી આવ્યો એવું તો ન કહેવાય, કેમ કે મૌસમ વિભાગ દ્વારા સમાન્યથી-વધુ વરસાદ થયાના આંકડાઓ મળ્યા છે! (આ મૌસમ વિભાગ એટલે જેની માત્ર ૯૯.૯૯ ટકા આગાહીઓ ખોટી પડે છે, એ જ ને..?)

– આજની અન્ય એક અપડેટ;

Featured Image: Kutchi Traditional House