28 થઇ!

– જો આપ એમ સમજો છો કે આજે ટાઇટલમાં કોઇ એક પક્ષને મળતી લોકસભા સીટની વાત થઇ રહી છે અથવા કોઇ ચુનાવી-એક્ઝિટ પોલના આંકડા કે રાજકારણની વાત કરવાનો છું તો આપને જણાવતા ખેદ થાય છે કે, આપ ગલત સોચ રહે હૈ। (હમણાંથી હિન્દી ન્યુઝ ચેનલ વધારે જોઇ છે એટલે દરેક વાતમાં તેની અસર આવી જાય છે!)

– ગયા વર્ષે આ દિવસે જ કંઇક લખ્યું’તું એટલે આ વખતે વધારે લખવા માટે નવા શબ્દો નથી મળતા. (મારા જેવા લપલપીયા કાચબા પાસે શબ્દો ખુટે એ જાણીને ઘણાંને નવાઇ લાગશે.)

– એવું તે શું હતું ગયા વર્ષે, જે આજે પણ એ જ દિવસે છે! અંદાજ લગાવી શકાય એમ છે. ઓકે, મને ખબર છે કે એક્ઝિટ-પોલના અંદાજ જોઇ-જોઇને થાકેલી પબ્લીકને હવે મારી માટે અંદાજ કરવો નહી ગમે.. (આફ્ટરઓલ… જનતા પણ થાકે કે નહી!)

– અને આમેય આજે સૌને મારી ટાઇમપાસ વાતો વિશે જાણવા કરતાં આવતી કાલે આવનારા ચુટણી પરિણામ જાણવાની વધારે ઉતાવળ હશે. તો વધારે વાતો ન કરતાં સસ્પેન્સને ટુંકાવીને કહી દઉ કે, આજે મારો મારો જન્મદિવસ છે! ~~ આહા! બધાઇયાં બધાઇયાં બધાઇયાં….. હેપ્પી બડ્ડે ટુ મી ! 😉 🙂 :* ~~ 1

– આજે અમારી ઉંમર 28 થઇ 2 ! હવે જન્મદિવસ છે તો વિતેલા સમયની થોડી મોટી-મોટી વાતો પણ કરી લઇએ તો ઠીક રહેશે.. (આજના દિવસે આવી વાતો કરવી પડે!)

– વર્ષની દ્વષ્ટિએ જોઇએ તો ગયું વર્ષ આખું મસ્ત રહ્યું. (દરેક જન્મદિવસની સૌથી કોમન વાત.) ગયા વર્ષ દરમ્યાન જીવનમાં ઘણાં ટ્વીસ્ટ આવ્યા અને મે દરેક ક્ષણે ભરપુર મજા લીધી. (સમય તો બદલાયા કરે પણ અમે એવા-ને-એવા જ રહેવાના.)

– લાઇફ અત્યારે સરળ અને ફાસ્ટ-ટ્રેક ઉપર છે. રોજે-રોજ નવું-નવું બની રહ્યું છે. જીવન આશ્ચર્યથી ભરપુર છે. આજકાલ હું પ્લાન કરીને ભલે જીવતો હોઉ તોયે સરપ્રાઇઝ હજુયે મને એટલા જ પસંદ છે! (અંદર કી બાત: સંસ્થાની સરપ્રાઇઝ પસંદ હોવાની વાતમાં ગિફ્ટ મેળવવાની ગુપ્ત ઇચ્છા સમાયેલી છે.)

– આ ઉંમરનો વધતો આંકડો મને કયારેક ઉંડા વિચારમાં મુકી દે છે. જેમ બાળ અવસ્થા માંથી યુવાનીમાં આવ્યા પછી થતું હોય છે કે બાળપણમાં ઘણું ચુકી જવાયું અને જે હતું તેને માણવાનો સમય ન કાઢી શકાયો; તેવું હવે ભવિષ્યમાં ન થાય તેનો વિચાર ગુમરાયા રાખે છે. હજુ મને આ ઉંમરમાં ઘણું બધું કરી લેવું છે, પણ સમય ઘણો ઝડપથી વહેતો હોય એવું બની રહ્યું છે. (નક્કી કરેલા કાર્યો માંથી ઘણી ઇચ્છાઓને દર વર્ષે ફોરવર્ડ કરતા રહેવાની આદત/મજબુરી પણ તેનું એક કારણ છે.)

– ખૈર, આગળ-પાછળનું લાંબુ વિચારવા કરતાં જે સમયે જે થઇ શકે એમ હોય તે કરીને અને તેને જ માણતા રહેવામાં શાણપણ છે. ભવિષ્ય માટે આમ પણ હું વધારે ચિંતા કરતો નથી, ફાવતું પણ નથી. જે સમયે જેટલું થાય એ કરતા રહેવાનું.

– દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસના સમયે હું એકલો છું. માં-દિકરો 3 બંને મારા સસરાના ઘરે મારા નામની કેક ખાઇને લોંગ-ડિસ્ટન્ટ-બર્થ-ડે ઉજવી લેશે અને હું ઘરે એકલા-એકલા બેસીને રેડિયો સાંભળતા-સાંભળતા નિરાંતે આઇસક્રીમ પી લેવાનો વિચાર કરીને બેઠો છું! (મને ઠંડી આઇસક્રીમ ઓગાળીને પીવી 4 બહુ જ ગમે અને જન્મદિવસે તો જે ગમતું હોય એ જ કરાય ને?)

– મિત્રો તો ઘણાં બનાવ્યા છે પણ જન્મદિવસની ઉજવણીની બાબતે હું હંમેશા દુર ભાગતો રહ્યો છું. આ માટે બચપનના દિવસોના વિચિત્ર કારણો જવાબદાર હોઇ શકે; કદાચ એટલે જ મને મારા જન્મદિવસ માટે વધારે ઇચ્છાઓ નથી રહેતી. (આમેય હું રહ્યો એકલ-જીવ… મને ખુશ થવા માટે કોઇની જરૂર ન પડે.)

આજે કોઇ મિત્રો મારી પાસેથી પાર્ટી ઇચ્છતા હોય તો તેમની માટે મેં એક પાર્ટીનું આયોજન કર્યું છે અને સૌ મિત્રોને મારી પાર્ટીમાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. બધા પાર્ટીમાં જોડાઇ જાય તે પછી આપણે બધા ભેગા મળીને દેશભરમાં ચુટણી લડીશું! 😉 😀 🙂 તો બોલો… BJP જીંદાબાદ… મતલબ કે… બગીચા-જન-પાર્ટી5.. જીંદાબાદ…
નોંધઃ પાર્ટીમાં સભ્યપદ મેળવવા અંગેનું ફોર્મ મારા બગીચાના ડાઉનલોડ વિભાગમાંથી મેળવી લેવું અને નામ-ફોટો-સરનામું તથા સહી સાથે જલ્દી પરત મોકલી આપવું.

– હવે આવતી કાલે શરૂ થનાર મત ગણતરી બાદ ચુટણી પરિણામથી દેશમાં સ્થિર-મજબુત સરકાર બનશે તેવા સમાચાર સાથે ફરી મળીશું.

– ત્યાં સુધી સૌની ખુશીની કામના સહ, આવજો..

અપડેટ્સ-39 [April’14]

~ દેશમાં ચુટણીઓનો માહોલ તેની ચરમસીમાએ છે અને તેની નોંધ આજસુધી મારા બગીચામાં લેવામાં નથી આવી તે મારી માટે પણ આશ્ચર્યની વાત છે! લેકીન-બટ-કીંતુ-પરંતુ ઘણો સમય વિતી ગયો છે છેલ્લી અપડેટ્સને… એટલે આજે તેને જ પ્રાથમિકતા આપવામાં આવશે. (પત્રકાર જોગ: ચુટણીઓની ખબર અંગેની પ્રેસ-નોટ ટુંક સમયમાં જ જાહેર કરી દેવામાં આવશે.)

~ અમારી અનિયમિતતાના કિસ્સાઓ આમ તો દેશભરમાં પ્રચલિત છે અને ગુજરાતી બ્લોગર્સમાં પણ આજકાલ અનિયમિતતાની લહેર જોવા મળી રહી છે. જો કે ગમે તે લખીને બ્લોગ ચલાવતા કેટલાક બ્લોગબાબાઓ4 આવી લહેરને નકારી રહ્યા છે અને તેને મજબુત બ્લોગરો પાસે સમય ન હોવાથી ઉદભવેલી પરિસ્થિતિનો ભાગ ગણાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે.

~ ઘણાં દિવસથી અહી અપડેટ્સ ઉમેરવાનો વિચાર દેશભરમાં સભાઓ ભરતા નેતાઓની જેમ મારા મનમાં આમતેમ ભટકી રહ્યો છે, પણ મારું મન આપણાં માનનીય નેતાઓની જાહેર ભાષાની જેમ એવું બેકાબુ બની ગયું છે કે, તેને કોઇ એક વિચાર પર અટકાવવું શરીરતંત્રના મગજપંચ માટે પણ અશક્ય છે. (જો કે આ બેકાબુપણાં બદલ વિપક્ષ દ્વારા મગજપંચને લેખિત ફરિયાદ કરી દેવામાં આવી છે અને મગજપંચ દ્વારા મનપક્ષ વિરુધ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.)

~ આજની નોંધમાં લાંબા સમયથી ચાલતી ગરમીના પ્રકોપ વિશે જે-જે શબ્દો ઉમેરવાનો વિચાર હતો તેની ઉપર ગઇકાલના કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે અને છેલ્લી જાણકારી અનુસાર હવે તે આખે-આખો વિચાર વાવાઝોડાંમાં કયાંક ખોવાઇ ગયો છે. (બટ ડૉન્ટ વરી રીડરબ્રધર્સ, અમારું પ્રસાશન તેને જલ્દી જ શોધી કાઢશે અને ગરમીના સમય સુધીમાં તેને આપની આંખો સમક્ષ ચોક્કસ રજુ કરવામાં આવશે એવો અમારો વાયદો છે.)

~ છોટુંની બીજી બ’ડ્ડે આવવામાં હવે ચાર મહિના બાકી રહ્યા છે. પ્રથમ વર્ષગાંઠ વખતે પરિવારિક આચારસંહિતા લાગુ હોવાના કારણે ઉજવણીની સમગ્ર યોજનાને પડતી મુકવી પડી હતી પણ આ વખતે જરૂરી પરવાનગીઓ અગાઉથી લઇ લેવામાં આવી છે અને આયોજનમાં અન્ય વિક્ષેપ ન પડે તે માટે ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. (આ અંગે જલ્દી જ મેડમજી6ના અધ્યક્ષ સ્થાને એક સામાન્ય બેઠક બોલાવવામાં આવશે જેમાં ચર્ચા-વિચારણા બાદ સર્વે પક્ષોનો વિશ્વાસમત મેળવીને યોજના માટે વર્કિંગ કમીટીની નિમણુંક અને યોજનાના અમલીકરણ માટેની ગાઇડલાઇન રજુ કરવામાં આવશે.)

~ લગભગ બે મહિના પહેલા મારી માટે એક નવો એન્ડ્રોઇડ મોબાઇલ લેવામાં આવ્યો હતો પણ મારા એપ્પલના વ્યસની મગજને ન ફાવતા આખરે તેને મેડમજીના પક્ષમાં સામેલ કરી દેવામાં આવ્યો છે અને મારા મોબાઇલના પક્ષ બદલવાની સાથે ત્યાં નવા સમિકરણો રચાતા ટેબ્લેટ ઉપર મેડમજીના એક હથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે! (પબ્લીક ટીપ: કામકાજ અંગે રેગ્યુલર હરતાં-ફરતાં લોકોએ 5 ઇંચની સ્ક્રીનવાળો મોબાઇલ કયારેય ન લેવો. જનાબ, ઔર ભી ચીજ રખની હોતી હૈ જેબ મેં.. મોબાઇલ કે સિવા….)

~ નવા સમિકરણો અનુસાર હાલ તો ટેબ્લેટ પર મેડમજીના ટેકાથી મારી નવી સરકાર અસ્તિત્વમાં આવી છે, પણ તેનો સંપુર્ણ કબ્જો કરવાનો અમારો અંગત ધ્યેય છે. (સાથી પક્ષ અત્યારે નવા મોબાઇલ-ક્ષેત્ર માં વ્યસ્ત હોવાથી અમે ટેબ્લેટ-ક્ષેત્રે અમારી સત્તા ફેલાવવામાં ચોક્કસ સફળ બનીશું એવો વિશ્વાસ છે.)

~ ટેબ્લેટમાં પ્લે-બુક્સનો ઉપયોગ હમણાંથી જોર-શોરથી કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ઇ-બુક્સ ક્ષેત્રે મારો પ્રવેશ નહિવત હતો, પણ હવે નવા ક્ષેત્ર ખુલવાની સાથે અમે આ દિશાએ અમારી રણનીતિ વિકસાવી રહ્યા છીએ. (આજે એમ થાય છે કે, પ્રિન્ટેડ પુસ્ત્ક ઉપલબ્ધ હોય તો ઇ-બુક્સ ન લેવાનો મારો વિરોધ ખોટો હતો.)

~ ટેબ્લેટમાં બુક્સ વાંચવાની સૌથી મોટો ફાયદો એ કે તેને ગમે ત્યાં-ગમે ત્યારે-દિવસે કે રાત્રે7 ફાવે તેમ વાંચી શકાય છે અને એક સાથે ગમે તેટલી બુક્સ સાથે રાખી શકાય છે. (મુસાફરીમાં હું એક-બે પુસ્તકથી વધુ પુસ્તક રાખવાનું માત્ર વજન અને જગ્યાના માપદંડના કારણે જ ટાળતો હતો, જયારે અહી તો તે સમગ્ર સમસ્યા જ ટળી જાય છે. વધુમાં, ન જોવાયેલા મુવી, ગમતું મ્યુઝિક અને ટાઇમપાસ ગેમ રમવાનો આનંદ સાથે હોય તો બીજું શું જોઇએ… બોલો!)

~ ટેબ્લેટના કારણે iPhone વિસ્તારમાં પણ ડેટાનું ભારણ ઘટયું છે. પણ ટેબ્લેટના ઉપયોગથી સમસ્યા એ થઇ છે કે રાત્રે પ્રકાશ વગર સરળતાથી વાંચી શકવાની સુવિધાના કારણે મારું લેટ-નાઇટ વાંચન હવે વ્યસન બની રહ્યું છે અને હવે જો રોજ સવારે ઉઠવામાં આમ જ મોડું થશે તો લાગે છે કે ઘર કી જનતા માફ નહી કરેગી! (સાથી પક્ષ પણ અમારા આવા વલણથી નારાજ છે. એટલે અમારા ગઠબંધન4ને ટકાવી રાખવા માટે આ સમસ્યાને ખાસ પાર્ટી મેનીફેસ્ટોમાં ઉમેરવામાં આવી છે અને તેને નિવારવા અંગે જાહેર જનતા પાસે સુચનો પણ માંગવામાં આવે છે.)

~ ગયા ઉનાળામાં કેન્સલ થયેલી સાઉથ ઇન્ડીયા ફેમીલી-ટુર ને ફરી એકવાર ટાળવામાં આવી રહી છે. કારણ: આચારસંહિતા8 (નોંધ: પ્રવાસને માત્ર ટાળવામાં આવ્યો છે. આચારસંહિતા પુરી થયા બાદ સાથી પક્ષની ખાસ ઇચ્છા અનુસાર તેને ચોક્કસ ફાસ્ટટ્રેક કરવો પડશે. નહી તો આ માળી-સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.)

~ દેશમાં ચાલી રહેલા ઇલેક્શન-ફીવરનો રંગ અમારા ઘરમાં પણ જોવા મળી રહ્યો છે. તેની સાબિતી એ છે કે આજકાલ ટીવી પ્રોગ્રામ્સમાં સાસ-બહુ કરતાં બીજેપી-આપ-કોંગ્રેસની નોંક-ઝોંકમાં વધુ રસ લેવામાં આવી રહ્યો છે અને આવનાર મહેમાન કે પડોશીઓ સાથેની ચર્ચામાં આડી-અવળી વાતોની જગ્યાએ ચુટણી ચર્ચાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. (એક સમયે આખા દેશના રાજકારણીઓમાંથી માત્ર નરેન્દ્ર મોદી અને લાલુને જ ઓળખતા મેડમજી આજે સોનિયા, રાહુલ, કેજરીવાલ, રાજનાથ, અડવાણી, નિતિશકુમાર, પ્રિયંકા, રોબર્ટ વાડ્રા, મુલાયમસિંહ, સિબ્બલ, પાસવાન, દિગ્વીજય, અખિલેશ, મુખ્તાર અબ્બાસ નકવી, કુમાર વિશ્વાસ વગેરે વગેરેને તેના પક્ષની સાથે ઓળખી શકે છે!)

~ લાગે છે કે આ પોસ્ટમાં રાજકારણ વધુ હાવી થઇ રહ્યું છે એટલે અપડેટ્સની પોસ્ટ અહી અટકાવવી યોગ્ય લાગે છે. હવે પછીની અપડેટ્સ ચુટણીલક્ષી વાતોની પોસ્ટ પછી જ અહી રજુ કરવું એવો વિચાર છે જેથી ચુટણીમાં (કમનસીબે) રસ ન લેતી જનતાને કંટાળો ન આવે અને આવી અપડેટ્સ વાંચ્યા પછીના તેમના ગુસ્સાથી પણ બચી શકાય. (મારા વિરોધમાં જો તમે સ્ક્રિન ઉપર ટામેટાઇંડા ફેંકો તો તમારી સ્ક્રિન બગડે તેની તકલીફ તો થાય જ ને..)

*આડી અવળી પાર્ટીના વિવાદક શ્રી મુંગેરીલાલે ઇન્ડીયન બગીચા ન્યુઝ(IBN) ના વરિષ્ટ પત્રકાર બગીચાદત્તને આપેલા સ્પેશીયલ ઇન્ટર્વ્યુમાં ગઇકાલે અમદાવાદમાં આવેલા તોફાન-વરસાદ માટે મોદીની લહેરને જવાબદાર ઠેરવી હતી અને ચુટણીપંચને કરેલી લેખિત ફરિયાદમાં ગઇકાલની ઘટના દરમ્યાન કોંગ્રેસ વિરોધની ત્સુનામીનો ઉલ્લેખ કરીને ભાજપ-કોંગ્રેસની મીલીભગતની આશંકા પણ વ્યક્ત કરી છે!

*આ એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુની વિગતો જાણવા માટે નિયમિત જોતા રહો, મારો બગીચો.


મથાળું ચિત્ર: સંસદ ભવન, દિલ્હી.

Heppi B’dde Tintin ! ;)

– અમે (એટલે હું અને મારી ઘરવાળી) મમ્મી-પપ્પા બન્યા તેને તારીખ: 12-08-2013 ના રોજ એક વર્ષ પુરું થયું. વિચાર્યું કે કોઇ સેલીબ્રેશન જેવું કરીએ તો મજા આવે. (મને ખબર છે કે આવો વિચાર કરીને અમે કોઇ નવાઇ નથી કરી.)

– પણ અચાનક(!) યાદ આવ્યું કે તે દિવસે તો મારા ટેણીયાંનો પ્રથમ જન્મદિવસ પણ આવી રહ્યો છે! (જોયું, કેવો ગજબ સંયોગ કહેવાય કે આ બંને ઘટનાઓ એક જ દિવસે બની છે!)

– હવે, એક જ દિવસે બે ઉજવણીમાં મજા ન આવે. છેવટે ઘણાં વિચાર કરીને અમે અમારા સેલીબ્રેશનને ટાળીને ટેણીયાની ‘બર્થ ડેટ‘ ઉજવવાનું નક્કી કર્યું. (અને આમ અમે પુત્ર માટે અમારી ખુશીનો ત્યાગ કરનાર મહાન માતાપિતા બનવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું! #અભિમાન)

– દિવસ નજીક આવતા સુધીમાં તો લગભગ બધી આગોતરી તૈયારીઓ પુરી કરી દીધી હતી અને મહેમાનોને આમંત્રણ-કોલ પણ કરી દીધા હતા. આયોજનની રૂપરેખા ગોઠવી દેવામાં આવી હતી અને હવે બે-ત્રણ દિવસ બાકી રહે ત્યારે તેને અમલમાં મુકાય તેનો ઇંતઝાર હતો.

– પણ પણ પણ.. અમે આ માનવ જીવસૃષ્ટિના એક મહાન માતાપિતા બનીયે તે હજુ આ કુદરતને મંજુર નહોતું. ઘટના એવી બની કે અમારા કુટુંબમાં નજીકના વડીલ9નું (95 વર્ષે) કુદરતી અવસાન થયું. (ઓમ.. શાંતિ શાંતિ શાંતિ…)

– ઘટના આઘાતજનક નથી પણ દુઃખદ જરૂર કહી શકાય, તેથી મૃતકનું સન્માન જાળવવાના હેતુએ અમે સર્વાનુમતે ઉજવણીનો કાર્યક્રમ મોકુફ રાખવાનું સ્વીકાર્યું. #રિસ્પેક્ટ

– જો કે સાથે-સાથે ઘરમાંથી મોટી ઉજવણીના બદલે નાનકડું સંભારણું બની રહે તેવા સેલીબ્રેશનની છુટ મેળવવામાં આવી. આમ તો આ દિવસની ઘણી તૈયારીઓ કરી હતી પણ સમયને માન આપીને જે બન્યું તે સ્વીકારવું યોગ્ય હતું. (સમય સબ સે બલવાન હૈ ભાઇ.)

– આખરે અમે (અહી મારા મમ્મી, હું અને મેડમજી સમજવું) ક્રિમવાળી મીઠી ખીચડી9 પર મીણબતી ખોસવાની અને તે મીણબત્તીને સળગાવવા મહેનત કર્યા પછી તેને બુઝાવવા માટે ટેણીયાંને ફુંક મારવા કહેવાનું (જો તે સાંભળે તો) અને સાથે સાથે હેપ્પી બડ્ડેનું અંગ્રેજી ગીત ગાવાનું! અમે આ બધું જ કર્યું. (હા, બડ્ડેમાં આવુંબધું કરવું પડે!)

– ઉપર નક્કી કર્યા મુજબની ગોઠવણી કરીને અમે ટીનટીન10ની હેપ્પી બડ્ડે ઉજવી.

અહી નોંધ લેવી કે વ્રજને ફુંક મારવાનું વારંવાર કહેવા છતાં તેણે ફુંક ન મારી, એટલે પેલી મીઠી-ખીચડી ખાવાની ઉતાવળમાં અમે ફુંક મારીને કાર્યક્રમ આગળ ધપાવ્યો.

– પછી તો શું હોય.. ખાધુ-પીધું, થોડી મોજ-મજા કરી અને સુઇ ગયા. આમ અમે વ્રજની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પુરી કરી.

– અને હવે અમારી નાનકડી ઉજવણીના સંભારણાં જેવી અમુલ્ય ક્ષણોની આબેહૂબ છબીઓ…

Happy Birthday Tintin! વ્રજનો પ્રથમ જન્મદિવસ.
મીણબત્તીની જ્યોત સાથે નજર મીલાવતો અમારો વ્રજ.