૨૭ વર્ષ!!

– આજે આ નીરાળી પૃથ્વી પર આવ્યા તેને ૨૭ વર્ષ પુરા થયા; મતલબ કે આજે મારો ‘હેપ્પી બડ્ડે‘ છે! (ખરેખર, મજાક-મજાકમાં ઘણાં દિવસો નીકળી ગયા હોં…)

– લાગે છે કે આજકાલ દિવસો અને મહિનાઓ ટુંકા થતા જાય છે; જીવનમાં એક-પછી-એક વર્ષો ઉમેરાતા જાય છે. હજુ તો કંઇ ખાસ કર્યું નથી અને ઘણાં અરમાન પણ બાકી પડ્યા છે. (જો કે જીંદગીને ટુંકાતી જોઇને દુઃખી કરવા કરતાં આવનારા નવા વર્ષ માટે આશાવાદી બનવું વધારે ઠીક રહેશે.)

– એમ તો અત્યાર સુધી વિતાવેલી જીંદગી વ્યર્થ પણ નથી ગઇ; મેં હરપળને મારા દિલથી માણવાનો પુરો પ્રયત્ન કર્યો છે તેનો આનંદ છે. તે દરેક પળ આજે એક કડવી-મીઠી યાદગીરીઓથી ભરેલી છે અને તે દરેક ક્ષણમાં મેં નવા-નવા અનુભવ મેળવ્યા છે. (કેટલીક યાદગીરીઓ એટલી સુંદર છે કે તેને ખુશીઓથી સૌની સાથે વહેંચી છે; જયારે બીજીબાજુ કેટલાક અનુભવો એટલા ખરાબ છે કે તેમાંથી યોગ્ય શીખ મેળવીને દિલના અંધારા ખુણામાં દબાવી દીધા છે.)

– જો અત્યાર સુધીની જીંદગીનું કુલ ટોટલ કરીએ તો ઓવરઑલ ‘હેપ્પીવાલી લાઇફ‘ રહી છે. આ દુનિયાએ, મને મળેલા મિત્રો-લોકોએ અને મારા પરિવાર-માતા-પિતાએ મને મારી લાયકાત કરતાં ઘણું આપ્યું છે અને મારા પ્રત્યેના તેમના આ પક્ષપાત બદલ તેમનો આભાર પણ માનુ છું. (નોંધ: આ વાતને અપવાદરૂપ કિસ્સામાં ગણવી, ખાસ યાદ રહે કે હું પક્ષપાતનો ઘણો વિરોધી છું!)

– એક સમય હતો કે હું મારી બર્થ-ડેને મોબાઇલના રિમાઇન્ડર તરીકે ગોઠવતો કે જેથી મને સમયસર યાદ આવે! (હસવાનું નહી, મારા જેવા માણસો પણ હોય છે આ દુનિયામાં..) તે વખતે બર્થ-ડેટ તો યાદ રહેતી પણ ઘણીવાર આ દિવસ આવીને નીકળી જાય ત્યારે યાદ આવતું. જો કે તે રિમાઇન્ડર આજે પણ મને મારો બર્થડે યાદ કરાવે છે! હા, ગયા વર્ષે આ રિમાઇન્ડર શા માટે રાખ્યું હતું તે યાદ કરવું એ જ એક વિકટ પ્રશ્ન બન્યો હતો! 😉

– હવે બર્થ-ડે છે તો શું થયું, સેલીબ્રેટ કરવો જ પડે એવું જરૂરી નથી. હજુ સુધી આજના દિવસ માટે કોઇ પ્લાન નથી બનાવ્યો. (જો ટેણીયો અને તેની મમ્મી સાથે હોત તો કંઇક વિચાર્યું હોત, પણ એ તો અત્યારે પીયરમાં મ્હાલે છે, તો એકલા-એકલા શું સેલીબ્રેટ કરીએ?)


# ખાસ નોંધ: જો કોઇ મિત્રને મારી ઉપર ઘણો પ્રેમ આવી જાય અને મારી માટે કોઇ બર્થ-ડે પાર્ટી આયોજન કરવાનો કે સારી-મોટી ગિફ્ટ આપવાનો વિચાર થતો હોય, તો પ્લીઝ તે શુભ વિચારને માંડી ન વાળશો. માત્ર અને માત્ર તેની લાગણીઓને માન આપવા ખાતર અમે તેનો સ્વીકાર કરવા તૈયાર છીએ.

:mrgreen:

આજની વાત

તાઃ ૧૭-૯-૨૦૧૧

. . .

– આજે મોદી સાહેબનો બર્થ ડે છે એટલે મારા બગીચા માંથી “લોંગ લીવ મોદી” કહી દઉ…. ( ખબર છે કે મારી વાત તેમના સુધી નહી પહોચે અને તે પોતે કોઇ દિવસ અહી જોવા નથી આવવાના… તો પણ.. ) શ્રીમાન નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદી આજે લગભગ ૬૦ વર્ષના થયા.

– આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં સત્તાપક્ષ (એટલે મોદીજી) અને વિપક્ષ (એટલે કોંગ્રેસ) બન્ને ઉપવાસની સ્પર્ધામાં ઉતર્યા છે. આજે અણ્ણાજી ના ઉપવાસ વાળા દિવસો યાદ આવી ગયા. આમ તો મને ભાજપ-કોંગ્રેસ કે અન્ય કોઇ રાજકીય પક્ષ સાથે કાંઇ ખાસ મતલબ નથી, પણ મોદીજી અંગત રીતે મને વ્હાલા ખરા. (આક્ષેપો તો દરેક સામે થતા રહે છે અને બની શકે કે તેમાં થોડીક સચ્ચાઇ પણ હોય.)

– ફેસબુક મિત્રોને (ખાસ સ્ત્રીઓ અને છોકરીઓને) મારા અંગત જીવન અંગે ગેરસમજ ન થાય તે હેતુથી પ્રોફાઇલમાં Relationship Status ઉમેર્યુ છે. (પહેલા તે અંગે કંઇ જ નહોતુ લખ્યું, હવે ત્યાં “Married” નું પાટીયુ લટકે છે !) આમ તો હજુ સુધી તેના કારણે કોઇ સમસ્યા ઉદભવી નથી પણ આ તો પાણી પહેલા પાળ બાંધવી સારી.. (એક-બે વાર ગેરસમજ થઇ તો છે પણ તે બધાને ના કહેવાય…. એ તો સમજનારા… સોરી..  સમજનારી સમજી ગઇ હશે.. 🙂 )

– ઘણાં મિત્રો મારી આ હરકતને બેવકુફી ગણાવશે… હોય એ તો.. જૈસી જીસકી સોચ !!! ( ‘બાઘા’ની સ્ટાઇલમાં.. 😀 )

– આ સોસીયલ નેટવર્કીંગ સાઇટ્સ જેવા ઝડપી માધ્યમની સુવિધાના કારણે લોકો કોઇ પણ ઘટના પ્રત્યે બહુ જલ્દી પ્રત્યાઘાત આપતા થઇ ગયા છે. (ક્યારેક તો આ પ્રત્યાઘાત ઘટનાની એડવાન્સમાં પણ હોય છે !!)

– બુધવારે સલમાન ખાનની (કરીના તો તેમાં નામ માત્ર ગણાય) “બોડીગાર્ડ” જોઇ. મને તો સ્ટોરીમાં કંઇ ખાસ ન લાગ્યું. (તોય બોકસઓફિસ કહે છે કે ફિલ્મ સુપરહિટ છે, ભગવાન જાણે આ લોકોની ગણતરી કેમ ચાલતી હશે !)

– પેટ્રોલના ભાવ ફરી વધ્યા. કયાંય મોટા આંદોલન કે વિરોધ થયાના સમાચાર નથી એટલે સમજીએ કે લોકોએ આ વધેલા ભાવને સ્વીકારી લીધા છે. (એ સિવાય બિચારા લોકો પાસે કોઇ વિકલ્પ પણ નથી ને..)

– આવતી કાલે રજા છે એટલે ફુલ ટાઇમ આરામ કરવાનો અને ટીવી પર ફિલ્મો જોવાનો પ્લાન છે. (મારા ઇંટરનેટ કનેકશનને પણ કાલે આરામ પર જ રાખીશ.)

. . .