– ફાઇનલી, કાલે દિવાળી. ઘણાં લોકો તો બધાને હેપ્પી દિવાલી કહી દેવાનો કોઇ નિયમ હોય એમ શરુ પડી ગયા છે !! (અને એ પણ વર્ષોથી ચાલ્યા આવતા ફોરવર્ડેડ મેસેજ અને એના-એ-જ ચવાયેલા ઇમેલ્સથી !!!)
– આજે છેલ્લે-છેલ્લે કાળી ચૌદસના દિવસે ફ્રી મેસેજ મોકલવાવાળાના કકળાટથી વારંવાર મોબાઇલ રણકી રહ્યો છે. (કાલથી તો મેસેજનો ચાર્જ લાગશે ને…!! તમે પણ બચત કરી લો દોસ્તો.. 😉 )
– પ્રયત્ન છતાં રજાઓમાં ફરવા જવાનું કોઇ મોટુ પ્લાનીંગ થઇ શક્યુ નથી. આ વર્ષે પણ મમ્મી-પપ્પા સાથે ભેગા મળીને દિવાળી ઉજવીશું. (આમ પણ ભુતકાળમાં એક-બે અનુભવ કર્યા બાદ દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવા કરતાં ઘરમાં રહેવું વધારે યોગ્ય લાગે છે, અરે.. જયાં જાઓ ત્યાં બધે ભીડ ઉભરાતી હોય છે.)
– મુળ પર્યાવરણ સાચવવાનો હેતુ તો ખરો પણ અંગત રીતે શોખ ન હોવાથી અને ઘરમાં પણ એવા કોઇ બાળકો તો છે નહી એટલે ફટાકડા લેવા જવાનો મતલબ નથી. આજે ઘરમાં થોડી લાઇટીંગ અને (ઘણી) સજાવટ કરી છે. (કોની માટે? -એવું પુછવાનુ નહી.)
– મમ્મી અને મેડમજી આજકાલ તેમની નવી બનાવેલી મીઠાઇઓ નો મારી ઉપર અખતરો કરી રહ્યા છે. નસીબજોગે મોટાભાગની મીઠાઇઓ સરસ બની છે. (ચલો, રજાઓમાં ઝાપટતાનું ગમશે. 🙂 )
– કાલે દિવાળીના દિવસે સાંજથી કારતક સુદ પાંચમ સુધી છુટ્ટી રાખવાનું નક્કી કર્યું છે. (આ પાંચમ કઇ તારીખે આવશે એ કેલેન્ડરમાં જોવું પડશે, કદાચ ૩૧ તારીખ આવશે.)
– બસ, વધારે નવા વર્ષમાં. આપ સૌને અને આપના પરિવારને દિપાવલીની અનેક ઘણી શુભેચ્છાઓ.. પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં નવો ઉજાસ અને જીવવાનો નવો ઉત્સાહ લઇને આવે એવી ઇશ્વરને પ્રાર્થના.
– સુખેથી માણજો, એકબીજાને મળજો, આનંદ કરજો અને તમારું ધ્યાન રાખજો..
– આવજો દોસ્તો..
# આજના દિવસની એક્સ્ટ્રા બે નોંધઃ
~ Google દ્વારા મોટા ઉપાડે ચાલુ થયેલ Google Buzz થોડા સમયમાં જ આપણાં વચ્ચેથી રજા લેશે, એવી આજે જાહેરાત કરવામાં આવી છે.
~ માત્ર બે-ચાર લોકોની સાથે સંપર્કમાં રહેવા આજે આપણે પણ મોટા ઉપાડે ઓરકુટમાં જોડાયા છીએ.