અપડેટ્સ – 190501

Riverfron Flower Park

~ ચેક કરતાં જણાય છે કે મારી અપડેટ્સની છેલ્લી પોસ્ટ નવેમ્બર મહિનામાં હતી. તેના વચ્ચે ઘણી પોસ્ટ આવી છે, પણ રેગ્યુલર અપડેટ મીસીંગ છે. (એ જ તો, લાઇફમાં કંઇક-ને-કંઇક મીસીંગ તો રહેવાનું જ.)

~ જો કે નવાઇની વાત એ છે કે છેલ્લી અપડેટની પોસ્ટ શોધવા માટે 4 પેજ સુધી નીચે જવું પડયું! (ઇસકા મતલબ સમજે? હમ આજકલ બહુત કુછ લીખ રહે હૈ!!)

~ નવેમ્બર બાદ કંઇ ખાસ થયું હોવાનું યાદ આવતું નથી. ડિસેમ્બર પણ અજ્ઞાતવાસમાં ગુજર્યો હોવાનું કહી શકાય. જાન્યુઆરીમાં ઉત્તરાયણ સિવાય રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉ/ફ્લાવર પાર્ક અને પતંગ મહોત્સવની મુલાકાત નોંધલાયક કહી શકાય. (ફ્લાવર શૉ ખરેખર સુંદર હોય છે. ચોક્કસ મુલાકત લેવાય.)

# ફ્લાવર પાર્કની કેટલીક ક્લીક્સઃ

Riverfron Flower Park, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, અમદાવાદ.

Riverfron Flower Park. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, અમદાવાદ.

Riverfron Flower Park. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, અમદાવાદ.

~ ફેબ્રુઆરી એક લગ્નના કારણે વ્યસ્તતામાં ગુજર્યો અને માર્ચ વ્રજના લીધે પરિક્ષામય વાતાવરણમાં વિત્યો હોવાનું જણાય છે. આ દરેક મહિનાઓમાં મારું કામકાજ પણ સમાંતર ચાલ્યું હોવાનું જાણી લેવું. (સમય જરાય બચતો નથી હોતો, તો પણ મેં પરિવાર માટે ઘણો સમય ફાળવ્યો છે એવું મને લાગે છે.)

~ વ્રજ 6 વર્ષનો થયો તેમાં પહેલીવાર આ વખતે એપ્રિલની શરૂઆતમાં એકલો નાના-નાની ના ઘરે રોકાવા ગયો હતો. અમને એમ હતું કે બે દિવસમાં લેવા જવું પડશે, પણ 5 દિવસ પછી નવી સવારે અચાનક ‘રડતો‘ ફોન આવ્યો કે, “લઇ જાઓ મને!”.. અમે તૈયાર જ હતા અને લઇ આવ્યા. (તેને ફાવ્યું અને આટલા દિવસ અમારા વગર રહ્યો, એ પણ ઘણું છે.)

~ ઉપરની વાતથી વિચાર આવે છે કે, વ્રજ માટે એક અલગથી અપડેટ પણ હોવી જોઇએ. નેક્સ્ટ અપડેટ તેની રહેશે એ ફાઇનલ. (ક્યારેક પોતાને ક્લીઅર કમાન્ડ પણ આપવો પડે!)

~ વ્રજથી યાદ આવ્યું કે બગ્ગુને ગયા મહિને બે વર્ષ પુરા થયા. અરે, તેની બર્થ-ડે ઉજવણીના ફોટોને અહીયાં અપલોડ કરવાનો હતો જે આખી વાત ભુલાઇ ગઇ! (ખબર નહી ક્યારે હું સમયસર બનીશ.. ઑલ્વેઝ લેટ એન્ડ ભુલક્કડ!)

~ આ પહેલા જ મતદાન અને ચુટણી વિશે અહીં લખાયેલું છે એટલે તેને આ અપડેટ્સમાં ફરી ઉમેરવાની જરુર લાગતી નથી. (રીપીટ કરીને લંબાઇ વધારવાનું કામ અમે બોર્ડ એક્ષામ્સમાં ઘણું કર્યું છે!😇)

~ આજકાલ નોર્મલ કરતાં વધારે લખી રહ્યો છું અને અહીયાં નવા-નવા પેજ પણ બનાવી રહ્યો છું, જેને નિયમિત અપડેટ કરતો રહીશ એવી મારી ઇચ્છા છે. (આજે આ પોસ્ટમાં ગણું લખાઇ ગયું છે એટલે તેના વિશે પછી ક્યારેક લખીશ.)

~ છેલ્લી બે પોસ્ટથી મારા બગીચાના ઇ-મેલ સબક્રાઇબર્સને નવી પોસ્ટની ટપાલ ઇનબોક્ષમાં મળતી બંધ થઇ ગઇ હશે. (લગભગ સબસ્કાઇબર્સને એ ઇમેલ નક્કામા જ લાગતા હશે, એટલે બંધ થયા હશે તો પણ સરવાળે આનંદમાં જ હશે. હજુ સુધી કોઇએ ફરિયાદ પણ નથી કરી! ખબર ન પડી હોય એવુંયે બની શકે.)

~ એકચ્યુલી મને એક નવો અખતરો સુઝ્યો છે તો તે બદલ સૌ સબસ્ક્રાઇબર્સને થોડી (અથવા તો કાયમી) અસુવિધા ભોગવવી પડી શકે છે. (અખતરાઓમાં તો ખતરો રહેવાનો જ.)


Riverfron Flower Park. Flower girl રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, અમદાવાદ.
  • ઉપરની દરેક ઇમેજને કેમેરામાં કંડારનાર:
    આપણે પોતે! 😎

અપડેટ્સ – 55

~ લગ્નો તો દરેક વર્ષ જેવા જ છે. ઠંડીમાં જમવાની અને ઢંકાઇને ફરવાની મજા અલગ હોય છે! જો કે લેડીઝ-લોગના બેકલેસ, ડીઝાઇનર, સ્ટાઇલીસ્ટ શોર્ટ ડ્રેસ જોઇને મને જેકેટ્સમાં ઢંકાયેલા હોવા બદલ સંકોચ પણ થાય. (સ્ત્રીઓને કુદરતે અનોખી શક્તિ આપી હોય છે કે તેઓને ફેશન કરવી હોય તો વાતાવરણ તેમાં બંધનરૂપ બનતું નથી, લેકીન અપ્પન કે લીયે તો ફેશન જે જ્યાદા ઠંડી સે બચના જરૂરી હૈ દોસ્ત!)

~ મેડમજી સ્વસ્થ છે અને છઠ્ઠા મહિનાની તકલીફો જણાવ્યા રાખે છે. સાંભળ્યા સિવાય બીજું શું કરીએ? મુસાફરી, ડ્રાઇવિંગ અને ભારે કામ બંધ કરવા જેવી જરૂરી સુચનાઓ દવાઓ સાથે ડૉક્ટર દ્વારા આપવામાં આવી છે. આ પ્રોસેસમાંથી બીજીવાર પસાર થઇ રહ્યો છું એટલે પહેલાં જેવું એક્સાઇટમેન્ટ નથી થતું. (પણ એ લાસ્ટ સરપ્રાઇઝનો બેહદ ઇંતઝાર છે.)

~ રોજ સવારે વ્રજને સ્કુલે મુકવા જવું અને બપોરે સમયસર લેવા જવાનો નિત્યક્રમ જાળવવો ભારે પડે છે. એકવાર માત્ર 10 મિનિટ મોડું થયું એમાં ઘણો રડયો’તો કે બધા છોકરાંઓ જતા રહ્યા અને તમે મને લેવા કેમ ન આવ્યા. થોડું સમજાવ્યા બાદ હવે તે એ બાબતે સહમત છે કે ક્યારેક પપ્પાને મોડું થઇ શકે છે, એમાં રડવાનું ન હોય. (બાપ ઉપર ગયો છે એટલે સમજદાર તો હોવાનો જ! 🙂 )

જે દોરી દેખાય તેને ફીરકીમાં સંઘરતા જવાનું!
જે દોરી દેખાય તેને ફીરકીમાં સંઘરતા જવાનું!

~ ઉત્તરાયણ વિશે નવું ખાસ લખવા જેવું લાગતું નથી. ઘણાં લોકો આસપાસ હતા છતાંયે કંઇક સુનુ-સુનુ લાગ્યું. આ તહેવાર પ્રત્યેનો મારો સખ્ખત લગાવ ક્યાં ખોવાઇ ગયો હશે? વ્રજને આ વખતે પતંગ ચગાવતા શીખવ્યું છે, આવતા વર્ષે પણ ફરી શીખવવું જ પડશે એ નક્કી છે. અમે નાના હતા ત્યારે પતંગ માટે જે ઉત્સાહ હતો તે નવી જનરેશનમાં દેખાતો નથી. (અમારા વડીલો કરતાં અમારા શોખ અલગ હતા તો હવે નવી પેઢીના શોખ પણ લેટેસ્ટ જ રહેવાના જ ને.. #જનરેશન_ગેપ )

~ આ ઉત્તરાયણમાં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધની અસર દેખાઇ. જુની દેશી-તુક્કલ જે પતંગની દોરી સાથે બાંધીને આકાશમાં મુકવામાં આવતી તે બધું અમે વ્રજને લાઇવ બતાવવા ઇચ્છતા હતા પણ કમનસીબે માર્કેટમાં ક્યાંય તે ન મળી. પણ એમ હાર માની લઇએ એવા તો અમે નથી. અમે તેને જાતે બનાવી અને સક્સેસફુલ્લી લૉન્ચ કરીને લક્ષ્ય પાર કર્યું! વ્રજને ઘણી મજા પડી. (અને અમને તેને કંઇક નવું બતાવ્યાનો સંતોષ થયો.)

~ આ દિવસે ઘણાં સમય પહેલાં ખરીદવામાં આવેલી એક રસપ્રદ બુક હાથમાં આવી ગઇ’તી એટલે મેં મારો ઘણો સમય કિન્ડલ સાથે વિતાવ્યો. જો કે હજુયે તે પુરી નથી થઇ અને આ પુસ્તકને પુરું વાંચી લીધા બાદ તે વિશે અલગ પોસ્ટમાં વિચાર રજુ કરવામાં આવશે. (બુક પઢનેમેં વક્ત તો લગતા હૈ.. ક્યારેક 2-4 દિવસમાં પુરી થાય તો ક્યારેક 2 મહિના પણ ચાલે!)

~ દેશ દુનિયામાં અત્યારે મુખ્યત્વે અમેરિકામાં શ્રીમાન ડોનાલ્ડ ટ્રંપએ રાષ્ટ્રપ્તિપદના સપથગ્રહણ કર્યાના સમાચાર છે. આપણે ત્યાં ઉત્તરપ્રદેશ અને પંજાબની ચુટણીની ધમાલ ચાલું છે. સાઇકલ બાદ અખિલેશભાઇ હવે ઉત્તરપ્રદેશ જીતવામાં જોર લગાવશે. મોદી સાહેબ પણ જોર લગાવી રહ્યા છે પણ જો કોંગ્રેસીઓ અને સમાજવાદીઓ એક થયા તો મને અહીયાં બિહારવાળી થાય એવું લાગે છે. પંજાબમાં કોંગ્રેસ-આપ-અકાલીદલ-બીજેપી વચ્ચે વિચિત્ર સ્થિતિ છે એટલે ત્યાં અનુમાન કરવું મારી માટે શક્ય નથી લાગતું. (જ્યાં ન સમજાય ત્યાં ચાંચ ન મારવી -આવું મારા ટીચરે 5માં ધોરણમાં શીખવ્યું’તું!)

~ ઓકે. આ પોસ્ટ પુરતી વાતો થઇ ચુકી છે એટલે બીજી વાતો નવા પેજ પર કરવામાં આવશે. (એ બહાને ફરી અહીયાં આવીશ તો કંઇક વધારે પણ લખી શકાશે.)

વ્રજ asking..

…પપ્પા, આ લોકો લગન કેમ કરતાં હશે?

# કાલે જ એક લગ્નમાં આ સવાલ તેણે પુછ્યો; પણ હું કોઇ જવાબ ન આપી શક્યો. કોઇને ખબર હોય તો જણાવી શકે કે વ્રજ દ્રારા પુછવામાં આવેલ સવાલનો શું જવાબ આપી શકાય?


* સાઇડટ્રેક : રાજકારણ અને સરકારી વાતોથી દુર રહેવું એવું નક્કી કર્યું’તું, એટલે આજકાલ આખા દેશમાં જે ચાલી રહ્યું છે તે વિશે આજસુધી અહીયાં કોઇ નોંધ કરવામાં આવી નથી. પણ હવે લાગે છે કે તેને માત્ર રાજકારણ સાથે જોડી ન શકાય.1