Nov’20 – અપડેટ્સ

a landscape view from madhyapradesh

~ તો, ઠંડી આવી ગઈ. હું પણ આવ્યો છું. એમ તો બે દિવસથી અહિયાં છું; પણ લખવાની જગ્યાએ બીજા આડાઅવળા કામ જ કર્યા છે. (મને ગમે છે તો કરું છું; કોઇને તકલીફ હોય તો જણાવે.)

~ મુખ્ય બદલાવ એ છે કે મેં મારું ઇ-સરનામું બદલ્યું છે; જે પહેલાં mail@marobagicho.com હતું, તે હવે b@marobagicho.com કર્યું. તેની પાછળ કોઈ મોટું કારણ નથી. બસ, મને બદલવું હતું તો બદલી દીધું છે અને સબસ્ક્રાઇબર્સને પણ નવા રુપરંગમાં ઇમેલ મળશે એવી ગોઠવણ કરી છે. (ફરી એકવાર કારણ વગરનો બદલાવ.)

~ આમ તો મને કોઇપણ સરનામે ઇ-ટપાલ લખો તો છેવટે એક જ ઇનબોક્ષમાં આવતી હોય છે! હા, ફરક એ રહેશે કે હવે મારા દ્વારા મોકલવામાં આવતા ઇમેલ નવા સરનામાથી હશે. લાગતા-વળગતાં અને મારા નિયમિત ઇમેલને સહન કરતાં લોકો નોંધ લે. જૂનું ઇમેલ ઍડ્રેસ પર ઇમેલ સ્વીકારવાનું ચાલું જ રહેશે. (આ સિવાય બીજું ખાસ કંઈ નોંધ કરવા જેવું નથી.)

~ ગયા મહિને પારિવારિક કારણસર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રના જલગાંવ સુધીની મુસાફરી કરી. બે દિવસ વિતાવ્યા અને ત્રણ દિવસે પરત આવ્યા. વરસાદ સમયે રોડ બગડવા વિશે ભલે ઘણો કકળાટ કર્યો હોય પણ આપણાં પડોશી રાજ્યોના સ્ટેટ હાઇ-વે અને ગામડાના રસ્તાઓની હાલત જોઇને સમજાયું કે ગુજરાતના રોડ-રસ્તાઓ ઘણી સારી હાલતમાં છે જે માટે આપણે અભિમાન કરવું જોઈએ! (સ્ટેટ-બૉર્ડર ક્રૉસ કર્યાનો અનુભવ જ કહી દે કે તમે હવે ગુજરાતમાં નથી.)

~ એમ તો મુસાફરી બીજી પણ ઘણી રહી છે એટલે દરેકનો ઉલ્લેખ કરવો અઘરો છે અને ઘણી વાતો ભુલાઇ ગઈ છે; અને જો યાદ કરી-કરીને લખવા જઈશ તો આ પોસ્ટ આજે પુરી નહી થાય. (એમ તો મૂળ સમસ્યા યાદ કરવાની છે અને તે માટે મારી ટુંકી યાદ-શક્તિ પર જુલમ થાય એમ નથી.)

~ ‘હાય-હાય કોરોના’ કરવાનું અમે મુકી દીધું છે. થોડી સાવચેતી સાથે તેની સાથે રહેવાની ગોઠવણ કરી લીધી છે. હવે એટલો ડર પણ નથી લાગતો. (જે થશે એ જોયું જશે એ મુખ્ય મંત્ર છે.)

~ સુપ્રીમ કોર્ટની દખલ બાદ હવે લોકડાઉનમાં સમયસર હપ્તા ભરવાનો થોડોક ફાયદો બેંક તેના ગ્રાહકોને આપી રહી છે જે ગમ્યું. GST અને તેના માટે સરકારની કડકાઈને માત્ર મોદીના નામે સહન કરી રહ્યા હોઇએ એવું છે. કામ-ધંધા લગભગ ટ્રેક પર આવી રહ્યા છે પણ નિર્મલાબેન કાચા પુરવાર થઈ રહ્યા છે. સરકારને આવકની જરૂર છે તેમાં સહમત; પણ વેપારીઓને મરવા ન દેતા બેન. (મોદીસાહેબ સાથે કોઇની નજીકની ઓળખાણ હોય તો મારી આ વાત પહોંચાડજો.)

~ અમેરિકામાં સત્તા પરિવર્તન અને ચૂંટણી પ્રક્રિયા માટે આ વખતે ભારતીય ઉપખંડમાં લોકો અતિ-ઉત્સાહ દેખાડી રહ્યા છે જે મારી સમજ બહાર છે. હા મને તેના પરિણામ જાણવામાં રસ હોય છે પણ તેના કારણો વિશેની ચર્ચામાં પડવું ક્યારેય જરુરી નથી લાગ્યું. કોઇ કારણસર આ વખતે દેશ-વિદેશની બીજી બધી વાતોથી પણ દૂર રહી ગયો છું. જોકે તેનો કોઈ અફસોસ નથી. (એકંદરે શાંતિ છે.)

~ ટીવી ન્યૂઝ અને મીડીયાને તો ઘણાં સમય પહેલાં હાથ જોડી દીધા છે અને કેટલાયે લોકોને તેમ કરવા સલાહ પણ આપી ચુક્યો છું. ખરેખર, ગજબ માનસિક શાંતિ મેળવી શકાય છે અને પોતાની અંદર ઘણી નકારાત્મકતાને પ્રવેશતા અટકાવી શકાય છે. (આ કિંમતી સલાહ મફતમાં આપી છે એટલે કોઈ તેનું મૂલ્ય નહી સમજે એ મને ખબર છે.)

~ થોડા જ દિવસોમાં દિવાળી છે. પછી થોડી રજાઓ. દિવાળીની રજાઓ પછી મારા માટે અલગ પ્રવૃતિમાં પ્રવેશ લેવાનું થશે. થોડાક નવા લોકો, એક નવી પ્રવૃત્તિ અને તદ્દન નવી જગ્યા. હાલ તો તે સમય માટે ઉત્સાહમાં છું એટલે મજા આવશે એમ લાગે છે. (મારો આ ઉત્સાહ ટકાવી રાખે એવી રમેશભાઇને વિનંતી.)

~ વ્રજ-નાયરા દિવાળી-વેકેશનમાં નાના-નાની પાસે જવાની જીદ કરે છે અને મેડમજી તો ત્યાં જવા માટે રેડી જ હોય; એટલે એક ધક્કો ત્યાં થશે. આમ તો છોકરાંઓ માટે આ આખુ વર્ષ વેકેશન જેવું રહેવાનું છે, તોય સ્કુલમાંથી દિવાળીનું વેકેશન આપવામાં આવ્યું છે. (નિયમ એટલે નિયમ!)

~ દિવાળીએ ફરવા જવાનો વિરોધી હોવા છતાં આ વખતે ખબર નહી કેમ મને ક્યાંક જવાની ઘણી ઇચ્છા થાય છે. ક્યાંક દૂર થોડા દિવસ અજાણ્યા વાતાવરણમાં ગુમ થઈ જવાનું મન થાય છે. સાચું કહું તો લોકડાઉન-મોડ માંથી બહાર નિકળવા માટે મને એક બ્રેક જોઈએ છે. (જેમ હિરો હિરાને કાપે એમ આ બ્રેક મને લોકડાઉન અસરમાંથી બહાર કાઢી શકે છે.)

~ એમપણ મેડમજી અને બાળકોના પ્લાન નક્કી છે તો વિચારું છું કે તેમને ત્યાં મુકીને પછી એકલા ક્યાંક જઈ શકાય એવું ગોઠવું. (સ્થળ પણ કેટલાક શોધી રાખ્યા છે જ્યાં એકલાં જઈ શકાય.)

~ દિવાળી સુધી અહીયાં નિયમિત લખતા રહેવાનો વિચાર પણ છે. લોકડાઉન પહેલાં કરેલ એક-બે સ્થળ મુલાકાતની વાતો ઉમેરવા જેવી લાગે છે. તે સિવાય એમ જ કારણ વગર અથવા તો કોઈ કારણસર લખાયેલી અપડેટ સિવાયની અસ્તવ્યસ્ત વાતો પણ ડ્રાફ્ટમાં રાહ જોઈ રહી છે તો તેને પણ ન્યાય આપવાનો વિચાર છે. (અંતે તો મનમાં આવશે એમ જ થશે.)

👍

GSRTC – બુકીંગ અને કેન્સલીંગ

~ ટ્વીટરથી જાણકારી મળી હતી કે GSRTC1 એપ્લીકેશન સરસ કામ કરે છે અને સરકારી બસો પણ થોડીક સુધરી છે! (સાચું છે કે ખોટું એ તો રમેશભાઇને ખબર..)

gsrtc sleeper bus

~ વર્ષો બાદ સંયોગ થયો અને મુસાફરીના અન્ય વિકલ્પના અભાવે ચોક્કસ જગ્યાએ જવા માટે એસ.ટી. બસના સ્લીપર ક્લાસમાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવ્યું. એપ્લીકેશન પર બુકિંગનો અનુભવ એકંદરે સરળ રહ્યો. (સરકારનો પ્રયાસ સાચી દિશામાં છે! #અભિનંદન)

~ પહેલી વાર સરકારી બસનું ભાડું જોઇને જાણ્યું કે તેનો અને ખાનગી લગજરી બસ વચ્ચે ભાડાંનો તફાવત લગભગ 250% સુધી છે! પ્રાઇવેટ ટ્રાવેલ્સવાળા આમેય તહેવારોની સિઝનમાં પબ્લીકને બહુજ લુંટે છે! (સતર્ક રહે, સાવધાન રહે..)

~ આટલો ફરક કેમ હશે તે જાણવા મુસાફરીનો જાત-અનુભવ કરવો જરુરી હતો, પરંતુ બુકીંગ કર્યાના બીજા દિવસે જ ટ્રેનની ટિકીટ કન્ફર્મ થવાને લીધે એસ.ટી.ની મુસાફરીનો આનંદ ન લઇ શકાયો. એક નવો અનુભવ ચુકી જવાયો. (ક્યારેક આ અનુભવ ચોક્કસ લેવામાં આવશે. કેટલાક અખતરા અમે જીવના જોખમે પણ કરવા તૈયાર હોઇએ છીએ. 😀 )

~ ખબર નહોતી કે એસ.ટી.ની એડવાન્સ બુકીંગ કરેલ ટીકીટ રદ પણ કરાવી શકાય. આ તો કોઇએ એમ જ કહ્યું કે કદાચ થતી પણ હોય. અમે શંકાનું સમાધાન કરીને જાણ્યું કે તે વિકલ્પ પણ અત્રે2 ઉપલબ્ધ છે! #આશ્ચર્ય

~ જો કે આશ્ચર્ય વધુ સમય ન ટકયું. રદ કરવાના વિકલ્પ પર પહોંચતા જ ત્યાં અમારી પાસેથી ટીકીટ અંતર્ગત કેટલીક વિચિત્ર માહિતી ઉમેરવાની માંગણી કરવામાં આવી, જે અમારી પાસે આવી જ નહોતી. મેસેજ-ઇમેલ તપાસ્યા, સ્પામમાં પણ ફરી વળ્યા; કંઇ જ ન દેખાયું.

~ હવે તો લાગ્યું કે ટીકીટ કેન્સલ કરવી એ ચક્રવ્યુહના સાત કોઠા ભેદવા જેવું છે અને અમે અભિમન્યુ જેવી પ્રતિભા ધરાવતા ન હોવાથી હથિયાર ન ઉપાડવામાં જ શાણપણ છે. (જો કે રકમ પણ એટલી ઓછી હતી કે ત્યારે અતિ વ્યસ્તતામાં કિમતી સમય ન બગાડવો ઠીક સમજ્યું.)

~ પણ પણ પણ… ટીકીટ કેન્સલ કરવાનો વિચાર કેન્સલ કર્યા પછી પણ વિચાર આવ્યો કે પ્રયત્ન કર્યા વગર હાર માની લેવી એ તો કાયરનું કામ છે. પોતાને પાનો ચડાવ્યો અને મહાકારગર એવું ગુગલ-શસ્ત્ર ઉપાડીને હું યુધ્ધ મેદાનમાં કુદી પડયો!

# ટીકીટ બુકિંગ તથા કેન્સલ કરવાનો અનુભવ અને જાણકારીની નોંધ;

  • સ્લીપર બસમાં ઉપર કે નીચેની સીટ કઇ રીતે ઓળખવી તે સમજાતુ નથી. (એપ્લીકેશનમાં તે વિશે સુધારો જરુરી છે.)
  • એકવાર બુકિંગ કન્ફર્મ થયા પછી કોઇ જ એસએમએસ કે ઇમેલ મળતા નથી. એપ્લીકેશનમાં ખાંખા-ખોળા કરીને બધી માહિતી જાતે મેળવવી પડે. (આ થોડું વિચિત્ર કહેવાય.)
  • ટિકીટ કેન્સલ કરતી વખતે કોઇ ‘txt password‘ માંગે છે; જે શું હોય તે વિશે જાણવા ગુગલમાં શોધખોળ કર્યા વગર મેળ ન જ પડે અને વળી તે વિશેની ખણખોદ કરતાં-કરતાં નવું જ્ઞાન મેળવ્યું કે તેમાં ઓફીસીયલ એપ્લીકેશન કોઇ જ મદદ નહી કરી શકે. (txt password એટલે ટ્રાન્સેક્શન પાસવર્ડ – આ પણ ગુગલે જણાવ્યું. #થેન્ક્યુ_ગુગલ.)
  • મતલબ કે તે માહિતી મેળવવા માટે તમારે વેબ-બ્રાઉઝરમાં જી.એસ.આર.ટી.સી. ની વેબસાઇટ ઓપન કર્યા બાદ થોડીક મથામણ કરીને ઓરીજીનલ ટીકીટ ડાઉનલોડ કરવી પડે અને તેમાંથી  ખજાનાની ચાવી મળે! (મતલબ કે પેલો txt password મળે.)
  • હા, txt password મેળવ્યા પછી એપ્લીકેશનમાં મુસાફરી-ટીકીટ રદ કરવાની ઉત્તમ વ્યવસ્થા છે. (જોયું કેટલું સરળ છે!)
  • ઉપરોક્ત વિધી પતાવ્યા બાદ ટીકીટ કેન્સલ માટેનો મામુલી ચાર્જ કાપીને બાકીના પૈસા 7 દિવસ પછી એકાઉન્ટમાં પરત આવશે તેવી જાણકારી એક રેફરન્સ નંબર સાથે ત્યાં દેખીને અમે સંતોષ મેળવ્યો. (કોઇ SMS મળતા ન હોવાને લીધે તે સ્ક્રીનશોટ સાચવી રાખવામાં અમોને લાભ જણાયો.)

ઉપરોક્ત ઘટનાને આજે ચોથો દિવસ થયો છે; હવે રાહ જોવાય છે કે…
સાત દિવસ પહેલા થશે કે રિફંડ પહેલા થશે?


વધારોઃ ટીકીટ રદ કરતી વખતે એક પોઇન્ટની નોંધ લીધી હતી કે જો કોઇને આપના મોબાઇલ નંબર અને ઇમેલની જાણકારી હોય તો તે GSRTC ની વેબસાઇટ પરથી સરળતાથી ટીકીટ ડાઉનલોડ કરી શકે છે અને એપ દ્વારા કોઇ જ અડચણ વગર તમારી મુસાફરી ટીકીટ રદ પણ કરાવી શકે છે! આ બાબતે સુધારો અતિઆવશ્યક અને પ્રાથમિકતા આપીને કરવો જરુરી ગણાય.


અપડેટ: રિફંડ છઠ્ઠા દિવસે થઇ ગયું હતું. જે ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવામાં આવી હઈ તે બેંક દ્વારા SMS થી આ જાણકારી મળી હતી.

મુલાકાતઃ ધરમશાળા

himachal pradesh vidhan sabha, dharamsala

બે દિવસ પહેલાં મારી નાની બહેનને અમે ક્યાં-ક્યાં ફરી આવ્યા તે કહેતો હતો. ત્યારે આ વાત આવી કે, એક દિવસ અમે ધરમશાળા માં રોકાયા હતા..

ભાઇને અચાનક અધવચ્ચે અટકાવીને નિર્દોષતાથી પુછ્યું કે, “કેમ? હોટલમાં જગ્યા ન’તી મળી કે? 😮

તેને તો સમજાવી દીધું, પછી થયું કે અન્ય કોઇને પણ આવું કન્ફ્યુઝન હોઇ શકે છે તો તેમને જાણકારી આપવી એ અમારી ફરજ છે. (આવું કહીને અમે અમારી જાહેર ફરજ પ્રત્યે કેટલા સજાગ છીએ તે જતાવીએ છીએ!)

ગુજરાતીઓ માટે ધરમશાળાનો અર્થ અલગ થાય છે. GujaratiLexicon મુજબ ધરમશાળાનો અર્થઃ

dharamsala meaning in gujarati. ધરમશાળાનો અર્થ ગુજરાતીમાં

હવે, ધરમશાળા શહેર વિશેઃ

હિમાચલ પ્રદેશમાં આવેલું ધરમશાળા એક સુંદર શહેર છે. આસપાસ મસ્ત પર્વતોની હારમાળા અને હંમેશા ઠંડું મસ્ત વાતાવરણ રહે છે. હિમાચલમાં ફરવા આવતા દરેક ટુરિસ્ટ લગભગ અહીયાં જરૂર આવે છે.

જેઓએ મુલાકાત લીધી હશે તે સૌ આ શહેર વિશે જાણતા જ હશે. આગળની પોસ્ટમાં તેનો ઉલ્લેખ હતો અને તેનો ફોટો પણ છે ત્યાં..

અહીયાં ઉંચાઇએ ક્રિકેટ સ્ટેડીયમ આવેલું છે જેમાં ઘણી ઐતિહાસિક પણ મેચ રમાયેલી છે! ક્રિકેટના રસીયાઓ જાણતા જ હશે આ સ્ટેડીયમ વિશે. (કોઇક જ હોય મારા જેવા જેને ક્રિકેટમાં રસ ન હોય!)

લગભગ 23,000 લોકો બેસીને જોઇ શકે એવી સુવિધાવાળું સામાન્ય સ્ટેડીયમ હોય એવું જ છે પણ તેની આસપાસની કુદરત તેને ખાસ બનાવે છે!

મેં ક્લીક કરેલ બે-ફોટો પણ જોઇ લો1;

Dharamsala, Cricket Stadium, Himachal Pradesh, India. ધરમશાળા ક્રિકેટ સ્ટેડીયમ, હિમાચલ પ્રદેશ, ભારત
Dharamsala, Cricket Stadium, Himachal Pradesh, India. ધરમશાળા ક્રિકેટ સ્ટેડીયમ, હિમાચલ પ્રદેશ, ભારત

અને હા, હિમાચલ પ્રદેશની એક વિધાનસભા પણ આ જ શહેરમાં આવેલી છે. ઉપર હેડરમાં તેનો જ ફોટો છે. હિમાચલની મુખ્ય વિધાનસભાનું પરિસર સિમલામાં આવેલું છે અને હમણાં ત્યાંજ કાર્યરત હોવાથી અહીયાં કોઇ જ હલચલ ન’તી. (ચકલુંયે ન’તું ફરકતું એમ કહીશ તો ખોટું થશે કેમ કે પક્ષીઓનો ઘણો કલરવ હતો!)

અહીયાં બધુ સુનું-સુનું કેમ છે તેનો જવાબ આપતાં એક સ્થાનિક સજ્જને જણાવ્યું કે, ધરમશાળામાં આવેલી આ બિલ્ડીંગનો ઉપયોગ હિમાચલ સરકાર માત્ર શિયાળાના થોડા દિવસો પુરતો જ કરે છે. (આવું કહેતી વખતે તેના શબ્દોમાં સરકાર પ્રત્યે ગુસ્સો દેખાયો હતો. પણ અમે તે વિશે ઉંડાણમાં જવાની દરકાર ન લીધી.)

bottom image of the post - ધરમશાળા