અપડેટ્સ – 191020

~ છેલ્લી અપડેટની પોસ્ટને લગભગ 3 મહિના થઇ ગયા છે! અહીયાં અલગ-અલગ વિષયે જે કંઇ ઉમેરાય છે તે બધું અપડેટ્સમાં જ ગણી લઇએ તો પણ અલગથી પોસ્ટ નથી લખાઇ એ નોંધ લાયક છે. (મતલબ કે મારા માટે નોંધ લાયક. બીજાને તો શું ફેર પડવાનો યાર)

~ પાછળના દિવસોમાં બાકી રહી ગયેલી ઘણી ફિલ્મો પણ જોવામાં આવી છે. જેમાં તાસ્કંદ ફાઇલ્સ, રેવા, ન્યુટન, કેસરી અને હવાહવાઇ જેવી મુવીએ મનમાં ખાસ જગ્યા બનાવી. કદાચ મારો ટેસ્ટ પણ બદલી રહ્યો છે; રોમેન્ટીક અને કોમેડી ફિલ્મો કરતાં હવે ઐતિહાસિક અને કોઇ મુદ્દા કે ઘટના આધારીત ફિલ્મમાં મને વધારે રસ આવે છે. (હું ગુજરાતી છું એટલે ફિલ્મનું બહુવચન ફિલ્મો જ કરીશ. જેને ન સમજાય તેઓએ જાતે સુધારીને વાંચી લેવું.)

~ અગાઉના મહિનાઓના પ્રમાણમાં સપ્ટેમ્બર મહિનામાં મારી સુસ્તી જણાય છે. લખવા લાયક ઘણી વાતો હોવા છતાં એક-બે કારણસર વધુંં લખી નથી શકાયું. (કારણ ન પુછશો, કેમ કે તે વિશે હું કંઇ કહી શકું એમ નથી.)

~ સપ્ટેમ્બરના પ્રમાણમાં ઓક્ટોબર મહિનાની સ્થિતિ વિરુધ્ધ છે. સખત વ્યસ્તતા રહી છે મહિનાની શરુઆતથી. વળી નવરાત્રી-દિવાળીનો સમય હોય એટલે કામમાં થોડી વધારે ભાગદોડ હોય એ સ્વાભાવિક છે. (સિઝનમાં બે પૈસા વધારે કમાઇ લઇએ તો એમાં કાંઈ ખોટુંય નથી ને ભાઇ.)

~ આ વખતે નવરાત્રીની શરુઆત વરસાદ સાથે રહી પણ ત્રીજા નોરતાં પછી રસીયાઓનો રંગ જામી ગયો. વરસાદ પ્રમાણમાં સારો કહી શકાય એવો રહ્યો અને લાંબા સમય સુધી પણ. (વાતાવરણ અચાનક પલટી જાય અને તડકામાંથી ધોધમાર વરસાદ આવીને બધા પ્લાન ફેરવી દે એવું આ વખતે થયા કર્યું.)

~ દેશના નેતાઓમાં અટલજી અને પર્રિકર બાદ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને ગુમાવ્યાનો અફસોસ થયો. તેઓ ચોક્કસ સ્મરણમાં રહેશે. (શ્રધ્ધાંજલી આપતા આવડતું નથી અને ઇશ્વર તેમના આત્માને શાંતી આપે એવું લખવામાં અમને અમારી માન્યતાઓ નડે છે.)

~ કાશ્મીરની વાતો, હાઉડી-મોદી, મંદી અને ચિદંબરમની બંદી જેવા મુદ્દાઓ સામાન્ય જનમાનસ પર હાવી રહ્યા. હવે બધે હરિયાણા-મહારાષ્ટ્રની ચુટણીની વાતો ચાલી રહી છે. હું લગભગ દરેક પ્રકારની ચર્ચાથી દુર રહ્યો છું. (વિદેશમાં પી.એમ.નું સન્માન સરસ વાત છે, તો પણ છેવટે દેશ સંભાળવો વધુ જરુરી હોય છે.)

~ કોર્પોરેટ ટેક્ષમાં થયેલ ઘટાડો નોંધલાયક વાત છે; ભવિષ્યમાં આ નિર્ણય ઘણાં વૈશ્વિક ઉદ્યોગકારોને ભારતમાં કારખાનાં સ્થાપવા આકર્ષી શકે છે. હું કોઇ ઇકોનોમીસ્ટ નથી પણ થોડીક સમજણ મુજબ કહી શકું કે હાલ તો આ ઘટાડા બાદ થનાર રાજકોષીય ખાધને પહોંચી વળવું પણ સરકાર માટે ચેલેન્જ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીનો સમય છે અને હવે આપણી ઇકોનોમી પણ તેની અસરમાં છે.

~ દેશમાં મંદી છે તે સરકારે પણ સ્વીકારવું પડશે, તો જ તેના માટે યોજનાઓ બનાવી શકાશે. ફિલ્મોના કલેક્શન અને એમેઝોન કે ફ્લીપકાર્ટના ઓફર દિવસોમાં થયેલ વેચાણના આંકડા સાથે કુલ ઇકોનોમીને સરખાવી ન શકાય. (મંત્રીઓને સમજાતું ન હોય તો સાવ બાલીશ બહાનાઓ બતાવવાને બદલે ચુપ રહેવું જોઇએ.)

~ ન્યુઝ ચેનલોમાં પાકિસ્તાન અને ઇમરાનની વાતો હવે ઇરીટેટ કરે એ લેવલ પર છે. દેશ ઘણો મોટો છે અને આપણી પાસે ચર્ચા કરવા માટે હજુ ઘણાં જરુરી આંતરિક મુદ્દાઓ છે; તો તે તરફ પણ થોડું ધ્યાન આપે એવી સદબુધ્ધિ પત્રકારો મેળવે એવી આશા.

~ BJPના રાજકારણનું કેંદ્રસ્થાન એવા આયોધ્યા કેસમાં દલીલો પુરી થયા બાદ ફાઇનલ ચુકાદાની રાહ જોવાઇ રહી છે. લગભગ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવી જશે. (આશા રાખીએ કે 370 ની જેમ આમાં પણ બધું શાંતીથી પતે.)

~ મારો સ્પષ્ટ મત હતો કે આયોધ્યામાં રામ જન્મભૂમી બાબતે મુસ્લીમ પક્ષે પોતાનો દાવો છોડી અને મોટું મન રાખીને સામેથી જગ્યા સોંપી હોત તો ભવિષ્યમાં અન્ય ઘણાં મામલે તેઓ પ્રત્યે હિંદુઓની લાગણી હોત. આ કેસની હાર-જીત આવનારા સમયમાં બીજી ઘણી જગ્યાએ ઘર્ષણ ઉભું કરશે અને હવે તે ટાળી શકાય એમ નથી. (વધારે તુ-તુ મૈ-મૈ અને મારું-તારું થશે…)

~ હવે ઉપરની બધી વાતોથી અલગ વાત. આજકાલ મને એક બહુજ મોટું પરિવર્તન થઇ રહ્યું હોવાનું જણાય છે. આખી દુનિયા, આ દેશ અને આપણાં વિચારો નવા પરિમાણમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. જાણે કે કોઇ એવી થીંક-ટેંક છે જે ત્રીપલ શીફ્ટમાં કામ કરી રહી છે અને બધે જ એક પછી એક ઘટનાઓને ગોઠવી રહી છે.

~ આજે તમે કે હું જે કંઇ કરીએ છીએ, જે પ્રતિભાવ આસપાસની ઘટના કે સમાજ તરફ ધરાવીએ છીએ, તેમાં કોઇ પેટર્ન ચોક્કસ છે. ક્યાંક તો નેરેટીવ સેટ થયેલા છે; અથવા તો સેટ કરવામાં આવી રહ્યા છે. કોઇ વ્યક્તિ/સમુહ કે સમયની માંગ તેની પાછળ હોઇ શકે છે જે સામુહિક ભવિષ્યને ક્યાંક લઇ જવા માંગે છે અથવા તો આપણે સૌ કોઇ એક દિશા તરફ જવા માટે જાણતાં-અજાણતાં જોડાઇ ગયા છીએ. (જ્યારે મુળ માન્યતાઓ કે વિચારો બદલાતા હોય ત્યારે તેની પાછળના કારણો પણ વિચારવા જોઇએ એવું મને લાગે છે.)

~ આ બધું વાચનારને ઉપરની વાતો ડાર્કહોલમાં સમાતી હોય એવું પણ લાગી શકે છે. કારણ કે હમણાં હું જે કહેવા માંગુ છું તે ટુંકમાં કે સીધી રીતે કે સરળ શબ્દોમાં સમજાવી શકું એમ નથી. ઘણીબધી ગુંચવણભરી વાતો છે અને એકરીતે જોઇએ તો બધી સંભાવનાઓ જ તો છે. (ખરેખર ઘણું બધું છે આમાં અથવા તો કંઇ જ નથી!)

~ બીજી વાતો નવી પોસ્ટમાં ઉમેરવાના વિચાર સાથે આજે અહી અટકું છું. (ઉપરના મુદ્દે કંઇક વધુ ઉમેરવાના ચક્કરમાં આ પોસ્ટ 2 દિવસથી ડ્રાફ્ટમાં પડી છે.)

અપડેટ્સ – 181021

greenery of mount abu, rajasthan

અપડેટ્સ

~ જે કંઇ કર્યું પાછળના એક વર્ષમાં લગભગ અર્થહીન બની ગયું છે. મહેનત અને આવડતનો પુરો ઉપયોગ હતો છતાંયે હું આજે ફરી સમયના એ જ કાળચક્રમાં આવી ગયો છું જ્યાં ક્યારેક હતો. (આમ તો જીવનનો આ એક તબક્કો કહેવાય જેમાં કાર્યના પ્રમાણમાં વળતર મળતું ન હોય.)

~ ગુમાવ્યું તો છે જ અને મસ્ત અનુભવ પણ મેળવ્યો છે. હવે ફરી આગળ જવાનું છે. કોઇ માટે ફરિયાદ નથી. કોઇ પર આક્ષેપ થાય એમ નથી. જે કર્યું એ જાતે કર્યું છે. હા, મનમાં દુઃખ જરુર છે છતાંયે ચહેરા પર હસી આજે પણ એ જ કાયમ છે. (બની શકે કે દુઃખ કરતાં મારી ખુશી તેમાં વધારે હોય.)

~ એક વસ્તુ ખાસ શીખવા મળી કે મારી પાસે હિંમત છે સહન કરવાની અને નિર્ણય લેવાની. હારીને તુટી જાય એ વ્યક્તિ હું નથી. હું અઘરા નિર્ણય પણ ઝડપથી લઇ શકુ છું. (મન ઘણું મજબુત છે એ પણ પારખી લીધું.)

નાયરા એટલે કે અમારી બગ્ગુ. Baggu aka Nayra~ ઓકે. મારા વિશે મોટી મોટી વાતો ઘણી થઇ ગઇ છે તો હવે બીજા અપડેટ્સની નોંધ લઇએ. બગ્ગુ અને વ્રજની જોડી આજકાલ ઘરમાં ધમાલ મચાવે છે. ઢબુડી મારી બધી જગ્યાએ વ્રજથી વધે એમ છે. (મ્યુઝિક સાથે તો એવું કનેક્શન છે કે ક્યાંય પણ વાગે એટલે નાયરાનો ડાન્સ શરુ થઇ જાય!)

~ ઓગષ્ટમાં માઉન્ટ આબુની 12મી ટ્રીપ કરી. થોડા સમય પહેલાંજ આબુ જઇ આવ્યા હોવા છતાં દોસ્તની ઇચ્છાને કારણે અને વળી આબુને નજીકના દેવ ગણીને અમે તેને વધારે પુજી લઇએ એવું છે. વ્રજ માટે પહેલો અનુભવ હતો એટલે તેને ઘણી મજા આવી. (માઉન્ટ આબુની દરેક ગલીઓ વિશે મને કોઇ પુછે તો હું અમદાવાદમાં બેઠા-બેઠા બધું જણાવી શકું છુ.)

# એક્સ્ટ્રા ટીપઃ
સિઝનમાં જો આ સ્થળની મજા લેવી હોય શનિવાર-રવિવારની રજા સિવાય જવું.
અને જો પબ્લીકની મજા જોઇતી હોય તો શનિવાર-રવિવાર સિવાય ન જવું.

~ નવરાત્રી તો વ્યસ્તતામાં પુરી થઇ ગઇ પણ દિવાળીમાં પરિવાર અને તહેવારને સમય આપવાનો પુરો પ્લાન છે. (જોઇએ કે પ્લાન કેટલા સફળ થાય છે!)

~ આ દિવાળી વેકેશનમાં ટ્રેકિંગ કેમ્પમાં જવાનો વિચાર પણ છે. ઘણાં વર્ષોથી અધુરી આ ઇચ્છા આ વર્ષે દિવાળીમાં પુરી કરવાની ઇચ્છા છે. (ટ્રેકિંગ માટે હિમાલય સૌથી જાણીતી અને સરળ ચોઇસ છે પણ સારા ઓપ્શન હશે તો અન્ય નવા સ્થળને પણ સ્વીકારવામાં આવશે.)

~ હવે બીજા અપડેટ્સ ટુંક સમયમાં જ નોંધવામાં આવશે. ખાસ તો માઉન્ટ આબુના ફોટો માટે એક અલગ પોસ્ટ અહીયાં આવી જાય તો ઠીક રહેશે…

અપડેટ્સ - 181021


હેડર ચિત્રઃ માઉન્ટ આબુ, રાજસ્થાન.
ક્લિક કરનારઃ સ્વયં હું!

અપડેટ્સ-44 [Oct’14]

~ વચ્ચે બે-ત્રણ પોસ્ટ એવી આવી ગઇ એટલે અપડેટ્સ ઉમેરવાનો કાર્યક્રમ લંબાઇ ગયો. હવે આજે છેક નવા મહિનામાં તેનો સમય આવ્યો છે. (જોયું! આ વખતે નવું બહાનું છે!)

~ શું ઉમેરવું આજે અને કયાંથી શરૂઆત કરવી એ સમજાતું નથી છતાંયે જેમ-જેમ યાદ આવશે તેમ-તેમ લખતા જવું એવું એમ નક્કી કરું છું. (જો કે હું ગમે તેમ લખું તોયે કંઇ ફેર પડવાનો નથી.)

~ પાછળના દિવસોમાં સૌથી વધુ યાદ આવે એવી ઘટના છોટુના જન્મદિવસની ઉજવણીની હતી, તો તે વિશે થોડું વિસ્તારથી લખવાનો વિચાર કર્યો હતો પણ તેમાં તોફાન-મસ્તી-નાચ-કુદ સિવાય બીજું લખવા જેવું ન લાગ્યું. જે બે-ચાર ફોટો હતા તેને આગળની પોસ્ટમાં જ ચોંટાડી દેવામાં આવ્યા છે એટલે થોડા-માં-ઘણું સમજીને આગળ વધું એ ઠીક રહેશે.

~ એક રાષ્ટ્રીય સામાજીક સંગઠનમાં સમાજસેવાની નવી જવાબદારી લેવામાં આવી છે. વ્યસ્તતામાં વધારો થશે એ પણ નક્કી છે અને તે માટે હવે દેશભરમાં નિયમિત પ્રવાસ કરવા પડે એવી શક્યતાઓ પણ છે. (ચલો, એ બહાને દેશના વિવિધ ભાગ વિશે વિસ્તારથી જાણવા મળશે.) કદાચ હવે અહી અનિયમિત બની શકાય એવુંયે બને. (એમ તો હું નિયમિત પણ કયાં છું જ! 😊)

~ સંસ્થાના અને મારી જવાબદારીમાં આવતા ઘણાં કાર્યો એવા છે કે જેની અહી જાહેર નોંધ પણ લઇ શકાય. પરંતુ અગાઉ બનાવેલા ઓળખ-ગોપનીયતાના કેટલાક નિયમોના બંધન નડી રહ્યા છે, જેમાં હવે ઘણાં સુધારા-વધારા કરવાની આવશ્યક્તા પણ જણાય છે. મુખ્ય સમસ્યા અંગત ઓળખને જાહેર પ્રસિધ્ધિથી દુર રાખવાની છે. (આમ તો આ કોઇ સમસ્યા નથી પણ હું અહી મારા મનની વાત સીધી જ નોંધતો હોવાથી કોઇ વ્યક્તિ કે વિષય-વસ્તુ પ્રત્યેના દંભથી દુર રહેવા ઇચ્છુ છું.)

~ મારી નિખાલસતા કેટલાક સંબંધો માટે હંમેશા નુકસાનકારક રહી છે. સંદર્ભ, પુસ્તક, જ્ઞાની-સાધુ-સંત કે મહાત્માઓ ભલે ગમે તે કહીને ચાલ્યા ગયા હોય પણ મારું સ્પષ્ટ માનવું છે કે સંપુર્ણ નિખાલસ બનીને દરેક સંબંધ જાળવી શકાતા નથી. સંપુર્ણ સત્ય કે નિખાલસતા કયારેક સંબંધોમાં તિરાડ પણ ઉભી કરી શકે છે. (આ ‘સત્ય’ની વાત ઉપરથી યાદ આવ્યું કે મારે મારું સત્ય લખવાનું હજુ બાકી છે.)

~ ઓકે. ફરી મુળવાત ઉપર આવીએ. નવી જવાબદારી વિશેની એક ખાસ મિટીંગ માટે બે-ત્રણ દિવસ પ. પુ. શ્રી શ્રી (શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી..) રવિશંકરભાઇના આર્ટ ઓફ લીવીંગના ગુજરાત આશ્રમ વેદ વિજ્ઞાન મહા-વિદ્યાપીઠમાં વિતાવ્યા. 

~ આ સ્થળ શહેર તથા મોબાઇલ નેટવર્કથી દુર અને વળી નદી કિનારાની ફળદ્રુપ જગ્યાએ હોવાના કારણે હરિયાળી અને કુદરતી વાતાવરણથી ભરપુર છે. અહી નિરાંત અને શાંતિની અનુભૂતિ થવી સ્વાભાવિક છે. (જો તમે આ શાંતિની અનુભૂતિને આ.ઓ.લિ. કે પુ.શ્રી શ્રી રવિશંકરની દિવ્યતા સાથે જોડીને જોઇ રહ્યા છો, તો મારે સાફ શબ્દોમાં કહેવું જોઇએ કે.. તમે છેતરાઇ રહ્યા છો. આગે આપકી મરજી.)

~ આશ્રમના ફોટો દેખવા માટે અહી ક્લિક કરો.

~ ભરવરસાદમાં પાસપોર્ટ ઓફિસ સુધીનો ધક્કો સફળ રહ્યો હતો. ત્યાંની સુંદર વ્યવસ્થા, ડોક્યુમેન્ટ ચકાસણી અને પોલિસ વેરીફિકેશનની પ્રક્રિયા બાદ લગભગ ૧૦-૧૨ દિવસમાં છોટુંનો પાસપોર્ટ આવી ગયો છે. નવો પાસપોર્ટ બનાવવાની સંપુર્ણ પ્રક્રિયાને 10 માંથી 8 પોઇન્ટ આપી શકાય. (આ ૨ પોઇન્ટ કેમ કાપ્યા? -આ સવાલ થતો હોય તો આપશ્રીએ પોલિસ વેરીફિકેશનની પ્રક્રિયા પણ જાણી લેવી.)

~ છેલ્લી અપડેટમાં વરસાદ જતો રહ્યો છે તેવી માહિતી હતી પણ તે પોસ્ટ બાદ ધારણા પ્રમાણે જ વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરી દીધો. શરૂઆતમાં ઓછા વરસાદની ચેતવણી બાદ સિઝન દરમ્યાન વરસાદનું પ્રમાણ જોતા એકંદરે સારું ચોમાસું કહી શકાય એમ રહ્યું. જો કે ‘નવરાત્રીમાં પણ વરસાદ હેરાન કરશે’ -તે અંદાજ ખોટો પડ્યો.

ખાસ નોંધઃ આ ઉપરથી સાબિત થાય છે કે કોઇએ મારી ધારણા અનુસાર ચાલવું નહી. જો આમ જાહેર ચેતવણી આપવા છતાંયે તમે મને અનુસરો અને આપને કોઇ નુકશાન થાય તો તેમાં અમારી જવાબદારી નથી, પણ જો ફાયદો થાય તો તેમાં યોગ્ય હિસ્સો લેવાની જવાબદારી અમે ચોક્કસ નીભાવીશું. એમ તો અમે ક્યારેક અમારી જવાબદારી પણ સમજીએ છીએ!

~ વડોદરાની જેમ કોઇ-કોઇ સ્થળે વરસાદે ચિંતા પણ ઉભી કરી તો બીજી બાજુ ભારે વરસાદે અચાનક જ કાશ્મીરની દશા બગાડી નાખી અને આજકાલ આસામમાં પણ પુરની સ્થિતિના સમાચાર છે.

~ નવરાત્રી પુરી થવામાં હવે બે દિવસ બાકી રહ્યા છે પણ આ વર્ષે હજુયે રાસ-ગરબા કરવામાં મન માન્યું નથી.1 છેલ્લા દિવસો માટે પણ ખાસ ઉત્સાહ નથી, છતાંયે જો ઇચ્છા થશે તો એકાદ રાઉન્ડ રાસ-ગરબાનો ચાન્સ લેવામાં આવશે. નહી તો, નેક્સ્ટ નવરાત્રીમાં.. 🙂

~ મોદી સાહેબ આજકાલ દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડવા મથી રહ્યા છે. તેમનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. આશા રાખીએ કે તેમની આ મથામણ ભારતને ફળે. ઓબામાભાઇના આમંત્રણને માન આપીને અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપીને પ્રધાનમંત્રીજી આજે જ અમેરિકાની ‘રોકસ્ટાર’ યાત્રા પતાવીને સ્વદેશ પરત ફર્યા છે. (પ્રવાસી ભારતીય દ્વારા આયોજીત મેડિસન સ્ક્વેર ગાર્ડનનું એ ભાષણ ઇતિહાસમાં ખરેખર યાદગાર બની જશે. લખી રાખજો.)

~ અમેરિકાની આ યાત્રા દરમ્યાન ત્યાંથી ભારતીય મીડીયાની ઓવર-રિપોર્ટીંગ અને પળેપળનું કવરેજ જોઇને નવાઇ લાગી. (નોર્મલ રિપોર્ટીંગ સુધી ઠીક લાગે પણ સાવ આમ પાગલપનની હદ સુધી તો ન જવાય ને… ખૈર.. અમેરિકાનું તો રામજાણે પણ મોદી સાહેબનું કદ આ લોકોએ ભારતભરમાં થોડું ઔર વધારી આપ્યું એ નક્કી છે.)

~ લગભગ હવે બધા જાણે જ છે એટલે પેલા ક્રાંતિકારી ચેનલવાળા રાજદિપભાઇ સાથે બનેલી સુખદ ઘટનાનું લાંબુ વિવરણ કરતો નથી.. (એ ભાઇના લખ્ખણ જ એવા હતા કે…) અને આ યાત્રા દરમ્યાન અર્નબભાઇ ગોસ્વામીને મોદીના વખાણ કરતા જોઇને આંખમાં હરખના આંસુ ઉભરાઇ આવતા. ઇન્ડીયા ટીવી અને ઝી ન્યુઝવાળા તો જાણે આ મુલાકાત દરમ્યાન હરખઘેલા થયા’તા એમ કહી શકાય! (એમ તો મને પણ આ આખી ઘટના ઘણી ગમી છે.)

~ વચ્ચે, ચીનના પ્રમુખ શ્રી શી’ભાઇ જીનપીંગ (ગુજરાતીમાં આમ જ લખાય) ચીનથી સીધા અમદાવાદ આવ્યા હતા. આપણાં નરેન્દ્રભાઇ તો જાણે વેવાઇ જાન જોડીને આવ્યા હોય એમ હરખાઇને દિકરીના બાપની જેમ ચીની પ્રમુખની આગતા-સ્વાગતા કરી હતી અને ઝુલે ઝુલાવ્યા હતા! (અરે.. ના ભાઇ ના. મોદી સાહેબે શી’ભાઇને રિવરફ્રન્ટ પર ઝુલે ઝુલાવ્યા તેનો મને કોઇ વાંધો નથી; પણ આ તો એવું છે ને કે કંઇક આડુંઅવળું શોધીને મુકીએ તો લોકોમાં આપણી’બી ઇજ્જત વધે અને આપણે ઇન્ટેલીજન્ટ લોકોમાં ગણાઇએ! 😉 )

~ આજે ગાંધીજયંતિના દિવસે દેશના સ્વચ્છતાના આગ્રહનું સુંદર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે તો તેમાં યથાયોગ્ય ભાગીદાર બનવા સૌને આગ્રહ છે. જો ગંદકીને સાફ કરવામાં યોગદાન આપી શકો એમ ન હોવ તો કમ-સે-કમ આપ હવે ગંદકી નહી ફેલાવીને પણ સ્વચ્છતાના આ અભિયાનમાં આપનું યોગદાન આપી શકો છો. (નોંધ: મોબાઇલ-કોમ્પ્યુટરમાંથી વધારાના ફોટો-વિડીયો-ફાઇલ ડીલીટ કરવાને આ અભિયાનનો હિસ્સો ન ગણી શકાય.)

~ લાગે છે કે હવે મારા અપડેટ્સની ગાડી રાજકીય અપડેટ્સના ટ્રેક ઉપર ચડી ગઇ છે. ઓકે. તો વધુ અપડેટ્સ નવી પોસ્ટમાં ઉમેરવામાં આવશે એવા શુભ વિચાર સાથે અહી એક અલ્પવિરામ લઇએ.

~ આવજો.. ખુશ રહેજો.

# આ પોસ્ટ બે દિવસ પહેલા લખાયેલી પડી છે, પણ તેને ડ્રાફ્ટમાંથી બહાર કાઢવામાં થોડો સમય થયો હોવાથી આજે કેટલીક જુની અપડેટ્સ જોવા મળશે. ફ્રેશ અપડેટ્સ માટે જોતા રહો, મારો બગીચો!

😎