ચંપા!

– ઘણાં સમય પહેલા જણાવ્યા મુજબ આજે વ્રજના ફોટો મુકવામાં આવી રહ્યા છે. (કયારે જણાવ્યું’તુ અને તેનો કેટલા દિવસે અમલ થાય છે તેની શોધખોળ કરવા માટે સંશોધકોને છુટ આપવામાં આવે છે. – લિ.હુકમથી)

– આ ફોટોવાળી વાતની શરૂઆત તેને (એટલે કે વ્રજ ને) ‘ટકું’ કરાવ્યું ત્યારે થઇ હતી અને પછી ટકાટક ફોટો મુકવાની જાહેરાત પણ કરી હતી. આજે અમે તે વચન પુરું કરી રહ્યા છીએ. (જોયું! અહી દરેક જાહેરાતનો અમલ કરવામાં આવે છે! એક અન્ય જાહેરાત: ચુટણીમાં આપનો કિમતી વૉટ અમને જ આપજો. જાહેરાત પુરી.)

– હવે વધારે બકબક (અહીં સમજો કે, લખ-લખ) કરવા કરતાં ફોટો જલ્દી મુકી દેવો ઠીક લાગે છે. (નહી તો વળી બધા મનેય માઇક પકડીને લાંબા-લાંબા ભાષણ ઠપકારતા નેતા જેવો ગણી લેશે.)

*સાઇડટ્રેક: તમને એમ નથી લાગતું કે આજકાલ મારી વાતોમાં રાજકારણની અસર વધારે હોય છે?… (તમારું તમે જાણો, મને તો લાગે છે.)

# આ રહ્યા ફોટો’ઝ : (ફોટોને ગુજરાતીમાં છબી કહેવાય! – #જાણકારી)

DSC_0289 (2)-001DSC_0290-001DSC_0296 (1)-001DSC_0296 (2)-001

– કાલે બપોરે નાગપુર જવાની ટ્રેન છે, ત્યાં અઠવાડીયાનો પ્રસંગ પતાવવાનો છે, બધું પેકિંગ બાકી છે, બીજું પણ ઘણુંબધું કામ પેન્ડીંગ છે અને મેડમજી તો પીયર છે. (હવે તમે સમજી શકો છો કે મારી હાલત કેવી હશે.)

– ઓકે તો…. એક અઠવાડીયું આખા અમદાવાદને આપ સૌના ભરોસે છોડીને જઉ છું, સાચવજો. (આ મજાક નથી.)

___________________________

*આ પોસ્ટના ટાઇટલ વિશે લગભગ બધા જાણતા હશે, છતાંયે જો કોઇને તે અંગે કુતુહલ હોય તો તે અહીં ખાંખા-ખોળા જાતે જ કરી લે. (જુની પોસ્ટને શોધીને લીંક કરવાનો હમણાં સમય નથી.)

Jan’14 : અપડેટ્સ-2

– ગઇ વખતે જયાં અટક્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીએ.

– આમ તો આપણે કમુરતામાં માનવાવાળા ગુજરાતીઓ! પણ અમે જરાં વિચિત્ર ગુજરાતી અને વળી સ્પેશીયલ-સર્ટીફાઇડ હિન્દુ છીએ એટલે અમને કમુરતા કે શુભ-અશુભ નડતા નથી. (ચોખવટ: સર્ટીફિકેટ જોવા માટે RTI હેઠળ અરજી કરી શકાશે નહી.)

– લગભગ દિવાળીથી નવી ગાડી ખરીદવા વિશે વિચારતા હતા તે આખરે ના-ના કરતાં પણ લઇ જ લીધી. (જો કે ‘ગાડી હમણાં લેવી કે પછી’ તે જ વિચારતા હતા પણ કઇ લેવી તે અંગે વિચાર્યું નહોતું.)

– અને જયારે નક્કી કરવાનું આવ્યું ત્યારે નિર્ણય બે કલાકમાં લેવાઇ ગયો. સવારે કંપની અને મોડલ નક્કી કરીને બપોરે તે ગાડી જોવા ગયા અને ત્યાં જ નિર્ણય લઇ લીધો. (મારી સાથે આવું ઘણીવાર બન્યું છે કે કોઇવાર નિર્ણય લેવામાં દિવસો વિતી જાય, તો કયારેક તરત નિર્ણય લેવાઇ જાય.)

– આગળ કોઇએ(કદાચ નિરવભાઇએ) ફોટો મુકવાનું કહ્યું’તુ અને મેં પણ સંમતિ દર્શાવી’તી એટલે અહી ફોટો મુકુ છું. (નોંધ: અહી કોઇ કંપની/ગાડીની જાહેરાત કરવાનો મારો કોઇ આશય નથી પણ છતાંયે જો જે-તે કંપની મને તે માટે બે-પૈસા ચુકવવા ઇચ્છે તો તે હું તેમને નિરાશ નહી કરું.)

– જોઇ લીધા હોય તો હવે ફોટોવિધિ પુરી કરીએ અને આગળ વધીએ. આમ તો આ નાનકડી-સી-ગાડી છે પણ શહેરની ટ્રાફિકમાં રેગ્યુલર ચલાવવાના અને પાર્કિંગમાં સરળતાના માપદંડને ધ્યાનમાં રાખીને પસંદગીનો ફુવારો આ ગાડી ઉપર ઢોળવામાં આવ્યો. (આવી ઠંડીમાં પસંદગીનો કળશ ઢોળીયે તો ઠરી જાય એટલે ફુવારાંથી પતાવ્યું!)
– મૉડલ/મેન્યુફેક્ચરર/Type: Chevrolet BEAT 1.0 LT Diesel

– આવતીકાલે આખો દિવસ ગાંધીનગરમાં વિતાવવાનો છે. ના ભાઇ, કોઇ ચુટણીલક્ષી કાર્યક્રમ નથી. આ તો બિઝનેસ સેમિનાર, સામાજીક ચિંતન-ચર્ચાસભા અને સંગીત-સમાગમ જેવું આયોજન છે. ત્યાં શ્રીમાન જય વસાવડા ઉપરાંત બીજા કેટલાક સારા-સારા વ્યક્તિઓની મુલાકાત થશે. (આયોજકોમાં અમે પણ કોઇ એક ખુણે સામેલ છીએ એટલે બધાને પર્સનલી મળવાનો લ્હાવો મળશે.)

– બે દિવસ પછી પતંગનો તહેવાર આવી રહ્યો છે અને આ વખતે લાગતા-વળગતાં ઘણાંબધાને ધાબા ઉપર ભેગા કરીને ઉજવવાનો વિચાર છે. આમ જોઇએ તો ઉત્તરાયણ માથે આવી ગઇ છે અને દોરી-પતંગ હજુ દુકાનવાળાના ગોડાઉનમાં પડ્યા-પડ્યા મારી રાહ જોઇ રહ્યા છે. (મતલબ કે ખરીદવાના બાકી છે.)

– આ વર્ષે ઠંડી અગાઉનો રેકોર્ડ તોડી નાખશે એવું લાગે છે. બીમારીનો કાયમી શિકાર એવો હું આ વર્ષે સંપુર્ણ સ્વસ્થ છું પણ વ્રજને થોડી શરદી-ખાંસી થઇ છે. ઉત્તરાયણ પછી વ્રજના ટકાટક ફોટોવાળી એક પોસ્ટ આવવાની સંભાવના પણ છે.

– આખી પોસ્ટમાં હજુ સુધી કોઇ રાજકીય વાતો નથી આવી એટલે હવે ઉમેરીને આ પોસ્ટને જનરલ અપડેટ બનાવવા કરતા પર્સનલ અપડેટ્સ પુરતી સિમિત રાખવી ઠીક રહેશે. (ચલો, એ બહાને જે બે-ચાર લોકો મારી વાતો વાંચે છે તેમને આ વખતે બોરીંગ રાજકીય વાતો વાંચવાથી છુટકારો મળશે.)

– તો મળીયે ઉતરાયણ પછી… આવજો.