– જો આપ એમ સમજો છો કે આજે ટાઇટલમાં કોઇ એક પક્ષને મળતી લોકસભા સીટની વાત થઇ રહી છે અથવા કોઇ ચુનાવી-એક્ઝિટ પોલના આંકડા કે રાજકારણની વાત કરવાનો છું તો આપને જણાવતા ખેદ થાય છે કે, આપ ગલત સોચ રહે હૈ। (હમણાંથી હિન્દી ન્યુઝ ચેનલ વધારે જોઇ છે એટલે દરેક વાતમાં તેની અસર આવી જાય છે!)
– ગયા વર્ષે આ દિવસે જ કંઇક લખ્યું’તું એટલે આ વખતે વધારે લખવા માટે નવા શબ્દો નથી મળતા. (મારા જેવા લપલપીયા કાચબા પાસે શબ્દો ખુટે એ જાણીને ઘણાંને નવાઇ લાગશે.)
– એવું તે શું હતું ગયા વર્ષે, જે આજે પણ એ જ દિવસે છે! અંદાજ લગાવી શકાય એમ છે. ઓકે, મને ખબર છે કે એક્ઝિટ-પોલના અંદાજ જોઇ-જોઇને થાકેલી પબ્લીકને હવે મારી માટે અંદાજ કરવો નહી ગમે.. (આફ્ટરઓલ… જનતા પણ થાકે કે નહી!)
– અને આમેય આજે સૌને મારી ટાઇમપાસ વાતો વિશે જાણવા કરતાં આવતી કાલે આવનારા ચુટણી પરિણામ જાણવાની વધારે ઉતાવળ હશે. તો વધારે વાતો ન કરતાં સસ્પેન્સને ટુંકાવીને કહી દઉ કે, આજે મારો મારો જન્મદિવસ છે! ~~ આહા! બધાઇયાં બધાઇયાં બધાઇયાં….. હેપ્પી બડ્ડે ટુ મી ! 😉 🙂 :* ~~
– આજે અમારી ઉંમર 28 થઇ ! હવે જન્મદિવસ છે તો વિતેલા સમયની થોડી મોટી-મોટી વાતો પણ કરી લઇએ તો ઠીક રહેશે.. (આજના દિવસે આવી વાતો કરવી પડે!)
– વર્ષની દ્વષ્ટિએ જોઇએ તો ગયું વર્ષ આખું મસ્ત રહ્યું. (દરેક જન્મદિવસની સૌથી કોમન વાત.) ગયા વર્ષ દરમ્યાન જીવનમાં ઘણાં ટ્વીસ્ટ આવ્યા અને મે દરેક ક્ષણે ભરપુર મજા લીધી. (સમય તો બદલાયા કરે પણ અમે એવા-ને-એવા જ રહેવાના.)
– લાઇફ અત્યારે સરળ અને ફાસ્ટ-ટ્રેક ઉપર છે. રોજે-રોજ નવું-નવું બની રહ્યું છે. જીવન આશ્ચર્યથી ભરપુર છે. આજકાલ હું પ્લાન કરીને ભલે જીવતો હોઉ તોયે સરપ્રાઇઝ હજુયે મને એટલા જ પસંદ છે! (અંદર કી બાત: સંસ્થાની સરપ્રાઇઝ પસંદ હોવાની વાતમાં ગિફ્ટ મેળવવાની ગુપ્ત ઇચ્છા સમાયેલી છે.)
– આ ઉંમરનો વધતો આંકડો મને કયારેક ઉંડા વિચારમાં મુકી દે છે. જેમ બાળ અવસ્થા માંથી યુવાનીમાં આવ્યા પછી થતું હોય છે કે બાળપણમાં ઘણું ચુકી જવાયું અને જે હતું તેને માણવાનો સમય ન કાઢી શકાયો; તેવું હવે ભવિષ્યમાં ન થાય તેનો વિચાર ગુમરાયા રાખે છે. હજુ મને આ ઉંમરમાં ઘણું બધું કરી લેવું છે, પણ સમય ઘણો ઝડપથી વહેતો હોય એવું બની રહ્યું છે. (નક્કી કરેલા કાર્યો માંથી ઘણી ઇચ્છાઓને દર વર્ષે ફોરવર્ડ કરતા રહેવાની આદત/મજબુરી પણ તેનું એક કારણ છે.)
– ખૈર, આગળ-પાછળનું લાંબુ વિચારવા કરતાં જે સમયે જે થઇ શકે એમ હોય તે કરીને અને તેને જ માણતા રહેવામાં શાણપણ છે. ભવિષ્ય માટે આમ પણ હું વધારે ચિંતા કરતો નથી, ફાવતું પણ નથી. જે સમયે જેટલું થાય એ કરતા રહેવાનું.
– દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસના સમયે હું એકલો છું. માં-દિકરો બંને મારા સસરાના ઘરે મારા નામની કેક ખાઇને લોંગ-ડિસ્ટન્ટ-બર્થ-ડે ઉજવી લેશે અને હું ઘરે એકલા-એકલા બેસીને રેડિયો સાંભળતા-સાંભળતા નિરાંતે આઇસક્રીમ પી લેવાનો વિચાર કરીને બેઠો છું! (મને ઠંડી આઇસક્રીમ ઓગાળીને પીવી બહુ જ ગમે અને જન્મદિવસે તો જે ગમતું હોય એ જ કરાય ને?)
– મિત્રો તો ઘણાં બનાવ્યા છે પણ જન્મદિવસની ઉજવણીની બાબતે હું હંમેશા દુર ભાગતો રહ્યો છું. આ માટે બચપનના દિવસોના વિચિત્ર કારણો જવાબદાર હોઇ શકે; કદાચ એટલે જ મને મારા જન્મદિવસ માટે વધારે ઇચ્છાઓ નથી રહેતી. (આમેય હું રહ્યો એકલ-જીવ… મને ખુશ થવા માટે કોઇની જરૂર ન પડે.)
આજે કોઇ મિત્રો મારી પાસેથી પાર્ટી ઇચ્છતા હોય તો તેમની માટે મેં એક પાર્ટીનું આયોજન કર્યું છે અને સૌ મિત્રોને મારી પાર્ટીમાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. બધા પાર્ટીમાં જોડાઇ જાય તે પછી આપણે બધા ભેગા મળીને દેશભરમાં ચુટણી લડીશું! 😉 😀 🙂 તો બોલો… BJP જીંદાબાદ… મતલબ કે… બગીચા-જન-પાર્ટી.. જીંદાબાદ…
નોંધઃ પાર્ટીમાં સભ્યપદ મેળવવા અંગેનું ફોર્મ મારા બગીચાના ડાઉનલોડ વિભાગમાંથી મેળવી લેવું અને નામ-ફોટો-સરનામું તથા સહી સાથે જલ્દી પરત મોકલી આપવું.
– હવે આવતી કાલે શરૂ થનાર મત ગણતરી બાદ ચુટણી પરિણામથી દેશમાં સ્થિર-મજબુત સરકાર બનશે તેવા સમાચાર સાથે ફરી મળીશું.
– ત્યાં સુધી સૌની ખુશીની કામના સહ, આવજો..