આંચકો – હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટનો !

. . .

– ગયા અઠવાડીયે ઘરે એક આંચકો આવ્યો!! (ભુકંપ નહોતો પણ ઘટના ભુકંપ જેવી બની ગઇ.) પપ્પા એક સામાજીક પ્રસંગમાં હાજરી આપવા માટે જે દિવસે હૈદરાબાદ જવા નીકળ્યા’તા તેના બીજા દિવસે જ ત્યાંથી બૉમ્બબ્લાસ્ટના ન્યુઝ આવ્યા. જો કે મોબાઇલ-કૉલથી કન્ફર્મ થયું કે તેઓ સલામત છે. હાશ..

– અમે તો આખો દિવસ ન્યુઝચેનલોને ફેરવી-ફેરવીને ત્યાંના રિપોર્ટ લીધા. બીજા દિવસે ફરી ફોન કરીને વધુ જાણકારી લીધી અને જે જાણકારી મળી તે બૉમ્બ બ્લાસ્ટ જેટલી તો નહોતી પણ આંચકારૂપ જરૂર હતી! (જો કે કયારેક માહિતી બૉમ્બ કરતાં પણ વધારે વિસ્ફોટક હોય છે!)

– ન્યુઝ એજન્સી અને સરકારના મતે ત્યાં બે (Two) બ્લાસ્ટ થયા છે પણ પપ્પાના જણાવ્યા અનુસાર કુલ છ (Six) બ્લાસ્ટ થયા છે. અને કુલ મૃતકોનો સરકારી આંકડો ૧૪-૧૭ની આસપાસ છે જયારે પપ્પાના મતે તેનો સાચો આંકડો ૨૦૦ની આસપાસ હોઇ શકે છે. (જો તમારા કોઇ સગા કે ઓળખીતા ત્યાં હોય તો તમે પણ આ જાણકારીને કન્ફર્મ કરી શકો છો.)

– આપણી સરકાર, વિશ્વાસુ ન્યુઝ એજન્સીઓ અને પેલા ‘કહેવાતા’ બાહો પત્રકારો આપણને ખોટા ન્યુઝથી ચોખ્ખા બેવકુફ બનાવી રહ્યા છે. કઇ રીતે? – જુઓ આ પોસ્ટ : “પેઇડ (હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટની આ દરેક માહિતી બહાર ન જાય તેની ઝીણવટથી તકેદારી રાખવામાં આવી રહી છે.)

– સાંભળ્યું છે કે બૉમ્બબ્લાસ્ટ બાદ તેના કારણો/અપરાધીઓને પકડવાની જગ્યાએ આપણી ‘મર્દ’ સરકાર આ બ્લાસ્ટ અંગેની દરેક બ્લૉગપોસ્ટ, સોસિયલ અપડેટ્સ અને ન્યુઝ પર કડક નજર રાખી રહી છે. (કદાચ કાલે હું ગાયબ થઇ જઉ તો સમજી જજો કે તેમાં કોનો હાથ હોઇ શકે.)

– ખાસમિત્રોના મતે આ માહિતી આ સમયે જાહેરમાં મુકવી ખત્તરનાક છે અને હું સરકારની કે સરકારી તપાસ એજન્સીઓની નજરે ચડી શકું છું. છતાંયે સચ્ચાઇને ખાતર લખવું જોઇએ એવું મને લાગે છે. (આગળ જે થશે એ જોયું જશે…)

– આ ઉપરાંત હૈદરાબાદમાં બીજું ઘણુંબધુ રંધાઇ રહ્યું છે જેની લગભગ ત્યાંના દરેક નાગરિકોને પણ ખબર હશે. ધર્મ અને સિયાસતનું રાજકારણ ત્યાં ચરમસીમાએ છે જેમાં માણસોનો ઉપયોગ પ્યાદા તરીકે બિન્દાસ્ત થઇ રહ્યો છે. જો બે-ચાર દિવસની મુલાકાતથી આટલું બધું જાણી શકાતું હોય તો પછી સરકારી તપાસ એજન્સીઓને કે સરકારને અત્યાર સુધી તેની ખબર નહી હોય એવું માની ન શકાય. (કદાચ સરકારની આ નિષ્ક્રિયતા પાછળ પણ કોઇ ‘ગંદુ રાજકારણ’ હોઇ શકે છે. ઉફ્ફ.. આવા રાજકારણીઓ તો એકદિવસ ચોક્કસ આખા દેશને વેચીને જ રહેશે….)

. . .

Aug’12 : અપડેટ્સ

છેલ્લા સમય દરમ્યાનના થોડા રાજકીય, કેટલાક પ્રાદેશિક, બે-ત્રણ અંગત અને એકાદ પ્રાસંગીક અપડેટ્સ…

– મોદીના જાપાન પ્રવાસ દરમ્યાન ગુજરાતના માર્કેટીંગના ન્યુઝ જોઇને દરેક ગુજરાતીને પોતાના પ્રદેશમાં તેમના જેવા મુખ્યમંત્રી હોવા અંગે ગર્વની લાગણી થાય તે સ્વાભાવિક છે. (મોદીનો વિરોધ હોઇ શકે પણ તેમના આ કાર્યનો જેને ગર્વ ન થાય તે ગુજરાતી નહી હોય. વધુ ખાતરી કરવા DNA ટેસ્ટ કરાવી લેવો. 😁 )

– કેશુબાપા છેવટે GPP (ગુજરાત પરિવર્તન પાર્ટી) નામનું કોઇ નવું ગતકડું લાવ્યા છે અને મજપા પણ તેમાં વિલિન થઇ રહી છે ત્યારે ગુજરાતના રાજકીય સમીકરણમાં થોડોઘણો બદલાવ આવશે જ. (કેશુબાપા સારી રીતે જાણે છે કે આ વખતે જો છેલ્લી ઘડીયે ઠંડા પડયા તો તેમની આસપાસના લોકો જ તેમને નહી છોડે; એટલે તો બાપા પણ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.)

– જી.પી.પી. કે કોંગ્રેસની ચુટણી જાહેરાતો (‘ઘરનું ઘર’ વાળી) અંગે મોદીસાહેબ હજુ શાંત જણાય છે. જો કે આ તોફાન પહેલાની શાંતિ હોય એવુ પણ હોઇ શકે છે. (નરેન્દ્ર મોદીને દરેક વખતે કોઇને કોઇ મુદ્દા કે વ્યક્તિ સ્વરૂપે તારણહાર મળી જ જાય છે, પણ આ વખતનું ઇલેક્શન અટકળ વગરનું રહેશે એમ લાગે છે.)

– અણ્ણાજી નવો દાવ લઇને આવ્યા છે અને સરકારમાં સક્રિય ભુમિકા માટે ચુટણી લડવાની જાહેરાત કરી છે. (હું અંગત રીતે આ જાહેરાતને ટેકો આપુ છું; કેમ કે સરકાર વિરુધ્ધ આંદોલન કરવા કરતાં તેમાં સક્રિય ભાગ લેવો વધુ હકારાત્મક બની શકે છે.) અને સોનિયાજી-મનમોહનજીની તો વાત જ કરવા જેવી નથી… જવા દો એમને..

– બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે અને વાતાવરણ પણ મસ્ત ઠંડુ થઇ ગયું છે. (સરદાર સરોવર ડેમના પાણીથી છલકાતા ફોટો જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ ગયું.)

– મારા વિસ્તારમાં બી.આર.ટી.એસનો ટ્રેક બનાવનાર કંપનીના કાર્મચારીઓ તેમનું કામ અધુરુ મુકીને ગાયબ છે, એટલે વરસાદમાં સમસ્યાઓ વધશે. (હવે વરસાદ માટે પણ આ તકલીફ સહન કરવા લગભગ દરેક નાગરીક તૈયાર થશે. આવ રે વરસાદ..)


# અગાઉના થોડા દિવસોમાં જ ઇન્દીરા બ્રીજના બંને છેડે લગભગ દસેક અકસ્માત થયા છે. (તેમાં એક સરકારી જીપનો પણ સમાવેશ થાય છે) અને દરેકનું કારણ સરખું લાગે છે. ચાલકનું બેધ્યાનપણું નિઃશંક મુખ્ય કારણ ગણી શકાય પરંતુ આ બેધ્યાનપણાની પાછળ તે સ્થળ પણ જવાબદાર છે;

સવાલ થશે કે, એ કઇ રીતે?

પુલ પર ક્યાંય ડિવાઇડર ન હોવુ અને પુલ પુરો થતા જ ડિવાઇડરનું શરૂ થવું.

તે દરેક અકસ્માત રોકી શકાય એમ હતા અને ભવિષ્યમાં પણ રોકી શકાય એમ છે. તે રોડ પર કાયમી પસાર થતા વાહનચાલકોને આ ધ્યાનમાં આવ્યું જ હશે. અને ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક પોલિસને નેક ઇરાદા સાથે મારો ઉકેલ અગાઉ બે વખત આપી ચુક્યો છું પણ તેમને તો ચલણ ફાડવા સિવાય બીજો કોઇ મતલબ હોય તેમ જણાતુ નથી.

તો, ઉકેલ એ છે કે..

પુલના બન્ને છેડે આવેલા ડિવાઇડરને એકબીજા સાથે જોડી દેવા. મતલબ કે પુલ ઉપર અવર-જવરના રસ્તા વચ્ચે કાયમી કે ટેમ્પરરી ડિવાઇડર બનાવી દેવું. (આ બનાવ્યા પછી તે જગ્યાએ આ પ્રકારના કોઇ જ અકસ્માત નહી થાય તેની હું ગેરંટી આપુ છું યાર…)


દરેક વખતે બન્ને પક્ષ1ને નુકશાન જ થાય છે અને પછી તેને રીપેર કરવા માટે ખર્ચ પણ કરાય છે; તો આ વારંવારના ખર્ચ અને નુકશાનને કાયમી ઉકેલથી અટકાવી શકાય એમ છે તો તે અંગે વિચારવું તો જોઇએ ને.. (આ વાંચનાર કોઇ મારી વાત આગળ સુધી પહોંચાડે તો ઘણાં લોકોની મદદ થશે. 🙏)

– કાલના વરસાદની અને એ.સી.ની ઠંડકની અસર આજે તબિયત પર થઇ છે. આજે ડૉક્ટરનો ચહેરો જોવા જવું જ પડશે એવું લાગે છે. (શરદીનું જોર વધારે છે અને એક કાનમાં દુખાવો થાય છે.)

– બે મહીના પહેલા નોકરી પર રાખવામાં આવેલા સેલ્સમેનને બીજી જગ્યાએ વધુ સારી તક દેખાતા તે ભાઇ મને છોડીને જઇ રહ્યો છે. (તેનો ઇશ્વર તેને મારાથી વધુ સારો બોસ આપે એવી આશા) હવે ફરી એક નવા ઉમેદવારની શોધ આદરવી પડશે.

– કાલે જન્માષ્ટમી છે અને મેં મારી ઓફિસમાં તેની રજા જાહેર કરી છે! અને ઘણાં વર્ષો પછી આજના દિવસે ઠંડુ ખાવાની સજા પણ મળી છે. (ઉફ્ફ યે રીવાજ…)

– પેલો ઇંતઝાર હજુ પુરો થયો નથી અને બીજુ બધુ આનંદમય છે.

– સૌને હેપ્પી જન્માષ્ટમી. (એડવાન્સમાં..)

મે મહિનાની ખાટીમીઠી

– હવે, બિમારીનો અંત અને સ્વસ્થ બનવાની શરૂઆત છે; પણ મારી બેટરી હજુ ઉતરેલી જણાય છે. (રિચાર્જ માટે દવાઓ ચાલું રાખવાની છે.)

ખોવાયેલા ફોનનું સિમકાર્ડ અઠવાડીયા પછી નવું બન્યું. (થેંક્સ ટુ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર!…પહેલા ૨ કલાક કહ્યા અને પછી ૪-૫ દિવસ ‘સિસ્ટમ પ્રોબ્લેમ‘ કહીને કાઢ્યા.)

– ઘરે નવરા હોવાથી દેખવાની બાકી એવી ઘણી સરસ ફિલ્મને જોઇ કાઢી અને સાથે-સાથે મજબુરીના કારણે ઘરમાં નિયમિત ચાલતી ઘણી ડેઇલી-સિરિયલ પણ જોવાઇ ગઇ… 😨

# મજબુરીમાં નોંધાયેલી કેટલીક માહિતીઓ…

  • ખબર પડી કે ‘સાસ બિના સસુરાલ’માં ઇમ્પોર્ટેડ સાસુઓ આવીને બબાલ કરી જાય છે. (ઇનશોર્ટ ટીવી સિરિયલમાં ‘સાસુ’ એક બબાલ-પ્રિય પ્રાણી હોય છે.)
  • કુછ તો લોગ કહેંગે‘માં આસુતોષનો એક્ટર બદલાઇ ગયો છે; તો હવે નીધિ સાથે તેને જોવાની મજા નથી આવતી. (પણ છેવટે બન્ને ઠેકાણે પડયા એ ઠીક થયું.)
  • પરવરિશ‘માંથી કોઇ ખાસ પરવરિશ શીખવા જેવી નથી. (બાળકો તેમાંથી ચોક્કસ શીખશે કે તેમણે કેવા નખરાં કરવા જોઇએ.)
  • યે રિસ્તા કયા……“માં અક્ષરા હજુયે રોતી જ દેખાય છે. (કદાચ…. તેને એ જ કરવાના સારા પૈસા મળતા હશે.)
  • ગોપીવહુ હજુ બુધ્ધુ જેવી જ છે… અને ‘ઉતરન’નો મુળ કોન્સેપ્ટ કયાંય ખોવાઇ ગયો છે અને કથા કયાંક આડીઅવળી રીતે આગળ વધી ગઇ છે..
  • બડે અચ્છે લગતે હૈ‘ની સ્ટોરી રામ-પ્રિયા કપુરથી હટીને સાઇડ એકટરની લાઇફમાં વધારે તન્મય જણાય છે. (આ ટીવી સિરિયલમાં સ્ત્રી પાત્રો ન હોત તો તે આગળ કેમ વધતી હોત તે એક વિચારણા માંગી લે તેવો મુદ્દો છે !)
  • બાલિકા વધુ‘ની આનંદી મોટી થઇ ગઇ છે પણ સિરિયલ છે કે હજુ ખતમ થવાનુ નામ જ નથી લેતી…।

અને બીજુ આવું-જેવુ-તેવુ-ઘણું-બધુ વગેરે વગેરે વગેરે…. (બસ, દરેક વાત અહીયા ઉમેરીને કોઇની ઉપર માનસિક ત્રાસ નથી ગુજારવો.) 😇

– હવે વાતનો મુદ્દો બદલે તો સારું એમ લાગે છે ને….. ઓકે…તો નવી વાત..

– ગરમીની વચ્ચે વરસાદ પણ અચાનક આવીને હાજરી પુરાવી ગયો. કોઇ વ્યક્તિ દ્વારા જાણકારી મળી કે તે વરસાદ કુદરતી નહોતો પરંતુ કૃત્રિમ-વરસાદ હતો. વૈજ્ઞાનિકોની એક ટુકડી દ્વારા અત્યારે ગુજરાતમાં તેના પરિક્ષણ કરી રહી છે તેવી માહિતી મળી છે અને રાજકોટમાં થયેલા વરસાદમાં પણ તેમનો જ હાથ હતો તેવા સમાચાર પણ છે. (કંઇક સાચુ કે ખોટું હોઇ શકે પણ જાણકારી આપનાર વ્યક્તિની માહિતી ખોટી હોવાના ચાંસ ઓછા છે છતાંયે સંભાવના નકારી ન શકાય.)

– પેન્ટાલુન-બિગબઝાર વાળા ‘ફ્યુચર ગ્રુપ’ના શ્રી કિશોર બિયાનીનું સુધા મહેતા દ્વારા ગુજરાતી અનુવાદિત પુસ્તક ‘સપનાથી સફળતા‘ ઘણું સરસ છે. (હજુ પુરું વાંચવાનુ બાકી છે પણ રસપ્રદ લાગે છે અને ભાષા પણ એકદમ સરળ છે.)

– આપણાં પુર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ આજકાલ શ્રીમાન દિગ્વિજય સિંહની જેમ ગમે ત્યાં કંઇ પણ કહીને વિવાદ ઉભો કરવા લાગ્યા છે. હમણાં જ્ઞાતિવાદી સમારંભો જોરશોરમાં ચાલી રહ્યા છે જેમાં આપણાં હાલના મુખ્યમંત્રી પણ જોશભેર ભાગ લઇ રહ્યા છે. (લોકો માંડ જ્ઞાતિવાદી રાજકારણથી છુટા પડતા દેખાતા હતા ત્યાં વળી જ્ઞાતિવાદી સમિકરણો ફરી જોડાવા લાગ્યા છે. હે ભગવાન…. કયારે સુધરશે અમારા આ નેતાઓ..)

વિકટ પ્રશ્ન: કાલે કંઇક ‘ખાસ’ છે તેવુ રિમાઇન્ડર અત્યારે મળ્યું; પણ યાદ નથી આવતું કે તે શું હશે!!?…  કેટલીય વારથી એ જ વિચારું છું. 🤯 (રિમાઇન્ડર મુકતી વખતે તેની નોંધ ન ઉમેરવાથી આવી પરિસ્થિતિ ઉદભવે.)


નવા ફોનમાં બધા કોન્ટેક્ટ્સ ઉમેરવામાં થોડો સમય લાગે તેમ છે. ત્યાં સુધી જો કોઇ મને કૉલ કરે તો તેમની ઓળખાણ હું પુછું ત્યારે સવાલ કર્યા વિના આપી દે તો વાંધો ન હોવો જોઇએ ને? બોલો, લોકોને એમાંય ખોટું લાગી આવે છે!

🙏