કોઇ મિત્ર દ્વારા મને ઇમેઇલથી મોકલવામાં આવેલી આ સુંદર સલાહ આપણા જીવનમાં જરુર ઉતારવી જોઇએ. કોઇ સલાહ આપે એ કોઇને ન ગમે પણ એક વાર વાંચશો તો આપને જરુર ગમશે તેની મને ખાતરી છે.
—
[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.
[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.
[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.
[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.
[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ… જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.
[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.
[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.
[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.
[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.
[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.
[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.
—