અપડેટ્સ – 191020

~ છેલ્લી અપડેટની પોસ્ટને લગભગ 3 મહિના થઇ ગયા છે! અહીયાં અલગ-અલગ વિષયે જે કંઇ ઉમેરાય છે તે બધું અપડેટ્સમાં જ ગણી લઇએ તો પણ અલગથી પોસ્ટ નથી લખાઇ એ નોંધ લાયક છે. (મતલબ કે મારા માટે નોંધ લાયક. બીજાને તો શું ફેર પડવાનો યાર)

~ પાછળના દિવસોમાં બાકી રહી ગયેલી ઘણી ફિલ્મો પણ જોવામાં આવી છે. જેમાં તાસ્કંદ ફાઇલ્સ, રેવા, ન્યુટન, કેસરી અને હવાહવાઇ જેવી મુવીએ મનમાં ખાસ જગ્યા બનાવી. કદાચ મારો ટેસ્ટ પણ બદલી રહ્યો છે; રોમેન્ટીક અને કોમેડી ફિલ્મો કરતાં હવે ઐતિહાસિક અને કોઇ મુદ્દા કે ઘટના આધારીત ફિલ્મમાં મને વધારે રસ આવે છે. (હું ગુજરાતી છું એટલે ફિલ્મનું બહુવચન ફિલ્મો જ કરીશ. જેને ન સમજાય તેઓએ જાતે સુધારીને વાંચી લેવું.)

~ અગાઉના મહિનાઓના પ્રમાણમાં સપ્ટેમ્બર મહિનામાં મારી સુસ્તી જણાય છે. લખવા લાયક ઘણી વાતો હોવા છતાં એક-બે કારણસર વધુંં લખી નથી શકાયું. (કારણ ન પુછશો, કેમ કે તે વિશે હું કંઇ કહી શકું એમ નથી.)

~ સપ્ટેમ્બરના પ્રમાણમાં ઓક્ટોબર મહિનાની સ્થિતિ વિરુધ્ધ છે. સખત વ્યસ્તતા રહી છે મહિનાની શરુઆતથી. વળી નવરાત્રી-દિવાળીનો સમય હોય એટલે કામમાં થોડી વધારે ભાગદોડ હોય એ સ્વાભાવિક છે. (સિઝનમાં બે પૈસા વધારે કમાઇ લઇએ તો એમાં કાંઈ ખોટુંય નથી ને ભાઇ.)

~ આ વખતે નવરાત્રીની શરુઆત વરસાદ સાથે રહી પણ ત્રીજા નોરતાં પછી રસીયાઓનો રંગ જામી ગયો. વરસાદ પ્રમાણમાં સારો કહી શકાય એવો રહ્યો અને લાંબા સમય સુધી પણ. (વાતાવરણ અચાનક પલટી જાય અને તડકામાંથી ધોધમાર વરસાદ આવીને બધા પ્લાન ફેરવી દે એવું આ વખતે થયા કર્યું.)

~ દેશના નેતાઓમાં અટલજી અને પર્રિકર બાદ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને ગુમાવ્યાનો અફસોસ થયો. તેઓ ચોક્કસ સ્મરણમાં રહેશે. (શ્રધ્ધાંજલી આપતા આવડતું નથી અને ઇશ્વર તેમના આત્માને શાંતી આપે એવું લખવામાં અમને અમારી માન્યતાઓ નડે છે.)

~ કાશ્મીરની વાતો, હાઉડી-મોદી, મંદી અને ચિદંબરમની બંદી જેવા મુદ્દાઓ સામાન્ય જનમાનસ પર હાવી રહ્યા. હવે બધે હરિયાણા-મહારાષ્ટ્રની ચુટણીની વાતો ચાલી રહી છે. હું લગભગ દરેક પ્રકારની ચર્ચાથી દુર રહ્યો છું. (વિદેશમાં પી.એમ.નું સન્માન સરસ વાત છે, તો પણ છેવટે દેશ સંભાળવો વધુ જરુરી હોય છે.)

~ કોર્પોરેટ ટેક્ષમાં થયેલ ઘટાડો નોંધલાયક વાત છે; ભવિષ્યમાં આ નિર્ણય ઘણાં વૈશ્વિક ઉદ્યોગકારોને ભારતમાં કારખાનાં સ્થાપવા આકર્ષી શકે છે. હું કોઇ ઇકોનોમીસ્ટ નથી પણ થોડીક સમજણ મુજબ કહી શકું કે હાલ તો આ ઘટાડા બાદ થનાર રાજકોષીય ખાધને પહોંચી વળવું પણ સરકાર માટે ચેલેન્જ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીનો સમય છે અને હવે આપણી ઇકોનોમી પણ તેની અસરમાં છે.

~ દેશમાં મંદી છે તે સરકારે પણ સ્વીકારવું પડશે, તો જ તેના માટે યોજનાઓ બનાવી શકાશે. ફિલ્મોના કલેક્શન અને એમેઝોન કે ફ્લીપકાર્ટના ઓફર દિવસોમાં થયેલ વેચાણના આંકડા સાથે કુલ ઇકોનોમીને સરખાવી ન શકાય. (મંત્રીઓને સમજાતું ન હોય તો સાવ બાલીશ બહાનાઓ બતાવવાને બદલે ચુપ રહેવું જોઇએ.)

~ ન્યુઝ ચેનલોમાં પાકિસ્તાન અને ઇમરાનની વાતો હવે ઇરીટેટ કરે એ લેવલ પર છે. દેશ ઘણો મોટો છે અને આપણી પાસે ચર્ચા કરવા માટે હજુ ઘણાં જરુરી આંતરિક મુદ્દાઓ છે; તો તે તરફ પણ થોડું ધ્યાન આપે એવી સદબુધ્ધિ પત્રકારો મેળવે એવી આશા.

~ BJPના રાજકારણનું કેંદ્રસ્થાન એવા આયોધ્યા કેસમાં દલીલો પુરી થયા બાદ ફાઇનલ ચુકાદાની રાહ જોવાઇ રહી છે. લગભગ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવી જશે. (આશા રાખીએ કે 370 ની જેમ આમાં પણ બધું શાંતીથી પતે.)

~ મારો સ્પષ્ટ મત હતો કે આયોધ્યામાં રામ જન્મભૂમી બાબતે મુસ્લીમ પક્ષે પોતાનો દાવો છોડી અને મોટું મન રાખીને સામેથી જગ્યા સોંપી હોત તો ભવિષ્યમાં અન્ય ઘણાં મામલે તેઓ પ્રત્યે હિંદુઓની લાગણી હોત. આ કેસની હાર-જીત આવનારા સમયમાં બીજી ઘણી જગ્યાએ ઘર્ષણ ઉભું કરશે અને હવે તે ટાળી શકાય એમ નથી. (વધારે તુ-તુ મૈ-મૈ અને મારું-તારું થશે…)

~ હવે ઉપરની બધી વાતોથી અલગ વાત. આજકાલ મને એક બહુજ મોટું પરિવર્તન થઇ રહ્યું હોવાનું જણાય છે. આખી દુનિયા, આ દેશ અને આપણાં વિચારો નવા પરિમાણમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. જાણે કે કોઇ એવી થીંક-ટેંક છે જે ત્રીપલ શીફ્ટમાં કામ કરી રહી છે અને બધે જ એક પછી એક ઘટનાઓને ગોઠવી રહી છે.

~ આજે તમે કે હું જે કંઇ કરીએ છીએ, જે પ્રતિભાવ આસપાસની ઘટના કે સમાજ તરફ ધરાવીએ છીએ, તેમાં કોઇ પેટર્ન ચોક્કસ છે. ક્યાંક તો નેરેટીવ સેટ થયેલા છે; અથવા તો સેટ કરવામાં આવી રહ્યા છે. કોઇ વ્યક્તિ/સમુહ કે સમયની માંગ તેની પાછળ હોઇ શકે છે જે સામુહિક ભવિષ્યને ક્યાંક લઇ જવા માંગે છે અથવા તો આપણે સૌ કોઇ એક દિશા તરફ જવા માટે જાણતાં-અજાણતાં જોડાઇ ગયા છીએ. (જ્યારે મુળ માન્યતાઓ કે વિચારો બદલાતા હોય ત્યારે તેની પાછળના કારણો પણ વિચારવા જોઇએ એવું મને લાગે છે.)

~ આ બધું વાચનારને ઉપરની વાતો ડાર્કહોલમાં સમાતી હોય એવું પણ લાગી શકે છે. કારણ કે હમણાં હું જે કહેવા માંગુ છું તે ટુંકમાં કે સીધી રીતે કે સરળ શબ્દોમાં સમજાવી શકું એમ નથી. ઘણીબધી ગુંચવણભરી વાતો છે અને એકરીતે જોઇએ તો બધી સંભાવનાઓ જ તો છે. (ખરેખર ઘણું બધું છે આમાં અથવા તો કંઇ જ નથી!)

~ બીજી વાતો નવી પોસ્ટમાં ઉમેરવાના વિચાર સાથે આજે અહી અટકું છું. (ઉપરના મુદ્દે કંઇક વધુ ઉમેરવાના ચક્કરમાં આ પોસ્ટ 2 દિવસથી ડ્રાફ્ટમાં પડી છે.)

31મી વાર્ષિક ગાથા [170609]

~ કોઇ ભાગવત કથા તો હું કરાવું એમ નથી અને કોઇ વીર પુરૂષના જીવનની ગાથા કહેવાનો વિચાર પણ નથી. આજે તો માત્ર મારી જ વાત છે. આ 31 મી વાર્ષિક ગાથા એટલે મારા 31 મા જન્મ દિવસની વાર્ષિક પોસ્ટ! (બીજું બધુ ભુલી જઉ છું પણ આ પોસ્ટ તો યાદ રાખીને લખવાની જ હોય છે.)

~ જન્મ દિવસ તો વિતી ચુક્યો છે અને મહિનો પણ બદલાઇ ગયો છે; છતાંયે ભવિષ્યમાં આ પોસ્ટ શોધવામાં સરળતા રહે તે માટે આ પોસ્ટમાં મે મહિનાની એ જ તારીખ સેટ કરી છે જયારે મારો જન્મ દિવસ હતો. (આ મારો બગીચો છે અને અહિંયા બહું જ શક્ય છે! ચાહો તો ભવિષ્યમાં પણ જઇ શકો અને ઇચ્છો તો ભુતકાળમાં પણ જઇ શકાય..)

~ દર વર્ષનો નિયમ છે અને લગભગ છેલ્લા 4-5 વર્ષથી નિયમિત છું કે આ દિવસે કંઇક લખવું જરુર. (દોસ્ત/વાચક-લોકો નિયમિત શબ્દ પર ખાસ ધ્યાન આપે.)

~ આ દિવસે લખવાનો ફાયદો એ પણ થાય છે કે ગયા વર્ષના આ દિવસ થી આ વર્ષના એ જ દિવસે મારામાં કેટલો તફાવત છે તે દેખી શકાય છે. (હા, તમે તો એમ જ સમજશો કે ફાયદા વગર અમદાવાદી કંઇ ન કરે..)

~ આ પોસ્ટના ટાઇટલમાં ‘ગાથા’ કહેવાનું એક કારણ એ પણ છે કે આજે મારા વિશે એટલું બધું લખવામાં આવ્યું છે જે એક લાંબી ગાથા સમાન જ છે! (નોંધઃ આ લાઇનને આખી પોસ્ટ લખ્યા પછી પાછળથી ઉમેરવામાં આવી છે.)

~ ચલો તો શરૂઆત કરીએ.. ગત આખુ વર્ષ મજા તો કરી જ છે અને કોઇ આકસ્મિક ઘટના વગર મોજ-મસ્તીમાં વર્ષ પુરું કર્યું છે. હર્યા-ફર્યા અને ઘણાં જલ્સા કર્યા છે. ઘણાં નવા અનુભવો મળ્યા છે તો કેટલાક નવા વ્યક્તિઓનો પરિચય પણ થયો છે. (અનુભવોની કોઇ કોઇ વાતો અગાઉ અપડેટ્સમાં નોંધાયેલી જ છે અને આળસમાં ઘણી નાની-મોટી વાતો ભુલાઇ ગઇ છે.)

~ ગયા વર્ષની ખાસ નોંધાલાયક વાત ઘટના એ છે કે ખાસ કારણોસર મેં મારા સૌથી નજીકના મિત્રોને મારાથી અલગ કરી દીધા છે. સંપર્કથી તો અમે ધીરે-ધીરે ઘણાં દુર થઇ ગયા હતા, પણ હવે મિત્રો તરીકે પણ મેં સામેથી મારી જાતને આખા ગ્રુપથી અલગ કરી દીધી છે. તેમનાથી દુર થઇ જવાનું કારણ તો હવે તે બધા જાણે છે, પણ તેમાંથી કોઇ સામેથી આવીને મારી નારાજગીને છંછેડવાની અને મને મનાવવાની હિંમત કરી શકે એમ નથી. (‘જે ગાંઠ છુટી શકે તેવી હોય તેને કાપવી નહી’, એવું માનનારો હું હવે ‘એક ઘા ને બે કટકા’ જેવા સ્પષ્ટ નિર્ણય લેવામાં પણ અચકાતો નથી.)

~ એક બનીને જીવેલા નજીકના મિત્રો જયારે સામુહિક રીતે પોતાના ગ્રુપમાં જ આપણને એકલા કરી મુકે અને તે પણ કોઇ કારણ વગર ત્યારે તેની લાગણી અસહનિય હોય છે. ખૈર, તેમાંથી કોઇએ મને બધું ભુલીને ગ્રુપમાં પરત આવવા કહ્યું, પણ હવે હું જ એવા સંબંધમાં જોડાવા રાજી નથી. સૌને દિલથી માફ કરી શકું છું અને વ્યક્તિગત સંબંધ રહેશે પણ હવે ત્યાં સલામત અંતર જરૂર હશે. (ફરીવાર પણ આવું જ થશે તેવી શંકા છે એટલે મન પણ માનતું નથી. આ બાળકોની કિટ્ટા-બુચ્ચાની રમત તો નથી જ.)

~ આ જ સમય દરમ્યાન એવા નવા લોકો પણ પરિચયમાં આવ્યા છે કે જેઓએ જુના મિત્રોની જુની વાતોથી મને આગળ લઇ ગયા છે. અમે એકબીજાથી અજાણ્યા જીવ સમાન કારણોસર ભેગા થયા અને હવે કારણ વગર પણ સાથે છીએ. મારા જુના મિત્રો હવે મારા વિશે બેફિકર છે અને હું પણ હવે તેમના વિશે બેખબર છું; જાણે કે મને કોઇ ફરક જ ન પડતો હોય એમ!

~ જુના મિત્રો માટે પણ હવે દિલમાં કોઇ કડવાશ નથી. સમય ઘણું બદલતો રહેતો હોય છે અને એમ પણ મારી બનાવટ જ એવી છે કે મારા મનમાં ગુસ્સો કે દ્રેષ લાંબો સમય ન ટકે. (એક્સ્ટ્રા-પ્રેક્ટિકલ બની ગયો છું કદાચ.અથવા તો અલગ થઇને પણ હું ખુશ જ છું; અથવા તો ખરેખર તે બધા વિશે મને પરવાહ નથી.)

~ ગયા વર્ષે અચાનક ઉંમરમાં મોટા બની જવાનો ગમ હાવી થઇ ગયો હતો, જે આ વર્ષે જરાયે જણાતો નથી. મને ત્યારે એમ હતું કે લોકો હવે ઉંમરના કારણે ભેદભાવ કરશે પણ સાવ એવુંયે નથી. (મારી સાથે સાથે આસપાસના બધા પણ એટલા જ મોટા થયા જ છે એટલે તેમની માટે હજુયે હું એ જ છું જે ટ્વેન્ટીઝમાં હતો.)

~ થોડા સમય પહેલાં જ નોંધ્યું હતું કે લાઇફ એટલી સરળ અને પ્રિડિક્ટેબલ બની ગઇ છે કે તેમાં મને કંટાળો આવે એ સ્વાભાવિક છે. એ સાચી વાત છે કે મને શાંતિથી જીવવું ગમે; પણ હવે એકદમ શાંતિવાળી આરામદાયક લાઇફ મને જ બોરિંગ લાગવા લાગી છે. (મુશ્કેલી હોય ત્યારે શાંતિ જોઇએ અને શાંતિ હોય ત્યારે ચેલેન્જીંગ લાઇફની ઇચ્છા થાય એવું કેમિકલ આપણાં સૌના મગજમાં કુદરતી રીતે સેટ થયેલું હોય છે.)

~ આસપાસ થોડા વર્ષોથી જે બધું સિસ્ટેમેટીકલી ગોઠવ્યું હતું તેને હવે વિખેરવામાં આવી રહ્યું છે. લાંબા બ્રેક પછી લાઇફ ઉપર થોડું રિસ્ક લેવાના ફુલ મુડમાં છું અને તે દિશામાં આગળ પણ વધી ગયો છું. (કેટલાક વિચારો જલ્દી જ અમલમાં મુકાઇ જતા હોય છે.)

~ ક્યારેક એવા કારણો કે બહાનાઓ પણ હોય છે જે લાઇફનો મુળ ટ્રેક બદલવા સુધી લઇ જતા હોય છે અને તેના આધારે જ આપણે મનથી મોટા બદલાવ માટે તૈયાર થઇએ છીએ. આપણે જાણીયે છીએ કે જે કંઇ કરવું છે તેમાં પોતાની ઇચ્છા જ મુળતત્વ છે; છતાંયે આપણે જે બદલી રહ્યા છીએ (અથવા તો બદલવાનું વિચારી રહ્યા છીએ) તે સર્વોત્તમ અને યોગ્ય છે તેવું બીજા લોકો સામે સાબિત કરવા બહાનાઓ તૈયાર કરતા હોઇએ છીએ. (આ પણ એક બિમારી ગણી શકાય.)

~ નાયરાના જન્મથી એક નવી જવાબદારી જેવું લાગે છે, પણ હવે તે નિભાવવામાં કોઇ ખાસ પ્રયત્ન કરવો નહી પડે એવુંયે જણાય છે. આશા છે કે તોફાની વ્રજ હવે જલ્દી સમજદાર બની જશે. છોટા પરિવાર-સુખી પરિવાર જેવી અમારી આ નાનકડી દુનિયા હંમેશા આબાદ રહે એ જ જાળવવાની મુખ્ય જવાબદારી હમણાં જણાય છે. (નાના-નાના પડકારો તો આવે પણ કંઇ અજુગતું બને એવા કોઇ અણસાર નથી જણાતા.)

~ બે બાળકોના પિતા હોવા છતાંયે હજુ મનમાં બાળકની સહજતા અને તાજા યુવાન જેવી મસ્તી ભરાયેલી છે. ગંભીર કાર્યો કરી શકું છું અને સ્વભાવની ચંચળતા પણ હજુયે હેમખેમ છે. મારા અંદર એક એવી વિચિત્રતા છે જે મને નૈતિક અને અનૈતિકતાથી આગળની એક અલગ દુનિયામાં વ્યસ્ત રાખે જે જ્યાં કોઇ બંધન કે નિયમો નથી અને જો કોઇ નિયમો છે તો એ જાતે બનાવેલા છે. (હા મેં મારી માટે જ ઘણાં નિયમો બનાવ્યા છે!)

~ લોકો મને આજે પણ ગંભીર અને સંપુર્ણ જવાબદાર વ્યક્તિ ગણે છે પણ તે જાત મહેનતે બનાવેલી એક છાપ છે; જેને હું પણ જાહેરમાં જાળવી રાખવામાં માનું છું. જાહેર વર્તન અંગે હું હંમેશા સભાન રહું છું. લગભગ દરેક વ્યક્તિની અંગત અને જાહેર એમ બે દુનિયા/છાપ/વર્તન હોય છે. બહારથી બેફિકર-મસ્ત જણાતો વ્યક્તિ ક્યારેક અંદરથી આવ એકલો કે અત્યંત ચિંતાગ્રસ્ત હોય એવું બની શકે; તો શાંત જણાતી વ્યક્તિની અંદર ઘુઘવતો દરિયો કે ભયંકર તોફાન પણ છુપાયેલા હોય છે જે કોઇ ખાસ જગ્યા-વ્યક્તિ કે સ્થિતિમાં જ બહાર આવી શકે. (જો કોઇ કહે કે હું જે બહાર છું તે જ અંદર છું તો તેને તમે સાફ જુઠ ગણી શકો. લગભગ કોઇ વ્યક્તિ માટે આ શક્ય જ નથી.)

~ લગભગ દરેક વચન/વ્યક્તિને વફાદાર છું પણ માત્ર કોઇ એકનો હું પહેલાંયે નહોતો અને ભવિષ્યમાં પણ ન બની શકું. ટુંકમાં મને અનેક લોકો સાથે અલગ-અલગ પ્રમાણસર વહેંચાયેલ એક એવું વિચિત્ર વ્યક્તિત્વ કહી શકો કે જેની ઉપર ઘણાં લોકો હક હોવાનો દાવો કરી શકે છે પણ કોઇ એક તેનું પુરેપુરું હકદાર બની ન શકે. (મારા વિશે સમજવું હોય તો આ બે લાઇનમાં ઘણું બધું આવી જાય છે.)

~ બને ત્યાં સુધી મારા દ્વારા આસપાસ કોઇને અંગત/જાહેર નુકશાન ન થાય તેની કાળજી રાખું છું. કેટલાક મત પ્રત્યે હવે પહેલા કરતાં પણ વધારે સ્પષ્ટ છું. બળવાખોર સ્વભાવ હજુયે અકબંધ છે. દરેક ઘટના – પરિસ્થિતિ – વ્યક્તિ કે સંબંધો માટે મારા પોતાના અલગ નિયમો છે. જરૂર પડે એમ નવા નિયમો બનાવતો રહું છું; જુના બદલતો રહું છું. એક રીતે જોઇએ તો મારું એક પર્સનલ લૉ-બોર્ડ છે, જ્યાં સરકાર હું છું; હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ પણ હું જ છું. (સત્તાપક્ષ–વિપક્ષ–ફરિયાદી-વકિલ અને જજ પણ હું જ છું. ટુંકમાં અથઃ થી ઇતિ હું જ હું છું.)

~ અહિંયાં ભલે મારા શબ્દોથી પ્રદર્શિત છું પણ કોઇ રીતે હું દર્શિત નથી. એમ પણ ઓળખને એક મર્યાદામાં જાળવી રાખવી એ જુનો નિયમ હતો. તેમાં જે છુટછાટ લીધી હતી તે આજે પણ મુખ્ય નિયમોને આધીન છે. વ્રજ અને નાયરા સિવાય બીજી બધી ઓળખ મર્યાદિત રાખવાની એકસ્ટ્રા કલમને મુળ નિયમમાં અપવાદ તરીકે ઉમેરાયેલી છે, પણ જરૂર લાગશે તો બગીચાનું સેન્સર બોર્ડ તેમાંયે કાપ મુકી શકે છે. મારા શબ્દો અને વર્તનની આ અંગત નોંધનો કોઇ મારી વિરુધ્ધ દુરૂપયોગ ન કરી શકે છે તે સતત ધ્યાનમાં રાખવું આજે જરૂરી જણાય છે. (અગાઉ આ વિશે વિચાર્યું હતું, પણ આજે હું સમયના જે પડાવ પર છું ત્યાંથી આ દરેક વાતોનું મહત્વ ઘણું વધી જાય છે.)

~ લગભગ બે-ત્રણ વ્યક્તિઓ સિવાય મારા બગીચાની આ જગ્યાથી કોઇ મને અંગત રીતે ઓળખતું નથી; છતાંયે મારા નિયમો મને દરેકથી ચેતતા રહેવાનું સુચવે છે. આજે જે વ્યક્તિ મને ઓળખે છે તે ભવિષ્યમાં મારી તરફેણમાં ન રહે તો મને કોઇરીતે નુકશાન પણ કરી શકે છે. જ્યારે રિસ્ક પોતાની જાત ઉપર હોય ત્યારે સામાન્ય સંભાવનાને પણ ક્યારેય સામાન્ય ન સમજવી – એ મારો અગત્યનો નિયમ છે.

~ દંભ થી સખત ચીડ છે અને નિખાલસતા મારો સ્વભાવ છે, પણ થોડા અનુભવો પછી બે વર્ષ પહેલાં નવો નિયમ બનાવ્યો છે કે દરેક લોકો આપણાં પ્રત્યે સંવેદનશીલ નથી હોતા, એટલે નિખાલસતાની મર્યાદા જાળવી રાખવી પણ દંભથી ખાસ દુર રહેવું. (જો કોઇએ નોંધ લીધી હોય તો તેમને જણાશે કે અપડેટ્સમાં મારી નિખાલસ વાતો ગાયબ થઇ ગઇ છે. પણ તે પ્રાઇવેટ પોસ્ટમાં હજુયે સલામત છે.)

~ આજે એમ લાગે છે કે અહિંયા સમયાંતરે મારા નિયમો પણ નોંધતો રહું. મારી વાતો તો બીજા માટે લગભગ નકામી હોય છે પણ આ નિયમો ચોક્કસ ઉપયોગી બનશે. આમ તો બધા મારી માટે જ છે છતાંયે દરેક નિયમો ચોક્કસ આધાર અને અનુભવ પછી બનાવેલા છે એટલે કોઇને ઉપયોગી બની શકે છે. બાબા બગીચાનંદની જ્ઞાનવાણી એ આ જ નિયમોનું જાહેર વર્ઝન હતું પણ આળસમાં તે વિશે વધારે પોસ્ટ થઇ શકી નહી. (મારી આળસમાંથી મને જરાયે ફુરસદ મળતી નથી.)

~ આજે મને હું જરૂરથી વધારે જ સિરિયસ જણાઉ છું. એમ તો આજે દિવસ જ સિરિયસ વાતોનો છે. વર્ષમાં એકવાર તો આટલો શાંત બની ને વાત નોંધતો હોઉ છું. વર્ષનો આ એક દિવસ છે જયારે હું મારી જાત વિશે પ્રામાણિક વિશ્લેષણ કરું છું અને મને આ બધું જરૂરી લાગે છે. આ સમયે ઉપરના દરેક આવરણ/છાપ વગર ખુલ્લા મને વાત નોંધવાની હોય છે. (પછી તો ફરી એ જ ચહેરા ઓઢી લેવાના છે અને એ જ આસપાસની ઘટનાઓમાં પરોવાઇ જવાનું છે.)

~ ભુતકાળ વિશે કોઇ અફસોસ નથી, વર્તમાનથી સંતોષ  છે અને ભવિષ્ય માટે ઘણો આશાવાદી છું. બસ અબ આજ કે લીયે ઇતના કાફી હૈ.. ફરી આવતા વર્ષે જોઇશ કે હું ક્યાં છું.

~ ત્યાં સુધી, આવજો… ખુશ રહો!


– હેડર ક્રેડિટઃ વૉલડેવીલ.કોમ વાયા ગુગલ.કોમ

28 થઇ!

– જો આપ એમ સમજો છો કે આજે ટાઇટલમાં કોઇ એક પક્ષને મળતી લોકસભા સીટની વાત થઇ રહી છે અથવા કોઇ ચુનાવી-એક્ઝિટ પોલના આંકડા કે રાજકારણની વાત કરવાનો છું તો આપને જણાવતા ખેદ થાય છે કે, આપ ગલત સોચ રહે હૈ। (હમણાંથી હિન્દી ન્યુઝ ચેનલ વધારે જોઇ છે એટલે દરેક વાતમાં તેની અસર આવી જાય છે!)

– ગયા વર્ષે આ દિવસે જ કંઇક લખ્યું’તું એટલે આ વખતે વધારે લખવા માટે નવા શબ્દો નથી મળતા. (મારા જેવા લપલપીયા કાચબા પાસે શબ્દો ખુટે એ જાણીને ઘણાંને નવાઇ લાગશે.)

– એવું તે શું હતું ગયા વર્ષે, જે આજે પણ એ જ દિવસે છે! અંદાજ લગાવી શકાય એમ છે. ઓકે, મને ખબર છે કે એક્ઝિટ-પોલના અંદાજ જોઇ-જોઇને થાકેલી પબ્લીકને હવે મારી માટે અંદાજ કરવો નહી ગમે.. (આફ્ટરઓલ… જનતા પણ થાકે કે નહી!)

– અને આમેય આજે સૌને મારી ટાઇમપાસ વાતો વિશે જાણવા કરતાં આવતી કાલે આવનારા ચુટણી પરિણામ જાણવાની વધારે ઉતાવળ હશે. તો વધારે વાતો ન કરતાં સસ્પેન્સને ટુંકાવીને કહી દઉ કે, આજે મારો મારો જન્મદિવસ છે! ~~ આહા! બધાઇયાં બધાઇયાં બધાઇયાં….. હેપ્પી બડ્ડે ટુ મી ! 😉 🙂 :* ~~ 1

– આજે અમારી ઉંમર 28 થઇ 2 ! હવે જન્મદિવસ છે તો વિતેલા સમયની થોડી મોટી-મોટી વાતો પણ કરી લઇએ તો ઠીક રહેશે.. (આજના દિવસે આવી વાતો કરવી પડે!)

– વર્ષની દ્વષ્ટિએ જોઇએ તો ગયું વર્ષ આખું મસ્ત રહ્યું. (દરેક જન્મદિવસની સૌથી કોમન વાત.) ગયા વર્ષ દરમ્યાન જીવનમાં ઘણાં ટ્વીસ્ટ આવ્યા અને મે દરેક ક્ષણે ભરપુર મજા લીધી. (સમય તો બદલાયા કરે પણ અમે એવા-ને-એવા જ રહેવાના.)

– લાઇફ અત્યારે સરળ અને ફાસ્ટ-ટ્રેક ઉપર છે. રોજે-રોજ નવું-નવું બની રહ્યું છે. જીવન આશ્ચર્યથી ભરપુર છે. આજકાલ હું પ્લાન કરીને ભલે જીવતો હોઉ તોયે સરપ્રાઇઝ હજુયે મને એટલા જ પસંદ છે! (અંદર કી બાત: સંસ્થાની સરપ્રાઇઝ પસંદ હોવાની વાતમાં ગિફ્ટ મેળવવાની ગુપ્ત ઇચ્છા સમાયેલી છે.)

– આ ઉંમરનો વધતો આંકડો મને કયારેક ઉંડા વિચારમાં મુકી દે છે. જેમ બાળ અવસ્થા માંથી યુવાનીમાં આવ્યા પછી થતું હોય છે કે બાળપણમાં ઘણું ચુકી જવાયું અને જે હતું તેને માણવાનો સમય ન કાઢી શકાયો; તેવું હવે ભવિષ્યમાં ન થાય તેનો વિચાર ગુમરાયા રાખે છે. હજુ મને આ ઉંમરમાં ઘણું બધું કરી લેવું છે, પણ સમય ઘણો ઝડપથી વહેતો હોય એવું બની રહ્યું છે. (નક્કી કરેલા કાર્યો માંથી ઘણી ઇચ્છાઓને દર વર્ષે ફોરવર્ડ કરતા રહેવાની આદત/મજબુરી પણ તેનું એક કારણ છે.)

– ખૈર, આગળ-પાછળનું લાંબુ વિચારવા કરતાં જે સમયે જે થઇ શકે એમ હોય તે કરીને અને તેને જ માણતા રહેવામાં શાણપણ છે. ભવિષ્ય માટે આમ પણ હું વધારે ચિંતા કરતો નથી, ફાવતું પણ નથી. જે સમયે જેટલું થાય એ કરતા રહેવાનું.

– દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસના સમયે હું એકલો છું. માં-દિકરો 3 બંને મારા સસરાના ઘરે મારા નામની કેક ખાઇને લોંગ-ડિસ્ટન્ટ-બર્થ-ડે ઉજવી લેશે અને હું ઘરે એકલા-એકલા બેસીને રેડિયો સાંભળતા-સાંભળતા નિરાંતે આઇસક્રીમ પી લેવાનો વિચાર કરીને બેઠો છું! (મને ઠંડી આઇસક્રીમ ઓગાળીને પીવી 4 બહુ જ ગમે અને જન્મદિવસે તો જે ગમતું હોય એ જ કરાય ને?)

– મિત્રો તો ઘણાં બનાવ્યા છે પણ જન્મદિવસની ઉજવણીની બાબતે હું હંમેશા દુર ભાગતો રહ્યો છું. આ માટે બચપનના દિવસોના વિચિત્ર કારણો જવાબદાર હોઇ શકે; કદાચ એટલે જ મને મારા જન્મદિવસ માટે વધારે ઇચ્છાઓ નથી રહેતી. (આમેય હું રહ્યો એકલ-જીવ… મને ખુશ થવા માટે કોઇની જરૂર ન પડે.)

આજે કોઇ મિત્રો મારી પાસેથી પાર્ટી ઇચ્છતા હોય તો તેમની માટે મેં એક પાર્ટીનું આયોજન કર્યું છે અને સૌ મિત્રોને મારી પાર્ટીમાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. બધા પાર્ટીમાં જોડાઇ જાય તે પછી આપણે બધા ભેગા મળીને દેશભરમાં ચુટણી લડીશું! 😉 😀 🙂 તો બોલો… BJP જીંદાબાદ… મતલબ કે… બગીચા-જન-પાર્ટી5.. જીંદાબાદ…
નોંધઃ પાર્ટીમાં સભ્યપદ મેળવવા અંગેનું ફોર્મ મારા બગીચાના ડાઉનલોડ વિભાગમાંથી મેળવી લેવું અને નામ-ફોટો-સરનામું તથા સહી સાથે જલ્દી પરત મોકલી આપવું.

– હવે આવતી કાલે શરૂ થનાર મત ગણતરી બાદ ચુટણી પરિણામથી દેશમાં સ્થિર-મજબુત સરકાર બનશે તેવા સમાચાર સાથે ફરી મળીશું.

– ત્યાં સુધી સૌની ખુશીની કામના સહ, આવજો..