– Header અને પોસ્ટ title જોઇને લગભગ સમજી ગયા હશો કે આજે કઇ વાત હોઇ શકે. હમસફર મુળ તો ગુજરાતી ભાષાનો શબ્દ નથી પણ તેને આપણે અપનાવેલો ચોક્કસ છે. આપણે સામાન્ય ભાષામાં સાથે સફર કરનારને હમસફર કહીએ તો એ ન્યાયે આ ચાર પૈડા વાળું સાધન હમસફર કહેવાય ને! (અમારે તો ક્યારેક દિવસનો અડધો/આખો સમય તેના ચાર દરવાજા વચ્ચે ગુજરતો હોય છે ‘તો તે ન્યાયે તેને અડધું ઘર પણ કહેવાય!)
– આપણાં ભારતીય સમાજમાં નવી ગાડીને ઘરના નવા સભ્ય જેટલું સ્થાન છે એટલે તેના આગમન સાથે એક ઉત્સવ જેવી ભાવના જોડાયેલી હોય તે સ્વાભાવિક છે. લોકો ખાસ મુરત જોવડાવીને તેને લેવા જતા હોય છે અને કંપની સ્થળ ઉપર જ તેના ટીલા-ટપકાં-આરતી થતાં મે ઘણીવાર દેખ્યું છે. આમ તો બધું મનને મનાવવા માટે છે પણ લોકોની અગાઢ ભાવના જોડાયેલી હોય એટલે તે રિવાજ વિશે અમારી અંગત વિશેષ ટીપ્પણી અનામત રાખવામાં શાણપણ જોયું છે. (પણ વાત જ્યારે પોતાની હોય ત્યારે તો મનમાની જ કરવાની હોય ને)
– સેલ્સમેને મને બે વાર એ પુછવા ફોન કર્યો’તો કે સાહેબ તમે કયા મુરતમાં ગાડી લેવા આવશો? -પ્રથમવાર ફોન આવ્યો ત્યારે મે કહ્યું કે તમે જ્યારે આપો એ જ સૌથી શુભ મુરત કહેવાશે. પણ બીજીવાર ખબર નહી કયા મુડમાં હતો કે મે કહી દીધું કે તમારે ત્યાં જેને સૌથી ખરાબ ચોઘડીયું કહેતા હોવ તે સમય મને આપી દો, હું ત્યારે લેવા આવી જઇશ. જેથી અન્ય મુરત પ્રેમી પ્રજાને તેમની અને મને મારી ગાડી સરળતાથી મળી રહે. (મારા આ પ્રતિભાવથી તેને આચકો ચોક્કસ લાગ્યો’તો પણ ‘કસ્ટમર ચોઇસ’ તરીકે સ્વીકારીને તેણે મને સવારે વહેલા આવવાનો સમય આપી દીધો.)
– મુરત કરતાં મને યાદગીરી માટે વ્રજના જન્મ દિવસે આ ગાડીને લેવાની ઇચ્છા હતી પણ કંપની-ડીલર અને અમારા જન્માક્ષરના પુરતા ગુણ ન મળવાથી અમારું ધાર્યું ન બની શક્યું. લગભગ એક મહિના વેઇટીંગમાં રહ્યા બાદ છેવટે ભારતની આઝાદી-દિવસ પહેલા અને વ્રજના જન્મ દિવસના બે દિવસ પછી ડીલીવરી લેવામાં આવી. (ડીલર મેનેજરનો આગ્રહ હતો કે મોડું થયું જ છે તો ૧૫મી ઓગષ્ટ સૌથી યોગ્ય દિવસ છે, પણ તેમના સેલ્સમેનને પુછતા જાણ્યું કે તે દિવસે કુલ ૨૭ ગાડીની ડીલીવરી આપવાની છે તો મને તે દિવસ સ્વીકાર્ય ન લાગ્યો.)
– મારા દ્વારા ખરીદવામાં આવેલ આ ત્રીજી ગાડી છે અને મારૂતિ કંપનીની પ્રથમ ગાડી છે. (આ એક્સ્ટ્રા જાણકારી છે.) આ પોસ્ટ અંગત રાખવા કરતા તેના દર્શન હેતુ ઉપલબ્ધ રાખવી તે વિચારને મંજુર રાખ્યો છે. હવે તેને તમે દર્શન કહો કે પ્રદર્શન. જે ગણો તે. પણ અહીયા ફોટો ઉમેરવામાં આવશે તે નક્કી છે. (ખુશી તો વહેંચવી ગમે ને યાર.)
– અને છેલ્લે, નવી ગાડીનું ચોકસાઇથી નિરિક્ષણ કરતાં છોટું સાહેબ…