– ફરી એકવાર ઘણો સમય થઇ ગયો છે નવી અપડેટ્સને! મનમાં કેટલીયે વાર વિચારું છું કે આજે તો અહીયાં કંઇક લખવું જ છે પણ મગજ એ માટે સમય ફાળવતું જ નથી. (સમયનું મેનેજમેન્ટ શીખવા કોઇ ક્લાસીસમાં જોડાવું પડશે.)
– આજે અપડેટ્સમાં શું નોંધવાનું છે તે જોતા પહેલા તો છેલ્લી અપડેટ્સની વાતોને જોવી પડી. (અંદર કી બાત: આજે તો મને અપડેટ્સમાં હું કેવી-કેવી વાતો ઉમેરતો હતો, એ જ યાદ ન’તું આવતું બોલો!)
– હા, શરૂઆત કરીએ વરસાદથી. મને, આપને અને આપણી મોદી સરકારને એકવાર મોટી ચિંતામાં મુકીને આખરે વરસાદે કૃપા કરી છે. અગાઉના કેટલાક વર્ષોના પ્રમાણમાં આ વર્ષે વરસાદ મોડો જરૂર છે પણ બે-ત્રણ દિવસથી જે રીતે વાતાવરણ પલટાયું છે તે જોઇને લાગે છે કે આ વરસાદ નવરાત્રી સુધી પીછો નહી છોડે! (ગયા વર્ષે નવરાત્રીના મેદાનમાં શરૂઆતના ત્રણેક દિવસો વરસાદે જ ગરબા અને રાસ રમ્યા હતા!)
– વરસાદ આવે એટલે મારા મનમાં ખુશી થાય તે સ્વાભાવઇક છે. [ref.] પણ આજકાલ ગરમીએ જે રેકોર્ડબ્રેક ત્રાસ આપ્યો હતો તેનાથી બચવાની ખુશી વધારે છે.
– વરસાદ હજુ આવ્યો જ છે એટલે નુકશાનના કોઇ સમાચારની શક્યતા નહિવત હોવાથી તેને આજે અહી લખવામાં નહી આવે. (આ સમાચાર માટે તો ગયા વર્ષની પોસ્ટમાંથી કોપી-પેસ્ટ જ કરવાનું હોય છે! પણ કયારે કરવું એ તો ધ્યાનમાં રાખવું પડે ને. 😀 )
– આમ તો આજે અમારી ચંપાના ફોટોની પોસ્ટ મુકવાનો વિચાર હતો પણ તે વિચારનો અમલ કરવાના ચક્કરમાં અપડેટ્સનો વારો ન આવે એવી શક્યતા હતી. છતાંયે વિચારનું માન જાળવવા પોસ્ટના Header Image માં વ્રજના ફોટોને સ્થાન આપીને એક પોસ્ટમાં બે અપડેટ્સ* સમાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (કોઇ-કોઇ વિચારોને માન પણ આપવું પડે!)
– વ્રજની ધમાલ, મારી સહન શક્તિ અને આજકાલ ટામેટાના ભાવ દિનપ્રતિદિન એક જ દિશામાં વધી રહ્યા છે! (આજે બગીચામાં અમે પ્રથમવાર ટામેટાની હાજરીની નોંધ લઇએ છીએ અને તેની વાતને અહી સ્થાન આપીને હર્ષની લાગણી અનુભવીએ છીએ! 😉 )
– આ મહિનાની શરૂઆતમાં મોદી સરકાર દ્વારા રેલ્વે બજેટ અને દેશનું બજેટ રજુ કરવામાં આવ્યું. બંને બજેટની મુખ્ય વાતોને જોઇને સરવાળે તેને ઠંડુ બજેટ કહી શકાય. એક-બે જાહેરાત સિવાય મને તો તેમાં લગભગ બધું જ સામાન્ય લાગ્યું. (મોદી સરકાર કંઇક નવું કરશે તેની આશા હજુ જીવંત છે જ.)
– અહી અગાઉની અપડેટ્સમાં ઇન્કમટેક્ષની મર્યાદામાં ઘણો મોટો વધારો થશે તે વાતને ખોટી ગણાવી હતી, જે સાચી પડી છે! 😮 અને અગાઉ જણાવ્યા અનુસાર જ છુટની મર્યાદા ધીરે-ધીરે વધારવાની વાતનો અમલ પણ કરવામાં આવ્યો છે! (કદાચ આપણાં નાણાં પ્રધાન મારી વાતો વાંચતા લાગે છે. શું લાગે છે આપને? અચ્છા.. તેમને ગુજરાતી નથી આવડતું એમ કહો છો ને, પણ મોદી સાહેબને તો આવડે છે ને… તેઓ બગીચામાં આવીને વાંચી ગયા હોઇ શકે કે નહી?! 😀 😉 )
– એક નવા વિચાર પ્રમાણે હવેથી દરેક પોસ્ટમાં મુખ્યત્વે દેશ અથવા તો દુનિયાના રાજકારણ કે જાહેર ઘટનાની એક સુખદ અને એક દુઃખદ નોંધનો અહી સમાવેશ કરવામાં આવશે.
– આજે સુખદ સમાચાર તરીકે વડાપ્રધાનના બ્રીક્સ સંમેલન તથા જર્મની પ્રવાસને ગણી શકાય અને દુઃખદ સમાચારમાં ઇરાકમાં આતંકવાદીઓના ત્રાસ અને બે દિવસ પહેલા મલેશીયાના વિમાન પર થયેલ રોકેટ હુમલાને ઉમેરી શકાય.
– અને બીજા અપડેટ્સમાં તો એવું છે કે આસપાસ, કામકાજ અને હવાપાણી બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે. બધા રાજી છે અને હું આનંદમાં છું. આપ સૌ પણ હંમેશા ખુશ રહો એવી આશા સાથે.
– આવજો.
*એક કાંકરે બે પક્ષી -કહેવતનું બ્લૉગીંગ વર્ઝન
[સર્વ હક આરક્ષિત]