અપડેટ્સ 36 [Feb’14]

– આજે ફેબ્રુઆરીની ૨૫ તારીખ થઇ. આ મહિનાનો અંત લગભગ હવે નજીક છે. ઠંડીની અવરજવર ચાલું છે અને બે દિવસથી તડકો ગુલાબી ઠંડીમાં આખો દિવસ ખોવાયેલો રહેતો હોય એવું ખુશનુમા વાતાવરણ રહે છે. (જાણે વેલેન્ટાઇન મહિનામાં મૌસમ પણ રંગીન હોય એવો માહોલ છે!)

– હંમેશની જેમ આ વખતે પણ લગ્ન વધારે રહ્યા. આપણે ત્યાં એક રીતે જોઇએ તો આ સારું છે કે બધા લોકો મુરત ના બહાને વર્ષમાં એક-બે સમયગાળામાં લગ્નો પતાવી દે છે. નહી તો હું ધંધો ઓછો અને ચાંદલા વધારે કરતો હોત! (આ અપડેટેડ વિચાર છે, જુનો વિચાર અહીં છે.)

– આજે વાત તો આગળની પોસ્ટની અંતમાં ઉમેરેલી ટ્વીટના અનુસંધાનમાં કરવાની હતી પણ એ પોસ્ટને ડ્રાફ્ટમાં હજુ વધારે દિવસ રહેવું હોય એવું લાગે છે. (સાચું કહું તો તે પોસ્ટ પુરી કરવામાં મારો આળસુ સ્વભાવ જવાબદાર છે. જરૂરી નોંધ: હું નિર્દોષ છું.)

– થીમ બદલી બદલીને હવે મન ઠેકાણે પડ્યું છે (અહી કહી શકાય કે મારા મનને તે માટે ઠેકાણે પાડવામાં આવ્યું છે.) આ સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ એ રીતે મજાની ચીજ છે કે અહી તમે સંપુર્ણ આઝાદી મહેસુસ કરી શકો. પણ તેની સામે એક સમસ્યા પણ છે કે તમે નવાં-નવાં એડીટીંગમાંથી નવરા જ ન પડો. (થોડું કંઇક કરો અને એમ લાગે કે વળી કંઇક નવું કરીયે તો મસ્ત લાગશે! અને તેમાં મુળ પોસ્ટ તો ડાફ્ટ ફોલ્ડરમાં રાહ જોતી જ રહી જાય.)

– જુની થીમની યાદગીરી1:20140201_1 Blog Look - TwentyThirteen

# આમ તો આવા બદલાવનો કોઇ ખાસ ઉદ્દેશ નથી હોતો. બસ સમયાંતરે દેખાવ બદલવાની આદત અને મનને નવા બદલાવ માટે તૈયાર રાખવાની કસરતનો એક ભાગ છે.

# જો કે હવે એમ પણ થાય છે કે મુળ દેખાવ વારંવાર બદલવો ઠીક નથી. આ નવા વિચાર અંગે ખાસ ખરડો તૈયાર કરીને મારા બગીચાની સંસદના ચાલુ સત્રમાં રજુ કરવાનો અને બહુમતીથી પસાર કરવાનો વિચાર છે. (ખરડો પસાર થાય કે ન થાય પણ હું માળી-પદ થી રાજીનામું નહી આપું તે નક્કી છે2.)

– વ્રજને દોઢ વર્ષ પુરા થયા. તેની ઉંચાઇ અઢી ફુટ (30″) પહોંચી છે, વજન લગભગ દસ કિલો છે અને ધમાલ-મસ્તીની લંબાઇ રોજેરોજ વધી રહી છે. ઘણાં શબ્દો બોલતા શીખી ગયો છે અને કયારેક બે-ત્રણ શબ્દોના વાક્યો પણ બોલે છે. (બોલે ત્યારે એટલો મીઠડો લાગે કે તમે સાંભળતા જ રહો.)

– અમને બંનેને (એટલે કે મને અને મારા મેડમજીને) હમણાં અમ્મી અને અપ્પા કહીને બોલાવે છે! (આ સાઉથ ઇન્ડીયન સ્ટાઇલ એ કયાંથી શીખ્યો એ અમને પણ સમજાતું નથી.) હા, મને તો કયારેક માત્ર ‘પા’ પણ કહે છે! તેની ભાષામાં બોલાતા દરેક શબ્દોનું એક લિસ્ટ બનાવવાનો પણ વિચાર છે.

– આજકાલ તેને સૌથી પ્રિય હોય તો એ છે – ગાડી! (ગાડી માટે તેનો સ્પેશીયલ શબ્દ છે: ભુમ્મા !) ટીવીમાં કોઇ કાર કે બાઇકની એડ્વર્ટાઇઝ આવે તો બધુ કામ મુકીને તેને જોવામાં સ્થીર થઇ જાય. હમણાં ઘરમાં નાની-મોટી લગભગ ૨૫-૩૦ ગાડીઓનો ખડકલો કર્યો છે. (આ ગાડીઓનો ગ્રુપ-ફોટો પણ અહી રજુ કરવાનો વિચાર છે.)

– આપને થતું હશે કે આ પોસ્ટમાં (અને અગાઉ પણ) લગભગ વાતવાતમાં નવાં-નવાં વિચાર રજુ કરવામાં આવે છે તો તેને અમલમાં જ કેમ નથી મુકવામાં આવતા? તો મિત્રો3, એમાં એવું છે કે જો આજે હું આ વિચારની નોંધ નહી કરું તો તેને ગમે ત્યારે ભુલી જઇશ એ સંભાવના મારી યાદશક્તિ કરતાં વધું બળવાન છે! આ એક જગ્યા જ છે જેમાં હું યાદગીરી અને વિચારો સાચવતો હોઉ છું. જેથી સમયાંતરે તેને જોઇ શકાય અને અધુરાં કાર્યોને યોગ્ય સમય મળે ત્યારે પુરા કરી શકાય.

– વધુ વાત બે દિવસમાં ઉમેરવાનો વિચાર છે. (વળી એક નવો વિચાર!) હાલ તો હું મારી પાસેથી ડ્રાફ્ટ પોસ્ટને અગ્રિમતા આપવામાં આવશે એવા વચન સાથે આજે રજા લઉ છું.


1પહેલાનો બદલાવ જુઓ: અહીં
2તે વાતને દિલ્લી વિધાનસભા કે આમ આદમી પાર્ટી સાથે કોઇ સંબંધ નથી.

કયાંય મિત્રો શબ્દ આવે એટલે મને નરેન્દ્રભાઇની સ્ટાઇલ યાદ આવે. તમને રાહુલભાઇની કોઇ સ્ટાઇલ યાદ છે? અને અરવિંદભાઇની તો ખાંસી જ સદાબહાર છે. ખુરશી જાયે પર ખાંસી ન જાયે!
#Featured image:
ભરૂચ જાનમાં જતી વખતે ડ્રાઇવર સાથે કેબીનમાં બેઠાં-બેઠાં એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી વખતે ક્લિક કરેલ ફોટો.

ચંપા!

– ઘણાં સમય પહેલા જણાવ્યા મુજબ આજે વ્રજના ફોટો મુકવામાં આવી રહ્યા છે. (કયારે જણાવ્યું’તુ અને તેનો કેટલા દિવસે અમલ થાય છે તેની શોધખોળ કરવા માટે સંશોધકોને છુટ આપવામાં આવે છે. – લિ.હુકમથી)

– આ ફોટોવાળી વાતની શરૂઆત તેને (એટલે કે વ્રજ ને) ‘ટકું’ કરાવ્યું ત્યારે થઇ હતી અને પછી ટકાટક ફોટો મુકવાની જાહેરાત પણ કરી હતી. આજે અમે તે વચન પુરું કરી રહ્યા છીએ. (જોયું! અહી દરેક જાહેરાતનો અમલ કરવામાં આવે છે! એક અન્ય જાહેરાત: ચુટણીમાં આપનો કિમતી વૉટ અમને જ આપજો. જાહેરાત પુરી.)

– હવે વધારે બકબક (અહીં સમજો કે, લખ-લખ) કરવા કરતાં ફોટો જલ્દી મુકી દેવો ઠીક લાગે છે. (નહી તો વળી બધા મનેય માઇક પકડીને લાંબા-લાંબા ભાષણ ઠપકારતા નેતા જેવો ગણી લેશે.)

*સાઇડટ્રેક: તમને એમ નથી લાગતું કે આજકાલ મારી વાતોમાં રાજકારણની અસર વધારે હોય છે?… (તમારું તમે જાણો, મને તો લાગે છે.)

# આ રહ્યા ફોટો’ઝ : (ફોટોને ગુજરાતીમાં છબી કહેવાય! – #જાણકારી)

DSC_0289 (2)-001DSC_0290-001DSC_0296 (1)-001DSC_0296 (2)-001

– કાલે બપોરે નાગપુર જવાની ટ્રેન છે, ત્યાં અઠવાડીયાનો પ્રસંગ પતાવવાનો છે, બધું પેકિંગ બાકી છે, બીજું પણ ઘણુંબધું કામ પેન્ડીંગ છે અને મેડમજી તો પીયર છે. (હવે તમે સમજી શકો છો કે મારી હાલત કેવી હશે.)

– ઓકે તો…. એક અઠવાડીયું આખા અમદાવાદને આપ સૌના ભરોસે છોડીને જઉ છું, સાચવજો. (આ મજાક નથી.)

___________________________

*આ પોસ્ટના ટાઇટલ વિશે લગભગ બધા જાણતા હશે, છતાંયે જો કોઇને તે અંગે કુતુહલ હોય તો તે અહીં ખાંખા-ખોળા જાતે જ કરી લે. (જુની પોસ્ટને શોધીને લીંક કરવાનો હમણાં સમય નથી.)

Heppi B’dde Tintin ! ;)

– અમે (એટલે હું અને મારી ઘરવાળી) મમ્મી-પપ્પા બન્યા તેને તારીખ: 12-08-2013 ના રોજ એક વર્ષ પુરું થયું. વિચાર્યું કે કોઇ સેલીબ્રેશન જેવું કરીએ તો મજા આવે. (મને ખબર છે કે આવો વિચાર કરીને અમે કોઇ નવાઇ નથી કરી.)

– પણ અચાનક(!) યાદ આવ્યું કે તે દિવસે તો મારા ટેણીયાંનો પ્રથમ જન્મદિવસ પણ આવી રહ્યો છે! (જોયું, કેવો ગજબ સંયોગ કહેવાય કે આ બંને ઘટનાઓ એક જ દિવસે બની છે!)

– હવે, એક જ દિવસે બે ઉજવણીમાં મજા ન આવે. છેવટે ઘણાં વિચાર કરીને અમે અમારા સેલીબ્રેશનને ટાળીને ટેણીયાની ‘બર્થ ડેટ‘ ઉજવવાનું નક્કી કર્યું. (અને આમ અમે પુત્ર માટે અમારી ખુશીનો ત્યાગ કરનાર મહાન માતાપિતા બનવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું! #અભિમાન)

– દિવસ નજીક આવતા સુધીમાં તો લગભગ બધી આગોતરી તૈયારીઓ પુરી કરી દીધી હતી અને મહેમાનોને આમંત્રણ-કોલ પણ કરી દીધા હતા. આયોજનની રૂપરેખા ગોઠવી દેવામાં આવી હતી અને હવે બે-ત્રણ દિવસ બાકી રહે ત્યારે તેને અમલમાં મુકાય તેનો ઇંતઝાર હતો.

– પણ પણ પણ.. અમે આ માનવ જીવસૃષ્ટિના એક મહાન માતાપિતા બનીયે તે હજુ આ કુદરતને મંજુર નહોતું. ઘટના એવી બની કે અમારા કુટુંબમાં નજીકના વડીલ1નું (95 વર્ષે) કુદરતી અવસાન થયું. (ઓમ.. શાંતિ શાંતિ શાંતિ…)

– ઘટના આઘાતજનક નથી પણ દુઃખદ જરૂર કહી શકાય, તેથી મૃતકનું સન્માન જાળવવાના હેતુએ અમે સર્વાનુમતે ઉજવણીનો કાર્યક્રમ મોકુફ રાખવાનું સ્વીકાર્યું. #રિસ્પેક્ટ

– જો કે સાથે-સાથે ઘરમાંથી મોટી ઉજવણીના બદલે નાનકડું સંભારણું બની રહે તેવા સેલીબ્રેશનની છુટ મેળવવામાં આવી. આમ તો આ દિવસની ઘણી તૈયારીઓ કરી હતી પણ સમયને માન આપીને જે બન્યું તે સ્વીકારવું યોગ્ય હતું. (સમય સબ સે બલવાન હૈ ભાઇ.)

– આખરે અમે (અહી મારા મમ્મી, હું અને મેડમજી સમજવું) ક્રિમવાળી મીઠી ખીચડી2 પર મીણબતી ખોસવાની અને તે મીણબત્તીને સળગાવવા મહેનત કર્યા પછી તેને બુઝાવવા માટે ટેણીયાંને ફુંક મારવા કહેવાનું (જો તે સાંભળે તો) અને સાથે સાથે હેપ્પી બડ્ડેનું અંગ્રેજી ગીત ગાવાનું! અમે આ બધું જ કર્યું. (હા, બડ્ડેમાં આવુંબધું કરવું પડે!)

– ઉપર નક્કી કર્યા મુજબની ગોઠવણી કરીને અમે ટીનટીન3ની હેપ્પી બડ્ડે ઉજવી.

અહી નોંધ લેવી કે વ્રજને ફુંક મારવાનું વારંવાર કહેવા છતાં તેણે ફુંક ન મારી, એટલે પેલી મીઠી-ખીચડી ખાવાની ઉતાવળમાં અમે ફુંક મારીને કાર્યક્રમ આગળ ધપાવ્યો.

– પછી તો શું હોય.. ખાધુ-પીધું, થોડી મોજ-મજા કરી અને સુઇ ગયા. આમ અમે વ્રજની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પુરી કરી.

– અને હવે અમારી નાનકડી ઉજવણીના સંભારણાં જેવી અમુલ્ય ક્ષણોની આબેહૂબ છબીઓ…

Happy Birthday Tintin! વ્રજનો પ્રથમ જન્મદિવસ.
મીણબત્તીની જ્યોત સાથે નજર મીલાવતો અમારો વ્રજ.