ટેકનીકલ અપડેટ્સમાં મારા સિવાય બીજા કોઇ રસ લેશે એવું લાગતું નહોતું પણ થોડું આશ્ચર્ય થયું. મિત્રો અને વડીલોએ આંશિક વિરોધ પણ નોંધાવ્યો.
આમ તો આવી ઇચ્છા પહેલા પણ મનમાં આવી હતી અને ઇમેલ રોકવાનો પ્રસ્તાવ તે સમયે ચુપચાપ પાસ કરીને અમલમાં મુકી દેવામાં આવ્યો હતો. (આ વખતે ડોઢ ડાહ્યા થઇને મોટા ઉપાડે જાહેરાત કરી એટલે નજરે ચડી જવાયું. 🤦♂️ )
આ વખતે મારો મુળ વિચાર કંઇક નવા-જુની કરવાનો જ હતો. પરંતુ કેટલાક વિચિત્ર કારણસર અન્ય બદલાવની ઇચ્છાઓ ફરી વિચારોના પ્રવાહ સાથે તણાઇ આવી. આ એ જ ઇચ્છાઓ હતી જેને ઘણાં સમયથી ટાળવામાં આવતી હતી; પણ આ વખતે અગાઉ વિચારાયેલ ઘણાં જ બદલાવ માટે મારું મન મનાવી ચુક્યો હતો.
આગળની પોસ્ટ તે વિશેની નોંધ માત્ર હતી કે હું શું-શું બદલવા ઇચ્છુ છું; જો કે તે બધું કરું કે ન કરું તેનાથી કોઇ મોટો ફરક નથી પડતો અને લગભગ બીજા કોઇને પણ કંઇજ ફરક ન પડે. (એક રીતે તો આ બધું આમ લખવું જરુરી ન હોય પણ હું તો મારી માટે તેની નોંધ કરવા ઇચ્છતો હતો, જેથી આ બધા વિચારો અને બદલાવ વિશે ભવિષ્યમાં ફરી જાણી શકુ.)
આગળની પોસ્ટમાં નોંધાયેલા બધા વિચારો અને ઇચ્છાઓનો અમલ કરવાનું નક્કી જ હતું; પરંતુ હવે જેમની સાથે એક અકળ-સંબંધથી જોડાયેલા છીએ તેવા મિત્રોની લાગણીનું થોડુંક માન રાખવું પણ ઠીક લાગે છે. અહીયાં કોઇ-કોઇ ફેરફાર તો થઇ જ ચુક્યા છે અને બીજા ફેરફાર આ પોસ્ટથી થઇ રહ્યા છે. (કેટલાક ફેરફાર તરત દેખાઇ આવશે અને કેટલાક ધીરે-ધીરે જણાશે.)
ઇમેલ, ફેસબુક અને ટ્વીટર પર આ વિશે મારી પાસે પ્રેમથી જાણકારી માંગવામાં આવી. તે દરેકને એક પછી એક પ્રતિભાવ આપ્યા પણ છે કે કોઇ ખાસ કારણ નથી. (આ તો એવી રીતે કહું છું જાણે હજારો લોકોએ મને પુછી લીધું હોય! 😎 ડીયર બગી, તુ એટલો ફેમસ પણ નથી યાર.., ચોખવટથી બોલ કે માત્ર 9 જ લોકો છે, જેઓએ તને આ વિષયે પુછ્યું છે. #પ્રામાણિકતા)
ટાળવામાં આવેલ વિચારો/બદલાવની નોંધઃ
- રીડર-ફીડ ચાલુ રહેશે. કારણ કે વધુ વિરોધ આ મુદ્દે થયો.
- જેટપેક સાથેનું જોડાણ કાયમ રહેશે; તેના વગર મોબાઇલ એપથી બ્લોગ હેંડલ કરવો અઘરો જણાય છે. આ ઉપરાંત જેટપેક વગર ઘણી નાની-મોટી સમસ્યા ઉભી થતી હતી એટલે જાહેર-હિતમાં અમે તે મુદ્દે યથાસ્થિતિ જાળવવાનું વધુ યોગ્ય સમજીએ છીએ.
- આ સમસ્યાઓમાં મને સૌથી વધુ વાંધો રેન્ડમ-પોસ્ટ વિશે હતો, કેમ કે તેના વગર મને મજા ન આવે. તે પછીના વાંધામાં વર્ડપ્રેસ-રજીસ્ટર્ડ મુલાકાતીઓને પ્રતિભાવ માટે દર વખતે નામ-સરનામાનું ફોર્મ ભરવું પડે એ સમસ્યા હતી અને એ જ રીતે તેમના પ્રતિભાવનો જવાબ આપતી વખતે મને પણ કરવું પડે! અને આ બધું મારા જેવા આળસુ જીવને મંજુર ન હોય તે આપ પણ સમજી શકો છો. (આ બધું જેટપેક વગર અલગ પ્લગીનથી પણ મેનેજ થઇ શકે. બટ, તેને શોધવાની અને ઇન્સ્ટોલ કરવાની મહેનત કરશે કોણ? હું તો નઇ કરું.)
થયેલ બદલાવ/ફેરફારની નોંધ
- ઓકે, ઉપર નોંધ કર્યા મુજબ રીડર-ફીડ રોકવાનો વિચાર ચોક્કસ ટાળવામાં આવ્યો છે, પણ આ પોસ્ટને રીડરમાં દેખનાર સમજી ગયા હશે કે અમે તે મુદ્દે શું કારીગરી કરી છે! (પ્લીઝ ગાળો ન આપતા. 🙏 #રીકવેસ્ટ)
# સાઇડટ્રેકઃ મને જે કરવું હતું એ થઇ જાય અને મિત્રોનું માન પણ જળવાઇ જાય એવો વચલો રસ્તો પસંદ કર્યો છે. રીડર વાચકો હેરાન થશે એ જાણીને હું પોતે મારા આ કૃત્યની કડી-નીંદા કરુ છું! આ દુઃખના સમયમાં મારી પુરી સંવેદના તેમની સાથે છે. (વાચકો ઇચ્છે તો આ મુદ્દે મોદીનું રાજીનામુ માંગી શકે છે.)
- પર્સનલી ઇમેલ કરવા માટે કેટલાકે રસ દાખવ્યો એટલે થયું કે એમ યાદ કરી-કરીને ઇમેલ કરવા કરતાં સબક્રાઇબર્સને ઓટોમેટીક જતા ઇમેલ ફરી શરુ કરી દેવા. હા, અહીયાં બદલાવ એ રહેશે કે તે દરેક ઇમેલ માત્ર નવી પોસ્ટ રજુ થયાની જાણકારી સમાન હશે.
- જેટપેકનું જોડાણ યથાવત છે પણ પોસ્ટ અને કોમેન્ટમાંથી લાઇકનું બટન હટાવી લેવામાં આવ્યું છે. લગભગ તેના પછી હવે સાઇટની સ્પીડ ડબલ થઇ ગઇ હોય એવું લાગે છે! અથવા તો તેવું થયું હોવાનો મને ભ્રમ જણાઇ રહ્યો છે. (ગુગલ PageSpeed Insights માં પણ ચકાસી લીધું છે. એ તો ખોટું ન જ બોલે ને? જે સ્પીડ-આંક પહેલા 25-35 વચ્ચે રહેતો તે હવે 80-90 વચ્ચે રહે છે!)
એમ તો આગળની પોસ્ટથી જ ફેરફારના અમલરૂપે લાઇક-બટન હટાવી દેવામાં આવ્યું હતું. આજે અચાનક રીડરમાં નજરે આવ્યું કે મારી છેલ્લી પોસ્ટમાં ચાર લાઇક્સનો આંકડો દેખાય છે! કદાચ બ્લોગનું મુળ સોફ્ટવેર વર્ડપ્રેસ અને જેટપેક સાથે જોડાયેલું હોવાથી રીડર ઓટોમેટીકલી લાઇક્સ સ્વીકારવાનું બટન ત્યાં મુકી દેતું હશે અને વાચકો ત્યાં લાઇક કરી શકતા હશે. એમ તો મુળ વેબ-સાઇટમાંથી તે બટન હટાવવાનો ફરક એ જણાયો છે કે તે લાઇક્સ વિશે મને કોઇ નોટીફીકેશન મળતા નથી; જો કે હવે તેનો કોઇ હરખ-શોક પણ નથી. #અનાશક્ત