અપડેટ્સ – 55

~ લગ્નો તો દરેક વર્ષ જેવા જ છે. ઠંડીમાં જમવાની અને ઢંકાઇને ફરવાની મજા અલગ હોય છે! જો કે લેડીઝ-લોગના બેકલેસ, ડીઝાઇનર, સ્ટાઇલીસ્ટ શોર્ટ ડ્રેસ જોઇને મને જેકેટ્સમાં ઢંકાયેલા હોવા બદલ સંકોચ પણ થાય. (સ્ત્રીઓને કુદરતે અનોખી શક્તિ આપી હોય છે કે તેઓને ફેશન કરવી હોય તો વાતાવરણ તેમાં બંધનરૂપ બનતું નથી, લેકીન અપ્પન કે લીયે તો ફેશન જે જ્યાદા ઠંડી સે બચના જરૂરી હૈ દોસ્ત!)

~ મેડમજી સ્વસ્થ છે અને છઠ્ઠા મહિનાની તકલીફો જણાવ્યા રાખે છે. સાંભળ્યા સિવાય બીજું શું કરીએ? મુસાફરી, ડ્રાઇવિંગ અને ભારે કામ બંધ કરવા જેવી જરૂરી સુચનાઓ દવાઓ સાથે ડૉક્ટર દ્વારા આપવામાં આવી છે. આ પ્રોસેસમાંથી બીજીવાર પસાર થઇ રહ્યો છું એટલે પહેલાં જેવું એક્સાઇટમેન્ટ નથી થતું. (પણ એ લાસ્ટ સરપ્રાઇઝનો બેહદ ઇંતઝાર છે.)

~ રોજ સવારે વ્રજને સ્કુલે મુકવા જવું અને બપોરે સમયસર લેવા જવાનો નિત્યક્રમ જાળવવો ભારે પડે છે. એકવાર માત્ર 10 મિનિટ મોડું થયું એમાં ઘણો રડયો’તો કે બધા છોકરાંઓ જતા રહ્યા અને તમે મને લેવા કેમ ન આવ્યા. થોડું સમજાવ્યા બાદ હવે તે એ બાબતે સહમત છે કે ક્યારેક પપ્પાને મોડું થઇ શકે છે, એમાં રડવાનું ન હોય. (બાપ ઉપર ગયો છે એટલે સમજદાર તો હોવાનો જ! 🙂 )

જે દોરી દેખાય તેને ફીરકીમાં સંઘરતા જવાનું!
જે દોરી દેખાય તેને ફીરકીમાં સંઘરતા જવાનું!

~ ઉત્તરાયણ વિશે નવું ખાસ લખવા જેવું લાગતું નથી. ઘણાં લોકો આસપાસ હતા છતાંયે કંઇક સુનુ-સુનુ લાગ્યું. આ તહેવાર પ્રત્યેનો મારો સખ્ખત લગાવ ક્યાં ખોવાઇ ગયો હશે? વ્રજને આ વખતે પતંગ ચગાવતા શીખવ્યું છે, આવતા વર્ષે પણ ફરી શીખવવું જ પડશે એ નક્કી છે. અમે નાના હતા ત્યારે પતંગ માટે જે ઉત્સાહ હતો તે નવી જનરેશનમાં દેખાતો નથી. (અમારા વડીલો કરતાં અમારા શોખ અલગ હતા તો હવે નવી પેઢીના શોખ પણ લેટેસ્ટ જ રહેવાના જ ને.. #જનરેશન_ગેપ )

~ આ ઉત્તરાયણમાં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધની અસર દેખાઇ. જુની દેશી-તુક્કલ જે પતંગની દોરી સાથે બાંધીને આકાશમાં મુકવામાં આવતી તે બધું અમે વ્રજને લાઇવ બતાવવા ઇચ્છતા હતા પણ કમનસીબે માર્કેટમાં ક્યાંય તે ન મળી. પણ એમ હાર માની લઇએ એવા તો અમે નથી. અમે તેને જાતે બનાવી અને સક્સેસફુલ્લી લૉન્ચ કરીને લક્ષ્ય પાર કર્યું! વ્રજને ઘણી મજા પડી. (અને અમને તેને કંઇક નવું બતાવ્યાનો સંતોષ થયો.)

~ આ દિવસે ઘણાં સમય પહેલાં ખરીદવામાં આવેલી એક રસપ્રદ બુક હાથમાં આવી ગઇ’તી એટલે મેં મારો ઘણો સમય કિન્ડલ સાથે વિતાવ્યો. જો કે હજુયે તે પુરી નથી થઇ અને આ પુસ્તકને પુરું વાંચી લીધા બાદ તે વિશે અલગ પોસ્ટમાં વિચાર રજુ કરવામાં આવશે. (બુક પઢનેમેં વક્ત તો લગતા હૈ.. ક્યારેક 2-4 દિવસમાં પુરી થાય તો ક્યારેક 2 મહિના પણ ચાલે!)

~ દેશ દુનિયામાં અત્યારે મુખ્યત્વે અમેરિકામાં શ્રીમાન ડોનાલ્ડ ટ્રંપએ રાષ્ટ્રપ્તિપદના સપથગ્રહણ કર્યાના સમાચાર છે. આપણે ત્યાં ઉત્તરપ્રદેશ અને પંજાબની ચુટણીની ધમાલ ચાલું છે. સાઇકલ બાદ અખિલેશભાઇ હવે ઉત્તરપ્રદેશ જીતવામાં જોર લગાવશે. મોદી સાહેબ પણ જોર લગાવી રહ્યા છે પણ જો કોંગ્રેસીઓ અને સમાજવાદીઓ એક થયા તો મને અહીયાં બિહારવાળી થાય એવું લાગે છે. પંજાબમાં કોંગ્રેસ-આપ-અકાલીદલ-બીજેપી વચ્ચે વિચિત્ર સ્થિતિ છે એટલે ત્યાં અનુમાન કરવું મારી માટે શક્ય નથી લાગતું. (જ્યાં ન સમજાય ત્યાં ચાંચ ન મારવી -આવું મારા ટીચરે 5માં ધોરણમાં શીખવ્યું’તું!)

~ ઓકે. આ પોસ્ટ પુરતી વાતો થઇ ચુકી છે એટલે બીજી વાતો નવા પેજ પર કરવામાં આવશે. (એ બહાને ફરી અહીયાં આવીશ તો કંઇક વધારે પણ લખી શકાશે.)

5 thoughts on “અપડેટ્સ – 55

  1. એકવાર વહેલી અને ઠંડી સવારે મેં એક છોકરીને બેકલેસ ચણીયાચોળીમાં પુરપુરાટ એક્ટિવા પર જતા જોયેલી ત્યારે મને યૌગિક શક્તિ પર વિશ્વાસ થઇ ગયેલો 😉

    વ્રજ ઘણો મોટો થઇ ગયો !

    નવી વ્હાઇટ બેકગ્રાઉન્ડ થીમ સરસ લાગે છે.

    1. યૌગિક કરતાં તે છોકરીમાં ફેશન શક્તિ બધુ પ્રબળ હોવી જોઇએ અને તે જ શક્તિ તેને ઠંડી સામે લડવાની પ્રેરણા પુરી પાડતી હોવી જોઇએ.

      વ્રજ તો થોડા દિવસોમાં મારો બાપ બની જશે એ વાત હું અગાઉ કહી જ ચુક્યો છું. 😀

      અંધારામાં ઘણાં દિવસ રહ્યા એટલે થયું કે અબ કુછ દિન તો ગુજારતે હૈ ઉજાલે મેં! થીમ ગમાડવા બદલ આભાર. આશા છે કે આ થીમ લૉડ થવામાં ઘણો સમય નહી લેતી હોય.

    1. સ્ત્રી-શક્તિ જીંદાબાદ!

      તુક્કલનો ફોટો મુકવાનો આપનો ઓર્ડર સ્વીકારવામાં આવે છે. (વાચકનો હુકમ સર આંખો પર! 🙂 ) હવે તમે કહ્યું જ છે તો તેનો ફોટોની સાથે તે વિશે વિસ્તૃતમાં એક આખી પોસ્ટ રજુ કરવાના નિર્ણય પર વિચારણા કરવામાં આવેલ છે જેની નોંધ લેશો.

      આભાર.

બોલો, શું કહેવું છે તમારે...