એપ્રિલ’૧૩ : અપડેટ્સ-૨

. . .

– આખરે બ્લડ-યુરીન-એક્સરે-સોનોગ્રાફી વગેરે વગેરે રીપોર્ટ આવી ગયા! ડૉકટરે દરેક ટેસ્ટના રિપોર્ટને ગંભીરતાથી ચકાસ્યા અને પછી વધુ ગંભીર બન્યા! (રિપોર્ટ જોયા બાદ ડૉક્ટરનો બદલાયેલો ચહેરો અને મને બહાર મોકલીને પપ્પા સાથે ‘વધુ વાત’ કરવી – આ બંને ઘટનાથી મને પણ ખ્યાલ આવી ગયો કે રિપોર્ટમાં કંઇક સીરીયસ મેટર છુપાયેલી લાગે છે! 🙂 )

– જો કે પછી તો મેં બધુ જાણી જ લીધું કે આખરે હકિકત શું છે. (યાર, મને તો મારી બિમારીનો ખ્યાલ હોવો જોઇએ ને!) ડૉક્ટરને એમ હતું કે હું સાંભળીને ગભરાઇ જઇશ એટલે મને બહાર મોકલી દીધો હતો.

– હવે નક્કી થઇ ગયું છે કે મારા શરીરને ખાલી ૧૫ દિવસની દવાઓથી (અને ગ્લુકોઝના બાટલાઓ ચઢાવવાથી) ચેન મળે એમ નથી એટલે મહામહીમ દાકતર સાહેબે આ વારંવાર બિમાર પડતા શરીરને કાયમી છુટકારો આપવા માટે છ મહિના વાળો વિકલ્પ પસંદ કર્યો છે. (આ એક એવો વિકલ્પ છે જે મારી જીંદગીના આવનારા છ મહિના ‘ખાઇ’ જશે.)

– અત્યારની વજન અપડેટ: દવા શરૂ કરી ત્યારે (૧૫ દિવસ પહેલા) – ૪૨.૯ કિલો, આજે ૪૪.૨ કિલો (આ વજન જેમ બને તેમ જલ્દી ૫૫ થી ૬૦ કિલો સુધી પહોંચાડવાનું છે.)

– બિમારી સામેની લડત અત્યારે પરાકાષ્ઠાએ છે અને બિમારીની તાકાત જોઇને લડતની સ્ટ્રેટેજી રૂપે ડૉક્ટરે પણ તકેદારીના ઘણાં ઇંજેક્શન આપી રાખ્યા છે. દવાઓ ચાલુ રહે એટલા સમય દરમ્યાન લગભગ આરામમાં જ રહેવાનો, બહારનું બિલકુલ ન ખાવાનો અને મુસાફરી બને એટલી ટાળવાનો તેમનો આગ્રહ છે જેથી પરિણામ મારા પક્ષમાં ઝડપથી આવે. (આમ તો ૫-૧૦ દિવસનો આરામ મને ‘થકાવી’ નાખતો હોય છે જયારે આ તો છ મહિનાનો આરામ છે; “હાયે, કૈસે કટેંગે યે દિન”)

– જો કે બે દિવસથી અશક્તિ થોડી ઓછી થઇ છે એટલે દિવસમાં એક-બે કલાક માટે ઓફિસે આંટો મારી આવુ છું. (અને આમ પણ બે કલાકથી વધુ કોઇ જગ્યાએ બેસી શકાય એવી અત્યારે હાલત પણ નથી.)

– મારું દોડવાનું બિલકુલ બંધ થઇ ગયું છે અને ઘરના લોકોને મારી સેવામાં દોડાવવાનું ચાલું થઇ ગયું છે.

– વાત-વાતમાં ગરમીના દિવસો ખરેખર આવી ગયા. હવે તો બપોરે-રાતે સુઇ જવા માટે એ.સી.ને જાગતું રાખવું પડે છે! (આમ તો હું સ્વભાવે અને શરીરે પહેલેથી ઠંડો જીવ છું કે મને એ.સી.ની ભાગ્યે જ જરૂર પડે, પણ હમણાંથી થોડી ભારે દવાઓ ચાલું છે એટલે શરીરમાં ગરમી ઘણી રહે છે.)

– આજકાલ આખો દિવસ કોઇ ખાસ પ્રવૃતિ વગર ગુજરે છે છતાંયે એમ કહી શકાય કે, ‘ઇંટરનેટ/બ્લૉગ માટે ટાઇમ જ નથી મળતો.’ (મારી ઇ-પ્રવૃતિમાં થયેલો તીવ્ર ઘટાડો પણ તેની સાબિતી છે.)

– ‘સમય’ને એક બહાનુંયે ગણી શકાય; અને એક કારણ એ પણ છે કે હવે મને વર્ષોથી લાગેલી ઇંટરનેટની માયા છુટવા લાગી છે. છેલ્લા એક વર્ષથી અને ખાસ તો છ-સાત મહિનાઓથી મારો ઇંટરનેટ ઉપયોગ જરૂરી કામ પુરતો મર્યાદિત થઇ ગયો છે. પહેલા મારી પાસે ઇંટરનેટ પર ‘શું કરવું’ તેનું લાંબુ લિસ્ટ મગજમાં જ રહેતું અને ખરેખર સમય ખુટતો, જ્યારે હવે તો ‘લખીને રાખ્યું’ હોય અને આખો દિવસ નેટ-કનેક્ટેડ હોઇએ તો પણ ‘નજર નાંખવામાં’ આળસ થાય છે. (કદાચ મારી પેલી બિમારીઓના કારણે જુની આદતોમાં કોઇ કેમીકલ લોચો પણ થયો હોઇ શકે.)

– ઇંટરનેટની માયા ભલે છુટે પણ અહી અપડેટ ઉમેરતા રહેવાની નવી માયા લગાડવાનો વિચાર છે. અત્યારે ઘરે જ છું એટલે તે માટે સમય પણ મળે એમ છે. બસ મારું મન એકવાર નક્કી કરી લે એટલી વાર છે. (પછી બની શકે કે રોજેરોજની અપડેટ પણ જોવા મળે! ભુતકાળમાં કયારેક આ ‘રોજ’વાળો પ્રયોગ કરી ચુકયો છું.)

– ખૈર, હમણાં સુવાનો સમય થઇ રહ્યો છે તો બીજી વાતો હવે કાલે…

– આવજો.

. . .

20 thoughts on “એપ્રિલ’૧૩ : અપડેટ્સ-૨

    1. આમ તો વધારે ન કહેવાય અને સાવ ઓછી પણ ન આંકી શકાય એવી બિમારી છે. ત્રણ-ચાર મહિનામાં ગાડી પાટે ચડી જશે અને છ મહિનામાં સંપુર્ણ સ્વસ્થ બની જવાશે એવો ડૉક્ટરનો મત છે.

  1. હવે તો મટી જ જશે જલ્દી….. (લો ઓફ એટ્રેકશન પણ કામ કરે ને…)
    So, Get Well Soon….
    by the way, તમારું બીમારી વાળું વજન અને મારું રેગ્યુલર વજન સરખું જ છે…. 😛 તો અત્યાર માટે samepinch! 😀

  2. OMG. વજન ખરેખર ઓછું કહેવાય (અને, આ વજનમાં તો દોડાતું હશે? જલ્દીથી ડોક્ટર પાસે દોડવું પડે!!). જલ્દીથી ૬૦ પ્લસ કરી પછી દોડવાનું ચાલુ કરો એવી શુભેચ્છાઓ.

  3. -આપને જલ્દી સારું થઇ જાય એવી ભગવાનને પ્રાર્થના .
    – મારા મિસીસને ટીનટીન ખુબ ગમી ગયો- એટલે અમે એનો ફોટો ડાઊનલોડ કરી લીધો છે 🙂

  4. મારી પાસે શબ્દો નથી અને તમારી પાસે વજન નથી ❗ . . . અમારા બધાયની એક એક શુભેચ્છાઓ વડે આપનું એક એક કિલો વજન વધે અને આપ જલ્દીથી આરોગ્યની સરહદની અંદર આવી જાવ તેવી શુભકામનાઓ 🙂 ખરા દિલથી 🙂 . . . . ફરી એકવાર કહીશ , જલ્દી કુવો મેળવો 😉 . . . અને હવે વધુ વજન સાથેના સમાચાર આપજો 🙂

  5. શબ્દોની સાથે વજન મોકલું છું, મળશે એટલે તમારું વજન વધી જશે,.,.,.
    જલ્દીથી સાજા થઈને કામે વળગો એવી પ્રાર્થના( ચાલો સારું લાગ્યું કે તમે પણ પ્રાર્થના કરો છો….)

  6. વજન વધ્યો તે સારી વાત કહેવાય.
    મારા ડૉક્ટરે મારાથી કોઇ વાત છૂપાવી ન’હોતી.ડેન્ગ્યુની વાત ફેમિલી ડોક્ટરે જ કહી હતી એટલે ગભરાવાની જરૂર ન’હોતી.મને મારા દરેક રીપોર્ટની જાણકારી પહેલા ડોક્ટર જ આપતા અને પછી ફેમિલીવાળા. દર્દીથી બિમારી વિષે છૂપે વાત કરવાથી દર્દી વધારે ગભરાય જતો હોય છે એવું મેં ફિલ કર્યું છે. એટલે બને ત્યાંસુધી દર્દીને બિમારી વિષે પહેલેથી જ જણાવી દેવું વધું યોગ્ય છે એવું હું માનું છું.

બોલો, શું કહેવું છે તમારે...