આજની દિનચર્યા – તાઃ૧૫,જુલાઇ’૧૧

એક સરળ દિવસ. અમદાવાદમાં વાતાવરણ વાદળછાંયુ વધારે છે એટલે નવા કોઇ કામમાં ઉત્સાહ નથી આવતો. એકંદરે આળસ વધારે આવે છે. મન બહેલાવવા વસ્ત્રાપુર તળાવની ઉડતી મુલાકાતે જઇ આવ્યો પણ બહુ મજા ન આવી.

આજે એક મિત્રના બ્લોગમાં જય વસાવડાના લેખની લિંક જોઇને તેની મુલાકત લીધી. આખો લેખ એક જ ઝાટકે વાંચી નાંખ્યો. હવે પરિણામ – દેશ માટે લડવાનું શુરાતન ઉપડ્યું છે. કંઇક કરવાનો જોશ જાગ્યો છે. તેમનો એક-એક શબ્દ મારા મનમાં ઘુમરાઇ રહ્યો છે. નેતાઓ ની કાયરતા પર ગુસ્સો આવી રહ્યો છે, દેશમાં શાંતિ બનાવી રાખવા કયારેક લડાઇ પણ આવશ્યક હોય છે તે હું માનતો થયો છું.

ફેસબુકમાં આજે ગુજરાતી લેખન જગતના અગ્રગણ્ય ગણી શકાય એવા બે લેખકો વચ્ચે ચાલતી વૈચારિક તંગદિલીનો ‘ઇ’સાક્ષી બન્યો. કોઇ એક લેખકના વિચારમાં જણાઇ આવતો દંભ ઘણો આઘાતજનક લાગ્યો. લેખનની દુનિયા પણ ઘણી વિશાળ હોય છે અને જે તે લેખકોના લેખનના ચાહકોની દુનિયા તેનાથી પણ વિશાળ હોય છે. લેખકે તેના ચાહકો પ્રત્યે નિષ્ઠાવાન રહેવું જોઇએ પણ સત્ય કહેતા કે કોઇ ઘટનાનું વિવેચન કરતી વખતે પક્ષપાત ન રાખવો જોઇએ.

તેઓ હવે એકબીજાના મિત્રો નથી રહ્યા પણ આ બન્ને લેખક અત્યારે મારા મિત્રમંડળમાં છે. મારા ન્યાયની ત્યાં અને અહી કોઇ કિંમત નથી એટલે બન્ને વચ્ચે સુપીરીયર કોણ તે જાહેર કરવાનો કોઇ મતલબ નથી. સમય બધુ કહી દેશે…

આવજો મિત્રો.

બોલો, શું કહેવું છે તમારે...