ફરી એક રવિવાર પુરો થયો. રજાનો દિવસ ઘરમાં બેસીને માણવાની પણ મજા આવી. સવારે મોડા ઉઠવું એ જાણે રજાના દિવસનો વણલખ્યો નિયમ બની ગયો છે. (ના ચાલે. આ નિયમને તો બદલવો પડશે.)
બપોરનો જમણવાર પતાવ્યા પછી ફરી એ જ ગમતુ કામ પતાવ્યું… નિંદ્વાદેવીને હવાલે થવાનું !!!! આંખો ખુલી ને નવરા મગજને સોંપ્યું “ઇડીયટ બોક્ષ” ને. (અરે હા, લોકો આજકાલ તેને ટી.વી. તરીકે ઓળખે છે !!!) કઇ ચેનલ જોવી તે નક્કી ન’તુ થઇ શકતું. ચેનલ બદલતા-બદલતા મુવી ચેનલના વિભાગમાં મન ઠર્યું. કારણ – આજે મારી ગમતી ત્રણ પારિવારીક ફિલ્મો એક જ સમયે આવતી હતી ને !! સ્ટાર ગોલ્ડ પર ‘કભી ખુશી કભી ગમ’, ઝી-સીનેમા પર ‘હમ સાથ-સાથ હૈ’ અને ફિલ્મી પર ‘બાગબાન’.
બાગબાન અઠવાડિયા પહેલા જ જોઇ હતી એટલે મારો સમય મે બીજી બે ફિલ્મો માટે બગાડવાનો નિર્ણય લીધો.(સમય કયાં બગાડવાનો તે પણ નિર્ણય લેવો પડે છે બોલો.) એક ફિલ્મમાં એડ આવે એટલે ચેનલ ચેન્જ. ત્યાં એડ ન આવે ત્યાં સુધી તે જ ફિલ્મ જોવાની.(મારો વણલખ્યો નિયમ !!)
બન્ને ફિલ્મોએ મને આજેય રડાવ્યો. ખબર નહી કેમ પણ આવી બધી ફિલ્મો જોતા મારી આંખો એકવાર ભીની ન થાય તેવુ બને જ નહી. ભલે લોકો ગમે તે કહે પણ મારી આંખોના બંધ કોઇની પરવાહ કર્યા વગર જ ખુલી જાય. આમેય રૂમમાં એકલો જ હતો એટલે આંખોને પણ ખુલ્લુ મેદાન મળ્યું… પિતા-પુત્ર વચ્ચેનો પ્રેમ, ભાઇ-ભાઇનો પ્રેમ, માતા-પુત્રનો પ્રેમ, પતિ-પત્ની વચ્ચેની સમજદારી, લાગણીઓ, બંધનો, ત્યાગ અને બીજુ ઘણું બધુ જોઇને મારી આંખો ન વરસે તો જ નવાઇ !!!
‘કભી ખુશી..’ માં કાજોલના પાત્રની દેશભક્તિ જોઇને રોમાંચિત થઇ જવાયું. પરદેશમાં રહેતા લોકોની દેશ પ્રત્યે કેવી સુંદર લાગણી હોય છે તે બહુ સરસ રીતે રજુ કર્યું છે.(દુઃખની વાત એ છે કે આવી લાગણી દેશમાં વસતા લોકોમાં જોવા નથી મળતી હોતી.) ખાસ તો ફિલ્મના અંત ભાગમાં “જન ગણ મન…” સાંભળીને મન રીતસર નાચી ઉઠયું. કદાચ ઘણા દિવસે રાષ્ટ્રગીત સાંભળ્યું હોય એવુ લાગ્યું. મને કોઇ જોવા નવરુ નહોતુ છતાંયે રાષ્ટ્રગીતને ઉભા થઇને માન આપ્યું. (મારા મનને તો સંતોષ થયો એ ઘણું છે.)
“હમ સાથ-સાથ હૈ”માં ભાઇઓ વચ્ચેની લાગણીઓ મને લાગણીઓમાં તાણી ગઇ. (મારા ભાઇ સાથે હું આમ જ મારી લાગણી દર્શાવતો હોત પણ.. મારો કોઇ સગો ભાઇ નથી એ વિચારે મન ભરાઇ આવ્યું.) ઘરના મુખિયાનું પાત્ર એકદમ સચોટ અને પરિવાર દરેક પાત્રએ પોતાની જે જવાબદારી નિભાવી છે તે જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ ગયું. બન્ને ફિલ્મને એકસાથે માણી તોય બહુ મજા આવી.
ઘરે કોઇ મહેમાન આવ્યા છે તો તેમની સાથે બેસવું જોઇએ તે ન્યાયે લેપટોપ-ઇંટરનેટને ‘રજા’ આપુ છું. આજનો આખો દિવસ આમ જ કંઇ પ્રોડકટિવ કામ વગર “પુરો કર્યો”. હવે રાત થાય એટલે સુઇ જવાનુ અને કાલે પાછા ‘Back to work’.
ફરી મળીયે ત્યાં સુધી..
આવજો મિત્રો.