. . .
– બચપનની અને સ્કુલના સમયની કંઇક ખાસ એવી લાગણીઓ જેને મે કયારેક અનુભવી હતી, જેને હું હંમેશા તાજી રાખવા ઇચ્છતો હતો, જેને કયારેય ભુલી શકાય તેમ નહોતુ… પણ તે લાગણીઓનું શબ્દોમાં વર્ણન કરી શકું એટલી ફાવટ કે આવડતની મારી અંદર ભરપુર ઉણપ હતી.. ઘણીવાર કલમ તે માટે ઉપડતી પણ તેને શબ્દો ન મળતા નિરાશ થઇને અટકી જતી.
– આજે તે બધી લાગણીઓને ડો. નિમિતભાઇએ એકસામટી વહાવી દીધી અને મને તરબોળ કરી દીધો.. નિમિતભાઇના અંદાજમાં લાગણીસભર વાતો માણવી તેનો એક અદભુત લ્હાવો છે. તેમને મિત્ર તરીકે મેળવીને આજે તો ફેસબુકમાં રહેવું ધન્ય થઇ ગયું.. તેમની તે આખી વાતને અહી અક્ષરશઃ કોપી કરીને મુકી છે, કદાચ આપ કોઇને પણ આપનું બાળપણ કે નિશાળના દિવસોની તે ખાસ યાદોં આંખો સમક્ષ આવી જાય તો નવાઇ નહી લાગે…
# તો.. પ્રસ્તુત છે ડોક્ટર સાહેબની રસદાર શૈલીમાં જ મારા દિલમાં સમાયેલી વાતો…
–
” નોટબુક ના છેલ્લા પાનાં ઉપર એક હૃદય દોરવાનું. એ હૃદયને વીંધીને પસાર થતું એક તીર. એ તીર થી વિંધાયેલા હૃદયની ડાબી બાજુએ આપણા નામનો પહેલો અક્ષર લખવાનો. અને જમણી બાજુએ, ક્લાસ રૂમ માં આપણ ને ગમતી પ્રિય વ્યક્તિ ના નામ નો પહેલો અક્ષર.
નોટબુક નું આ છેલ્લું પાનું, આપણી બાજુમાં બેઠેલા મિત્રને દેખાય, એમ નોટબુક ખુલ્લી રાખવાની. આપણો મિત્ર એ હૃદય ને જોઈ ને આપણ ને, પેલી ગમતી વ્યક્તિ જોડે ચીઢવે એટલે આપણું આખુ બાળપણ જાણે સંકેલાઈ ને, એ એક આનંદ ની ક્ષણ માં પરોવાઈ જતું. એ ગમતી વ્યક્તિ વિષે વિચારીને, આપણી સાથે આપણું બાળપણ પણ શરમાઈ જતું.
નાના હતાં ત્યારે, નાક હજુ બરાબર ઉગ્યું નહોતું…….એટલે કપાઈ જવાનો ડર પણ નહોતો. નફ્ફટ બની ને, ચાલુ વર્ગખંડે, શિક્ષક જેવા બોર્ડ ઉપર લખવા પીઠ ફેરવે કે તરત જ, નજર ફેરવી ને આપણે પેલી ગમતી વ્યક્તિ ને જોઈ લેતાં.
લગ્ન એટલે શું ? fortunately, ત્યારે ખબર નહોતી. પ્રેમ કોને કહેવાય ? એવી એક પણ વ્યાખ્યા ગણિત-વિજ્ઞાન ના પાઠ્ય પુસ્તકો માં હતી નહિ. એ સમય માં, એક જ વાત સમજાતી…… ‘ગમવું’. પ્રેમ અને લગ્ન જેવી વસ્તુઓ પણ આ દુનિયા ઉપર હોય છે, એવી જાણ તો બહુ મોડી થઇ. પહેલાં તો ફક્ત ‘ગમવું’ જ સમજાતું ……હો પ્રભુ ! અને આમ પણ, લગ્ન કહો કે પ્રેમ…..,દરેક સગપણ ની શરૂઆત અંતે તો ‘ગમવા’ થી જ થાય છે.
છ માસિક પરીક્ષા આવતી હોય, હોમવર્ક બાકી હોય કે ક્લાસ રૂમ માં થી શિક્ષક બહાર કાઢી મુકે તો પણ નિખાલસપણે, એટલું તો કબુલી જ શકતા કે ‘ એ મને ગમે છે’. કોઈ વ્યક્તિ આપણ ને ગમે અથવા આપણે કોઈ ને ગમીએ, એ માટે સફળ થવું જરૂરી નથી…. એ બાળપણ માં સમજાઈ તો ગયું પણ પરીક્ષા માં એવું પૂછવાના નહોતા એટલે ગોખેલું નહિ. અને એટલે જ મોટા થઇ ને એ વાત સાલી ભૂલાઈ ગઈ. પાઠ્ય પુસ્તક માં લખેલું હોત, તો તો ચોક્કસ યાદ હોત !
‘ગમવું’ શબ્દ ફક્ત વર્તમાન કાળ લઇ ને આવે છે. એનો ભૂતકાળ પણ ન હોય અને ભવિષ્ય કાળ પણ નહિ. ‘ગમવું’ કદાચ પ્રેમ કે લગ્ન માં ન પરિણમે, તો પણ એ તો ‘ગમતું’ જ રહેવાનું.
નિશાળ ન હોત…….. તો શિક્ષણ ની વાત તો જવા દો, એકબીજા ને ગમવાનું કોણ શીખવાડત ?
‘તું મને ગમે છે’ એવું વ્યાકરણ જ આપણે નિશાળ માં થી શીખ્યા.
પેલું પ્રિય પાત્ર આપણને જેટલું ગમતું, એટલો જ આપણી સાથે આપણી બાજુ માં….. માથા માં અઢળક તેલ નાંખી ને, શાળા નો ગણવેશ પહેરી ને બેઠેલો, most unromantic લાગતો, આપણો મિત્ર પણ ગમતો.
ત્યારે આપણી અને આપણા મિત્ર ની વચ્ચે….. અહંકાર બેસી શકે, શાળા ની બેંચ ઉપર એટલી જગ્યા પણ નહોતી. એટલે આપણી મિત્રતા માં અહંકાર બિચારો નડતો નહિ. એ છેલ્લા બાંકડા ઉપર જ બેસતો.
ત્યારે ‘romance’ શું એની જાણ નહોતી, છતાં પણ પેલી પ્રિય વ્યક્તિ આપણ ને ગમતી. એના family back ground કે cast વિષે કોઈ જ જાણકારી હતી નહિ, છતાં પણ એ વ્યક્તિ ગમતી. કદાચ વાત કરવા ન પણ મળે, છતાં પણ એ વ્યક્તિ ગમતી. બ્લેક બોર્ડ ના ડાબા ખૂણા પર તારીખ લખેલું વાંચી શકતા પણ date કોને કહેવાય ? એવી જાણ નહોતી છતાં પણ એ વ્યક્તિ આપણ ને ગમતી.
કોઈ વ્યક્તિ ને ચાહવા માટે ની કોઈ પૂર્વ શરતો હોતી નથી એવું પાઠ્ય પુસ્તક માં લખેલું નહિ છતાં પણ નિશાળ માં થી એ વાત શીખવા મળી. પણ, પરીક્ષા માં પૂછાણી નહિ એટલે ભૂલી ગયા.
કોઈ ને વ્યક્તિ ને ‘તું મને ગમે છે’ એવું કહેવા માટે….. application form ભરવાનું હોતું નથી. કોઈને ચાહવા માટે નિયમો પાળવાના હોતા નથી. કોઈ શું કામ ગમે છે ? એના વિષે કોઈ જ thesis કે dissertation બનાવવાનું હોતું નથી.
કોઈ ને ચાહવા માટે નું ‘user’s manual’ હોતું નથી. કોઈ વ્યક્તિ ને ગમાડતા પહેલાં, એ વ્યક્તિ ની consent કે permission પણ લેવાની હોતી નથી. કોઈ ને ચાહવાની expiry date પણ ક્યાં હોય છે ?
કોઈ ને ગમાડવા માટે ‘merit list’ માં first આવવું કે કોઈ ને impress કરવા પણ જરૂરી નથી.
કોઈ વ્યક્તિ ને ચાહવા માટે કોઈ season નથી હોતી, કોઈ reason પણ નથી હોતું. ચાહવાની મોસમ તો બારેમાસ હોય છે. અને ન હોય તો, ચાલો ને એવું કાંઇક કરીએ કે આપણ એક બીજા ને ગમીએ.
મને ગમતા મિત્રો અને ગમતી વ્યક્તિઓ સાથે હું શાળા નો ક્લાસ રૂમ share કરતો, એટલે મને નિશાળ વધારે ગમતી. એવી જ રીતે મારું કુટુંબ, મારો સમાજ, મારો દેશ મને ગમે છે કારણ કે એ બધું…. હું તમારી સાથે share કરું છું. અને ……..તમે મને ગમો છો. “
– ડો.નિમિત ( મને ગમતી દક્ષિણામૂર્તિ માં થી )
. . .
સુંદર અંદાઝે-બયાન!
જય શ્રી કૃષ્ણ દર્શિત
મને આપનુ બાળપણ વાચવાનુ બહુ ગમ્યુ અને જેવી રિતે તમારા બાળપણ ને શબ્દો મા ઢાળ્યો છે એવો આ લેખ પણ ગમ્યો.
kharekhar kahiae to schoolna ane bachapanna dareke darek divas, dareke darek pal ae khubaj amuly ane romanchak hoy 6e pa6i bhalene te dhukh na hoy ke sukhana pan te kyarfey visarata nathi………….
હર હમેશ ગમતાનો કરીએ ગુલાલ
‘ગમવુ’ એ શબ્દ જ કેટલો ગમે એવો છે!! લગભગ દરેક નિ જિન્દ્ગિ મા એણે આ અનુભવ્યુ હશે જ ખાસ કરીને એ ઉમર મા જ્યારે આપ્ણે એ ગમવા નો નિખાલસતા થિ સ્વિકાર કરિ સકતાતા અને સૌ થી વધારે જ્યારે આપણ ને કોઇ એમ કહે કે ‘તમે મને ગમો છો’ તો કેટ્લુ સારુ લાગે ને વર્ણ્વી જ ના સકાય્ આ એક એવિ નિશ્વર્થ લાગ્ણી છે, જેના અનુભવ થી મન ખુશિ જ અનુભવે.
સરસ પોસ્ટ અનાયસે જ આજે આ પોસ્ટ વાંચ્વા મળી આપની આ પોસ્ટ એ તો મને પણ મારા ગમતા શિક્ષક ની યાદ અપાવિ દિધિ આભાર.