~ અગાઉની પોસ્ટમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેને આખરે અમલમાં મુકવામાં આવી રહી છે. (હાશ, આજે એક સંભાવના તો અમલ સુધી પહોંચશે!)
– આપણે જાહેર/ખાનગીમાં હિન્દી/અંગ્રેજી ફિલ્મના હોંશે હોંશે વખાણ/નિંદા કરીએ પણ હજુયે અહી (એટલે કે ગુજરાત/ગુજરાતીઓમાં) સામાન્ય રીતે ગુજરાતી ચિત્રપટ (એટલે કે ફિલ્મ) વિશે ચર્ચા કરવાનો કે તેની રિવ્યુ અપડેટ કરવાનો રિવાજ નથી. (તે ન જ હોય ને… રીવ્યુ કરવા જેવી ફિલ્મો પણ ક્યાં બને છે!)
~ પણ… છેલ્લા કેટલાક વર્ષથી આ ક્ષેત્રે પવનની દિશા બદલાઇ છે! હવે ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. (આવી ગયું છે એમ તો ન કહેવાય કેમ કે હજુ તો ઘણી લાંબી સફર કાપવાની બાકી છે.)
~ અહી સરખામણી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટીય ફિલ્મ સાથે નથી, પણ અન્ય સ્થાનિક/પ્રાદેશિક ફિલ્મ સાથે તુલનાની વાત છે. આ માટે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ઉદાહરણ/સીમાચિન્હરૂપ ગણી શકાય. (એ જમાનો કયારે આવશે જ્યારે રાષ્ટ્રીય/હિન્દી ટીવી ચેનલો ગુજરાતી ફિલ્મો હિન્દીમાં ‘ડબ’ કરીને આખા દેશના માથે મારતી હશે!! આમ પણ પેલા લુંગીધારીઓ ની ફિલ્મો જોઇને બધા થાક્યા છે…)
~ કદાચ પ્રસ્તાવનામાં ઘણું કહેવાઇ ગયું છે એટલે હવે મુળ મુદ્દા તરફ આવીએ. (નહી તો કયાંક વધુ કહેવાઇ જશે તો વળી કોઇ ગુજ્જુ ફિલ્મી ચાહકની લાગણી દુભાશે.)
~ સૌ પ્રથમ તો ફિલ્મના પોસ્ટર જોઇ લો… ઘણાંને ખબર જ નથી કે આવી કોઇ ફિલ્મ રિલીઝ પણ થઇ હતી તો માત્ર તેમની જાણ માટે. (અને કોઇને એમ ન લાગે કે હું ફિલ્મના નામે ગપ્પા મારી રહ્યો છું! 😉 )
~ નામ પ્રમાણે થોડીક હટકે ફિલ્મ તો છે. આ ફિલ્મની આખી વાર્તા ટુંકમાં જ કહી દેવાય એવી છે પણ અહી કહેવા કરતાં આખી ફિલ્મને નિહાળવામાં વધારે મજા આવે એવું છે. (તો પણ સ્ટોરી તો જણાવીશ જ.)
~ આખી ફિલ્મ એક કુટુંબના સ્વકેન્દ્રી સભ્યો અને તેમાંયે મુખ્યત્વે એક વ્યક્તિની આસપાસ ફરે છે. આ પરિવારમાં સોફિસ્ટીકેટેડ વાઇફ, સ્ટ્યુપીડ દિકરી અને ડ્યુડ જાડીયો(દિકરો) પણ છે જે તેના બાપને ‘બ્રો'(bro) કહીને બોલાવે છે!
~ દરેક પાત્રનો અભિનય વખાણવા લાયક છે પણ આખી ફિલ્મમાં જો કંઇ નબળું લાગ્યું હોય તો તે છે તેની વાર્તા. (યાદ રાખો: હું કોઇ પ્રોફેશનલ રીવ્યુઅર નથી. આ માત્ર મારો અંગત મત છે.)
~ સ્ટોરી ટુંકમાં કહું તો ફિલ્મનો મુખ્ય એક્ટર મુંબઇમાં મોટો બિઝનેસમેન છે જેને કોઇ કિલર તરફથી મારી નાખવાની ધમકી મળે છે જેથી તે કિલરથી બચવા પોતાના પરિવારને લઇને ગુગલ પણ ન શોધી શકે એવા ગામમાં છુપાવા જાય છે જે તેનું મુળવતન છે અને ત્યાં તેના મોટાભાઇ પણ રહે છે.
~ આ એક એવું ગામ છે જયાં પૈસાની કોઇ ‘વેલ્યુ’ નથી અને બધા લેતી-દેતીના વ્યવહારો સાટા પધ્ધતિથી થાય છે જેના કારણે ગામમાં નવા આવેલા આ શહેરી પરિવાર માટે ગુંચવાડા/સમસ્યા અને રમુજી ઘટનાઓ ઉદભવે છે. છેલ્લે દુર રહેતા ભાઇઓ નજીક આવે છે અને સ્વકેન્દ્રી સભ્યોમાંથી એક પરિવાર બને છે. બસ, વાર્તા પુરી. (પછી ‘ખાધુ-પીધુને રાજ કર્યું’ એમ માની લેવું.)
~ પણ પણ પણ….. જે કંઇ જોવા અને માણવા જેવું છે તે બધું આ નાનકડી સ્ટોરીની વચ્ચે સમાયેલું છે અને તે માટે તો આખી ફિલ્મ જ જોવી પડે. ફિલ્મમાં વિલનના જોડકણાં સાંભળીને ફેસબુકીયા કવિઓ યાદ આવી જશે. (પ્રાસ બેસી ગયો એટલે ‘શેર’ તૈયાર!!)
~ ઘણી ફ્રેશ કોમેડી છે તો કોઇ-કોઇ જગ્યાએ ચીલા-ચાલું જોક્સને નવો ઓપ આપવામાં આવ્યો છે. જો મગજ વાપરશો કે હિન્દી/અંગ્રેજી (કે તમીલ/તેલુગુ) ફિલ્મ સાથે સરખામણી કરશો તો ફિલ્મ ઓછી ગમશે પણ ગુજરાતી ફિલ્મ સાથે સરખામણી કરશો તો ચોક્કસ ‘વન ટાઇમ વૉચ’ ફિલ્મ લાગશે.
~ આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ માટે ઓડિયન્સને થીયેટર સુધી ખેંચી લાવે તેવા મજબુત કારણો હોતા નથી અને વળી આ ફિલ્મ ઘણાં ઓછા થીયેટર/મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ થઇ હતી એટલે તેને પ્રમાણમાં ઓછું ઑડિયન્સ મળ્યું હોઇ શકે એવું મારું માનવું છે. (મારા મતે માર્કેટીંગમાં પણ ‘કેવી રીતે જઇશ‘ કરતાં આ ફિલ્મ થોડી કાચી પડી છે)
~ હવે કદાચ આ ફિલ્મ થીયેટરમાં તો નહી રહી હોય એટલે બીજે કયાં જોવા મળી શકે તે અત્યારે કહેવું મુશ્કેલ છે અને તેની CD/DVD માર્કેટમાં આવતા પણ એકાદ વર્ષ લાગી શકે. એટલે જેઓ ચુકી ગયા હોય તેઓએ થોડી રાહ જોવી જ પડશે.
આ ફિલ્મને બગીચાના માળી તરફથી..
5 માંથી 2.5 ફુલડાં
Photo credit : theahmedabadblog.com
આભાર. ક્યાંકથી જોવી પડશે હવે. થિએટરમાં આવી હતી એવું યાદ છે, પણ ટાઇટલ જોઇને ન લાગ્યું કે ગુજરાતી ફિલમ હશે :O
અરે વાહ। . . . ઘણા સમય બાદ ગુજરાતી ફિલ્મ’નો રીવ્યુ ! ( વચ્ચે વચ્ચે યુવરાજભાઇ આપતા રહેતા ) . . . . આ ફિલ્મ વિષે જાણ તો હતી જ , પણ ઘરે જ જોવાનું નક્કી થયેલું . . .
અને છેલ્લે , ફૂલડાં’ઓની રેટિંગ સિસ્ટમ મસ્ત રહી હોં ( અમનેય કઈક આવું બનાવી દો ને 🙂 )
યુવરાજભાઇ કોઇ કામમાં વ્યસ્ત લાગે છે નહી તો આ ફિલ્મનો રીવ્યુ તેમની કલમથી વધુ સરસ રીતે રજુ થઇ શક્યો હોત. અને બીજા બધા રીવ્યુ માટે તો તમે ‘સ્પેશીયાલિસ્ટ’ છો જ! તમારી જેમ ઇતિ થી અંત જેવો રીવ્યુ આપતા અમને ન ફાવે તો પણ આવડે એવી રીતે કિ-બોર્ડની સ્વીચ દબાવી લઇએ.
અને રેટિંગ સિસ્ટમ કેવી જોઇએ છે એ કહી દેજો. ચોક્કસ બનાવી આપીશું.
વ્હાય સો સરસ?
આ મુવી હું ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવા ગયો હતો, અને ટીકીટ લેવા વાળો પણ હું જ પહેલો હતો! (અને ફર્સ્ટ શો સાંજે ૭ વાગ્યાનો હતો!!)
અને તમે કહ્યું એમ જ સ્ટોરીમાં કચાશ રહી ગઈ હતી. એ સિવાય એડીટીંગમાં પણ. મુવી ના સીન્સ કાપી કાપી ને થીગડા મારીને ચોંટાડેલા લાગતા હતા ઘણી જગ્યાએ.
પણ ફરી થી, તમે કહ્યું એમ, બીજા ગુજરાતી મુવીઝ સાથે કમ્પેર કરીએ તો સારું જ હતું!
‘વ્હાય સો સરસ?’ – આની નોંધ લેવાની તો ભુલાઇ ગઇ’તી !! જો કે અહી પેલા ‘જોકર’ની નબળી કોપી કરવા કરતાં કોઇ ક્રિએટીવ કેરેક્ટર હોત તો લોકો તેને વધુ યાદ રાખત. તો પણ… નવી દિશામાં આગળ વધતા દરેક કદમને વધાવી લઇએ. 🙂